૩૯. સરોદ
તુંબીની દૂંટીમાંથી ઊઠે ગુંજતો ટંકાર
કોણે કર્યું આ સ્વરસંધાન?
જન્માન્તરો છેટેથી સંભળાય
અષાઢી વનરાઈઓનો મદીર ગોરંભો
રેલાતા સ્વરોની છાલકે છાલકે
ભીંજાય સ્મૃતિ
જાગી પડે જરીક છેડતામાં
તાર તાર વચ્ચેના અવકાશમાં સંભરેલી
વ્યાકુળતા
કાનને ઘસાઈને ઝબકાવી જતો
મધુ કંકણસ્વર વિદ્યુત્ક્ષણમાં
મલપતી ચાલે નીકળી પડે
ઝગમગતાં સ્વરપુષ્પો ખીલવતી
મદભરી યૌવના મદભર્યા ખુમારમાં
પગલે પગલે પેટાવતી મધુકાળ