વિવેચનની પ્રક્રિયા/આધુનિક વિવેચન

Revision as of 16:35, 18 September 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આધુનિક વિવેચન

છેલ્લાં સવાસો–દોઢસો વર્ષના ગાળામાં ગુજરાતી વિવેચનસાહિત્યે ઠીક ઠીક ગજું કાઢ્યું છે. નવલરામ, મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર, નરસિંહરાવ, રમણભાઈ નીલકંઠ, બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, સુંદરમ્–ઉમાશંકર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિજયરાય વૈદ્ય, વિશ્વનાથ ભટ્ટ, મનસુખલાલ ઝવેરી – અનેક નામો વિવેચનક્ષેત્રે પ્રકાશે છે.

આપણે જેને ‘આધુનિક’ કે ‘નવ્ય’ વિવેચના તરીકે ઓળખીએ તે પણ આશરે ત્રીસેક વરસથી ખેડાય છે. એનાં કેટલાંક સારાં પરિણામો પણ આવેલાં છે. કળા વિષેની સભાનતા વધી – કળા વિષયક દૃષ્ટિબિન્દુનો આગ્રહ વધ્યો, પાશ્ચાત્ય જ નહીં પણ યુરોપીય સાહિત્યનો પ્રભાવ અભિનિવેશપૂર્વક ઝિલાવા માંડ્યો, કૃતિની વસ્તુગત તપાસનું મૂલ્ય વધુ ને વધુ સ્વીકારાતું આવ્યું, રચના–નિબંધનને નિકટતાથી જોવાનું બન્યું, ચીલેચાલુ રસદર્શનને બદલે કૃતિના અંતરંગનો આસ્વાદ આપવાનું (વિવિધ સંદર્ભો કે તુલના સહિત) વધારે ને વધારે આવકારાતું જણાય છે. આધુનિક વિવેચનની વિશિષ્ટતા જૂનાં ઓજારોને પણ નવી રીતે પ્રયોજવામાં રહેલી છે. શૈલીવિજ્ઞાનનો મહિમા સ્થપાતાં કૃતિના ભાષાકર્મને ભાષાશાસ્ત્રીય સજ્જતાપૂર્વક જોવાનું વલણ બળવત્તર બને છે. પરિણામે ટૂંકી વાર્તા અને લઘુનવલ જેવા પ્રકારો ઉપર પણ પ્રભાવ પાડવામાં, નવા સર્જકોને સર્જનના માધ્યમની બાબતમાં વધુ સભાન કરવામાં એણે ફાળો આપ્યો છે. બીજી તરફ આધુનિક વિવેચના એક સીમિત કૂંડાળામાં ફર્યા કરતી પણ લાગે છે. વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું છે. મેથ્યુ આર્નોલ્ડે કહેલું તેમ વિવેચકનું એક મુખ્ય કાર્ય “To create a current of true and fresh ideas” પૂરતા પ્રમાણમાં થયું લાગતું નથી. આપણાં જમાનામાં માનવવિદ્યાવિષયક શાસ્ત્રોનો વિકાસ એટલી ઝડપથી થાય છે – સામાજિક શાસ્ત્રો અને ખાસ તો માનવીય રીતભાતના શાસ્ત્ર તરીકે ભાષાવિજ્ઞાનનો વિકાસ એટલી ઝડપથી થઈ રહ્યો છે કે એના સજ્જતાપૂર્વકના વિનિયોગ વગર કૃતિનાં ઘટકોનું વસ્તુલક્ષી વિશ્લેષણ અધૂરું રહેવાનું. નવલરામના સમયમાં પાશ્ચાત્ય સાહિત્ય પ્રત્યે જે અહોભાવયુક્ત જાગ્રતિ હતી એના કરતાં જુદી જ જાતની સંપ્રજ્ઞતા અત્યારે દેખાય છે, પણ અગાઉ, ભલેને સીમિત રૂપમાં પણ સઘન અધ્યયન–શીલતાની છાપ ઊભી થતી હતી, એને બદલે અવતરણોની જટાજાળમાં અત્યારની વિવેચના જાણે કે ગૂંગળાતી લાગે છે. પાઘડિયાળા વિવેચનનું સ્થાન અરૂઢ સંસ્મરણમૂલક સૌંદર્યનિષ્ટ અભિગમે લીધું છે તેમ છતાં ક્યારેક અંગત ગમા-અણગમા કૃતિના રહસ્યને ખોલવામાં અવરોધરૂપ પણ બને છે.

આજે સામૂહિક કેળવણીનો પ્રસાર દિનપ્રતિદિન વધતો જાય છે. વાચનની તકો વધી છે. વાચન પ્રત્યાયનના પરિઘને વિસ્તારે છે. મોટા પાયા પર મુદ્રણ અને પ્રકાશનની સુવિધાએ એને વેગ આપ્યો. સાધનો વધ્યાં છે પણ એનાં સાધ્યો વિશે સ્પષ્ટતા થાય તો જ વિપુલ લેખન–પ્રકાશનના સંદર્ભમાં વિવેચનપ્રવૃત્તિનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે. થોડા સમય પહેલાં દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં એક પરિસંવાદ યોજાયેલો. એનો વિષય હતો ‘વિવેચનનાં વિપથગામી વલણો.’ મારા પેપરમાં મેં પ્રશ્ન કરેલો કે આ ‘વિપથગામી’ વલણો અત્યારે જ દેખાય છે ને પહેલાં ન હતાં એમ કહી શકાશે ખરું? આ વસ્તુ સાપેક્ષ છે. આ વલણો અપનાવનારાઓને એ સુપથગામી લાગતાં હોય એનું શું? પણ આધુનિક વિવેચનમાં ક્યારેક વલણોનો જ લગભગ અભાવ જોવા મળતો હોય છે. કોઈપણ કૃતિ વિશે ચીલેચાલુ ગુણદર્શન–દોષદર્શન–આશીર્વચન અને મુરબ્બીવટથી આપેલી શિખામણ એવું એવું જોવા મળે છે. પરંતુ આવા ‘વિવેચન’ને ‘વિપથગામી’ કહેવાની પ્રતિષ્ઠા પણ ન અપાય, એની ચર્ચા ફોગટ છે.

પરંતુ પૂરા ગાંભીર્યપૂર્વક જેને આપણે આધુનિક વિવેચન કહીએ તેમાં પણ કેટલીક ગંભીર મર્યાદાઓનું દર્શન થાય છે. અલબત્ત આ આધુનિક વિવેચનાએ કૃતિને કેન્દ્રમાં મૂકી આપી અને બીજી માનવવિદ્યાઓનાં ઓજારોને કામે લગાડ્યાં એ એનું મુખ્ય અર્પણ આપણે સ્વીકારીએ છીએ તેમ છતાં એની મર્યાદાઓ સ્પષ્ટ સમજી લેવાથી આગળની દિશા અંગે સૂચન મળશે : (૧) સામાજિક કે અંગત સંબંધો મૂલ્યાંકન પર આરોપણ કરે છે ત્યારે વિવેચના દૂષિત બને છે. (૨) પહેલેથી જ મૂલ્યાંકન નક્કી કરી દેવામાં આવે છે અને એ લક્ષ્યસ્થાને પહોંચવા માટે જાણે કે દલીલો ઊભી કરવામાં આવે છે. કૃતિમાં જે નથી તે જાણે કે ત્યાં મોજૂદ છે એમ ગોઠવાણી કરી એને તર્ક પુરઃસર રજૂ કરવાનો ઉપક્રમ કશી આંતરપ્રતીતિ જન્માવી ન શકે. (૩) વિવેચન એક જાતની શોધ છે – સૌન્દર્યની શોધ છે – એનાં ઇંગિતો વિવેચનનિબંધમાંથી મળવાને સટે જે સુંદર કે ભવ્ય નથી એને એવું ઠેરાવવાનો પ્રયત્ન જોતેજોતામાં ઉઘાડો પડી જતો લાગે છે. વિવેચનકાર પાસે કોઈ નિશ્ચિત પરિપ્રેક્ષ્ય જ નથી એમ કળાઈ જાય છે. (૪) ‘કલ્પન’, ‘પ્રતીક’, ‘લય’, ‘સંદર્ભ’, ‘ભાવજગત’ ‘અભિગમ’ આદિ પારિભાષિક શબ્દોનો ધૂંધળો ઉપયોગ ભરપેટે કરવામાં આવે છે, પણ કૃતિના રહસ્યોદ્ઘાટનમાં જે મદદ મળવી જોઈએ તે મળતી નથી. કૃતિ તો વિવેચન નિબંધના આરંભથી અંત સુધીની યાત્રામાં પ્રશ્નાર્થ સ્વરૂપ રહે છે. (૫) અંગ્રેજી શબ્દનો વિપુલ ઉપયોગ થતો આપણે આધુનિક વિવેચનામાં જોઈએ છીએ, પણ એ શબ્દોની અર્થચ્છાયા પૂરેપૂરી સ્પષ્ટ થતી નથી. વિવેચનકારને પાશ્ચાત્ય વિવેચનાનો પરિચય છે એ એક વસ્તુ પ્રદર્શિત કરવાથી વધુ એનો ઉપયોગ નથી. વિવેચક આ બધા દ્વારા શું સમજ્યા છે અને કૃતિસંદર્ભે આપણને શું સમજાવવા માગે છે, કૃતિના આસ્વાદનમાં શી મદદ કરવા માગે છે તે વસ્તુ સંદિગ્ધ જ રહી જાય છે. એવું જ અંગ્રેજી અવતરણો કે સંદર્ભોનું છે. આપણે જાણીએ છીએ કે સત્ય સંદર્ભમાં જ પ્રગટ થતું હોય છે. પણ આડેધડ ગ્રંથો કે સામયિકોમાંથી ઉપાડીને ગૂંથી લીધેલાં અવતરણો વિદ્વત્તાના કૃતક પ્રદર્શનથી વધારે કશી કામગીરી બજાવતાં નથી. અગાઉના આનંદશંકર, બળવંતરાય કે રા. વિ. પાઠક જેવા વિવેચકો પોતાના વિવેચનલેખોમાં અવતરણો અવશ્ય આપતા પણ તેઓ મૂળ લેખકની દલીલ કે કથયિતવ્યની સાંગોપાંગ માંડણી કરી એનું તાત્પર્ય હાથવગું બનાવતા. આધુનિક વિવેચનામાં એ પદ્ધતિને તિલાંજલિ અપાઈ છે, એ કારણે આ બધાથી ચર્ચા–મુદ્દો સ્પષ્ટ કરવામાં જે મદદ મળવી જોઈએ તે મળતી નથી એમ કહેવું પ્રાપ્ત થાય છે. (૬) અત્યારના વિવેચનમાં અંગતતાનું તત્ત્વ ભળેલું છે. વિવેચક જાણે પોતાના રસકીય અનુભવની આત્મકથા આપે છે, તે ન આપે એમ નહિ, પણ એ સાથે જ વસ્તુલક્ષી તપાસને પણ યોગ્ય સ્થાન મળવું જોઈએ. (૭) સૈદ્ધાન્તિક ભૂમિકાની સંદિગ્ધતા એ પણ અત્યારના વિવેચનની એક મુશ્કેલી છે. સાહિત્યના સિદ્ધાન્તો વિશે ઊહાપોહ કરનારા પણ જ્યારે કોઈ કૃતિને અવલોકે છે ત્યારે પોતાની કોઈ સ્પષ્ટ ભૂમિકા પરથી અવલોકન લખતા હોય એવો અનુભવ થતો નથી. (૮) પાશ્ચાત્ય વિવેચનમાં જે સિદ્ધાતોનો વિનિયોગ કર્યા પછી એની ફેરવિચારણા થઈ હોય, નવો અભિગમ પણ આવ્યો હોય ત્યારે આપણે ત્રીસ – ચાલીસ વર્ષ પહેલાંની વિચારણાનું ગાણું ગાયા કરીએ છીએ, પરિણામે વિવેચના કાંઈક કાલગ્રસ્ત થતી હોવાની છાપ પડે છે. (૯) આપણી પાસે સૈદ્ધાન્તિક વિવેચનના પ્રકરણબદ્ધ ગ્રંથો ઝાઝા નથી. કોઈ અમુક સાહિત્યસ્વરૂપના કે અમુક સમયગાળાના સાહિત્યની સમીક્ષા કરતા વિવેચનના પ્રકરણબદ્ધ ગ્રંથો પણ બહુ નથી. અભ્યાસગ્રંથો પીએચ. ડી.ના ‘મહાનિબંધો’ સિવાય કેટલા લખાયા? મોટે ભાગે તો આપણી વિવેચના ગ્રંથાવલોકનમાં જ રાચે છે!

આ પરિસ્થિતિનો ઉપાય શો? અત્યારે વિવેચનની આબોહવા મંદ છે. વિવેચન વિપુલ સર્જનને પહોંચી વળી શકતું નથી. આપણી પાસે ગ્રંથાવલોકનનું ‘ગ્રંથ’ માસિક છે, પણ એ પછી શું? આધુનિક વિવેચનના પુરસ્કર્તા સુરેશ જોષીએ વિવેચનનાં સામયિકો દ્વારા કેટલુંક મહત્ત્વનું કામ કરેલું. તેમણે ‘વાણી’માં ભાવના પ્રગટ કરી અને ‘ક્ષિતિજ’માં એને સાકાર કરી બતાવેલી પણ પછી ‘મનીષા’માં અવલોકન–વિવેચન ઓછું થઈ ગયું. તેમણે ‘ઊહાપોહ’ કાઢેલું પણ એમાં તેમણે ઊહાપોહ પણ ન કર્યો અને વિવેચનને પણ પ્રધાનતા ન આપી. હા, અનુવાદો આપ્યા. અત્યારે ‘એતદ્’ એમના તરફથી પ્રગટ થાય છે, પણ એમાં અનુવાદોની પ્રધાનતા છે, તે ખૂંચે છે. હા, એમાં ‘પત્રચર્ચા’ આવે છે! સુરેશભાઈ છેલ્લાં થોડાં વર્ષોથી કહ્યા કરે છે કે આપણી વિવેચના પાણ્ડુર બની ગઈ છે. એને તડકામાં ફેરવવા લઈ જવી જોઈએ. અત્યારના વિવેચનની મંદતા કે અક્ષમતા અંગે ફરિયાદ કરવી એટલું પર્યાપ્ત નથી, તેમના જેવી સજ્જતાવાળા આધુનિક વિવેચકે અગાઉનાં વર્ષોની જેમ અત્યારે જ્યારે અ–નિવાર્ય આવશ્યકતા છે ત્યારે, વધુ સક્રિય થવું જોઈએ એમ કહેવાનો કંઈ અર્થ રહેશે ખરો?

અત્યારે પ્રકાશકો વિવેચકો થઈ ગયા છે અને સાહિત્યના આસ્વાદો અને વિવેચનનાં સામયિકો ચલાવે છે! ઘણું છપાય છે, વંચાય છે, પુનર્મુદ્રિત થાય છે, પરિપત્રો દ્વારા એની ભલામણ થાય છે, પણ જૂના–નવા લેખકોને જે નક્કર માર્ગદર્શન કે સૂચનો મળવાં જોઈએ તે મળતાં નથી. ઉમાશંકર જોશીએ એમના ‘સંસ્કૃતિ’ માસિકનો ૨૦૦મો અંક પ્રગટ કર્યો ત્યારે વિવિધ વિવેચન શૈલીઓની વાત કરેલી – એમાં ચોખા મૂકવા શૈલી, મગનું નામ મરી ન પાડનારી શૈલી વગેરેનો સમાવેશ થતો હતો. અત્યારના વિવેચનમાં એક છોલી નાખવા શૈલીનું વ્યાપક દર્શન થાય છે. કેટલીક વાર એનો દુરુપયોગ પણ થાય છે. આડેધડ વાઢકાપ કરતા વિવેચન – વૈદ્યોની સંખ્યા પણ ઠીક ઠીક છે. વિવેચન–વિદો નહિ, પણ વિવેચન–વૈદ્યોને હાથે સાહિત્યને નુકસાન થાય છે. પણ એમાં આ શૈલીનો દોષ નથી. આ હથિયાર કેટલીક વાર સારું કામ પણ આપે છે. એના બેત્રણ દાખલા યાદ આવે છે. પ્રખર પંડિત કે. બી. વ્યાસના ‘ભાષાવિજ્ઞાન’નું ‘ક્ષિતિજ’માં અવલોકન કરતાં ડૉ. શાંતિભાઈ આચાર્યે લખેલું કે આ પુસ્તક ભાષાવિજ્ઞાન વિષયક ગેરસમજૂતી ફેલાવવાના આદર્શ નમૂના જેવું છે! પહેલાં ‘ગ્રંથકીટ’ના ઉપનામથી નગીનદાસ પારેખ ધારદાર અવલોકનો લખતા. પ્રેમશંકર ભટ્ટના ‘મધુપર્ક’ના અને કે. કા. શાસ્ત્રીના કાલિદાસના અનુવાદોનાં તીક્ષ્ણ અવલોકનો તેમણે લખેલાં. એ જ રીતે ‘ગ્રંથ’માં કવિ અનામીના રવીન્દ્રનાથ ટાગોરનું અવલોકન પણ તેમણે લખેલું. પ્રસ્તુત પુસ્તકમાં અનામીએ કેટલીક વિગતોની ચકાસણી કરી આપવા માટે નગીનભાઈનો આભાર માનેલો. પણ એ પુસ્તકનો નગીનભાઈએ જ જ્યારે રીવ્યૂ કર્યો ત્યારે લેખકના હકીકત–દોષોની ઝાટકણી કાઢી અને ઉમેર્યું કે, ‘હું તો મને પૂછ્યું હોય એટલાની જ ચોકસાઈ કરી આપુંને! હકીકતદોષોથી મારે પણ નગીનદાસ પારેખ સાથે થોડો સંબંધ છે.’

આધુનિક ગુજરાતી વિવેચનામાં કૃતિને પામવા ભાષાવિજ્ઞાનનો એક સાધન તરીકે ઉપયોગ કરવાનું વલણ બલવત્તર બન્યું છે. વિવેચનમાં સંરચનાવાદી અભિગમ અને ભાષાવિજ્ઞાનનાં ઓજારોની મદદથી સૌન્દર્યાનુભવને વધુમાં વધુ વસ્તુલક્ષી રૂપે રજૂ કરવાનો પ્રયત્ન જે નવા વિવેચકોએ આરંભ્યો એમાં સુમન શાહ, ચન્દ્રકાંત ટોપીવાળા વગેરેનો સમાવેશ થાય છે. સુમન શાહે કિશોર જાદવની ‘લૅબિરિન્થ’ અને સુરેશ જોષીની ‘એક મુલાકાત’ વાર્તાઓને એ દૃષ્ટિએ તપાસવાનો પ્રયત્ન કર્યો છે. અનિલ જોષીનાં ગીતોમાં પ્રયોજાયેલા કલ્પનોનું બંધારણ તપાસવાનો પ્રયાસ પણ તેમણે કર્યો છે. એ દૃષ્ટિએ ઘનશ્યામ દેસાઈની વાર્તા ‘ટોળું’નું વિશ્લેષણ કરવાનો પણ તેમનો ખ્યાલ છે. આવા પ્રયત્નો વધે ત્યારે ભાષાવિજ્ઞાન કૃતિને પામવામાં કેટલી ખરેખરી સહાય કરી શકે છે એનો ખ્યાલ આવે.

આ સંદર્ભમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીએ ‘કાવ્યનું સંવેદન’માં એક મહત્ત્વનો મુદ્દો પ્રસ્તુત કર્યો છે. તેઓ કહે છે : ‘આજના વિવેચનનો, કળામીમાંસાનો અને સૌન્દર્યશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન છે : કૃતિને તપાસી શકાય છે એક વસ્તુ કે પદાર્થ તરીકે – ‘ઓબ્જેકટ’ તરીકે, પણ તે છે એક અનુભૂતિ – ‘એક્સપિરિયન્સ.’ વસ્તુ અને અનુભૂતિ વચ્ચે સેતુ કઈ રીતે બાંધવો? વસ્તુ અને અનુભૂતિ વચ્ચે સેતુ બાંધવાનો પ્રશ્ન સંરચનાવાદ પછીના પાશ્ચાત્ય વિવેચકોને પણ મૂંઝવી રહ્યો છે. ‘વસ્તુ’નો મહિમા કરવાના ઉત્સાહમાં ‘અનુભૂતિ’ – પાસું ઉપેક્ષિત ન રહે તે આધુનિક વિવેચકોએ જોવું જોઈશે.

આધુનિક વિવેચનાએ એક મોટો પડકાર ઝીલવાનો છે. તે એ ઝીલે, मित्रस्य चक्षुषा समीक्षामहे એ ધ્યાનમંત્રને ચરિતાર્થ કરે એવી અપેક્ષા રાખી શકાય એવા સંકેતો તો એણે આપ્યા જ છે.


Lua error in package.lua at line 80: module ‘strict’ not found.