ભારતીય કાવ્યસિદ્ધાંત/(૩) ‘कर्मणि कुशलः’

Revision as of 08:36, 1 September 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
પરિશિષ્ટ

(૩) ‘कर्मणि कुशलः’ : (પૃ.૨૦) :

સૌપ્રથમ તો મમ્મટે આને લક્ષણાનું ઉદાહરણ ગણ્યું છે તેની સામે જ વિશ્વનાથ જેવાનો વિરોધ છે. શબ્દનાં ઘણી વાર વ્યુત્પત્તિનિમિત્ત અને પ્રવૃત્તિનિમિત્ત એમ બે અર્થો હોય છે. આમાંથી કયા અર્થને મુખ્યાર્થ ગણવો? દા.ત. ‘लावण्य’નો વ્યુત્પત્તિનિમિત્ત અર્થ છે ‘લવણતા-ખારાશ’, જ્યારે પ્રવૃત્તિનિમિત્ત અર્થ છે. ‘સૌન્દર્ય’, ‘कुशल’ નો વ્યુત્પત્તિ નિમિત્ત અર્થ છે. ‘કુશ ચૂંટનાર-લાવનાર’, પ્રવૃત્તિનિમિત્ત અર્થ છે. ‘હોશિયાર’. મમ્મટ તથા જગન્નાથ વ્યુત્પત્તિનિમિત્ત અર્થને મુખ્યાર્થ માને છે, તેથી તમને મતે આ બંને ઉદાહરણોમાં લક્ષણા છે, જ્યારે વિશ્વનાથ અને હેમચંદ્રાચાર્ય પ્રવૃત્તિનિમિત્ત અર્થને મુખ્યાર્થ માને છે, તેથી તેમના મતે અહીં લક્ષણા નથી. મમ્મટ અને જગન્નાથનું દૃષ્ટિબિંદુ વધારે શાસ્ત્રીય છે, જ્યારે વિશ્વનાથ અને હેમચંદ્રાચાર્ય વ્યવહારુ માર્ગ લે છે. જે બીજા જ અર્થમાં રૂઢ થઈ ગયો છે એવા શબ્દનો વ્યુત્પત્તિનિમિત્ત અર્થ ખોળીને બાધ શા માટે ઊભો કરવો? પણ વ્યુત્પત્તિનિમિત્ત અર્થને મુખ્યાર્થને માનીએ, તો પછી ‘गौः शेते ।’ જેવા વાક્યમાં પણ આપણે લક્ષણા જેવી પડે, એવી વિશ્વનાથની દલીલ બરાબર નથી. આખલાનો સંકેત ‘गौ’ શબ્દમાં આપવામાં આવ્યો હશે તે એના ‘ગમન’-ભ્રમણ-ઉપરથી એ ખરું, પણ એ એનું પ્રધાન લક્ષણ છે એવી માન્યતાથી, આખલો હરપળે ચાલતો જ હોવો જોઈએ એવી માન્યતાથી નહિ. એટલે મમ્મટ-આદિની દૃષ્ટિએ પણ ત્યાં મુખ્યાર્થબાધ ન ગણાય. ‘कर्मणि कुशलः’ ને લક્ષણાનું ઉદાહરણ માનીએ, તોયે મમ્મટ એને રૂઢિલક્ષણા ગણાવે છે તે અંગે પ્રશ્ન થાય તેમ છે. ‘कुशल’નો ‘હોશિયાર’ એવો અર્થ આજે રૂઢ થઈ ગોય છે, તેથી એને રૂઢિલક્ષણા કેમ કહેવાય? એ આપણે માટે લક્ષણાનું ઉદાહરણ ત્યારે જ બને છે જ્યારે આપણે એનો વ્યુત્પત્તિનિમિત્ત અર્થ જાણીએ, ત્યારે તરત જ પ્રશ્ન થાય કે બીજું કામ કરનારને ‘કુશ ચૂંટનાર’ શા માટે કહ્યો? તરત જ પ્રયોજન સ્ફુટ થાય કે કુશ ચૂંટનારમાં જે વિવેચકત્વ અપેક્ષિત છે તે તે કામ કરનારમાં આરોપવા માટે. આમ, ‘कर्मणि कुशलः’ ને લક્ષણા ગણીએ, તો પ્રયોજનવતી લક્ષણા જ ગણવી પડે. મમ્મટે એક સ્થળે બીજા સંદર્ભમાં આપેલ ‘मञ्चा क्रोशन्ति ।’ (પારણાંઓ રડે છે) એ ઉદાહરણને કદાચ રૂઢિલક્ષણાનું વધારે સારું ઉદાહરણ ગણી શકાય, કારણ કે પારણામાં સૂતેલાં બાળકોને માટે ‘પારણાં’ શબ્દ વાપરવાનું કોઈ પ્રયોજન નથી. વળી, મમ્મટ ‘कर्मणि कुशल’માં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે વિવેચકત્વનો સંબંધ છે એમ કહે છે તે વિચિત્ર છે. કુશ ચૂંટનાર અને કામ કરનાર વચ્ચે એક સામાન્ય ગુણ છે વિવેચકત્વનો - જેમ ‘નર્મદ સિંહ હતો’માં સિંહ અને નર્મદ વચ્ચે સામાન્ય ગુણ છે વીરત્વનો. પણ ‘સિંહ’ના મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સંબંધ છે સાદૃશ્યનો, તેમ ‘कर्मणि कुशलः’માં સંબંધ સાદૃશ્યનો છે, વિવેચકત્વનો નહિ; એથી એ ગૌણી લક્ષણાનું ઉદાહરણ થાય.