ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૭.થોડુંક અંગત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૭. થોડુંક અંગત

‘થોડુંક અંગત’ એવા સમુચિત શીર્ષકથી વીસમી સદીના આપણા આ મનીષી કવિ ઉમાશંકર જોશીનાં આત્મકથનાત્મક લખાણોનો એક સંચય તેમનાં સુપુત્રી સ્વાતિ જોશી દ્વારા સંપાદિત થઈને ૧૯૯૯માં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં જે લખાણો છે તેમાં શબ્દાંકન, કેફિયત, મુલાકાત, પ્રસ્તાવનાઓ જેવી વિવિધ સ્વરૂપની લેખસામગ્રી છે. એથી આ સંચય રૂઢ અર્થમાં આત્મકથનાત્મક કહેવામાં કેટલાક પ્રશ્નોયે થાય. આમ છતાં પ્રધાનભાવે તો ઉમાશંકરના આંતરવ્યક્તિત્વ પર – એમના સર્જનાત્મક વ્યક્તિત્વ પર પ્રકાશ પાડનારો ગ્રંથ હોઈ એનો અહીં સમાવેશ કર્યો છે. આ સંચય ઉમાશંકર જોશીની આંતરછવિનો આધારગ્રંથ છે. પ્રસ્તુત ગ્રંથનો આરંભ થાય છે ઉમાશંકર જોશીના ‘બા’ રેખાચિત્રથી. આમ તો આ લેખ ‘ઇસામુ શિદા અને અન્ય’માં છેલ્લે મુકાયેલો જ છે. આ લેખ ઉમાશંકરના ચહેરામાં એમનાં માતુશ્રી નર્મદાના ચહેરાની કેવી ને કેટલી રેખાઓ ભળેલીમળેલી છે તેનો અંદાજ લગાવવામાં કેટલીક રીતે ઉપયોગી થાય એવો છે. જીવનનો ઉત્કટ રસ ધરાવતાં બાની ધાર્મિકતા, કર્મઠતા, સંવેદનશીલતા ને વત્સલતાનું સુરેખ ચિત્રણ કરતા આ ચરિત્રલેખમાં વ્યક્તિ અને સર્જક ઉમાશંકરનાં તાદાત્મ્ય, તાટસ્થ્ય અને સમત્વનો વિવેકપૂત યોગ સિદ્ધ થયેલો પામી શકાય છે. ઉમાશંકર જેવા તેજસ્વી સ્મૃતિવાળા, સાહિત્ય અને સંસ્કારજીવનના વિપુલ અને વ્યાપક પ્રવાહમાં ગતિશીલ રહેલા સર્જક પાસેથી જો એક સળંગ આત્મકથા મળી હોત તો આપણે ન્યાલ થયા હોત, પરંતુ એમનો એ અનુભવસમૃદ્ધ કોશ અપેક્ષાનુસાર ભલે ન લાધ્યો પણ એમાંનાં કેટલાંક રત્નો – આત્મકથાના ટુકડાઓ – આપણને ફુટકળ લખાણો રૂપે મળ્યાં છે ખરાં. તેમાં ‘નહીં લખાયેલી આત્મકથાનું પાનું’, ‘જ્યારે હું તરુણ હતો...’, ‘પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા...’ જેવાં લખાણો તુરત જ નિર્દેશી શકાય. ઘર, કુટુંબ, જાતનો વિકાસ – એ બધાંથી ઉપર ઊંચકાતી કશીક અભીપ્સા ગામડાના એક તરુણને કેવી રીતે અમદાવાદ સુધી ખેંચતી ગઈ, એ તરુણની (યુવા)ચેતના સમાજચેતના સાથે, રાષ્ટ્રચેતના સાથે, વિશ્વના કેંદ્રમાં જે શક્તિ-પુરવઠો છે તેની જોડે ભાવનાથી કઈ રીતે સંધાન પામી રહી 
(પૃ. ૯) તેનો ચિતાર આ લખાણોમાંથી સાંપડે છે. કુદરત સાથે અને જાત સાથે વાતે વળવાની તકો (પૃ. ૧૪) આ સર્જકને મળતી જ રહેલી અને તેઓ જુવાનીની ક્ષણેક્ષણને, તે શાશ્વતી-ભરેલી (પૃ. ૪) હોવાના ભરોસે, સાર્થકતાથી જીવવા પુરુષાર્થરત પણ રહ્યા. આપણે જાણીએ છીએ તેમ, ઉમાશંકરને પહેલેથી જ ભાષાનો સ્વાદ; એમના ચિત્તને ‘શબ્દો ગટક ગટક પીવાની ટેવ’. (પૃ. ૮૩) ભીતરમાં વિસ્મયાનંદ પણ સતત વૃદ્ધિંગત થતો. તીવ્ર વાચનભૂખને કારણે જેલમાં પણ ‘વાચનયોગ’ – વાચનયજ્ઞ સારો ચાલ્યો. (પૃ. ૧૧૨, ૧૨૮) સત્યાગ્રહ જેવા ‘આધ્યાત્મિક’ આંદોલનનો સતત ધક્કો અનુભવાતો રહ્યો. કાકાસાહેબ જેવા – ‘જંગમ વિદ્યાપીઠ સમા આચાર્ય 
(પૃ. ૧૭)નું સાંનિધ્ય. વૈશ્વિક વિસંગતિમાં વધુમાં વધુ સંગતિપૂર્ણ ને આશ્વાસક ગાંધીમૂલ્યો હોવાની પ્રતીતિ અને તેથી ગાંધીજીના પ્રભાવની ચિત્તમાં સતત ઉપસ્થિતિ. આ બધાંને કારણે એમની જીવનયાત્રા સાથે સર્જનયાત્રા પણ ઘણી સત્ત્વસમૃદ્ધ અને રસપ્રદ બનતી રહી. આયુષ્યના અવશેષેય શિખાઉના ઉત્સાહે, અભિજ્ઞતાપૂર્વક – સંપ્રજ્ઞતાપૂર્વક એમણે ‘ધારાવસ્ત્ર’ ને ‘સપ્તપદી’ની નવાજેશ કરી. ઉમાશંકરે ‘હું કોના માટે લખું છું ?’, ‘હું વાર્તા કેવી રીતે લખું છું ?’ જેવા પ્રશ્નોના ઉત્તર નિમિત્તે રજૂ કરેલી કેફિયતો રસપ્રદ છે. તેઓ યોગ્ય રીતે જ સર્જનની પ્રક્રિયા ગૂઢ હોવાનું જણાવે છે. (પૃ. ૩૩) એમનું સર્જનકર્મ મનમાં વધુ ચાલે છે. એ કર્મ જો પૂરી સહૃદયતાથી ચાલે તો સર્જકના હાથે સહૃદય વાચકની વંચના થવાનો સંભવ ઓછો રહે એવું તેમનું મંતવ્ય. પોતાને માટે (¨स्वान्तःसुखाय) લખતો સર્જક પણ એના લેખન દરમિયાન અનિવાર્યતયા એની આસપાસની પ્રજા માટેય લખી રહ્યો હોય છે એમ કહી શકાય. (પૃ. ૩૬) ઉમાશંકરે એમના વાર્તાસર્જનમાં અન્ય વાર્તાસર્જકોની વાર્તાઓનું પોતે ‘અંદરથી’ કરેલું વાચન (પૃ. ૩૮), એમની ભાષામાં કહીએ તો ‘સર્જકવાચન’ (પૃ. ૧૧૯) કેવું ઉપકારક થયું તે નિર્દેશે છે. એમણે વાર્તાલેખનની એમની ઝડપ, એમાં ક્રિયાશીલ એમની પ્રયોગવૃત્તિ, એમાં પ્રગટ થતો એમનો મનોવૈજ્ઞાનિક રસ વગેરેનીયે કેટલીક ધ્યાનાર્હ વીગતો આપી છે. ઉમાશંકરે ‘નવચેતન’ તરફથી પુછાયેલા પ્રશ્નોના ઉત્તરમાં પોતાની કેટલીક કૃતિઓ કઈ રીતે સર્જાઈ તેના સગડ આપ્યા છે. (પૃ. ૩૧, ૩૨) સર્જનમાં એમના મતે પ્રેરણા સાથે ચિત્તની અતંદ્રતા પણ જરૂરી હોય છે. તેઓ પોતાના લેખકજીવનને ‘શ્વાસોચ્છ્વાસની સાથે જ જોડાયેલું નિયતકર્મ’ હોવાનું જણાવે છે. (પૃ. ૩૨) ઉમાશંકરે ગોવા-પણજીના અંગ્રેજી દૈનિક ‘નવહિંદ ટાઇમ્સ’ના માટે કે. બાલકૃષ્ણન્ને મુલાકાત આપતાં, સાંપ્રત સમયમાં લેખકે ‘સમાજના માનુષીકરણ’-(પૃ. ૯૭)માં ફાળો આપવો જોઈએ એમ જણાવેલું. લેખક સમાજનો ‘ઍન્ટેના’ છે. (પૃ. ૯૭) તેણે કોઈની સલાહમાં આવી ગયા વિના, પોતાના સર્જન-આવેગને વશ વર્તીને, પ્રફુલ્લિત રહીને લેખન-સર્જન કરવાનું રહે છે. (પૃ. ૯૭) તેમણે યશવંત ત્રિવેદીને આપેલી સાહિત્યિક મુલાકાતમાં કૃતિની કલામયતા પર ખાસ ભાર મૂકેલો. ‘ગાંધીયુગના ફરજંદ’ ઉમાશંકર તે યુગની કેટલીક મર્યાદાઓથી બચવાનો પુરુષાર્થ કરતાં પોતાની સર્જકતાનો અભીષ્ટ મુક્તિ-વિકાસ આયુષ્યના અંત સુધી ટકાવી શક્યા એ મહત્ત્વની બાબત છે. ‘આત્માનાં ખંડેર’માં ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ કહેનાર ઉમાશંકર ‘સપ્તપદી’માં, ‘પંખીલોક’માં ‘મારું નામ ભાષામાં ઓગળી ગયું છે’ – એમ કહેવા સુધી પહોંચ્યા તે કંઈ આકસ્મિક ઘટના નથી; ઉમાશંકરના સર્જકચિત્તના ઉત્કૃષ્ટ વિકાસની એ દ્યોતક છે. એક બાજુ સામાજિક પ્રતિબદ્ધતા ને બીજી બાજુ કલાબદ્ધતા વચ્ચે સાચા સર્જકે વિવેકપુર:સરનો સંવાદ સિદ્ધ કરવાનો રહે છે. ઉમાશંકરનું સર્જનકર્મ એ સંદર્ભે ઉદાહરણરૂપ છે. કવિકર્મ ને કવિધર્મ પર્યાયવાચી હોવાનું પ્રતીત કરાવવામાં જ એમનું દ્રષ્ટા-સ્રષ્ટાપણું પ્રગટ થાય છે. ‘કવિનો શબ્દ : પ્રશ્નોત્તરી’માં ઉમાશંકરની જીવનયાત્રાનો – સર્જનયાત્રાનો એક સુરેખ નકશો – એની એક રૂપરેખા પ્રાપ્ત થાય છે. માતા-પિતા-કુટુંબનો સ્નેહનિષ્ઠ મજબૂત તંતુ તેમના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવનારો રહ્યો છે. તેઓ જો કુટુંબપ્રેમથી, તો નિસર્ગસૌંદર્યથી પણ ખૂબ ન્યાલ થયા છે. તેઓ મેળાઓમાંથીયે ઘણું પામ્યા છે. એમણે કાવ્યદીક્ષા શરદપૂનમના રોજ નખી સરોવર પર અર્બુદાચળ પાસેથી મેળવી તો જીવનદીક્ષા જેલમાં મેળવી. (પૃ. ૫૬) તેમણે શબ્દની આંગળી ક્યારેય ન છોડી. શબ્દ જ આ કવિને બામણાથી દિલ્હી સુધી દોરી ગયો. (પૃ. ૮૧) ‘રાજ્યસભામાં ગાળેલો સમય એ મંદિરના ગર્ભગૃહમાં ગાળેલા સમય જેવો નીવડ્યો’ (પૃ. ૧૪૦) એવી એમની પ્રતીતિમાં ઊંડે ઊતરીને જોતાં એમની સર્જકધર્મની સંપ્રજ્ઞતા તથા સમષ્ટિધર્મની કર્તવ્યનિષ્ઠા જ કારણભૂત હોવાનું લાગે છે. મૅહફિલ(Mahfil)ની પ્રશ્નાવલિના ઉત્તરમાં ઉમાશંકરે પ્રો. બ. ક. ઠાકોર તેમ જ ગાંધીજીનો પ્રભાવ તેમની હેડીના કવિઓએ કેવો તો અનુભવ્યો તેની વાત કરી છે. માર્ક્સવાદ, પ્રગતિવાદ, ગાંધીવાદ જેવા વાદોનાં મોજાં ઝીલ્યાં છતાં એ કેવા તો વાદપરસ્તીથી ઊફરા રહ્યા તે પણ એમના ઉત્તરમાંથી જાણવા મળે છે. તેઓ મૅહફિલને કહે છે : “I feel most comfortable in my main genre – Poetry. But I cherish writing Prose.” (પૃ. ૧૬૨) એક સંવેદનશીલ જાગ્રત સાહિત્યકાર તરીકે ગુજરાતી સાહિત્યની પરંપરાને, ભારતીય સંસ્કૃતિધારાને તથા પોતાની આસપાસના સ્થાનિક, રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક કલાપ્રવાહો તથા સામાજિક-ધાર્મિક-આધ્યાત્મિક ચિંતનપ્રવાહોને ઉમાશંકરે કઈ રીતે જોયા, જાણ્યા ને પ્રમાણ્યા છે તેના મહત્ત્વના સંકેતો મૅહફિલે લીધેલી એમની મુલાકાતમાંથી સાંપડે છે. ઉમાશંકરે આકાશવાણી પરથીયે કેટલીક રસપ્રદ વાતો આપણને કહી છે. યુગબળના પ્રભાવ હેઠળ કવિધર્મ બજાવવાનું કામ કેવું કપરું છે તે તેઓ દર્શાવે છે. (પૃ. ૪૬) જગતના અનરાધાર સૌંદર્યને પામવાના પુરુષાર્થમાં એમને જીવન-કવનની ધન્યતા – સાર્થકતા વરતાય છે તો જીવનની આશ્ચર્યમયતા તેમને સર્જન પ્રતિ પ્રેરનારી શક્તિ રૂપે પ્રતીત થાય છે. (પૃ. ૪૭) ઉમાશંકર સર્જનને સંકલ્પબળના પરિણામરૂપ લેખતા નથી. એમાં મહાકાવ્યની સર્જનભૂમિકા તો ઘણી ગહન ને વ્યાપક હોવાનો તેમનો અભિપ્રાય છે. ઉમાશંકરને એક નરવા-ગરવા સર્જક તરીકે એવી ભૂમિકામાં રસ હોય તો તે સમજાય એવું છે. તેમણે ‘મને જો વીતેલાં વરસો પાછાં મળે –’ એ લેખમાં ‘ભૂતકાળનું પુનરાવર્તન કરવા કરતાં ભવિષ્ય તરફ અભિસરવું એ જ ઉત્તમ’ (પૃ. ૨૪) એમ સાભિપ્રાય દર્શાવ્યું છે. તેમની સર્જક તરીકેની ઝિંદાદિલ મનુષ્ય તરીકેની અભીપ્સા તો મન મૂકીને જીવવાની જ રહી છે. (પૃ. ૨૫) ઉમાશંકરે ‘મારે ‘વિશ્વશાંતિ’ ફરી લખવાનું હોય તો ?’ – એ પ્રશ્નનો આકાશવાણી પર ઉત્તર આપતાં ‘વ્યક્તિની અને સમષ્ટિની ગંજાવર અશાંતિનાં આલેખનો’ (પૃ. ૪૫) એમાં સમાવવાની ખેવના વ્યક્ત કરી હતી. એમ છતાં ‘વિશ્વશાંતિ’માં એવું કેટલુંક જરૂર છે, જે છેડવા કે છોડવાનું તેઓ પસંદ ન કરે. (પૃ. ૪૪) જે ધરતીમાં ઉમાશંકરનાં મૂળિયાં રહ્યાં છે તે ઈડરની પ્રતાપ હાઈસ્કૂલના અમૃત મહોત્સવ પ્રસંગે અને ગૂજરાત વિદ્યાપીઠના અર્ધશતાબ્દી મહોત્સવ પ્રસંગે એમણે જે લેખો આપ્યા છે તેમાંથી એમના જીવનના પ્રથમ ચરણનાં કેટલાંક મૂલ્યવાન ચલણ-વલણો આપણને જાણવા મળે છે. ઉમાશંકરના જીવનઘડતરમાં યત્કિંચિત્ પ્રદાન કરનારા તેમના શિક્ષકો ભીખાભાઈ સાહેબ, ખેમજીભાઈ પરમાર, ખુશાલદાસ નાગરદાસ પટેલ, રાયચંદભાઈ, છોટાલાલભાઈ ગાંધી, વ્યાસસાહેબ, કાળિદાસભાઈ, મોહનસિંગભાઈ તથા આચાર્યશ્રી વગેરેનો કૃતજ્ઞતાપૂર્વકનો ભાવનિર્દેશ ‘શાળાનું નામ હું ઉજ્જ્વળ રાખીશ’ – એ લેખમાં થયો છે. વિદ્યાપીઠની અર્ધશતાબ્દી નિમિત્તે લખાયેલો ‘મારું અરધું વરસ’ લેખ તો એમની “ ’૩૧માં ડોકિયું” (૧૯૭૭) – એ વિદ્યાપીઠવાસરીના જ જાણે કે ઝલક-દર્શનરૂપ છે. ઉમાશંકરને વિદ્યાપીઠમાંથી કેવું ‘અખૂટ આંતર-ધન’ પ્રાપ્ત થયું તેનો ભાવભીનો સ્વીકાર એમાં છે. (પૃ. ૨૧) સર્વદેશીય વિમુક્તિ માટેની વિદ્યાસાધનાના કેન્દ્ર તરીકે વિદ્યાપીઠની મહત્ત્વની ભૂમિકા ને તાસીર હતાં તેનો અંદાજ ઉપર્યુક્ત લેખમાંથી મળી રહે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા જ્ઞાનસત્ર વખતે સ્વાગતપ્રમુખ તરીકે કરેલા ‘ઈડરદુર્ગ’ વિશેના વક્તવ્ય-લેખના કેંદ્રમાં ઈડરનો પરિચય રહ્યો હોવા છતાં એમાં અત્રતત્ર એમના પરિચયનીયે થોડી લકીરો ભળી ગયેલી જોવા મળે છે. ‘ઉમાશંકર અને પન્નાલાલની કવિતાના પારણા’-રૂપ (પૃ. ૨૮) આ ઈડરનો સંક્ષિપ્ત પરિચય એમના ‘અમે ઈડરિયા પથ્થરો’ (સમગ્ર કવિતા, પૃ. ૭૩૩–૭૩૪) જેવો રમણીય ન લાગે તો જ નવાઈ ! ઉમાશંકરે રાષ્ટ્રીય કાર્યક્રમમાં હિંદીમાં આપેલું વક્તવ્ય ‘....સત્યની પ્રસાદી, પ્રેમનો પુરાવો : મારું જીવનદર્શન’ – એવા મથાળે અહીં ગુજરાતીમાં અપાયું છે. એમાં ઉમાશંકરને અનુલક્ષીને એમના પિતાએ કહેલી ‘એને સાચું બોલવાની ટેવ છે’ – એ ઉક્તિ આપણું વિશેષભાવે ધ્યાન ખેંચે છે. એમની સર્જકતાએ સૌ જીવનમૂલ્યોમાં સત્યની સર્વોપરીતા તો સ્વીકારી જ છે. એમને પશ્ચિમના સાહિત્યિકો તથા મનીષીઓનું આકર્ષણ પણ એમની ‘અદમ્ય સત્યરુચિ’ને કારણે જ હોવાનું નોંધ્યું છે. (પૃ. ૯૨) તેમણે તો ‘શુભાશુભનો વિવેક, સુંદર-અસુંદરનો વિવેક, સત્યાસત્યનો વિવેક’ – એને જ ધર્મ રૂપે ઓળખાવ્યો છે. આ ધર્મવિવેકની એમની કેળવણીમાં મહાભારત-ગીતા, ઈશાવાસ્ય ઉપનિષદ વગેરે ખૂબ ઉપકારક થયાં હોવાનો એમનો અનુભવ છે. (પૃ. ૯૩) ઉમાશંકર માટે ‘શોધ એ જ સત્ય’ રહ્યું છે અને એક સર્જકના નાતે તેમની આંતરખોજ પણ સતત ચાલી છે; યથાર્થનું આકર્ષણ પણ એમણે સતત અનુભવ્યું છે. (પૃ. ૯૨) ઉમાશંકરની આ આંતરખોજ તો જીવન અને કાવ્યમાં સત્ય-સૌંદર્યની ને શ્રેયની જ ખોજ હોય એ સમજાય એવું છે. ઉમાશંકરે વિવિધ માન-સન્માનો પ્રાપ્ત કરતાં જે સંક્ષિપ્ત વક્તવ્યો આપ્યાં છે તે એમની સર્જનલીલાની રુખ જાણવામાં, એની ગતિવિધિ સમજવામાં ઉપયોગી બની રહે છે. ‘વિવેકબૃહસ્પતિ’પણાના પરમ પુરસ્કર્તા ઉમાશંકર માન-સન્માનના પ્રસંગોએ ભલે બોલતા હોય ઓછું, પણ બોલે છે મર્માળું. તેઓ પારિતોષિકને ‘પ્રેયોવસ્તુ’ (પૃ. ૪૧) તરીકે નિર્દેશીનેય તેની પાછળ રહેલી સમાજની શ્રેયોદૃષ્ટિનું સ્વાગત કરતાં મહીડા પારિતોષિક સ્વીકારે છે. વળી, એ પ્રસંગે સ્વાનુભવના બળે ‘મૃત્યુ કવિની દૃષ્ટિને શ્રેયોદૃષ્ટિ બનાવે છે’ તેવું એક તારણ પણ રજૂ કરે છે. 
(પૃ. ૪૧) અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને, ઉમાશંકરને જ્ઞાનપીઠ-પુરસ્કાર મળ્યો એ પ્રસંગ ધ્યાનમાં રાખીને તેમનું જાહેર સન્માન કર્યું તે સમયે પ્રતિભાવ આપતાં ઉમાશંકરે ‘શબ્દના ઉપાસક’ (પૃ. ૪૮) તથા ‘સંસ્કારસેવક’ (પૃ. ૫૦) તરીકે પોતાનો પરિચય આપવાનું પસંદ કર્યું. તેમણે અમદાવાદ દ્વારા જીવનની ત્રણ મોટી બક્ષિસો – દીક્ષાઓ (ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રપ્રેમ અને ગૃહસ્થાશ્રમની) પોતાને મળી હોવાનો ભાવપૂર્વક નિર્દેશ કર્યો અને પોતાના સન્માનના અવસરને તેમણે ગુજરાતની ગુણદર્શિતાના પ્રસંગ તરીકે ઘટાવ્યો. (પૃ. ૫૦) ઉમાશંકર જ્ઞાનપીઠ-પુરસ્કારનો સ્વીકાર કરતાં પહેલપ્રથમ ઉલ્લેખ તો એ પુરસ્કારના સહભાગી ડૉ. કે. વી. પુટ્ટપ્પાનો કરે છે. તે પછી કવિએ પોતાના વિકાસ માટે ઉત્તરોત્તર વધુ ને વધુ બહોળા સમાજસંદર્ભમાં ઓતપ્રોત થવું જોઈએ – એમ તેઓ જણાવે છે. (પૃ. ૫૨) તેઓ કાવ્યને એક ચરિતાર્થતા (fulfilmant) રૂપે પ્રમાણે છે. (પૃ. ૫૪) પ્રત્યેક કાવ્યે પુનર્જન્મ પામતો કવિ, એ કાવ્ય સાથે જ, ‘આધ્યાત્મિક પરિપક્વતા’ પણ પામતો રહે છે. (પૃ. ૫૪) ઉમાશંકર આ વક્તવ્યમાં કવિતાને, નરકથી, શોધનઅગ્નિ (‘પર્ગેટોરિયો’) દ્વારા સ્વર્ગનો પથ નિર્દેશી શકે એવી સમર્થ હોવાનું દર્શાવે છે. (પૃ. ૫૩) સાહિત્ય અકાદમીની ફેલોશિપ સ્વીકારતાં ઉમાશંકરે અંગ્રેજીમાં જે સંક્ષિપ્ત વક્તવ્ય આપેલું તેમાંયે પોતાના શબ્દનાં ગતિ-વિકાસની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે પ્રયોજેલી ‘The Word worlds’ (પૃ. ૧૮૧) જેવી ઉક્તિયે આપણને સાંપડે છે. આ વક્તવ્યમાં તેઓ સંસ્થાનવાદ તેમ જ ‘નાર્સિસિઝમ’ સામે આજની સર્જકતાએ જે સાવધાની રાખવાની છે તેનોયે અંગુલિનિર્દેશ કરે છે. ઉમાશંકરે રાજ્યસભાની રજતજયંતી પ્રસંગે પોતાનાં કેટલાંક સંસ્મરણો આકાશવાણી પર રજૂ કરેલાં. તેમાં પોતે ભગવાનમાં માનનાર હોવા છતાં રાજ્યસભાના સભ્ય થતી વખતે ભગવાનના નામે શપથ લેવાના બદલે પ્રતિજ્ઞાવચન (‘ઍફર્મેશન’) કરવાનું સ્વીકારેલું અને તે તેમણે હિન્દીમાં રજૂ કરેલું. વળી, કટોકટી દરમિયાન લોકશાહીના હિતમાં તેમણે જે વલણ લીધેલું તેનોયે નિર્દેશ કર્યો છે. રાજ્યસભાની કામગીરી પણ તેમને મન કાવ્યોપકારક જ હતી એ આ સંસ્મરણો વાંચતાં સમજાય છે. ‘સંદેશ’ દૈનિકની ‘સાહિત્ય અને સાધના’ નામની સાહિત્યિક કટાર એક વર્ષ ચલાવ્યા બાદ એ કામગીરીમાંથી મુક્ત થતાં એમણે વાચકોને જે પત્ર લખેલો તે અહીં અપાયો છે. વળી ‘બુદ્ધિપ્રકાશ’નું તંત્રીકાર્ય સંભાળતાં રજૂ કરેલી નોંધ પણ અહીં અપાઈ છે. ‘સંસ્કૃતિ’ સામયિકને સ્વેચ્છાએ બંધ કરતાં ‘સંસ્કૃતિ’ વિદાય માગે છે’ – એવા મથાળે લખેલો લેખ પણ અહીં સમાવાયો છે. ‘સંસ્કૃતિ’ જીવવાની પ્રક્રિયાના એક ભાગ રૂપે ચાલ્યાનું તેઓ જણાવે છે. (પૃ. ૧૪૯) સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે પણ ઉમાશંકરે કેવી ભાવના, નિષ્ઠા અને જવાબદારીથી પોતાનું કર્તવ્ય નિભાવેલું તેના ઊજળા સંકેતો આ લખાણોમાંથી મળી રહે છે. પોતાને માટે તો પત્રકારત્વ ગદ્યલેખનની શાળા બની રહેલું તે તેમણે જણાવ્યું જ છે. (પૃ. ૧૪૪) એક તંત્રી તરીકેની મૂલ્યદૃષ્ટિ તેમ જ સામયિક સંચાલક તરીકેની વ્યવહારશુદ્ધિનો શ્રીસૌરભયોગ તેઓ કેવો તો સિદ્ધ કરી શકેલા તેનો ખ્યાલ આ પ્રકારનાં લખાણો પરથી મેળવી શકાય છે. સંપાદિકાએ પોતાની વિવેકપૂત સૂક્ષ્મ અને ઊંડી સાહિત્યિક સૂઝ-સમજનો પ્રસન્નકર સંકેત આપતાં પ્રસ્તુત ગ્રંથમાં હિંદીમાં રજૂ થયેલા પોતાની કવિતાના પ્રાતિનિધિક સંગ્રહ ‘निशीथ एवं अन्य कविताएँ’ની ભૂમિકા, ‘વિશ્વશાંતિ’થી ‘સપ્તપદી’ સુધીના કાવ્યગ્રંથોની પ્રસ્તાવનાઓ અને ‘સમગ્ર કવિતા’ના નિમિત્તે લખેલી ભૂમિકા પ્રસ્તુત ગ્રંથમાં સામેલ કરી છે. ઉમાશંકરની આ પ્રસ્તાવનાઓ – ભૂમિકાઓ એમની કાવ્યસાધનાના સમ્યગ આકલન-આસ્વાદ માટેની કેટલીક મહત્ત્વની ચાવીઓ પૂરી પાડે છે. ઉમાશંકરની કવિ તરીકેની વિકાસશીલ છવિ પણ એમાંથી ઊપસે છે. આ ગ્રંથમાં સંપાદિકાએ જે ક્રમે બધાં લખાણો આપ્યાં છે તેથી જુદા ક્રમે પણ અન્ય સંપાદક આપી શકે, પરંતુ પ્રસ્તુત ક્રમ પણ આ ગ્રંથના સંપાદન-સંકલન પાછળની સંપાદિકાની પરિપક્વ સૂઝસમજ તથા ચીવટનો તો દ્યોતક છે જ. ઉમાશંકર પ્રસન્ન થાય એવું સુઘડ-સ્વચ્છ અને વસ્તુનિષ્ઠ અભિગમે – ઉત્કૃષ્ટ સાહિત્યવિવેકે થયેલું આ સુઘડ સંપાદન છે. ઉમાશંકરની ઉપર્યુક્ત પ્રસ્તાવનાઓ – ભૂમિકાઓમાં તેમના કવિકર્મ તથા કવિધર્મને સમજવાની કેટલીક મહત્ત્વની સામગ્રી સાંપડી રહે છે. એમાં જીવનદેવતા ને સૌંદર્યદેવતાના સાધક – ઉપાસક સર્જકની યત્કિંચિત્ આંતરકથા તો અનુસ્યૂત છે જ; વધારામાં તેમની કવિતાની વિકાસકથાનાં ગતિ-વળાંકોનોયે એક નકશો પ્રાપ્ત થાય છે. ઉમાશંકર સૌંદર્યની કાવ્યદીક્ષા તથા પ્રેમની જીવનદીક્ષા કઈ પરિસ્થિતિમાં, કઈ રીતે પામ્યા તેનો અણસાર તેમના લેખ ‘કવિતા, આત્માની માતૃભાષા’માંથી મળી રહે છે. સામાજિક અને વૈયક્તિક વિસંવાદો – સંઘર્ષો અને સાંપ્રત મનુષ્યની સમસ્યાઓ પ્રત્યે આ કવિનું ચિત્ત કેવી સંપ્રજ્ઞતા દાખવતું રહ્યું છે તેનો મહત્ત્વનો આલેખ આપણને એમાંથી સાંપડે છે. ‘વિશ્વશાંતિ’, ‘આત્માનાં ખંડેર’ અને ‘સપ્તપદી’માંથી રચનાઓ કયા ભાવસૂત્રે પરસ્પરસંકલિત છે તેનો ખ્યાલ આ લખાણો વાંચતાં આવે છે. ઉમાશંકર કાવ્યના નાદતત્ત્વના – કાવ્યપાઠના કેવા ઉત્કટ પુરસ્કર્તા હતા તે પણ જાણી શકાય છે. તેમની પ્રિય ઋતુ વર્ષા (પૃ. ૭૦)ને તેમનો એક પ્રિય છંદ શિખરિણી (પૃ. ૭૧) હતો તે આ લખાણોમાંથી જાણી શકાય છે. તેમના છંદોલય પ્રત્યેના, પદ્યનાટ્યના માધ્યમ પ્રત્યેના પ્રયોગનિષ્ઠ અભિગમનો ખ્યાલ પણ આ લખાણો વાંચતાં પ્રાપ્ત થાય છે. આ લખાણો જે તે કાવ્યગ્રંથોનાં વિષયવસ્તુ, સ્વરૂપ છંદોવિધાન અને શૈલી અંગેના એમના સર્જન-પ્રયોગોનું રહસ્ય સમજવામાં સહાયક થાય છે. સાંપ્રતયુગની આબોહવામાં બુદ્ધિ-વિજ્ઞાન સાથે કલા-સૌંદર્યનો – આનંદમયતાનોયે સુયોગ સંસિદ્ધ થાય એ માટેના ઉમાશંકરના સર્જનપુરુષાર્થની ઝાંખી પણ આ લેખો કેટલેક અંશે કરાવી રહે છે. આમ આ સંકલન-સંપાદન ઉમાશંકરના ભાવજગત ને ભાવનાજગતનો, એમના મનોલોક ને આનંદલોકનો, એમના મનોરાજ્ય ને વિચારશાસનનો કેટલોક મહત્ત્વનો પરિચય મેળવવામાં ખૂબ જ ઉપયોગી છે. એમાંથી ઉમાશંકરના કાવ્યતત્ત્વ ને જીવનતત્ત્વના કેટલાક તેજસ્વી સ્ફુલ્લિંગોયે જડતા રહે છે; જેમ કે –

’જગત અને માનવજીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઈ અનોખી વૃત્તિ, કોઈ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.’ (પૃ. ૩૧)
’કાવ્ય એ એક શબ્દનિર્મિતિ છે અને સર્જક શબ્દ દ્વારા કવિ આત્માનાં સંચલનો ભાવકોની ચેતનામાં આનંદ રૂપે, બલકે ભાવકોની આનંદ-ચેતના રૂપે, પરિવર્તિત થાય છે.’ (પૃ. ૫૩)
’કલાકાર જો કલા સિદ્ધ કરવામાં સફળ નીવડે તો એકકેંદ્ર જીવનની આશાનો એ દ્વારા સધિયારો મળી રહે છે.’ (પૃ. ૫૩)
’કાવ્યો માનવીના થવાપણાની પ્રક્રિયામાં પ્રગટ થતા એના હોવાપણાના લઘુદ્વીપો સમાં છે. કાવ્ય એ એક ચરિતાર્થતા છે.’ (પૃ. ૫૪)
’પ્રત્યેક કાવ્યનો જન્મ એટલે કવિ તરીકેનો એનો પુનર્જન્મ. પોતાના હાથે સર્જાતા પ્રત્યેક કાવ્ય સાથે કવિ પામતો રહે છે આધ્યાત્મિક પરિપક્વતા.’ (પૃ. ૫૪)
’અંતે તો કાવ્યની સૌંદર્યની દીક્ષા અને જીવનની પ્રેમદીક્ષા એ બે અલગ રહેવા પામતી નથી, પ્રેમ અને સૌંદર્ય એક જવાબ બની રહે છે.’ (પૃ. ૬૦)
“દરેક કવિએ પોતાનું ‘ઋતુસંહાર’ ગાવાનું રહે છે.” (પૃ. ૭૦)
’છંદોમુક્તિનો અર્થ લયમુક્તિ હરગિજ નથી. બલકે છંદને વિદાય દેતી વેળાએ લયનો હાથ પકડવાનું વધુ અગત્યનું બનવાનું અને એ કસોટીરૂપ પણ નીવડવાનું. મુક્તપદ્ય એ પદ્યમાં પાવરધો હોય તેને વશ થાય તો થાય; એ જ રીતે પદ્યમુક્તિ જેને પોતાની ભાષામાં ગદ્ય, પદ્ય અને મુક્તપદ્યના લયની ઝીણી સૂઝ છે તેને વખતે પચે.’ (પૃ. ૭૨)
’શબ્દ પોતે જન્મ્યો છે જ પ્રકલ્પનરૂપે એટલે સૌંદર્યપ્રવૃત્તિનો પાસ તો એને લાગેલો જ છે.’ (પૃ. ૭૯)
’સર્જકનો કાન જે સાંભળવા સરખું છે તેની ઉપર ઠરે છે. એ સતત ભાષાનું પૂરું સત્ત્વ – સ્વત્વ ઉત્સુકપણે પીતો રહે છે.’ (પૃ. ૮૦)
’કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ-અંશ કરતાં નાદ-અંશનું મહત્ત્વ ઓછું નથી.’ (પૃ. ૮૦)
’નવી ચેતના, નવો લય. જેમ પ્રચલિત ઢાળામાં પુરાઈ રહેવું એ આત્મઘાતક, તેમ પોતે ખીલવેલા કશાકનું પુનરાવર્તન કર્યા કરવું પણ આત્મઘાતક.’ (પૃ. ૮૦)
’કવિતા એ આત્માની માતૃભાષા છે.’ (પૃ. ૮૧)
’લય જૂઠું બોલે નહીં, લય એ કવિની શિરાઓમાં વહેતા લોહીની વસ્તુ છે.’ (પૃ. ૮૨)
’….કાળ અનંત હોય એમ સૂક્ષ્મ વસ્તુઓના સેવનમાં માણસે ચાલવું જોઈએ.’ (પૃ. ૯૦)
’સમજવું, – એ છે સત્યની પ્રસાદી, પ્રેમનો પુરાવો.’ (પૃ. ૯૩)
’શુભાશુભનો વિવેક, સુંદર-અસુંદરનો વિવેક, સત્યાસત્યનો વિવેક, એ તો છે ધર્મ.’ (પૃ. ૯૩)
’કાવ્યની ખોજ જીવવાની ખોજ તો છે.’ (પૃ. ૯૪)
’લેખકો પરિવર્તનના સાધકો છે, હૃદયપરિવર્તનના.’ (પૃ. ૯૭)
’સર્જક તરીકે સાહિત્યિક કૃતિઓને જ ગુરુસ્થાને સ્થાપ્યે છૂટકો એ મારી માન્યતા.’ (પૃ. ૧૨૪)
’પણ કલા તો નિવસે છે સમગ્રના સંદર્ભમાં. સકલતા એ જ પરમ ઇષ્ટ છે. કલામયતા એટલે સ-કલતા. પૂર્ણ સ-કલતા વિના પૂર્ણ કલા નથી.’ (પૃ. ૧૨૫)
’સર્જન અને આસ્વાદન-આલોચન એ એટલી બધી વ્યક્તિલક્ષી ક્રિયાઓ છે કે એમાં પ્રત્યેક વ્યક્તિ એ જ શાળા.’ (પૃ. ૧૪૫)
“The Poet’s is a pilgrimage, with the word as his guide. No, it is much more. The Word is the element through which and through which alone he can exist. And then sometimes one finds that the difference between the word and the deed diminishes. The word itself becomes the deed.” (પૃ. ૧૫૨)
“Once a poet, always a poet.” (પૃ. ૧૬૨)
“The word worlds.” (પૃ. ૧૮૧)

— આ લખાણોમાં ઉમાશંકરની સર્જકતાના ઉન્મેષો વાક્સ્તરે પણ – શબ્દપ્રયોગો, વાક્યપ્રયોગો ઇત્યાદિમાં વરતાય છે. એક બાજુ ‘વિસારો’ (પૃ. ૮૧) ‘વેહલાઈ’ (પૃ. ૮૩), ‘ડખો’ (પૃ. ૮૮) જેવા તળપદા શબ્દો; બીજી બાજુ ‘પ્રતિબદ્ધ’ (પૃ. ૭૯), ‘સંબલ’ (પૃ. ૯૧), ‘વિનિયોજન’ (પૃ. ૯૯) જેવા સંસ્કૃત તત્સમ શબ્દો; તો વળી, ‘તરક્કી’ (પૃ. ૨૬), ‘પહેલુઓ’ (પૃ. ૬૬), ‘દૂસરું’ (પૃ. ૯૧) જેવા હિંદી શબ્દપ્રયોગો પણ કવિને સહજતયા હાથવગા – મગજવગા થાય છે. કવિનો ભાષાનો સ્વાદ એવો ઉત્કટ છે, એની સમૃદ્ધિ અને એના પરની પ્રભુતા એટલી સાચી – સંગીન છે કે તેમનું ગદ્ય તાજગીસભર અને આકર્ષક લાગે છે. ઉમાશંકરના ગદ્યમાં સર્જકતાના ચમકારા સમાસાદિ શબ્દપ્રયોગોથી માંડીને વાક્યપ્રયોગો વગેરેમાં અવારનવાર જોવા મળે છે. ‘માર મોટરે’ (પૃ. ૬) ‘સમયવટો’ (પૃ. ૧૩) ‘ભડ વાર્તાઓ લખે’ (પૃ. ૩૭), ‘માનસીપ્રસાદી’ (પૃ. ૪૧) જેવા શબ્દપ્રયોગોમાં, ‘આમ તો વચ્ચે ક્યારેક રીંગણ પણ તોળી લેતો હોઈશ’ (પૃ. ૨૧), ‘હું પદ્યમાં બિલાડાં ચીતરતો’ (પૃ. ૩૭) જેવા રૂઢિપ્રયોગોમાં; ‘ઈડર એ ગુજરાત અને રાજસ્થાનની વચ્ચે મજાગરા સ્થાને છે.’ (પૃ. ૨૭), ‘આ ઈડર એ, મારી અને પન્નાલાલની કવિતાનું પારણું છે.’ (પૃ. ૨૮), ‘એ રીતે મારે માટે એક સુસમૃદ્ધ ભીતરતા રચી આપી.’ (પૃ. ૫૩), ‘પૃથ્વીની અનેક મુદ્રાઓ ગતિના રસાયણ દ્વારા આપણા લોહીમાં કેવીક ભળતી હશે !’ (પૃ. ૭૪), ‘લય જૂઠું બોલે નહીં,’ (પૃ. ૮૨), ‘ચિત્તને શબ્દો ગટક ગટક પીવાની ટેવ’ (પૃ. ૧૪૩) વગેરે વાક્યપ્રયોગોમાં પણ ઉમાશંકરની સર્જકતાના કોઈ ને કોઈ રીતના ઉન્મેષો જોવા મળે છે. ગુજરાતી ભાષાની વિવિધ વાક્યતરેહો કે વાક્યલઢણોનો, વાક્યલયોનો અને અવતરણોનો સાર્થક વિનિયોગ કરવામાંયે તેમની સાહજિક નિપુણતા ઊડીને આંખે વળગે તેવી છે; દા.ત., પૃ. ૧૪૭ ઉપરનો ‘આ વાતું નોખિયું’ અને પૃ. ૧૪૧ પર ‘ક્ષમાદ્રષ્ટે જોજો’ના ઉક્તિપ્રયોગો; ‘કહો કે’ (પૃ. ૨૭), ‘પણ મેંયે તે...’ (પૃ. ૩૭), ‘ટૂંકી વાર્તાને નજીકનું સગપણ છે સ્તો’ (પૃ. ૩૭) કે ‘એ કહેવાનું મારું કામ નથી સ્તો.’ (પૃ. ૬૯) જેવી વાક્યલઢણો અને ‘શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, – એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેંદ્ર તરફ પણ.’ (પૃ. ૮૧) – જેવા વાક્યલયના નમૂનાઓ. એમના લખાણમાં ક્યાંક હળવાશ કે વિનોદનાં તત્ત્વોયે (પૃ. ૮૫, ૮૬ વગેરે) દેખાય : પોતાના વાર્તાસંગ્રહનું નામ ઉપાડી ‘અત્યારે તો વાર્તાક્ષેત્રે મારો વિસામો ચાલે છે’ (પૃ. ૩૭) જેવા પ્રયોગો પણ કરે છે. પોતાની ગુસ્તાખીઓ રજૂ કરવામાંયે તેઓ રાચી લે છે. (પૃ. ૧૧૭) ક્યારેક ‘જેને છેડવાનું કે છોડવાનું મન ન થાય’ (પૃ. ૪૪) કે ‘કદી એ ખૂટતી નથી, નથી ખૂટલ નીવડતી’ (પૃ. ૭૯) જેવી વાક્યરચનાઓમાં ક્રિયાપદગત ઉચ્ચારસામ્યોનોયે વિલક્ષણ રીતે લાભ લેવાનુંયે તેઓ ચૂકતા નથી. એમનો જીવનરસ ને શબ્દરસ બંને એટલા ઉત્કટ કે તેથી જ એમની અનુભવગત ને અભિવ્યક્તિગત સૌંદર્યસમૃદ્ધિનું આપણને સ્વાભાવિકતયા આકર્ષણ થાય છે. આ ગ્રંથના વાચને જ આપણા હૃદયમાં ઉમાશંકરની જે છવિ પડે છે તે અવનિના અમૃત પ્રતિ, આત્માની માતૃભાષા પ્રતિ આપણને પ્રેરતા પ્રાજ્ઞપ્રબુદ્ધ કવિ-સર્જકની. પથ્ય ને પ્રસન્નકર એવા જીવનરસના – કાવ્યરસના આ સાધક, મર્મી કવિએ, ‘માનુષી દિવ્યતા’ કે ‘દિવ્ય માનુષતા’થી કાવ્યકલાના સેતુ દ્વારા કઈ રીતે વિશ્વ અને સંસ્કૃતિના સીમાડાઓ સુધી પોતાનો ચેતોવિસ્તાર સાધ્યો તેની આશ્ચર્યવાર્તા સમજવા-સમજાવવા અને ચલાવવામાં જીવનભર પોતાની આત્મચેતનાને – સર્જકચેતનાને શિવસંકલ્પપૂર્વક કાર્યાન્વિત રાખી. એમની એ પુરુષાર્થકથાનું ઝલકદર્શન કરાવતી એક ચિત્રવીથિકા-શો આ ગ્રંથ ઉમાશંકરના સ્વત્વ અને સત્ત્વનું મંગલ દર્શન કરાવવામાં ઘણો ઉપયોગી છે. આપણે ઉમાશંકરના વ્યક્તિત્વને – એમના સર્જકવ્યક્તિત્વને સમજવામાં આ ગ્રંથમાં નિરૂપિત સામગ્રીનો આ પૂર્વે પણ યથાસંદર્ભ લાભ લીધો છે. અત્રે એ સામગ્રી એક ગ્રંથમાં સંકલિત સ્વરૂપે પ્રાપ્ત થતાં ઉમાશંકરની માનસછવિ અહીં સમગ્રભાવે ને એકાગ્રભાવે ઉપલબ્ધ થાય છે તે બાબત મહત્ત્વની છે.