અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/શબ્દ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શબ્દ

લાભશંકર ઠાકર

શબ્દ
વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ.
જગાડું એને?



આસ્વાદ: બિલકુલ આ ક્ષણનો શબ્દ : લા.ઠા.નાં ત્રણ લઘુકાવ્યો – ધીરેન્દ્ર મહેતા

‘આસ્વાદ’ કરવા-કરાવવાના ઇજન સાથે તેં મને લાભશંકર ઠાકરનાં અક્કેક-બબ્બે વાક્યનાં ચાર કાવ્યો મોકલી આપ્યાં. એ જોઈને આછી મૂછમાં હસી રહેલી તારી છબી મને પ્રત્યક્ષ થઈ. પ્રતિક્રિયા તો એવી જન્મી કે ‘એવો’ ‘આસ્વાદલેખ’ લખી મોકલીને હુંય સામો ‘હથિયાર વગરનો ઘા’ કરું. ‘એવો’ એટલે કેવો? લે, એનો નાદર નમૂનો પેશ કરું. ‘બૂમ કાગળમાં કોરા’માં લા૰ઠા૰એ બૂમ પાડીને આપણને સહુને પૂછ્યું હતું :

‘શબ્દ વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ. જગાડું એને?’

આંખોમાં ભોળપણ ભભરાવીને ગંભીર મુખમુદ્રાથી હું આવો નિર્દેશ કરી શકું : જુઓ, કવિએ અહીં એક વાક્યની બનેલી ત્રણ પંક્તિમાં બબ્બે અર્થાલંકારોનો કેવો આકર્ષક ઉપયોગ (ના, ના, પ્રયોગ) કરેલો છે! ‘વિશેષણની ચાદર’માં રૂપક અલંકાર છે — વિશેષણરૂપી ચાદર. આ અલંકારપ્રયોગમાં મૌલિકતા છે, અપૂર્વતા છે, નાવીન્ય છે, જે કવિપ્રતિભાનાં પરિચાયક છે, પણ એમાં ખૂબી એ રહેલી છે કે આ અલંકાર સમેત જે ચિત્ર આલેખ્યું છે (સોરી, જે કલ્પન રચ્યું છે) તેમાં તેમણે કુશળતાપૂર્વક સજીવારોપણ અલંકારનો પ્રયોગ (ના, વિનિયોગ) કરી લીધો છે — આપણી આંખ સામે વિશેષણની રંગબેરંગી ચાદર છેક મસ્તક સુધી ઓઢીને ભર ઊંઘમાં પોઢેલી વ્યક્તિનું ચિત્ર આવે છે. તમે જોઈ શકશો કે ત્યાં કવિની હાજરી પણ છે, કેમકે કાવ્યમાં ઉક્તિની રીતિ પ્રયોજાઈ છે. અને સામે શ્રોતા તરીકે આપણે પણ છીએ — આ ઉક્તિ આપણને ઉદ્દેશીને છે, કવિ આપણને પૂછે છે, ‘જગાડું એને?’ આ રીતે આપણા આ સમર્થ નાટ્યકારની આ કાવ્યકૃતિમાં નાટ્યાત્મક તત્ત્વ પણ છે, જેથી જીવંતતાનો અનુભવ થાય છે…

આવું આવું અન્ય ત્રણે ત્રણ કાવ્યો વિશે કહીને હું એમનો પણ ‘આસ્વાદ’ કરાવી શકું. અને એમ કરતાં મેં કાવ્યમાં નથી એવી કશી વાત કરી છે એમ પણ કોઈ કહી નહિ શકે. લા૰ઠા૰થી તો હું સલામત અંતરે છું પરંતુ એ વાંચતાં વાંચતાં બગડતું તારું મોં હું બરોબર જોઈ શકું છું. મને એ પણ ખબર છે કે મારો એ લેખ તને ‘પરબ’ના વિશેષાંકની સામગ્રી રૂપે કામ લાગે એ કરતાં સંપાદકીયમાં વિશેષ કામ લાગે!

પણ થોભ, તને એ ખ્યાલ આવ્યો હશે કે અહીં મેં કરેલી વાત એમ છેક કાઢી નાખવા જેવી નથી. આપણી ભાષાની કવિતાના એક મહત્ત્વના સ્થિત્યંતરનાં, અને લા૰ઠા૰-ના કવિવ્યક્તિત્વના એક સ્થિત્યંતરનાં ઇંગિતો એમાં પડેલાં છે. સાતમા દાયકામાં આપણા કવિએ આ વિમાસણ અનુભવી હતી –

‘છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી ઓગણીસોચુમ્મોતેરને કેમ ચલાવવો?’

– ચંદ્રકાન્ત શેઠ

છઠ્ઠા દાયકામાં કવિ તરીકે સિદ્ધ થઈ ચૂકેલા લા૰ઠા૰-ના કવિચિત્તમાં આ તબક્કે ભાષાને લઈને પ્રશ્નો ખડા થાય છે. આમ તો કવિતાના માધ્યમ તરીકે પ્રયોજાતી રહેલી ભાષા જ માનવવ્યવહારમાં પણ હરતીફરતી રહી છે — વિશેષણ, ક્રિયાપદ, ક્રિયાવિશેષણ, સર્વનામ, પ્રાસ, એવા ચિત્રવિચિત્ર વાઘા ધારણ કરીને, જાતજાતના ઇરાદાઓથી અને દાનતથી. કવિતામાં પણ એનું કામ્ય રૂપ કવિએ જોયું છે, સેવ્યું પણ છે. પરંતુ પછી ‘ક્રમશ: તિરાડો પણ એમાં સમાંતર પડતી રહી…’ એ તિરાડો આસપાસના જગતમાં જે કંઈ જોયું તે વિરૂપતા, વિકૃતિ, ક્રૂરતા, વિષમતા અને વિરોધને કારણે પડી. ડોળઘાલુ ભદ્ર લોકો, શ્રદ્ધેય જનો, પુણ્યશાળીઓ સાથે મનોમન કન્ફ્રન્ટેશન શરૂ થયું, એના સંકેતો એમનાં વર્તનવલણમાં પણ દેખાવા લાગ્યા. એ વિશે લા૰ઠા૰-એ કહ્યું છે :

‘વાંકદર્શનને કારણે જે કંઈ આત્મસાત્ થતું હતું ત્વરાથી, તલ્લીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કતરાતું, ખવાતું, ક્ષીણ થતું રહ્યું છે.’

(સર્જકની આંતરકથા, ૪)

એનું પરિણામ શું આવ્યું? લા૰ઠા૰-એ એને લગતી કેફિયતમાં તે જણાવ્યું છે :

‘આત્મસાત્ કરતાં કરતાં રચાયા હતા તે સ્તંભો કડડભૂસ તૂટી રહ્યા છે આંતરિક શબ્દચેતનામાં, લયચેતનામાં. નિરાધાર છે બધું અંદર. ગબડે છે, ખખડે છે, તૂટે છે, ચિરાય છે, અથડાય છે, પછડાય છે આડુંઅવળું ઇધરતીધર ચિત્રવિચિત્ર સંકુલ, તેમાં ગીત-ગઝલનું સિમ્પલ ગાણું ગાઈ શકાય તેમ રહ્યું નથી, સળંગ. એના પરંપરિત ચરસી લયનાં આવર્તનોમાં ચેતના એકધારી લીનતલ્લીન બની શકે એવા ગંજેરી હાલ ઇન્ટિગ્રેટેડ, રહ્યા નથી. ટ્રાંક્વિલાઇઝરની ટીકડી જેવાં ગીતગઝલનાં એકધારાં લય-આવર્તનોની થૅરપીની જરૂર નથી, છટ્.’

(એજન, ૫)

આ ‘સર્જકોની નવી પેઢીના સાહિત્યગુરુ’એ આ તબક્કે પોતાની કાવ્યવિભાવના આ પ્રમાણે રજૂ કરેલી છે :

‘આજ લગીના પરંપરિત જીવન સાથે, પરંપરિત ભાષા સાથે શૈશવથી તાદાત્મ્ય (આઇડેન્ટિફિકેશન) અનુભવ્યું હતું તે પુખ્ત વયે તૂટે છે અને ભાષા સાથેનું, ભાષામય કન્ફ્રન્ટેશન (Confrontation — મુકાબલો) આરંભાય છે. આ કન્ફ્રન્ટેશન તે કવિતા. શૈશવથી આજ લગી જે થયું તે પરંપરિત ભાષાને, પરંપરિત લયને આત્મસાત્ કરવા માટે થયું, તાદાત્મ્યથી થયું. કવિચેતના પુખ્ત થતાં, એની વૈયક્તિક અનુભૂતિ સાથે પરંપરિત ભાષાનો મેળ ન બેસતાં કન્ફ્રન્ટેશન આરંભાય છે. આત્મસાત્ થયેલાં પરંપરિત શબ્દપ્રતીકોને તળે ઉપર કરતું, ઉથલાવતું, તોડતું આ યુદ્ધ એ સાચી કવિતાનો આરંભ છે. આ યુદ્ધની શબ્દક્ષણો એ પ્રતિપળનું પરમ આશ્ચર્ય છે.’

(પ્રતિભા અને પ્રતિભાવ, ૧૪૧)

આવો મુકાબલો આ ‘શબ્દ’ શીર્ષકના લઘુકાવ્યમાં જોઈ શકાય છે. આ મુકાબલો એવા શબ્દ જેણે ‘સ્વ’ને છુપાવી રાખ્યું છે કૃતકતાનાં આવરણોની નીચે, અને પોતે નિશ્ચેતન થઈ ગયો છે. એ અભિવ્યક્તિ અને અવગમનની ક્ષમતા ગુમાવી બેઠો છે. કવિ ‘કૂંપળનું ખૂલવું’ કે ‘વૃક્ષોનું ઝૂલવું’ આ નિષ્પ્રાણ, નિસ્પંદ શબ્દમાં પામી શકે એમ નથી. જરૂર છે એને જગાડવાની — સચેતન કરવાની, એટલે તો કવિ પૂછે છે (આપણને — ‘સામાજિક’ને કે જાતને) : ‘જગાડું એને?’

પણ શબ્દને ‘જગાડવાનું’ — એનામાં જાગૃતિ પ્રેરવાનું કામ પણ કવિએ કરવાનું તો છે શબ્દ વડે જ. કવિ કહે છે, ‘શબ્દની સામે કરું છું બંડ શબ્દોથી.’ એમ કરતાં ક્યારેક પોતાને ‘કવિતાગ્રસ્ત, કંડિશન્ડ’ અનુભવે છે, ક્યારેક ‘લઘરા’ રૂપે જુએ છે, જેની ‘ડોલ શબ્દની કાણી’ છે. આવી ભાષાને એમણે ખોદી નાખવી છે પરંતુ ખોદી શકાતી નથી. કવિને ખબર છે –

‘ઉલેચાતો શબદ ક્યાંક તો ખૂટી જવાનો છું. અને તૂટી જવાનો છું ક્રિયાના કર્મથી નામના વ્યયથી વિશેષણથી આમ–થી ને તેમ–થી છે અને છું–છાં થકી.’

ભાષાની નિર્વીર્ય સ્થિતિ અંગે આમ નિર્ભ્રાંત થયા પછી પણ આ ‘કાવ્યપુરુષ’ શાને અર્થે ઝૂઝે છે? શાની મદદથી? જુઓ –

‘કાવ્યપુરુષ પંખીના પડછાયા પકડે છે નાખી ભાષાજાળ’ એક અધ્યાસથી તરત અખો યાદ આવે છે – ‘પંખી — ઓછાયો પડિયો જાળ (પણ) પોતે ઊડે નિલગ નિરાળ.’

અહીં પણ ભાષાની જાળમાં પંખી તો ઝડપાઈ શકે એમ નથી, એનો આભાસમાત્ર ઝિલાય તો ઝિલાય. ભાષાથી થતી પ્રવૃત્તિ કેટલી મિથ્યા, કેટલી વૃથા છે!… કોઈ કાવ્યસૌંદર્યલુબ્ધમુગ્ધ રસભોગીને આ પંક્તિઓમાં રચાતું કલ્પન કે વર્ણસગાઈ કે લયાત્મક ગતિ લોભાવે તો લોભાવે. પછી એ બીજા કશાની પરવા ન કરે તો ન કરે. એવું જ આ રચનામાં –

‘ભાષા પોતાના પ્રતિબિંબને ભાષામાં તિરંદાજ થઈ તાકે.’

ભાષાનો મુકાબલો ભાષા વડે જ કરવાનો રહે છે, એ કવિની નિયતિ છે. એ માટે ‘એક સ્વચ્છ સાફ સાદો સીધો… શબ્દ’ કવિ શોધે છે, અક્ષુણ્ણ આશા સાથે –

‘મેં તો આશા છોડી નથી ચોખ્ખાચણક શબ્દની ભૂત–ભાવિના સ્પર્શ વિનાનો આ ક્ષણનો બિલકુલ આ ક્ષણનો.’

અહીં તેમ ઘણી જગાએ જોવામાં આવ્યું હશે કે એક પ્રકારની સરલતા, એ પણ લાભશંકર ઠાકરની અભિવ્યક્તિનું એક લક્ષણ છે. એમની કવિતા કોઈ વખત સીધા વિધાન રૂપે આપણી સામે આવે છે, કોઈ વાર એ આપણને પરિચિત એવો લહેકો કરી લે છે, ક્યારેક તળમાંથી ઝબકે છે ત્યારે અભિવ્યક્તિનું એ રૂપ જોવા મળે છે. એ એવી રીતે દેખા દે છે કે કોઈને એનું એ રૂપ કદાચ છલનામય પણ લાગે કે એમ હોવાનો વહેમ પડે.

સ્થિત્યંતરને આ તબક્કે જ્યારે રોષની જગ્યા બિનંગત દૃષ્ટિકોણે લીધી ત્યારે સમજાયું કે દેખાતું દુરિત પણ કશાકના પરિણામરૂપ હોય છે, છતાં why-નો કોઈ ઉત્તર નથી મળતો ત્યારે ‘તાત્ત્વિક કટોકટી’ ઊભી થાય છે. અને આ સંપ્રજ્ઞ સર્જક, એમનું ક્રિયા-પદ એમાં ફસાઈ ગયાનું અનુભવે છે. કવિ લાભશંકરના આધિભૌતિક (મેટાફિઝિકલ) વલણનો — એમાંથી જન્મતી સંકુલ મનોદશાનો એમાં સંકેત છે.

‘ડિયર’ યોગેશ, જોયું, તેં આપેલાં ત્રણ લઘુકાવ્યોની ચર્ચામાં મારે કવિની બીજી કેટકેટલી કાવ્યપંક્તિઓ જોડવી પડી છે, કારણ કે આ રચનાઓ તો કવિની મથામણ છે — કાવ્યવિભાવના બદલાયા પછીની મથામણ છે, જે અનેકાનેક રચનાઓમાં સતત થતી રહી છે. ‘ઘોષા’ પછીની ‘ટોળાં અવાજ ઘોંઘાટ’ વચ્ચેની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા બહુ લાંબી ચાલી છે. એના સંચયોને કદાચ કોઈ ‘સ્ક્રેપબુક’ તરીકે પણ ઓળખાવે. કવિતા તો આપણને ‘માણસની વાત’ કે ‘પ્રવાહણ’માં મળે છે. ત્યાં, એને માટે, ‘આસ્વાદ’નાં ઓજાર કામ ન લાગે. મથામણનો ‘આસ્વાદ’ ન હોય, ચર્ચા હોય, જે લા૰ઠા૰-નાં વ્યક્તિત્વ અને કૃતિત્વ, ઉભયનો પરિચય આપે. આ એવો એક વિનમ્ર પ્રયત્ન. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)