ભારતીય કાવ્યસિદ્ધાંત/અભિનવગુપ્તનો મત

Revision as of 15:36, 27 September 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪. અભિનવગુપ્ત : અભિવ્યંજનાવાદ : આલંકારિકોનો મત :

સૌથી છેલ્લો અને મહત્ત્વનો મત આચાર્ય અભિનવગુપ્તનો છે. લગભગ બધા જ આલંકારિકો એને અનુસરે છે. ધ્વનિવાદના આ સમર્થ વિવરણકારે રસમીમાંસામાં પણ વ્યંજનાને સ્થાન આપ્યું છે અને એ રીતે રસનિષ્પતિનો અભિવ્યંજનાવાદ પ્રસ્થાપિત કર્યો છે. આગળના બધા મતોના ઈષ્ટ અંશો આમાં આવી જાય છે એ પણ આ મતનો એક લાભ છે. સૌ પ્રથમ, આચાર્ય અભિનવગુપ્ત જણાવે છે કે સામાજિકને લોકવ્યવહારમાં લલનાદિરૂપ સાધનસામગ્રી પરથી સ્થાયીનું અનુમાન કરવાનો અભ્યાસ હોવો જોઈએ અને એમાં એણે કુશળતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. પણ સ્પષ્ટતા કરતાં તે કહે છે કે કાવ્ય અને નાટ્યમાં લલનાદિરૂપ સામગ્રી લોકજીવન સંબંધી પોતાની વિશિષ્ટતાઓ – જેવી કે કારણતા, કાર્યતા અને સહકારિતા-થી મુક્ત બની, વિભાવન, અનુભાવન અને વ્યભિચારણનું વિચિત્ર સામર્થ્ય ધરાવતી થઈ જાય છે. તેથી તેમને માટે વિભાવાદિ અલૌકિક સંજ્ઞાઓ વાપરવામાં આવે છે. આ વિભાવ, અનુભાવ વગેરે ‘મારા જ છે, શત્રુના જ છે, કોઈ ત્રીજાના જ છે અથવા એમાંના કોઈના જ નથી’ એવા વિશિષ્ટ સંબંધના સ્વીકાર કે પરિહારના અનિશ્ચયના કારણે કાવ્ય અને નાટ્યમાં સાધારણરૂપે પ્રતીત થાય છે. આ સાધારણીભૂત વિભાવાદિ વડે અભિવ્યક્ત થયેલો, સામાજિકોમાં વાસનારૂપો રહેલો, રત્યાદિ સ્થાયી ભાવ તે રસ. આ રસ છે તો અમુક પ્રમાતામાં (અનુભવ લેનારમાં) રહેલો, એટલે કે સામાજિકનો એ વ્યક્તિગત અનુભવ છે, પણ વિભાવાદિરૂપ સાધનસામગ્રીના બળે રસાનુભવના સમય પૂરતો એનો પરિમિત પ્રમાતૃભાવ - પોતે વ્યક્તિગત રૂપે રસાનુભવ કરી રહ્યો છે એવો ભાવ - સર્વથા નષ્ટ થાય છે અને અન્ય વિષયના સંસર્ગથી રહિત એવો અપરિમિત પ્રમાતૃભાવ ઉદય પામે છે. આ ભાવ વડે સકલ સહૃદયોને સમાન અનુભવ કરાવતા સાધારણ રૂપે રસનો અનુભવ થાય છે. ખરી રીતે તો અનુભવ – આસ્વાદ એ જ રસનું સ્વરૂપ – એનો આકાર છે, છતાં ‘રસનો અનુભવ’ ‘રસનો આસ્વાદ’ એમ કહીને આપણે એને વિષયભૂત બનાવીએ છીએ. ચર્વ્યમાણતા એ જ રસનો પ્રાણ છે; વિભાવાદિથી વ્યંજિત સ્થાયી ભાવની ચર્વણા તે જ રસ છે. એટલે જ્યાં સુધી વિભાવાદિ સામગ્રી ઉપસ્થિત હોય ત્યાં સુધી જ રસની અનુભૂતિ થાય છે. પાનકરસન્યાયે – એટલે કે શરબતમાં સાકર, ઈલાયચી, વગેરેનો જુદો જુદો સ્વાદ નહિ આવતાં એક સ્વાદ આવે છે તે ન્યાયે – વિભાવ, અનુભાવ, વગેરેનો જુદો જુદો સ્વાદ નહિ આવતાં રસનો સમગ્રપણે આસ્વાદ થાય છે. આવો શૃંગારાદિ રસ સામે જ જાણે સ્ફુરતો હોય, હૃદયમાં જાણે પ્રવેશતો હોય, બીજું બધું જાણે તિરોહિત કરતો હોય અને બ્રહ્માસ્વાદનો જાણે અનુભવ કરાવતો હોય એવો અલૌકિક ચમત્કારી હોય છે. (૧૪) ૧. આ મતમાં સૌ પ્રથમ નોંધપાત્ર હકીકત એ છે કે આચાર્ય અભિનવગુપ્ત શ્રી શંકુકની જેમ સ્થાયીને અનુમાનનો વિષય માને છે, એટલું જ નહિ, પણ લલનાદિ સામગ્રીની પ્રત્યક્ષ પ્રતીતિ પરથી રત્યાદિ સ્થાયી ભાવનું અનુમાન કરવામાં સામાજિકે વૈદગ્ધ્ય પ્રાપ્ત કરેલું હોવું જોઈએ એમ એ કહે છે. આવી વિદગ્ધતા વિના રસાનુભવની સંપૂર્ણ અને સ્વાભાવિક સિદ્ધિ સંભવે નહિ. ૨. આચાર્ય અભિનવગુપ્ત સાધારણીકરણ જેવો કોઈ સ્વતંત્ર વ્યાપાર સ્વીકારતા હોય એમ જણાતું નથી. પણ લલનાદિ સામગ્રી કાવ્ય કે નાટ્યમાં આપણને સાધારણીભૂત સ્વરૂપે પ્રતીત થાય છે. એમ તો એ કહે છે. સાધારણ્યનો અર્થ પણ તેમણે સ્પષ્ટ કર્યો છે. લોકજીવનની વસ્તુઓ સાથે આપણો મમત્વ, પરકીયત્વ કે ઉપેક્ષણીયત્વનો સંબંધ હોય છે, જેને લઈને આપણે એને સ્વીકારીએ છીએ, તરછોડીએ છીએ કે ઉપેક્ષાદૃષ્ટિથી જોઈએ છે. પણ કાવ્ય કે નાટ્યમાં એ જ સામગ્રી રજૂ થતાં એની સાથેનો સામાજિકનો આ અનિવાર્ય લૌકિક સંબંધ છૂટી જાય છે અને ભાવક વિભાવાદિને અલૌકિક ભાવે આસ્વાદે છે. આચાર્ય અભિનવગુપ્તે અહીં કાવ્યસામગ્રી લોકજીવનની સામગ્રીથી ભિન્ન રીતે હંમેશા આસ્વાદ્ય કેમ નીવડે છે એ પ્રશ્નનો સુયોગ્ય ઉત્તર આપ્યો છે. વ્યવહારજીવનમાં મમત્વ-પરકીયત્વના ભાવો જ સુખદુઃખના કારણરૂપ હોય છે. કાવ્યસામગ્રીથી આપણે તટસ્થ છે, છતાં એ તાટસ્થ્ય ઉદાસીનતાના રૂપનું નથી. એટલે કે વ્યવહારજીવનમાં હોય છે તેવો કોઈ નિશ્ચિત સંબંધ કાવ્યસામગ્રી સાથે આપણો નથી. આવા સંબંધથી મુક્ત કાવ્યસામગ્રીનું સાધારણ સ્વરૂપ આપણી સમક્ષ પ્રગટ થાય છે. આમ, આચાર્ય અભિનવગુપ્ત સાધારણીકરણ કે ભાવકવ્યાપારને કોઈ સ્વતંત્ર વ્યાપાર તરીકે સ્વીકારતા નથી, પણ રસાવિષ્કારના એક સ્થિત્યંતરમાં આવી કોઈક પ્રક્રિયા સમાઈ જાય છે એવું એમને અભિપ્રેત હોય એમ લાગે છે. ૩. આચાર્ય અભિનવગુપ્ત બહુ સ્પષ્ટપણે સ્થાયીને સામાજિકગત માને છે. એથી લૌકિક જીવનના જેવી સુખદુઃખાત્મક સ્થિતિ સામાજિકના મનની થવાનો ભય એમને નથી; કારણ કે સ્થાયી જેનાથી જાગ્રત થાય છે તે વિભાવાદિ સામગ્રી સાથેનો સામાજિકનો સંબધ વિલક્ષણ હોય છે અને આ સ્થાયી પાછો સકલ સહૃદયોનાં હૃદયોનો સંવાદ સાધતા સાધારણ સ્વરૂપનો હોય છે. લૌકિક જીવનની જેમ એ વ્યક્તિવિશિષ્ટ ભાવ નથી, પણ બધા જ સહૃદયોના હૃદયમાં એકસરખી રીતે ઉદ્બુદ્ધ થતો ભાવ છે. આ રીતે સ્થાયીને સ્પષ્ટપણે સામાજિકગત માનવાથી અનુકાર્યગત સ્થાયી અનુકર્તૃગત કેમ થયો અને અનુકર્તુગત સ્થાયી સામાજિકગત કેમ થયો એ કડાકૂટમાંથી સહેજે બચી જવાય છે. ૪. એટલે વિભાવાદિનો સંયોગ કે સંબંધ થાય છે તે સામાજિકમાં વાસનારૂપે રહેલા સ્થાયી ભાવ સાથે, નહિ કે રામાદિ પાત્રના કે નટના સ્થાયી સાથે. સ્થાયી અનુમાનનો વિષય હોવા છતાં અહીં સ્થાયી અને વિભાવાદિ વચ્ચે ગમ્યગમક-સંબધ નહિ કલ્પી શકાય, કારણ કે અમુક વ્યક્તિના શારીરિક વિકારોથી એ જ વ્યક્તિના ભાવનું અનુમાન થઈ શકે. અહીં તો વિભાવાદિ રજૂ થાય છે કાવ્ય કે નાટ્યમાં અને સ્થાયી જાગ્રત થાય છે સામાજિકનો. એટલે અનુમાનને અહીં કોઈ રીતે અવકાશ નથી. અહીં તો વ્યંજનાવ્યાપાર પ્રવૃત્ત થાય છે. સ્થાયી અને વિભાવાદિ વચ્ચે સંબંધ છે વ્યંગ્યવ્યંજકનો. જેમ માટીની અવ્યક્ત ગંધ પાણીના છંટકાવથી વ્યક્ત થાય છે, તેમ જ વિભાવાદિથી સ્થાયી અભિવ્યક્ત થાય છે. અભિવ્યંજનાવ્યાપારના સ્વીકારના કારણે આ મત ‘અભિવ્યંજનાવાદ’ તરીકે ઓળખાય છે. ૫. આચાર્ય અભિનવગુપ્તના મતે સ્થાયી ભાવની આ અભિવ્યક્તિ એ જ રસ છે. એ અભિવ્યક્તિ આસ્વાદરૂપ હોય છે. ચર્વણા પણ એમાં જ સમાયેલી હોય છે. આ રીતે આચાર્ય અભિનવગુપ્ત ભટ્ટ નાયકના ભાવકત્વ અને ભોજકત્વ એ બે વ્યાપારોને બદલે એક અભિવ્યંજના-વ્યાપારને જ મૂકે છે. ૬. રસ પહેલેથી હોતો નથી, માટે એ અભિવ્યક્તિ ન થઈ શકે, એવી ભટ્ટ નાયકની દલીલને હવે સ્થાન નથી; કારણ કે સ્થાયી ભાવની અભિવ્યક્તિને રસ કહેલ છે અને અભિવ્યક્તિ એ જ આસ્વાદ છે; છતાં, આચાર્ય અભિનવગુપ્ત કહે છે કે આપણે ક્યારેક ‘રસનો આસ્વાદ’, ‘રસની અભિવ્યક્તિ’ એમ કહીને રસને અભિવ્યક્તિનો વિષય કરતા હોઈએ છીએ. ૭. સામાજિક અપરિમિત પ્રમાતૃભાવે રસનો આસ્વાદ કરે છે એમ આચાર્ય અભિનવગુપ્ત કહે છે. આનો અર્થ એટલો જ કે સામાજિક અહંમૂલક મર્યાદાઓ છોડી એકમાત્ર વર્ણનીયમાં તન્મય થઈ જાય છે. એ પોતે વ્યક્તિ તરીકે રસાનુભવ કરી રહ્યો છે. છતાં એની ભિન્ન વ્યક્તિતાનું એને એ વખતે ભાન હોતું નથી. આમ, રસપ્રક્રિયાનો સૌથી સાચો ખુલાસો આપણને આચાર્ય અભિનવગુપ્તના આ વિવરણમાં મળી રહે છે.