ગુજરાતી નિબંધ-સંપદા/ગુલામ મોહમ્મદ શેખ/શિયાળુ સવાર

Revision as of 21:55, 11 August 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શિયાળુ સવાર

ગુલામ મોહમ્મદ શેખ




ગુજરાતી નિબંધસંપદા • શિયાળુ સવાર - ગુલામ મોહમ્મદ શેખ • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા

કૂણી ઊગેલી સવાર હવે તપીને કઠણ થવા આવી છે. સવારે બોલકાં લાગ્યાં હતાં તે ઝાડવાં મૂંગાં થયાં છે. ખીણે ઢળતા આ ઘરના આંગણેથી તળેટીનાં જોજન દૂર દેખાતાં ગામ તડકે ધોવાયાં છે. પહાડને પેટે ફાળિયાના વળ જેવા રસ્તાની હારમાં દોડતાં વાહનોનાં યંત્રોના ફૂંફાડા ને છિંકોટા, બાજુના વાડે બંધાતા મંદિરના ખોખે ખીલા-હથોડાની ઠોકાઠોક ને પતરાંની ટીપાણ, ડુંગર ટોચથી દદડતા ઊંચી બોલચાલના ટુકડા, કોઈ રટણની ગુંજ ને અજાણ્યા ગીતની અકળ કડીઓ બધું પડોપડ એકીસાથે સંભળાય છે. ‘લવલી’ ઢાબે હમણાં લગી ‘ઇન્ડિયા, આઇ લવ માય ઇન્ડિયા’ બરાડતી ધૂન બધું ભરખતી ફેલાતી હતી તે હવે ટાઢી પડી ગઈ છે. અવાજોનાં પડોની તિરાડોમાં નખશિખ કાળા કાગડાના ક્રાઉ ક્રાઉ પણ જગા કરી લે છે.

બેઠો છું તે ઘર ‘કાયનાન્સ’ આમ નાનું, અંગ્રેજી ઢબે ‘કૉટેજ’ એટલે મઢૂલી સમું પણ સગવડ પૂરી. ઇમારતી લાકડાંની છત પર ઢળતાં પતરાંનાં છાપરાં, ભીંતો પથ્થરની, બે બાંયે બબ્બે મોટા ને આગળ સાંકડા ઓરડા, વચ્ચે બેઠક ને ખાણીનો ખંડ. યજમાન-મહેમાનની ગણતરીએ બેવડા સંડાસ ને નાવણ-ખોલીઓ, ઉપર કોલસાની ચીમની ને ત્રણ ઓરડે ટાઢે તાપવા ફાયર-પ્લેસ. ઓરડા ફરતા અર્ધગોળાકાર વરંડાને બે પગથિયાં, એથી આગળ ખીણ નીરખતું પાકું આંગણ. આંગણકોરે ખપાટિયાંની વાડ નીચે લાકડાનાં ચોરસ કૂંડાં એમાં દોથે ભરાય એવા હાઇડ્રિન્જિયાનાં ધોળાં, આછાં જાંબલી ફૂલ. ઘર ફરતા જંગલમાં ખખડતા બનોખ, જિંથરિયા તોશ અને ‘ફર’. ઉપર ચડવાના રસ્તે એ જ ઝાડનાં ઝુંડ, જંગલી ને વાવેલા વેલા. અહીં આંગણે બેસતાં દૂર ચોમેરનાં ઘર અને બજાર અલપઝલપ થાય. ઘરનું ઇમારતી દેવદાર ખવાઈ ન જાય કે જીવડાં ખાય નહિ એટલે કાળા રસાયણી રંગે રંગાય. બહારનાં બધાં બારી-બારણે, છત-છાપરે, થાંભલીએ એ જ કાળો લેપ. બારીમાં મઢેલા કાચમાં બધાં ઝાડ ઝબકે. કાળું, જૈફ લાકડું ટાઢ, ગરમી, વરસાદે ધોવાય, ભૂખરવું થાય ત્યારે એનાં પડ પરખાય, શિરાઓની રેખાઓ ગણાય. વધતું ઝાડ વરસોવરસ વીંટતું ગયું એ થર બધાં અહીં અકબંધ. દૂરથી જોતાં એ બધું કળાય નહિ, માત્ર કાળા અને ભૂખરા પટાનું ઝુંડ.

ઢળતા છાપરે ઘરનો ઘાટ બેઠી દડીનો લાગે ને અંગરેજી કૉટેજ આછેતરું જપાની રૂપ ધરવા લાગે. આજે આ કાળા-ભૂખરવા પિછવાટ સામે નીલૂ ઘેરા લીલા લેબાસમાં વરંડાની પછીતે, કાળી થાંભલીઓ વચ્ચે ઊભી છે. લાંબા વાળ ખોલી, કાળો કાંસકો લઈ — અમે પરદેશથી પાછાં ફરતાં હતાં ત્યારે ભાંગેલ પાનીના હાડકાની કસરત કરવા લાગી તો ઉકિયો — એનાં દૈનંદિનીય છાપ-ચિત્રોનો ‘સીન’ ખડો થયો. ઘેરા રંગ-ખંડોમાં કાળા-ભૂખરા પટોમાંથી ઘેરા લીલાને છૂટો પાડવાની લીલા એ ઊઠી ને બનોખની છાંયે પાટલી જેવા બેસણે બેઠી ત્યાં પૂરી થઈ અને ‘સીન’ બદલાયો. ઘેરા લૂગડે તડકો પાંદડાં વચ્ચેના બાકોરે થઈ ચાંદરણે ખર્યો ને તેડનાં ટપકાં પડ્યાં: હાથ-મોં હતાં તેથી ઊજળાં થયાં, ઘેરા લિબાસ પર બાકોરાંની ભાત પડી: ટપકાં જાણે કે તડકે ધોવાયાં ન હોય! ટપકાં ફરતો લીલો હતો તેથી ઘેરો થયો. પછી એ જ બેસણે ચા-પાણીનાં વાસણ આવ્યાં તે પર તડકો-છાંયો સાથે વરસ્યા. ઝાડ વચ્ચે ઝબકતા તડકાના ઝુંડમાં થઈ હવાની લેરખી વાઈ એમાં બિલ્લી-બચ્ચાં મસ્તી કરે એમ તેજનાં ટપકાં હલબલ્યાં. વ્યક્તિ ને વાસણ એ હલબલાટમાં અલોપ થવા-ઊગવાની રમત રમ્યા. ઓગણીસમી સદીના અંતભાગે પોસ્ટ-ઇમ્પ્રેશનિસ્ટ ઉજાણીચિત્રો સામે ઊભાં હોય તેવો ‘સીન’ જામ્યો.

હવે સવાર ઉપર ચડી ને બધું ધોવાઈ ગયું છે ત્યારે કોઈ ચિત્ર યાદ આવતું નથી. આ પ્રદેશમાં કુદરત ઝડપભેર ‘સીન’ બદલે છે. સવાર ચડે છે એમ બધું કડક થતું જાય છે. આકાશેય ઊણું થયું છે. વાદળાં ગયાં તે ગયાં. પરમ દહાડે તો એવાં ચડેલાં કે આકાશનું નામેય નહોતું. તડકો સાવ ઠરી ગયેલો ને પછી તો આછો અંધારપટ છવાયો ને ઘાટો થયો. જોતજોતામાં વીજળીના સટાકા ને પછી બોરાં જેવા કરા પતરાંને છાપરે પડ્યા એનો પથરા પડતા હોય એવો પછડાટ. ઘરનો રખેવાળ તેજૂ કહે કે એ પહેલાંના અઠવાડિયે તો એવું ઘમસાણ મચ્યું’તું — જાણે કે એકાદ વાદળું આખ્ખું છત પર ફાટી પડ્યું ન હોય! મેં પણ અહીં એવી લીલા નીરખી છે: કોઈક વાર તો વરસાદ ને વીજળી એવાં ત્રાટકે જાણે હવે પ્રલય, બધું ધરાશાયી થશે ને વહી જશે. ટાઢનુંય એવું. તડકો જાય ને ટાઢ પડદા પાછળ ઊભી જ હોય. એનો પાઠ શરૂ થાય ને ‘સીન’ એવો બદલાય કે તૈયારી ન હોય તો ભારે પડે. પહાડી પ્રજા એટલે જ બે-એક વધારાના વાઘા પહેરી ભરતી હશે ને! મારા જેવા કૂણા કાઠિયાવાડીનું તો આવી જ બને. આમેય ટાઢ મને જરા આકરી પડે છે ને અચાનક આવી ચડે તો પહેલાં ટેરવે, પછી તળિયે કે કાનબૂટે કરા જેવી ઊતરે ને તરત વેશ બદલવો પડે. ઊનના ડગલા-ઢગલા ચડાવ્યા વગર છૂટકો નહિ. ગંજીફરાક, ટોપી, ગલપટો ને મોજાના થરમાં ઠીંગરાતું શરીર શોધવું પડે. પછી ઊનના પ્રતાપે હૂંફ થાય એટલે બધું પાછું આવે. એ હૂંફાશ પહેરી ગોરંભો ને વરસાદ માણવા મળે. રેલે-રેગાડે દૂરથી દુનિયા તણાતી દેખાય, વરંડાની થાંભલીઓ ભીંજાઈ વધારે કાળી થાય, એની શિરાઓમાં ચીરા કરતી ઘેરાશ ઘૂંટાય. વરસાદ બહુ વધે તો અંદર ભરાવું પડે ત્યારે ધોળે દહાડે વ્યાપેલા અંધકારમાં વીજળીના ગોળાનો પીળો, તાવ જેવો અંજાશ ભારે હૂંફાળો લાગે.

અહીં ઝાડને પહાડથી જુદા પડાય નહિ ને આ ઝાડની રીત તળેટીનાં ઝાડથી જુદી. અહીં બધાને તડકો હડપવાની હોડ તેથી આડાં પસરે ખરાં પણ ઊંચાં વધારે થાય. ડુંગરા ચડીએ ત્યારે નીચેની ઝાડીની ટચલી ડાળીઓની હુંસાતુંસી દેખાયા વગર રહે નહિ. બનોખનાં પાંદડાંના ઝુંડમાં નવાં પાનની હળવી લીલાશ, જૂનાંની ઘેરાશને ઝાંખી કરે ને ઝાંખું હોય તો એનું ઝાંઝવું કરી ગૂંચ વધારે. કુદરત બોનાર્દની મશે ચીતરવાના ચાળા કરે. બનોખનાં થડિયાં જાણે અંદરથી કૂણાં, પાણીદાર પણ બહાર સૂકી ચામડીનાં થર, ઊખડતી છાલના કાપા. ડુંગરથી નીચે જતાં નીલગિરિ આવે ત્યાં છાલ જાણે ઊતરેલી એટલે ગોરું બદન છતું થાય. બનોખના ઝુંડમાં થઈને પવન વાય તેના સુસવાટાની સિસોટી વાગે ને જોતજોતાંમાં પહાડી કલમે પાડેલાં વન ઊભાં થાય. જંગલી રીંછ કે દીપડા-વાઘ સામે મોઢામોઢ આવવાની ફડક પણ ફરકી જાય. એક વાર ખજિયારને રસ્તે હું ને નીલૂ ચાલતાં ગયેલાં અને તોતિંગ અને ઠીંગણા ઝાડના ચડઢોળાવવાળા વનમાં ભૂલાં પડ્યાં’તાં ત્યારે એ સૂનકારની સાખે નયનસુખે પાડેલાં ગીતગોવિંદના કાન-રાધાએ ખાલી કરેલા વનમાં પહોંચી ગયાના અણસાર આવેલા.

મારે મન આ બીજું કે ત્રીજું ઘર. નીલૂ સાથે લઈને આવી એટલે જ. એમાં આ તો એનું માનીતું. પણ અજાણ્યું ઘર એમ ને એમ આપીકું થાય નહિ. આમેય ઘર આરોપાય નહિ, આપણે જ એમાં ઊતરવું પડે; એને શરીર ફરતું, જીવ ફરતું વીંટવું પડે, તો જ એનો પાસ થાય. પાસ પછી હૂંફાશ આવે ને હળવે હળવે ઇમારતી લાકડાં ને ખાણના પથરાનું ખોખું જીવતું થાય. હું પહાડોનો જીવ નહિ. ‘સપાટ જાણે ખુલ્લી હથેળી સમથલ ક્ષિતિજે ઢળતી’ એવા ઝાલાવાડી ને વડોદરાના વડવાળા રસ્તે ઊછરેલો. તળેટીમાં હોય તેમ બધું સામી નજરે જોવાની ટેવ. અહીં તો ડુંગરા ચડતા-ઊતરતા ઉપરથી નીચે ને નીચેથી ઉપર જોવાનું. એમાં ઘણી વાર પહેલા માણસનું માથું કે સેંથા-બાબરી કે સાળુ-ટોપી આવે કે પછી ટાંટિયા ને જોડાનાં તળિયાં જોવાનાં આવે. સાવ સામા આવીએ ત્યારે જ મોઢામોઢ થાય. તળેટીના દેકારાની જગાએ અહીં સૂનકારનાં થર એમાં દૂરદૂરના સૂર ને શબ્દો પકડાય. અહીં તો અગમ એકલતાનો શૂન્યાવકાશ પણ હાથવેંત છેટો. શરૂઆતમાં એ બધું કઠતું પણ કાળે કરીને એ બધાંની ટેવ પડી. ધીમે ધીમે બધું આવ્યું: છોકરાં ઊછર્યાં એમની ભેળો હુંય પળોટાયો. વરસતો બરફ, જંગલી ફળો ને ભાતભાતનાં પંખી જોતાં લાંબા રઝળપાટ મીઠા થયા. વરસ બે વરસે અહીં આવી ચડતા શરીરને આ ઘરમાં સરકાવવાની સવલત થઈ. આકરી ટાઢનેય આનંદવાની આદત પડી. મૂળે તો ખેલ બધો ખોળિયાનો, જીવનો કે શરીરનો. પહેલું ઘર તેય શરીર. અંદર રહેવાનું ને બહારથી જોવાનું: અચંબો બેય બાજુ. પહેલાં તો જીવ અંદર પડ્યો લાગે, પણ અંદરનું ભળાય નહિ, કળાય ખરું. હરતુંફરતું ઘર આંગળે પમાય: ઘરની આંગળી જ ઘરને પામે. ટેરવે રગેરગનાં તાળાં ખૂલે, સ્નાયુ મપાય, હાડ-ચામનાં મજાગરાં ઉઘાડબંધ થાય, વાળની ઝાડીમાં જઈ ચડે તો ખોપરીની ખાલનો નકશો ઊપસે. સપાટીએ સરકતા જ કળાતા-ભળાતાનો ભેદ ભૂંસાય: એક જ અડાણે આખું ઘર એકીસાથે ઊભું થાય. સૂતી વેળા વાઘા ભેળું ઘર ઊતરે પણ ઊઠતાં જ શરીરની સોગાદ પાછી મળે: રાતનું જૂગટું જીત્યાની, ઘર-શરીરને પામ્યાની ફરી કમાણી થાય.

આજની સવારે રોજિંદું આકાશ નીતર્યું છે: માથા લગી ચડેલી ભૂરાશ પાણી થઈ આછરી ગઈ છે. વાદળાં ગયાં ને ગઈ કાલના ચન્દ્રની ઝાંખી ફડાશ એ આછરેલા જળમાં ડૂબવા આવી છે. પરોઢે પાંદડુંય હલતું નહોતું: જીવિત-અચેતનનો એ ખેલ ખેલાય ત્યારે ઝીણો મૂંઝારો થયા વગર રહે નહિ. પણ ખુશનુમા તડકો ચડ્યો ને ધીમે ધીમે શમ્યો. ઊઠતાં પહેલાં લાગેલું કે રજાઈ-ધાબળાના થરમાંથી મોઢું કાઢતાં ગઈ રાતની ટાઢની થપાટ પડશે પણ બે-ચાર મિનિટ ઉઘાડું રહ્યું તોય વરતાઈ નહિ એટલે હળવેથી હાથ કાઢ્યા. વણઢાંક્યાં વાળમાં થઈ ખોપરીમાં ઊતરી અંદરનું બધું ઢીમ કરે એવી ટાઢ ઘરમાં જોઈ છે પણ હમણાં ઓતરા-ચિતરાના વહાણે વહાલી થાય એવી થઈને આવી છે. પછી તો શરીર આખું કાઢ્યું. બહાર નીકળતાં વા’ણના ખાટલે ‘કિચૂડ’ થયું, ઊભા થઈને હળવી ટાઢ છાવરવા ગંજીફરાક ચડાવ્યું, નિત્યકર્મ નિરાંતે થયું. ને ગરમ પાણીએ નહાતાં રાતની રજાઈનો ભાર અને ગઈ કાલનો થાક ઓગળ્યા-ઓસર્યા.

નાવણની લીલા ન્યારી છે: એ આ અટપટા, અણઘડ કારીગરના જંતર જેવા શરીરને ચાંપ દબાવી ચાલતું કરે છે. આમેય જંગી જીવડું, કીડી-મકોડા કે વાંદા-કરોળિયાની હારનું: લાંબા મજાગરાવાળા હાથ, પગ વચ્ચે ધડનું થડ ને ઉપર નારિયેળી માથું, છૂંછાં સુધ્ધાં. આંકડા જેવાં આંગળાં, ખાડા ને ઢીમચાં ચોમેર. ફોયણે કાણું, બૂટ પર બાકોરું ને બીજાં બારાંનો નહિ પાર. આ બધું નહાતાં થાય એટલું છતું ક્યારેય નહિ. આંખે પમાય નહિ તે બધું આંગળાને આંકડે કળાય. બહાર હોય તો વેશે વીંટાયેલું ભ્રામક ભાસે: વાંકાચૂંકાં અંગને આવરવા કે છાવરવા વાઘા. હાથે-પગે ભૂંગળાં ને ધડ ફરતા બટનબંધ તાકા. પગના આંકડા પકડાય નહિ ત્યાં વાધરીના આંટા. બધું ઢાંક, ઢાંક ને ઢાંક. તાયફો કૂતરાને ઝભલાં ચડાવ્યા હોય એવો જ.

નહાતી વેળા એ પળોજણ નહિ. ટાઢમાં કે ઉકળાટે પાણીનો પરચો સરખો. કરોળિયા જેવી કાયાને ખાડે-ખાંચે થઈ પાણી ઊતરે ત્યારે ખોળિયાના ખૂણે ખૂણે સૂતેલો સંસાર સળવળી ઊઠે. કેટકેટલું કપડાની આડશમાં ચામડીના થરેથરે સંતાયેલું હોય તે છાંટા પડતાં જ ઊછળતું ઊભું થાય. આમ તો હાડબંધના ખાંચે, સ્નાયુઓના ગઠ્ઠામાં, શિરા ને ધમનીના વહેણમાં ચલતી ચક્કીનો રોજિંદો ચૂરો ભરાયેલો હોય. દોડધામ, ઊઠબેસ, ચડ-ઊતરનો થાક, વીતેલી ગતિવિધિઓનો કદડો પડ્યો હોય. કોઈ કડવા દિવસનો મણિકો માથે લટકી લોહીનું લોઢું કરે. કાયાનો કોથળો ઊંચકાય નહિ ત્યારે એક જ છાંટણે હળવાશનો હેલારો આવે. મણિકા ખંડાય ને કારખાનું વીજળીભેર પાછું ચાલતું થાય. ચાલે ત્યારે શરીર ફરતું ઘર વીંટો લે. ઘર ફરતી ગલીઓ, રસ્તા ને બજાર, એમાં લોક એને ભરડો લે. ધૂળ-પરસેવે ધોળાતું, શબ્દે-શ્વાસે ધમણતું, લમણે-ઢીંચણે-બાંયે-બાવડે લટકતા લોક લઈ લસરતું શરીર. ખીચોખીચ બસ પહાડી રસ્તે ચડે તેમ રોજનું રમણ: ચામ-ઘરના ખોખામાં સંસાર આખો ડોકિયાં કરે. એ આડું પડે ત્યારે થોડું વીખરાય, થોડું ઊડે, કેટલુંક તૂટે, ભાંગે, આળવીતરું ખૂંચે, ખણજ કરાવે. કેટલુંક ગંદવાડની નેળ જેવું, બાવડાં ને બગલની બખોલમાં, વળતા પગની વચ્ચોવચ્ચ, અંગૂઠે ને આંગળાંને ખાંચે ખારાશનાં ખાબોચિયાં કરે, કડવાશનો સેલારો આવે તો કાળોતરાં વહેણ નખ લગી વહે: એ વેળા અંદરનું બધું અદ્દલ વરતાય. દરદની કળ બહારથી ભળાય. અંદર બળે, બહાર ધખે ભઠ્ઠી જેવું, ભૂંકે ભૂંગળા જેવું, શ્વાસ સણકા કરે તો ભખભખ ઊપડે એન્જિન જેવું: નાડીએ નાડીએ ગાડીઓ ફરે ને શરીર સ્ટેશન થાય. કોઈ વાર સર્કસ તો કોઈ વાર સિનેમા, ને બારાં ખૂલે તો બંદર, એમાં બધી ખેપો ઠલવાય, ભરાય ભંડારા. ખેડાય તો ખેતર થાય, એમાં બીજ ઢળે ને અંદર બેઠેલા બધા જીવ સળવળે. એક જ ટીપે પિંડ ભરાય. એક જ ભોટવે સૂર, ચંદ ને તારા ઊગે ને ઓલવાય. ૧૯૯૮/૬ જાન્યુ. ’૦૭