ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/સમાજવિદ્યા

Revision as of 14:48, 23 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સમાજવિદ્યા

(અર્થકારણ, રાજકારણ ઇત્યાદિ)

દાહોદ ને ઝાલોદ તાલુકામાં સવા લાખની સંખ્યામાં વસતા ભીલનાં રૂપ, ગુણ, સ્વભાવ, રહેઠાણ, ભાષા, ધંધો, પહેરવેશ, અલંકાર, જન્મ મરણ ને લગ્નની વિધિઓ, ખોરાક, રહેણીકરણી, જમણવાર, ધર્મ, વહેમો, તહેવારો ને ઉત્સવો વિશે જાતઅનુભવ અને અવલોકનને આધારે ભીલ સેવામંડળના આજીવન સભ્ય રા. પડુરંગ વણીકરે સમાજશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગની પુષ્કળ સામગ્રી ‘ગુજરાતના પંચમહાલ જિલ્લાના ભીલો'માં રજૂ કરી છે. તેની છેલ્લાં પોણાબસો પાનામાં ભીલોનાં લગ્નગીતો, શૌર્યગીતો, ગરબાભંડોળ, કહેવતો, અટકો ને ભિલોડી રામાયણ આપ્યાં છે. ગુજરાતના પૂર્વ સીમાડા ઉપર વસતી આ આદિ પ્રજાની તપાસ નૃવંશવિદ્યાની અને માનસવિજ્ઞાનની દૃષ્ટિએ પણ થઈ હોત તો પુસ્તકની ઉપયોગિતા ઔર વધત. પણ સમાજશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રના રસિયાઓની પુસ્તક દ્વારા સેવા થઈ છે, તે અલ્પ નથી. ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં સં. ૧૯૭૧માં પ્રગટ થયેલ 'ભીલોનાં ગીત' પછીનો એ પ્રજા સંબંધી આ બીજો નોંધપાત્ર ગ્રંથ છે. શ્રી. રમણલાલ વ. દેસાઇએ ગણિકાવૃત્તિ અને તેની સંસ્થાઓ વિશેને બૃહન્નિબંધ 'અપ્સરા' ચાર ખંડમાં પ્રગટ કર્યો છે. માનવજાતિને માથે કલંકરૂપ ગણાય તેવી હજી બે પ્રવૃત્તિઓ વિશ્વમાં ચાલુ છે : યુદ્ધ અને ગણિકા, વૈજ્ઞાનિક દૃષ્ટિએ નહિ તેટલી ઐતિહાસિક અને સામાજિક દૃષ્ટિએ વેશ્યાસંસ્થાઓનો ઊગમ, ગણિકાવૃત્તિનો ફેલાવો, તેનાથી ઉપજતાં ગુહ્ય દર્દો, સ્ત્રીની ગુલામી અને તેની દલાલી, યુદ્ધની તેના પર પડતી અસર, ગણિકાવૃત્તિનું કાયદા દ્વારા નિયંત્રણ અને રશિયા, અમેરિકા, હિંદ, યુરોપ અને એશિયાની ગણિકાસંસ્થાઓ સંબંધી વિસ્તારથી, આંકડાઓ સહિત, તેમણે માહિતી આપી છે ને ચિકિત્સા કરી છે. ઇતિહાસ અને સાહિત્યમાંથી અનેક દૃષ્ટાંતો આપીને તેમણે વિષયચર્ચાને રસિક બનાવી છે. લેખકની કૌતૂહલિક પર્યેષકતા, કથનની સરસતા, દૃષ્ટિની સર્વગ્રાહિતા અને સુરુચિના ધોરણની સાચવણી આ હદબહાર લાંબા થઈ ગયેલા નિબંધના વાચનને સહ્ય બનાવે તેમ છે. શ્રી. વિમલ શાહ અને શ્રી. સરલા શાહકૃત 'ભુવેલની તપાસ '- ખંભાત પાસેના ભુવેલ ગામની સામાજિક અને આર્થિક તપાસનો અહેવાલ છે. તંદુરસ્તી, સ્વચ્છતા, સામાજિક અને ધાર્મિક જીવન, રાજ્યવહીવટની વ્યવસ્થા ઉપરાંત આર્થિક જીવન વગેરે લોકજીવનનાં સર્વ પાસાનો ચિતાર તેમાં મળે છે. ખેતીવાડી, જમીનની વહેંચણીની પ્રથાઓ, ગામડાના ધંધારોજગારો, લોકોની સામાજિક અને ધાર્મિક રૂઢિઓ, તેમની આવક -જાવક અને દેવું, સહકારી તંત્ર અને ગામને લગતી સામાન્ય માહિતી આદિ અનેક બાબતોની વ્યવસ્થિત રજૂઆત એમાં થઈ છે. પરિશિષ્ટો, અપરિચિત શબ્દોની સમજૂતી, અનેક કોડાઓ, આકૃતિઓ, નકશાઓ તથા ફોટોગ્રાફોથી પુસ્તક શાસ્ત્રીય અભ્યાસ અને નિરીક્ષણના નિચોડરૂપ બનવા ઉપરાંત સમાજવિદ્યાની વ્યાવહારિક તાલીમની દિશામાં નવું પગલું પાડે છે. આચાર્ય ધ્રુવ, મહામહોપાધ્યાયો શ્રીધર શાસ્ત્રી, પાઠક અને પાંડુરંગ વામન કાણે તથા બીજા વિદ્વાનોનાં સંશોધન-વિવેચનનોને લાભ લેવા ઉપરાંત અનેક ધર્મગ્રંથોમાંથી પુષ્કળ સામગ્રી તારવીને તે દ્વારા શ્રી. ચંદ્રશંકર શુકલે ‘મંદિરપ્રવેશ અને શાસ્ત્રો’માં પ્રતિપાદિત કર્યું છે કે વેદકાળમાં અસ્પૃશ્યતા નહોતી; પુરાણોમાં ચાંડાલ, ગુહ ને ભીલ અસ્પૃશ્ય નથી ગણાયાઃ ગીતા, ભાગવત અને ભાગવતધર્મમાં ચાંડાલદ્વેષને અવકાશ જ નથી: શંકરાચાર્ય આદિ ધર્માચાર્યો અને એકનાથ આદિ સતિએ અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો છે. જૈન, બૌદ્ધ, પુષ્ટિમાર્ગ અને સ્વામીનારાયણ સંપ્રદાયના મૂળ સંસ્થાપકોનાં વચનોનો અસ્પૃશ્યતાને કોઈ રીતે ટેકો નથી.– અસ્પૃશ્યતાને શાસ્ત્રસંમત ધર્મ માની બેઠેલી હિંદુ જનતાનો ભ્રમ દૂર કરવા વેદકાળથી માંડીને આજ સુધીના ઋષિમુનિઓ, ધર્માચાર્યો અને સાધુસંતોનાં વચનો તે તે પ્રસંગોની કથાઓ સાથે પુસ્તકમાં ટાંકવામાં આવ્યાં છે. એકંદરે આજના સવર્ણોનું હરિજનો પ્રત્યેનું વલણ-વર્તન કેટલું વિચારમૂઢતાવાળું અને અધાર્મિક છે એનું સચોટ ભાન પુસ્તક કરાવે છે. ગામડાની ઉત્પત્તિ કેમ થઈ એ વર્ણવી પચાસ વર્ષ પહેલાંનાં ગામડાંનાં તંત્ર, સમાજજીવન, શિક્ષણ, તહેવારો, લોકોના આચારવિચાર, શ્રમવ્યવસ્થા અને દિનચર્યાનું યથાર્થ નિરૂપણ શ્રી. રવિશંકર મહારાજે બોચાસણના વલ્લભવિદ્યાલયમાં આપેલાં વ્યાખ્યાનોના સંગ્રહ 'ગ્રામરચના'માં મળે છે. ગામડાંનાં અજ્ઞાન, વ્યસનો, સંગઠનનો અભાવ, અસ્વચ્છતા અને રૂઢિમમત્વ પણ તેમાં વ્યાખ્યાતાએ ચીંધ્યાં છે. આપણી સંસ્કૃતિ કેમ તૂટી, આજની કેળવણીએ આપણને કેવા કરી મૂક્યા, ગાંધીજીએ તેમાં કેવું પરિવર્તન આણ્યું વગેરે મુદ્દાઓ મહારાજે પોતાની સીધી, સરળ, સ્પષ્ટ અને લોકગમ્ય ભાષામાં સાહજિકતાથી છણ્યા છે. ગ્રામીણ લોકસમાજનાં ઉપાદેય અને હેય તત્ત્વોને પૂરેપૂરા પિછાણી મહારાજે તેનું સાચું નિદાન કરીને શ્રમસેવારૂપી ઔષધની પુસ્તકમાં હિમાયત કરી છે. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે શ્રી. વિદ્યાબહેન નીલકંઠ અને શ્રી પ્રભુદાસ પટવારી પાસે સંપાદન કરાવેલ ‘સ્ત્રીઓના વિવિધ પ્રશ્નો' સ્ત્રીઓની વર્તમાન સામાજિક, આર્થિક, શિક્ષણવિષયક અને શારીરિક સ્થિતિનો સમગ્ર ખ્યાલ આપતા સાત ઇનામી નિબંધોનો સંગ્રહ છે. સાતમાંથી માહિતીની દૃષ્ટિએ પહેલા ત્રણ નિબંધ નોંધપાત્ર ઠરે તેમ છે. સાતે લેખકોની વિચારણા આવેશ ને ઊર્મિલતારહિત સ્વસ્થતાવાળી છે. સંપાદકો અને પ્રકાશકનાં નિવેદનો તથા ગ્રંથાન્તે છાપેલા સમાજમાં સ્ત્રીઓના સ્થાન વિશેના ગાંધીજીના વિચારો મનનપ્રેરક છે. આ ઉપરાંત લોકસમાજની તથા નારીજીવનની વિચારપ્રેરક સામગ્રી માટે 'સબળભૂમિ ગુજરાત” (રાયચૂરા), 'કાઠિયાવાડના મૂમના’ (ભગવાનલાલ માંકડ), 'ગુજરાતણોની શરીરસંપત્તિ' (અનામી), 'પ્રસૂતિ' (ડૉ. રતિલાલ ભટ્ટ), ‘હળપતિમુક્તિ' (જુગતરામ દવે), વગેરે પુસ્તક આ વિભાગમાં ઉલ્લેખી શકાય. સંસારશાસ્ત્રની કેટલીક સમસ્યાઓ છણીને તે દ્વારા માર્ગદર્શન કરાવવાને આ દાયકે રા. સોપાને ઠીક પ્રયત્ન કર્યો છે. ‘લગ્નસાધના'માં તેમણે આજનાં કુમાર-કુમારિકાઓનાં જીવન અને લગ્ન સંબંધી સ્વસ્થ ને વિશદ ચર્ચા કરી છે. રા. મંજુલાલ દેસાઈએ 'હસ્તમેળાપ'માં વિવાહસંસ્કાર, લગ્નસંસ્થા અને લગ્નજીવનના આદર્શો વિશે સારી સામગ્રીનો સંચય કર્યો છે. શ્રી. સોપાનની જેમ શ્રી. મનુમતી અને શ્રી દેવશંકર મહેતાએ ‘મૂંઝવતા પ્રશ્નો'માં પણ એ જ પ્રકારના પ્રશ્નો છેડ્યા છે. અર્થશાસ્ત્રમાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવું પુસ્તક શ્રી. નરહરિભાઈ પરીખનું 'માનવ અર્થશાસ્ત્ર' છે. અર્થશાસ્ત્રના સ્વતંત્ર મૌલિક ગ્રંથો ગુજરાતીમાં છે જ નહિ, એવી પરિસ્થિતિમાં આ ગ્રંથ ખૂબ મહત્ત્વનો ઠરે છે. 'પ્રાસ્તાવિક,’ ‘ઉત્પાદન,' 'વિનિમય, ‘વહેંચણી,’ ‘વ્યય,’ ‘નવીન અર્થરચના' અને ‘મૂળ ઉદ્યોગો' એ સાત ભાગમાં અર્થશાસ્ત્રનાં મૂળતત્ત્વોની અને એને લગતા લગભગ તમામ પ્રશ્નોની ચર્ચા ગ્રંથમાં સાંકળવામાં આવી છે. લેખકનું દૃષ્ટિબિંદુ સર્વોદયને લક્ષતું અને ગાંધીવાદી વિચારસરણીને પુરસ્કારતું હોવાથી બહુજનસમાજના હિત અને આબાદીની દૃષ્ટિએ અત્યારની અર્થવ્યવસ્થાનાં દૂષણો અને તેના નિવારણની, મૂડીપતિઓના ટ્રસ્ટીપણાની ભાવનાની, જરૂરિયાતો ઘટાડવાના ઉપાયોની, સંખ્યાવૃદ્ધિના નિયમનમાં સંયમના જ આગ્રહની, ગાંધીજીના આર્થિક કાર્યક્રમને નવી અર્થરચના તરીકે સમજાવવાની વિચારણા અને હિમાયત સમગ્ર ગ્રંથમાંથી ફલિત થાય છે. એ દૃષ્ટિએ અર્થશાસ્ત્રના ઘણા ધુરંધર પરદેશી લેખકોથી નરહરિભાઈ જુદા પડે છે. એથી એ વિષયના અભ્યાસીઓને કદાચ આ પુસ્તક જૂનવાણી ને નીતિવાદી લાગવા પણ સંભવ છે. તેમ છતાં વિસ્તારથી શાસ્ત્રીય રીતે સરળ અને સ્વચ્છ ભાષામાં શ્રમ અને ખંતપૂર્વક વિશિષ્ટ દૃષ્ટિથી લખાયેલો આ ગ્રંથ અર્થશાસ્ત્રના વિભાગમાં આ દાયકાનું અપૂર્વ અર્પણ છે અને કૉલેજોમાં અર્થશાસ્ત્રનું પાઠ્યપુસ્તક બનવાની યોગ્યતા ધરાવે છે. હિંદનાં ખેતી, ઉદ્યોગો, બેંક ને શરાફી, નાણાંચલણ, રેલ્વે, નહેરો, પરદેશનો વેપાર, લશ્કરી ખર્ચ, સરકારી પગારનીતિ, વહાણવટું, સહકારી પ્રવૃત્તિ અને સરકારી દેવા જેવા વિષયો પર આંકડા ને વિગતો સાથે ભારતીય અર્થશાસ્ત્રના વિદ્યાર્થીને ઉપયોગી થાય એવી વિપુલ માહિતી રજૂ કરતો રા. વિઠ્ઠલદાસ કોઠારીનો 'હિંદનું પ્રજાકીય અર્થશાસ્ત્ર’ સામાન્ય વાચકને માટે પણ યોગ્ય પ્રવેશગ્રંથ બની શકે તેમ છે. નહેરો કરતાં રેલ્વેને પ્રાધાન્ય આપવાની તથા આબકારી આવક, મહેસૂલ, મીઠાવેરો, પગાર ને હૂંડિયામણની સરકારી નીતિની પુસ્તકમાં ઉચિત પ્રસંગે ટીકા કરવામાં આવી છે. છેલ્લા પ્રકરણમાં સર વિશ્વેશ્વરૈયાની, મુંબઈ-યોજના નામે ઓળખાતી ઉદ્યોગપતિઓની, શ્રી. અગ્રવાલની અને શ્રી. એમ. એન. રૉયની તેમજ હિંદી અને મુંબઈ સરકારની યુદ્ધોતર આર્થિક વિકાસની યોજનાઓનો પરિચય કરાવ્યો છે. લેખકનું વલણ રચનાત્મક કાર્યની હિમાયત કરનારું અને સર્વોદયને ભજનારું છે. એથી ‘માનવ અર્થશાસ્ત્ર'ની જેમ આ પુસ્તક પણ નવી પરિસ્થિતિમાં સાવ બિનવ્યવહારુનો આક્ષેપ આ શાસ્ત્રનો અભ્યાસીઓ તરફથી મેળવે તો નવાઈ નહિ. ‘સો ટકા સ્વદેશી'ના પહેલા વિભાગમાં ગાંધીજી ‘સ્વદેશી'નો અર્થવિસ્તાર કરીને ભાવનાને વ્યવહારમાં ઉતારવાની ગુરુચાવીઓ બતાવે છે. એમાં 'સ્વદેશી' વિશેના ગાંધીજીનાં ભાષણો અને લેખોનો સંગ્રહ થયો છે. એમાં તેમની રજેરજને ખંખોળતી, અભ્યાસ અને અનુભવપૂર્ણ, વ્યવહારક્ષમ છતાં આધ્યાત્મિક દૃષ્ટિનો સાક્ષાત્કાર થાય છે. પુસ્તકના બીજા વિભાગમાં સ્વ. મહાદેવ દેસાઈ, શ્રી. પ્યારેલાલ, સ્વામી આનંદ, શ્રી. વૈકુંઠ મહેતા, શ્રી. ચંદ્રશંકર શુકલ, પ્રૉ. કુમારપ્પા, ને પ્રૉ. પુરણના લેખો સ્વદેશીની ભાવના અને વ્યવહારક્ષમતા વિશે ઉપયોગી આંકડા અને મનન રજૂ કરે છે. ‘સ્વદેશી’નો સંપૂર્ણ ને વ્યાપક અર્થ, ખાદી અને ગ્રામોદ્યોગની ઉપયોગિતા, એમને નડતાં અંતરાયો ને અંતરાયો ટાળવાના ઉપાયો, એ બધું વ્યવસ્થિત રૂપે અહીં નિરૂપણ પામ્યું છે. ‘હિંદનું નાણાંતંત્ર' એ શ્રી. જયંતીલાલ હ. મહેતાનું અર્થશાસ્ત્રના મહત્ત્વના અને વ્યવહારુ અંગરૂપ નાણાના વિષયનું દાયકાનું આવકારલાયક પુસ્તક છે. (જો કે આજ દાયકામાં, અગાઉ ‘આપણું નાણાવટું' એ નામે તે પ્રગટ થયેલું.) હિંદી નાણાવટનો વિકાસક્રમ આલેખી ખેડૂતોની આર્થિક સ્થિતિ, શાહુકારો, શરાફો અને વેપારી બૅંકોની કાર્યપદ્ધતિનાં બલાબલ બતાવી, સહકારી પ્રવૃત્તિ, સરકારી બૅંકો અને ઉદ્યોગવિષયક અર્થપ્રમાણ વિશે વ્યવસ્થિત રૂપમાં પ્રમાણભૂત માહિતી આપીને હિંદી નાણાવટાની વિશિષ્ટતાઓ અને ખામીઓ એમાં તારવી બતાવવામાં આવી છે. વિષયનું નિરૂપણ સરલ રીતિમાં અને આવશ્યક વિગતોની સ્પષ્ટ ચર્ચા સહિત તેમાં થયેલું છે. પરદેશી મૂડી અને તેનાં પરિણામો, ફુગાવો અને તેની નાણાંતંત્ર પર થતી અસર, બ્રેટનવુડ્ઝ યોજના વગેરે મહત્ત્વની બાબતો વિશે આંકડા અને પ્રમાણો સાથે તેમાં સમજૂતી આપવામાં આવી છે. ગુજરાતીમાં નાણાવિષયક પૂસ્તકની ખોટ આનાથી કૈંક પૂરી પડી ગણાશે. ‘સમાજવાદ અથવા સહકાર દ્વારા સર્વોદય' એ શ્રી. જગન્નાથ દેસાઈએ લખેલું પુસ્તક આ વિષયના સાહિત્યમાં મહત્ત્વના ઉમેરારૂપ છે. સમાજવાદને માત્ર અર્થકારણી ઉકેલ તરીકે નહિ પણ જીવનની ફિલસૂફી તરીકે જોવાની લેખકની દૃષ્ટિ છે. તેથી તેમણે સ્ત્રીપુરુષનો સંબંધ, ધર્મ, કેળવણી વગેરે પ્રશ્નોને સમાજવાદની પાર્શ્વભૂમાં નિહાળ્યા છે. સમાજવાદની ઐતિહાસિક ભૂમિકાથી માંડીને તેની વિરોધી તેમ અનુકૂળ વિચારસરણીઓની તુલના પર્યંત તેમણે એને અર્થવિસ્તાર સાધી બતાવ્યો છે. ગાંધીજીની અહિંસાનો તેમાં સ્વીકાર થયો છે, પણ યંત્રનિષેધનું ખંડન કરવામાં આવ્યું છે. ઉદાહરણો આપીને સમજાવવાની એમની પદ્ધતિ, સ્વસ્થ પ્રવાહી શૈલી અને પુસ્તકની પ્રકરણબદ્ધતા ગમી જાય તેવાં છે. રા. ડુંગરશી સંપટનું ‘વેપાર અને વાણિજ્ય' માહિતીપૂર્ણ પુસ્તક છે. એમાં મોહેન્જોદારોના સમયથી શરૂ કરી છેક અંગ્રેજોના સમય સુધીનાં ભારતીય વેપારવાણિજ્ય સંબંધી માહિતી જુદા જુદા ગ્રંથકારોને આધારે સંક્ષેપમાં રજૂ કરવામાં આવી છે. પુસ્તકના પહેલા ભાગમાં છેલ્લા વિશ્વ યુદ્ધ સુધીનો વેપારી ઈતિહાસ, તો બીજા ભાગમાં યુદ્ધ પછીના હિંદના ઉદ્યોગો વિશે આંકડા અને અનુમાનો તારવી આપેલાં છે. કપાસ, કાપડ, કોલસો, શણ, ખાંડ, વહાણવટું, રેલવે, લોઢું, પોલાદ, કાગળ, રાસાયણિક પદાર્થો, બનાવટી રેશમ, જળવિદ્યુતશક્તિ વગેરેના ઉદ્યોગો વિશે તેમણે ભરપૂર સામગ્રી એકઠી કરી આપી છે. આ દાયકામાં અગાઉ પ્રગટ થયેલા તેમના 'સ્વતંત્ર ભારત'નો જ આ પુસ્તક પુનરાવતાર હોય એમ જણાય છે. આ ઉપરાંત 'ગામડાં અને સહકાર' (કેશવલાલ અંબાલાલ ઠક્કર), 'હિંદની આર્થિક દુર્દશા' (ડુંગરશી સંપટ), 'વ્યાપારી સર્વજ્ઞાનસંગ્રહ' (ડુંગરશી સંપટ), 'પાક કેમ વેચશો? ‘(હરિવદન પરીખ) (અનાજનો સવાલ' (શ્રીનિવાસ સરદેશાઈ) ‘ઋણમુક્તિ અને રચનાકાર્ય’ (નટવરલાલ મા. સૂરતી), 'વસ્ત્રસ્વાવલંબન' (દામોદર લ. ત્રિવેદી) આદિ અર્થકારણને લગતાં બીજાં ઉલ્લેખપાત્ર પુસ્તકો આ દાયકામાં પ્રગટ થયેલાં છે. રાજકારણનાં મૌલિક પુસ્તકોમાં આગળ તરી આવે તેવાં પાંચ છે: ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો', ‘રાજ્ય અને રાજકારણ’ (હરકાન્ત શુકલ) ‘સોવિયેત રશિયા’ (ભોગીલાલ ગાંધી), 'પાસિફિક’ (ભાસ્કરરાવ વિદ્વાંસ) અને ‘દક્ષિણ આફ્રિકાની રંગભૂમિ.’ (પ્રાણશંકર સોમેશ્વર જોષી). બાકીનાં પૈકી ‘હિંદનો કૉમી ત્રિકોણ’. ‘અખંડ હિંદુસ્તાન', 'રચનાત્મક કાર્યક્રમ’, ‘ગાંધીજીનો સરકાર સાથેનો પત્રવ્યવહાર' વગેરે આ વિભાગનાં કીમતી પુસ્તકો ગણી શકાય, પણ તે મૌલિક ગુજરાતી લખાણો નથી, અનુવાદો છે. ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો' નવજીવન કાર્યાલય તરફથી રા. નરહરિ પરીખને હાથે સંપાદન પામીને પ્રગટ થયેલ છે. સરદારશ્રીની વકતૃત્વકલાની નોંધ આગળ લેવાઈ ગઈ હોવાથી અહીં તો એટલું જ કહેવું બસ થશે કે સાંપ્રત રાજકારણના ફૂટમાં ફૂટ પ્રશ્નનો એમાં સરળતાથી સમજાવાયા છે. અસહકારનાં આંદોલનો, અંગ્રેજોની ચૂસણનીતિ, અમલદારશાહીનો જુલમ, જનતાનો કર્તવ્યધર્મ વગેરે એમાં સરદારની અસરકારક વાણીમાં વ્યક્ત થયાં છે. બારડોલી, ખેડા અને રાસના સત્યાગ્રહ વેળાનાં ભાષણો ખાસ નોંધવા જેવાં છે. ઈ.સ. ૧૯૨૦થી ’૪૫ સુધીના દેશના રાજકારણનો વ્યવસ્થિત ઇતિહાસ પણ એ પુસ્તકમાંથી મળી રહે છે. 'રાજ્ય અને રાજકારણ' રાજકારણના વિષય પર વિસ્તૃત શાસ્ત્રીય ચર્ચા કરતો, તુલનાત્મક અભ્યાસના ફળરૂપ અને ગુજરાતી વાઙ્મયનું આ દિશાનું દારિદ્રય ઘટાડવાનો પ્રયાસ કરતો આવકારદાયક ગ્રંથ છે. ગ્રંથના વિષયનિરૂપણમાં સમગ્રતા જળવાઈ છે; દૃષ્ટિની એકાગ્રતા અને અદ્યતનતા પણ એમાં જોવા મળે છે. હિંદુ રાજત્વની ભૂતકાલીન ભૂમિકા, રાજકારણી સંસ્થાઓ અને મતસરણીઓનો ઐતિહાસિક વિકાસ, રાજકારણી આદર્શોની ચર્ચા તથા તુલના વગેરે એમાં વ્યવસ્થિત રજૂઆત પામ્યાં છે. વિષયનું સ્વતંત્ર સંશોધન, ચિંતન કે દર્શન પુસ્તકમાં ક્યાંય જણાતું નથી. પશ્ચિમી વિચારસરણીઓને લેખકે જેમ ને તેમ સ્વીકારી લીધી હોવાથી તેમની વિચારસરણીમાં પરાવલંબનની મર્યાદા ખટકે છે. પુસ્તકની ભાષા પણ કેટલેક અંશે રાજકારણના વિષયને માટે પાંગળી અને અનુચિત અર્થોવાળી છે. આમ છતાં શ્રી, હરકાન્ત શુક્લનો આ પ્રયાસ ઉપકારક છે. અંગ્રેજી નહિ જાણનાર વર્ગની તેમજ રાજકારણના વિષયમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓની દૃષ્ટિએ પુસ્તક ઉપયોગી ગણાય. શ્રી. ભોગીલાલ ગાંધીકૃત 'સોવિયેત રશિયા' ઈ.સ. ૧૯૧૭ની ક્રાન્તિ પછી શ્રમજીવી સરમુખત્યારીએ રશિયાની ધરતી પર વર્ગવિહીન સમાજરચના સ્થાપવા જે ભગીરથ પ્રયોગો કર્યા તેની સિદ્ધિઓનો વિવરણાત્મક પરિચય આપે છે. લેખક સામ્યવાદ અને રશિયાના રાજકારણના જબરા અભ્યાસી અને પ્રશંસક હોવાથી વિષયનું નિરૂપણ ઉત્સાહપૂર્ણ અને હેતુલક્ષી બન્યું છે. રશિયાની નવરચનામાંથી આપણી ધરતી અને સ્થિતિસંજોગોને માફક આવે એવું કેટલુંક બતાવવા પૂરતાં આવાં પુસ્તકો સાધનરૂપ બને છે. સોવિયેત બંધારણ તથા શાસનપદ્ધતિનું વિવરણ તથા રશિયાના કલાકાર, વૈજ્ઞાનિક અને ધાર્મિક સ્વાતંત્ર્ય વિશે પ્રવર્તતા કેટલાક પૂર્વગ્રહોનું નિરસન કરવાનો આ ગ્રંથના લેખકે સમર્થ પ્રયત્ન કર્યો છે. શ્રી. ભાસ્કરરાવ વિદ્વાંસનું 'પાસિફિક’ છે તો નાનકડું પુસ્તક. પારકી પ્રજાઓને લૂંટવાની કલામાં અગ્રવીણ અને લૂંટીને તેમને મૂર્છામાં નાખવાની નીતિમાં પાવરધી સામ્રાજ્યશાહીના અંદરના વિષસ્વરૂપનું તેમાં યથાર્થ દર્શન કરાવાયું છે. વિષયને લેખકે સરલતાથી ચર્ચી બતાવ્યો છે અને સામાન્ય વર્ગને ઝટ ગળે ઊતરી જાય એ રીતે નિરૂપ્યો છે. વર્તમાન જગતના રાજકારણના વિધવિધ વિષયો અને પ્રશ્નો માટે આવાં લધુ પુસ્તકો ઠીક માહિતીપ્રદ નીવડે. એ જ પ્રમાણે રા. પ્રાણશંકર સો. જોષીએ 'દક્ષિણ આફ્રિકાની રંગભૂમિ'માં વસાહતોનો પ્રશ્ન છણ્યો છે. દક્ષિણ આફ્રિકાની વસાહતમાં મોટો ભાગ ગુજરાતીઓનો હોવાથી, ગુજરાતીઓની ત્યાંના રાજકારણમાં સ્થિતિ, પ્રવૃત્તિ તેમજ ત્યાંના તેમના સામાજિક પ્રશ્નો વગેરેનું માહિતીપૂર્ણ નિરૂપણ તેમાં મળે છે. પુસ્તકની શરૂઆતનાં ૪૮ પાનાંમાં લેખકે પોતાનો પરિચય આપ્યો છે ! આ ઉપરાંત રા. મગનભાઈ દેસાઈએ 'રાષ્ટ્રીય મહાસભા અને વિદ્યાર્થીપ્રવૃત્તિ'માં ગાંધીજીએ વિદ્યાર્થીઓ અંગે કરેલી સૂચનાઓનો ભાષ્યવિસ્તાર કરી વિદ્યાર્થી સંગઠન અને વિદ્યાર્થી કાર્યક્ષેત્ર પરત્વે કૉન્ગ્રેસે કરેલી અસરોનું બયાન કર્યું છે. શ્રી. ભોગીલાલ ગાંધીએ 'સામ્યવાદ' એ ૬૦ પાનાંની પુસ્તિકામાં માર્ક્સ અને લેનિન-સ્તાલિને રચેલું સામાજિક ક્રાન્તિનું વિજ્ઞાન તથા પ્રાચીન સામ્યવાદથી રશિયાની મજૂર ક્રાન્તિ સુધીનાં વિકાસસોપાનો સમજાવેલ છે. ‘મહાસભાના ઠરાવો' (વિઠ્ઠલદાસ કોઠારી), 'આપણી કોંગ્રેસ' (રમણીકલાલ શાહ), ‘ગામડાનું સ્વરાજય' (ઈન્દુલાલ યાજ્ઞિક), 'યુદ્ધ અને ગામડાં ' (રામરાય મુનશી), 'આઝાદીની યજ્ઞજ્વાળા' (કરસનદાસ માણેક), ‘૧૯૪૪નાં પગરણ' (રતિલાલ મહેતા), 'હિંદ વિશ્વયુદ્ધના વમળમાં' (ડુંગરશી સંપટ), 'હિંદુસ્તાનનો રાજકારભાર' (ચિમનલાલ ડૉકટર) આદિ નાનાં મોટાં પુસ્તકો પણ આ દાયકાનાં જ પ્રકાશનો છે. સમાજશાસ્ત્ર, અર્થકારણ અને રાજકારણ એ ત્રણે વિષયોનું સાહિત્ય આપણી ભાષામાં પ્રમાણમાં અલ્પ અને શક્તિમાં પાંગળું છે. તે વિષયનાં પલટાતાં સ્વરૂપોને તથા પ્રશ્નોને, સ્પષ્ટ અને શુદ્ધ રીતે શાસ્ત્રીય દૃષ્ટિએ સમજાવે એવાં પ્રમાણભૂત ગ્રંથોની, ગુજરાત યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણનું માધ્યમ ગુજરાતી બનાવવાની હોંશ રાખે છે ત્યારે તો, ખાસ જરૂર છે. આપણા ઘણાખરા લેખકોમાં અભ્યાસ અને અવલોકનવૃત્તિ હશે, પણ તેની ચિકિત્સા માટે આવશ્યક પરિશુદ્ધ, સમતોલ, શાસ્ત્રીય દૃષ્ટિ તથા ચિંતનશીલતા હજુ ઘણે અંશે કેળવવાની જરૂર છે. આ વિભાગનું લગભગ પંચાશી ટકા સાહિત્ય પ્રચાર-દૃષ્ટિનું કે પ્રાસંગિક ખપનું જ હોવાથી તેની લખાવટ પણ વર્તમાનપત્રશૈલીની જ રહી છે.