(રામપ્રસાદ શુકલ)
◼
૫૩. ‘વિનાશ અને વિકાસ' સૉનેટમાળા (રામપ્રસાદ શુકલ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
◼
દક્ષિણ આફ્રિકામાં ગોરાઓની સામે સત્યાગ્રહથી હિન્દીઓને દોરવાનું કામ કરી આવીને ગાંધીજીએ ૧૯૧૪માં સ્વદેશ આગમન કર્યું. ત્યાં સુધીમાં ભારતમાં રાષ્ટ્રીય મહાસભાએ રાજકીય સુધારા માગવાની અને પ્રજા માટે વિશેષ અધિકારો માગવાની શરૂઆત કરી દીધી હતી. સ્વરાજના જન્મસિદ્ધ અધિકારીની હાકલ થઈ ચૂકી હતી. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની સભાનતા જાગી ચૂકી હતી. ગાંધીજીએ સત્યાગ્રહ અને અસહકારના અહિંસક શસ્ર દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામ ખેડ્યો. રાષ્ટ્રીયજીવનમાં ક્યારે ય નહી એવો ખળભળાટ ઊભો થયો. ગાંધીજી જીવનનાં સર્વ ક્ષેત્રોમાં ફરી વળ્યા. રાજકારણની સાથે સાથે જ એમણે સર્વોદય હાથ ધર્યો. ધર્મ અને સમાજને એમાં જોડ્યા. માનવતા અને સમાનતાની લાગણી સાથે વિશ્વપ્રેમનો આદર્શ આગળ આવ્યો. સત્ય અને અહિંસા એના ચાલક બળ બન્યાં. પૃથ્વીના એક ખૂણે જ્યારે ગાંધીજી ભારતીય પ્રજાને સત્ય અને અહિંસાનાં શસ્ત્ર સાથે શાસકો સામે ઝઝૂમી રહેવાને શીખવાડતા હતા, ત્યારે પૃથ્વીને બીજે ખૂણે હિટલર જેવો સરમુખત્યાર જૂઠાણાં, પ્રચાર અને હિંસાને શસ્ત્ર બનાવી રહ્યો હતો. ભય અને આતંકને ફેલાવતો હતો. જંગાલિયત વિસ્તારતો હતો. કહેતો હતો કે ‘ગલીનો આમ આદમી તો પશુબલ અને ઘાતકીપણાનો આદર કરે છે ભય પમાડે, ધ્રુજાવીને શરણે કરે એવું કોઈક એને જોઈએ છે. એને જોઈએ છે ભયનો રોમાંચ. આંતક એ સૌથી વધુ અસરકારક રાજકીય હથિયાર છે' ને હિટલરે બીજું વિશ્વયુદ્ધ છેડ્યું, યુરોપના દેશો હડપ કરવા માંડ્યા ને યુરોપ આખામાં હાહાકાર મચાવ્યો. ગાંધીજીના અહિંસક- ઇતિહાસની સમાન્તર હિટલરનો હિંસક- ઇતિહાસ રચાયો છે. પણ આશ્ચર્યની વાત એવી છે કે ગુજરાતી સાહિત્યમાં વિશ્વયુદ્ધની આ ઘટનાનો પડઘો જવલ્લે જ પડ્યો છે. યુદ્ધમાં આખું વિશ્વ ખળભળી ઊઠે, ઘોર નરસંહાર થાય અને એનો ઓછાયો સુધ્ધાં સાહિત્યમાં પડે નહીં એ કેવી નવાઈની વાત છે! કદાચ ગાંધીજીના રાષ્ટ્રીય અહિંસક ઇતિહાસનો પ્રભાવ મોટો હશે? વિશ્વયુદ્ધને પડઘો આપતા રહ્યાખડ્યા સાહિત્યનમૂના જડી આવે. બળવંતરાય ઠાકોરે કેટલાંક સોનેટ કર્યાં છે. પણ ગાંધીયુગના ધ્યાનપાત્ર કવિ રામપ્રસાદ શુક્લે તો રીતસરની બીજા વિશ્વયુદ્ધને લઈને ‘વિનાશ અને વિકાસ’ સોનેટમાળા કરી છે. ‘બિન્દુ’ (૧૯૪૩) નામના એમના સોનેટસંગ્રહમાં આ સોનેટમાળા ખાસ્સો ભાગ રોકે છે. પણ જોવાની વાત એ છે કે યુરોપમાં તો યુદ્ધની ભયાનકતા અને ભીષણતાએ અશ્રદ્ધા, હતાશા અને મૂલ્યનાશ ફેલાવેલાં, ત્યારે ગાંધીદર્શનનો પ્રભાવ એવો હતો કે ગાંધીયુગનો કવિ ‘વિનાશ અહીંથી વિકાસ વિતરંત જીવનકલા' એમ કહી ઘોરઘટનાની ભીતર પણ જીવનકલા વિનાશ મારફતે જ વિકાસને વિસ્તારે છે, એવી પરમ શ્રદ્ધા ખેંચે છે. ‘વિનાશ અને વિકાસ' બીજા વિશ્વયુદ્ધને નિમિત્ત બનાવી વિનાશ અને વિકાસ નો વિચાર કરતી ૨૫ સોનેટોની માળા છે. એમાં વિનાશનાં બળો વધારે મોટાં કે વિકાસનાં એ એક મુખ્ય પ્રશ્ન ઘુંટાયો છે. અને વિનાશ દુર્ભાગી છતાં વિકાસનું અનિવાર્ય અંગ છે એવો ઉકેલ પણ અપાયો છે. પહેલાં આઠ સૉનેટમાં કવિએ હિટલરના આક્રમણ અને એણે વેરેલા વિનાશથી બીજા વિશ્વયુદ્ધનાં વર્ણનો કર્યાં છે. પ્રજાનાયકો ફરજિયાત સૈન્યભરતી દ્વારા વાજાળથી જગતને વારુણી પાઈ યુદ્ધના ઉત્પાદ તરફ ધકેલી રહ્યા છે. અગણ્ય ગણબંધ સશસ્ત્ર સેના સજ્જ થઈ રહી છે. ફાસીઝમનો જન્મ થઈ રહ્યો છે. વીજળીક વેગે હિટલર પોલાન્ડ પર અગનબોંબ વરસાવે છે. અને ‘ખલાસ નગરો સમૂલ, સ્મૃતિશેષ શોભાસ્થળો/ રહી જાય છે. વિમૂઠ જનતા ચારેબાજુ નાસતી ફરે છે. આ બાજુ યમદૂત નાત્સીદલ આગળ વધે છે, ફ્રાન્સ પર આક્રમણ કરે છે. નાત્સી ધાડાઓ વંટોળ વરસાદ અને વીજળીના સામટા ધસારાથી ઝાડ તૂટી પડે તેમ હોલેન્ડ અને બેલ્જિયમ તૂટી પડે છે. રોટરદમ ભસ્મસાત થાય છે અને છેવટે ‘વિનાશકર સાણસાપકડ મધ્ય પેરિસ પડ્યું.' જેણે બંધુતા, સમત્વ અને સ્વાતંત્ર્યનો સંદેશ ફ્રેન્ચ ક્રાંતિ દ્વારા જગ આખામાં ફેલાવેલો તે ફ્રાન્સનું પતન થયું. હિટલરનાં સૈન્યો પશ્ચિમથી હટી હવે પૂર્વ તરફ રશિયા બાજુ વળે છે કવિએ વર્ણવ્યું છે. ‘ભયંકર ઝડી બધે વરસી ઘોર બોમ્બર ઊડ્યા/ વિરોધ વસમા ઉવેખી દ્રુત ટેન્કધાડાં ધસ્યાં/ સમુદ્ર મહીં યે મચી ડુબકકશ્તીઓ કારમી નભે સ્થળજળે બધે તડિત તાંડવો રુદ્રનાં’ પણ પછી ઘડીભર પીછેહઠ કરી ગયેલું રશિયા કેવું સફળું બેઠું થયું તેનું ચિત્ર કવિએ આપ્યું છેઃ ‘વિરાટ સળવળ્યો, ઊઠ્યો ખૂટલ ઘાની મૂર્છા વળી/ સ્વદેશ દિલદાઝ જીવતી દીવાલ ખડૂકી દીધી' ને પછી રશિયાનો પ્રસુપ્ત પ્રાદા જાગે છેઃ ટેન્ક બોમ્બરો દળદળો વિરાટ મોરચે ધસે' છે, નવો વ્યૂહ રચે છે. શૌર્યનો અપૂર્વ ઇતિહાસ રચાય છે. રશિયાએ ‘હઠાવી દીધ હૂણને સમરક્ષેત્ર મોસ્કો થકી/ ધકેલી યમધાડ ઘોરતમ સ્ટેલિનગ્રાડથી' આમ છતાં એક ક્ષણ કવિને ચારેબાજુ ઘેરાયેલો વ્યાપક વિનાશ થથરાવી દે છેઃ ‘પ્રણાશ તણી કેટલી હજી ય દેખવી વેદના?' એવું કહી કવિ જુએ છેઃ હણાયું ધન સૃષ્ટિનું સકળ સારવંતુ, ગયું/ પ્રફુલ્લદલપુષ્પ યૌવન વિલાઈ, કાણું થયું/ સુસંસ્કૃતિ તણું સદા સમયસિન્ધુ પે નાવડું' પણ બીજી ક્ષણે કવિ પ્રકૃતિમાંથી આશ્વાસન મેળવે છે. પ્રકૃતિમાં જબરી હલચલો અને વિનાશોની સાથે ફરીને ફરી સર્જનો થતાં રહે છે. કવિને એમાં નિયતિચક્ર દેખાય છે. લાગે છે કે વિલોપથી જ વિશ્વની તાજગી ટકી છે. જિંદગી મૃત્યુથી જ પ્રફુલ્લતર પમરતી રહે છે. પાંચ ફૂલ ખરે છે તો દશ પચીસ બીજાં ખીલે છે એક જીવ મરે છે, તો શતસહસ્ત્ર જન્મે છે ને જુએ છે, કવિ કહે છે ‘અખંડ અવિરામ અદ્ભુત વહંગ જીવનનદી' કવિને ફરી શ્રદ્ધા બેસે છે. એમને થાય છે કે વિરાટમાં વામન માનવજાત પગલું ભરે છે એની શી વિસાત? બાળક પહેલું પગલું પાડે છે, ત્યારે એની અશક્તિ જોઈને કોણ કહી શકશે કે એ આખું જગત ખૂંદવાનો છે? આમ મનુષ્ય-જાતના પ્રયત્નો પણ ભલે વામણાં દિસે પણ ભાવિમાં એના સર્જનના ભેદ કોણ કળે? કવિ વિનાશ અને વિકાસને માર્ગે છેવટે મનુષ્યજાતિની ઉત્ક્રાંતિનું સ્વપ્ન જુએ છે. શરૂનાં નવ સોનેટ યુદ્ધનાં તાદૃશ વર્ણનથી જીવંત છે. પણ પછીનાં સોનેટનો ઘણોખરો ભાગ નિબંધલેખન જેવો બની ગયો હોવાની પ્રતીતિ થાય. તેમ છતાં આ સોનેટમાળા આપણા રાષ્ટ્રોત્થાનની સમાન્તર ચાલેલી ભીષણ યુદ્ધકથાને કોઈએ ગુજરાતી સાહિત્યમાં અનુભવી નથી એમ અનુભવે છે એ એક આશ્વાસનની બાબત છે.