અંડેરી ગંડેરી ટીપરી ટેન એ. સમજી શકાય એ રીતે બાલનાટક છે. લેખિકા બહેન ધીરુબહેન પટેલે, એને નાટક સાથે, પદ્યનાં લીલાં ખેતરોમાં પગ મૂકવા જેવું પણ કહ્યું છે. સારી સોહામણી છપાઈવાળા આ નાટકને વાંચતાં થોડા વિચારો આવ્યા તે જ અહીં નોંધું છું. માત્ર આપણે ત્યાં નહીં પણ દુનિયાભરની ભાષામાં બાળનાટકની ટાંચ વર્તાય છે. કદાચ એ જ કારણે હશે કે બાળનાટકોનું નામ દઈએ અને મૅટરલિકનું ‘બ્લ્યુ બર્ડ’ તરત યાદ આવે. (ભૂલતો ના હોઉં તો એવા ગુજરાતીમાં બે અનુવાદ થયા છે.) આ યાદ આવવાનું ખાસ કારણ એ છે કે મૅટરલિંકે બાળનાટકની અપેક્ષા પૂરે એવું ઘણું એમાં સમાવ્યું છે. કૌતુકપ્રેરક સાહસ છે, કલ્પના છે, ચમત્કાર ગણાય એવાની સગવડ છે, ભારેખમ અને ફૂલ જેટલું ફોરું એમાં સાથે સાથે ચાલે છે; ભાષાનો અત્યાચાર નથી, ‘ઈફેક્ટસ’ પાછળની દોડાદોડ નથી. અને સહુથી મોટી વાત તો એ કે પુનરાવર્તન લગભગ નથી. અંડેરી ગંડેરી ટીપરી ટેનમાં પણ સાહસ છે. નન્નુભાઈને ગમે તે રીતે, યાદ રહી જાય તે રીતે, આત્મસાત્ થાય તે રીતે એમાં અંકજ્ઞાન અપાય છે. એકડો, બગડો, ત્રગડો એમ માંડીને નવડા લગીના દરેક આંક નન્નુભાઈને પોતપોતાના દેશમાં લઈ જાય અને કૌતુક બતાવે અને એક સુરજ, એક ચંદ્રથી માંડીને નવ રત્ન અને નવ તારા લગીનાં ઝૂમખાંનો પરિચય કરાવી. પછી પેલા સિરતાજ જેવા શૂન્યરાજા પાસે લઈ જાય છે. આમાં સાહસ જરૂર છે. ક્યાંક, ક્યારેક, ચમત્કારની હદે પહોંચાય એવું પણ છે. પણ ધીરુબહેન અત્યુત્સાહમાં એક વાત ભૂલ્યાં છે. બાળનાટકમાં રીતનું પુનરાવર્તન એક હદ પછી કર્કશ બને છે. એમ તો ઉક્તિનું પુનરાવર્તન પણ મધુર નથી રહેતું. પણ ઉક્તિના પુનરાવર્તનનો રંગમંચીય ઉપયોગ એને સહ્ય બનાવે છે ત્યારે રીતના પુનરાવર્તનો પ્રયોગ કંટાળો ઉપજાવે છે. ઝાલી રહે, કોક ચોકઠામાં પુરાય તો પછી એ કલ્પના શાની રહે? તો તો એ વિ-કલ્પન બને. પણ બાળનાટકની કલ્પના એકલી નિર્બન્ધ હોય એ પૂરતું નથી, બાળકને એ પોતાની જ લાગે એવી સ્પર્શક્ષમ અને સ્વાદક્ષમ હોવી જોઈએ. બાળકને આંગળી પકડીને આ નવા, વિચિત્ર, કૌતુકી લોકમાં વિહાર કરાવે એવી હોવી જોઈએ. અહીં એકડાથી માંડીને સહુ કોઈ, એટલે કે આંકડા અને શૂન્ય, નન્નુની આંગળી પકડવા તૈયાર છે. પણ…પણ જેના લાભાર્થે આ બધું થાય છે એ ખુદ નન્નુને પણ થોડું થોડું પરાયું, પોતાનું નહીં, એવું લાગે છે. લેખિકા બહેને પણ નિખાલસ રીતે જેનો ઉલ્લેખ કર્યો જ છે તે પાંડવોનો પરિચય પણ નન્નુને પારકું પારકું લાગે એવો છે. નન્નુની કાયિક ઉમ્મર તો એની સૂઝ પરથી જ માપવાની અને તે આઠ દસની મૂકી શકાય. (જોકે તો અંકજ્ઞાનનો પ્રયોગ અને રિટાર્ડડ ચાઈલ્ડ–રૂંધાયેલા વિકાસવાળું બાળક બનાવે છે) એટલે યુધિષ્ઠિરનાં ત્રાજવાં અને કાટલાં-કિલો વજનવાળાં – નન્નુને મૂંઝવે છે. પણ અંડેરી ગંડેરી એ કાળી ધોળી રાતી ગાયના વિકલ્પ તરીકે સ્થાપિત થયાં છે તેમ, આઈસન માઇસન વેરી ગુડ મૅન એ પણ કલ્પનાની વિભાવના જ ગણવાની હોય તો, આ ભયસ્થાન છે. હતું એટલું બધું જ સારું હતું એમ કોઈ નહીં કહે. પણ હવામાંથી જ ખરુંખોટું બીજું અપનાવવાનું ચાલે એમાં બાળવાનું રહી જાય અને રાખવાનું બળી જાય એનો ભય રહે છે. ક્ષણભર વિચાર કરીશું કે આવું કેમ સૂઝે છે? એનાં મૂળ ક્યાં છે? જે પચરંગી જીવનરીત પર આ કલ્પનાની માંડણી થઈ શકે, સરળ અને સાહજિક લાગે એવું લાગી શકે, તેવું જીવન ક્યાં છે મુંબઈ સિવાય? ધીરુબહેને પદ્યનાં લીલાં ખેતરોમાં પગ મૂકવાની વાત કરી છે. પદ્ય અને કવિતા વિષે કશું બોલવાનો મારો કશો અધિકાર નથી. પણ વાંચવે અને જોવે – સાંભળે ગમે એવા નાટકમાં પ્રાસયુક્ત બાની સજલ અને નિર્જલ (ડીહાઈડ્રેટેડ) બંન્ને પ્રકારના માનવને રૂચિકર રહે છે પણ પ્રાસ મીઠો અને મળતાવડો, સહજ, આયાસનો મુદ્દલે ભાસ ન કરાવે એવો હોવો જોઈએ. હું માનું છું–ધીરુબહેન પણ કબૂલ કરશે કે અંડેરી ગંડેરીમાં બધાં લીલાં ખેતરો માટે આમ કહી શકાય એમ નથી. ઘણી વાર તો પ્રાસનો ત્રાસ થાય છે. ક્રમાંકોના લૌકિક અર્થની તારવણી જુદી હોવાથી આપણી પ્રમુખ સાહિત્યસંસ્થાએ ત્રણેક અધિવેશનને ક્રમાંક પ્રમાણે બોલાવવામાં મુશ્કેલી અનુભવેલી. હું નથી માનતો કે દૃશ્ય અગિયારમા પછી આવતા દૃશ્યને દૃશ્ય સાતમું કહેવામાં (પા. ૧૫૭) આવી કશી મુશ્કેલી નડી હોય. અંતે તો નાટકમાં જ દૃશ્ય છઠ્ઠામા આવતી એક તૂક યાદ કરીએ : હાથમાં છોને કાંઈ ના આવ્યું ભેજામાં તો આવ્યું!
- ↑ * અંડેરી ગંડેરી ટીપરી ટેન. લે. ધીરુબેન પટેલ (કલ્કિ પ્રકાશન, ૧૯૬૬. પા. ૧૭૦, રૂા. ૫)
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.