ગામવટો/૭. ડાંગવનોમાં પહેલો વરસાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૭. ડાંગવનોમાં પહેલો વરસાદ

દૂર દૂર સુધીના પહાડો ભીંજાઈ ગયા છે. પળમાં તો સૃષ્ટિનું રૂપ બદલાઈ ગયું છે. ઘડી પહેલાં તો વનરાજી પર તડકો વરસતો હતો, ખીણોમાંય બખોરી વેળાનો ભૂખરો સન્નાટો હતો... ને આ ક્ષિતિજ તગતગતાં પહાડીવનોને માથેય વાદળોના પહાડો. ગર્જના અને પ્રતિગર્જના... સાપુતારાના ‘સર્કિટ હાઉસ’ પાસેની વાંસની જેટી પર ઊભો ઊભો પ્રકૃતિનાં પલટાંતાં રૂપોને જોઈ રહ્યો છું. દૂરનાં વનો અને પહાડી શૃંગો વધારે ને વધારે શ્યામવાદળી થઈ રહ્યાં છે... વનોની શોભા જોવા તો ઊભો છું... રોબર્ટ ફ્રોસ્ટની કવિતા યાદ આવે છે. ‘સ્ટોપિંગ બાય અ વુડઝ ઓન અ સ્નોયી ઇવનિંગ...’ ‘બરફ વરસતી સંધ્યા ટાળે વનો પાસે થોભતાં!’ અહીં પણ બપોરી તડકો નંદવાઈ જતાં અને ‘મેઘના ડુંગરા ડોલતાં' આવી ચડતાં સાંજનું સંમોહક વાતાવરણ રચાયું છે...! હું તો મારાં ઘણાં ઘણાં કાર્યો સંપન્ન કરીને ‘મનને ખાલી કરવા’ – ‘મન મોકળું કરવા’ આવ્યો છું! એટલે મારો ઘોડો મને ઘંટડી વગાડીને સભાન કરતો નથી. બલકે અંદરથી હણહણાટ જાગે છે – આ વનોમાં અશ્વવેગે ફરી વળતું મન કહે છે... ‘હાશ!’ જોઈ લે, ધરાઈને જોઈ લે...’ તો વળી ચિત્તમાં પડઘો ઊઠે છે – પૂર્વસૂરિને ઊઠેલો એવો— ‘સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે...’ જોકે સમગ્ર ચેતના પર ‘આનાથી આશ્ચર્યોનું’ સામ્રાજ્ય છે. વિધાતાનાં વાળ્યાં અસલ અટવી ઊઘડી રહ્યાં...’ એવા આ પ્રદેશમાં કવિતા સમક્ષ ઊભો છું... ને સામે ‘આ નરદમ વરસે નેહ...' અંદરબહાર આજે તો બારે મેહ ઊમટ્યા છે... વનોમાં વનોનો વરસાદ, તોફાની ઘોડાઓ જેવો દોડતો વરસાદ જોવાનું ટાણું છે. સાપુતારાની પહાડીઓ ચઢતાં તળેટીમાં આવેલું અને જોવું ગમેલું તે ગામ અહીંથી હવે સ્પષ્ટ દેખાય છે, ફલક પર ચીતર્યા જેવું, પણ નિર્જીવ નહિ. માલેગાંવ. નામ મરાઠી, પણ ગામ તો ગુજરાતી, ડાંગી કહો ને! ઘડી પહેલાં માલેગાંવ પર તડકો વરસતો હતો... તડકો નહિ, જાણે અલખની કૃપા... કેવું રળિયામણું દૃશ્ય ! હથેળીમાં ઊંચકી લઈએ એવાં નાનાં નાનાં નાળિયેરી ઘરો, ફળિયાં! પીળચટી વાંસભીંતો; છાપરાં બધાં રાતાં રાતાં... સાંજના તડકામાં ચઢાવેલો આછો ગુલાલ, ગોરાડું–રાતી માટીનાં ખેતરો, ચોખ્ખાં કરેલાં–ખેડેલાં, તે વરસાદની વાટ જોતાં, ચાદરો પાથરી હોય એવાં ચોપાસથી ગામને ઘેરી વળેલાં ખેતરો – ખાલીખમ, પણ તડકે છલકાતાં હતાં. ને ખેતરો પછી ઊભેલાં સાગસાદડનાં ઊંચેરાં ઝાડઝાડવાં – ચોકી કરવા ઊભેલાં તે કહેતાં ના હોય જાણે – કે ‘તમે અમને ગામવટો દીધો, સીમવટો દીધો તો ભલે! પણ હવે આટલેથી તો આઘાં નહિ જઈએ !' એ વૃક્ષોમાં કળાતી થોડી ઉદાસી.... જોઉં છું તો પલળી ગયું છે માલેગાંવ ! એનાં ઘરો–ભીંતો–નળિયાં–ફળિયાં–ખેતરો બધાં જ જળમય થઈને ઝળહળી ઊઠ્યાં છે! માલેગાંવ ! જાણે નીધરલેન્ડ–એમસ્ટરડેમના કોઈ પરંપરાગત સ્થપતિએ ડિઝાઈન કરેલું અને ઇટલીના પહાડી ભૂખંડ પર વસેલું ના હોય ! એવું માલેગાંવ. મને માલેગાંવમાં જઈને વસવાનું મન થયું. ક્યારેક અજાણ્યા મલકની માયા લાગે છે. માલેગાંવમાં, મારા એમ. ફિલ.ના વિદ્યાર્થી હતા એ પ્રભુભાઈ ચૌધરીએ એક દાયકો પ્રાથમિક શિક્ષકની નોકરી કરેલી. એક વર્ષ ૨જા લઈને પ્રભુભાઈ એમ. ફિલ. કરવા આવ્યા હતા. ડાંગી–ફૂકણા લોકકથાઓ પર એમનું સંશોધન ચાલે છે. તે મને કહે ‘સર, માલેગાંવમાં મેં વાંસ–માટીનું નાનકડું ઘર બનાવેલું છે... હાલ તો બીજાને એમ જ આપી દીધેલું છે. આપણને એ રાતવાસો રહેવા દેશે...’ મારો તો ગામડિયો જીવ તે ધૂળથી રાજી. માલેગાંવમાં વટલાયેલું મન વળતાં રોકાવાની વાતે અટલ થતું જાય છે. આગળ તડકો ને પાછળ વાદળછાયાઓ પછી વછૂટતો મેઘ! તડકો દૂર ને દૂર જતો હતો ને વરસાદ ધીમે ધીમે આખી દિશાને ધારાવસ્ત્રમાં બદલતો આગળ વધતો હતો. ડાંગવનોમાં આમ ફરી વળતા વરસાદને જોતો ઊભો છું. ઘડીવાર તો દિશાઓ રાખોડી રાખોડી, કંઈ કળાતું નહોતું. હવે ધીમે ધીમે વરસતો મેઘ ભળાય–સંભળાય–કળાય છે; સોઢાય છે એની પહાડી વનીલ સુગંધ ! દૂરનાં શૃંગો જ નહિ, ભીંજાઈ ગયેલી કેડીઓ પણ ચોખ્ખી ચળકી ઊઠે છે... પણ પાછી ભીંજાયેલી વન્યબાળા શી એ તો ચાલી જાય છે. સાગસાદડનાં વનોમાં – ખોવાઈ જાય છે વાદળીભરી ખીણોમાં... જતી આવતી એ મૂંગી કેડીઓ મારા પગ સુધી આવી પહોંચી છે. મારી કિશોરવયના પગ એ ભીંજાયેલી કેડીઓ પર ફરવા નીકળી પડે છે! રાતી માટી અને એવાં જ ડહોળાં પાણીમાં મારા પગ પણ લાલ લાલ... આવી કેડીઓ ૫૨ નિશાળેથી સાથે પાછી વળતી અને શ્રાવણીવેળામાં ભીંજાઈ ગયેલી એ કિશોરીઓ યાદ આવે છે ! આ વન્ય કેડીઓ પર ચાલનારી મુગ્ધાઓને જોવા મન લલચાય છે – વરસાદ થંભ્યો છે, પણ વૃક્ષો તો હળુહળુ વરસી રહ્યાં છે... વહી નીકળેલાં ને ખીણોની ખબર પૂછતાં ઝરણાં સંભળાય છે. ભીંજાયેલા આ ગિરિનગરમાં હરડેના ઝાડ સાથે હુંય ભીંજાઈ ગયો છું! સાપુતારામાં આ ક્ષણે એકલા હોવાના આનંદ અને અફ્સોસની સંમિશ્ર લાગણી અનુભવતો મારા જેવો સભર છતાં ખાલી અને ખાલી છતાં સભર બડભાગી બીજો તો ભાગ્યે જ કોઈ હશે ! ડાંગના લોકોને મન ડાંગ તો છે દંડકારણ્ય ! રામના વનવાસની ભૂમિ – પંચવટીમાંથી ફરતાં ફરતાં એ અહીં સુધી આવ્યા હશે. ‘રામ રામ’ એવું પરસ્પરને પ્રેમથી કહેતાં આ ડાંગીલોકો અતિથિ માટે અદકેરો આદર ધરાવે છે. આંગણે આવેલા મોંઘેરા મહેમાનનાં ચરણોમાં (અક્ષરશઃ) માથું મૂકીને ભાવ પ્રગટ કરતાં ઘરનાં વડીલો કંકુચોખાથી તિલકવિધિ કરીને પ્રસન્ન થાય છે. આમ ભોળાં અને ભાવુકલોક, પણ વાંક દેખે તો વીફરતાં વાર ના કરે એવાં. વાંસમાટીનાં ઘરો ને ડુંગરઢોળાવોમાં ખેતી; વન્ય પેદાશો પર નિર્ભર જીવન. શ્રદ્ધાળુ એટલાં જ અંધશ્રદ્ધાળુય તે. શિક્ષણ ને સગવડો હવે દાયકાથી સડકો લઈ આવી છે. બાકી નર્યું પ્રાકૃતિક જીવન. તળ, મલક અને અસલ સિકલ. બાવટા–બંટીને મળતું આવતું ધાન્ય ‘નાગલી’ ડાંગનો મુખ્ય પાક અને ખોરાક છે. હવે તો ડાંગર, મકાઈ પણ પકવે છે. શેરડી ને શાકભાજી ઉગાડનારાય છે. નાગલી પકવવા કે ‘ધરુ' (એ લોકો ‘તરુ’ કહે છે.) નાખવા ડાંગીઓ ઢોળાવો પરનાં ખેતરોની માટીને બાળે છે. આખાં ખેતરોમાં ઘાસ–પાંદડાં તથા ઝાડીઝાંખરાં પાથરીને આગ મૂકે છે... માટી બળતાં નકામાં ઘાસનાં બીજ બળી જાય છે તેથી નીંદામણ થતું નથી, બળેલી જમીન ફળદ્રુપ હોય છે. દૂર દૂર સુધી આવાં બળેલાં કાળી માટીનાં ખેતરો દેખાયા કરે છે. હવે ચોમાસામાં આ ખેતરો નાગલીથી લીલછાઈ જશે. નાગલીના રોટલા, અડદની દાળ, ફણસીનું શાક તથા (એમને તો 'ચીકન' સહજ છે.) કાકડનું અથાણું... ‘મહુડી પીધા’ પછી આવો ખોરાક ખાતાં ડાંગીઓ હવે તો પાક્કાં થતાં જાય છે! સાપુતારાની વાટે જતાં અંબિકા, પૂર્ણા તથા કાવેરી જેવી નદીઓ સાથે કેટલાય પહાડી વહેવાઓ આવ્યા કરે છે. મહુડાંનાં ઝાડનાં ઝુંડ વચ્ચે એક ગામ આવે છે – નામ એનું ‘મહુડીવાસ!’ ચૈત્રમાં કેવું મહેકી ઊઠતું હશે આ જનપદ, પણ સાકરપાતળ ગામની પાછળની ટેકરીઓમાં કુંડા ગામ છે – નાની પહાડી માથે ગામ. પ્રભુભાઈ ચૌધરીનું ગામ. એમણે પહાડની કૂખે ઘર બાંધ્યું છે. વાંસની ભીંતો માથે નળિયાં અને તળિયાં પીળી માટીથી લીંપેલાં. એની પડશાળમાંથી દેખાય છે ત્રણે દિશાઓને ઘેરીને ઊભેલી ગિરિમાળાઓ – જાણે કોઈ પરલોકમાં ના હોઈએ! પહાડો પર સાગસાદડનાં વનો. નીચે ખીણમાંથી વહી આવી બીજી ખીણે વળી જતી આખડપાખડ નદી. એના એક પડખેથી શરમાતી–સંકોચાતી આવતી સળેકડી જેવી સડક, અહીંથી દૂર વસતિમાં ભાગી છૂટવા માગતી હોય એવી વહી જાય છે, પણ પેલા સામેના પહાડો પર ચઢતી–ઊતરતી કેડીઓ તો આદિવાસી બાળા જેની – જાય ને આવે ! બિન્ધાસ્ત ! ડુંગર ચઢતી કેડી (બે બાળાઓ પણ) જોઉં છું ને મનમાં યાદ આવે છે પ્રિયકાન્તની પંક્તિઓ –

આ પર્વત શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે...

પણ ચાંદની રાતોમાં પહાડો પર ચંદ્ર વ૨સતો હશે ત્યારે પેલી પંક્તિઓ વધારે સમજાતી હશે–

‘આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે...'

આ તો છે વઘઈનાં જંગલો– સાગસાદડનાં પહાડીવનો. કુંડાના આ ઘરની પડસાળેથી જોઈ રહું છું સામે ઊભેલા પહાડોને ! માથે વાદળાં ગોરંભાયાં છે. પવનની આછી લહેરો છે... આ દૃશ્યો મને સ્કોટલેન્ડની પહાડી ધરતી સાથે ફાર્બસ સંદર્ભે જોડે છે. પોતાની શેષ જિંદગી ઘરડી માના તથા માતૃભૂમિના સાંનિધ્યમાં ગાળવા ઇચ્છતા એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે ડભોઈના મહાજનો પાસે હીરા સલાટની પાદરે રઝળતી શિલ્પાકૃતિઓ માગી હતી – ‘ધૂમકેતુ’ની વાર્તા ‘વિનિપાત’માં આ વાત વણાયેલી છે. ફાર્બસસાહેબનું સ્કોટલેન્ડનું ઘર આવા જ પહાડી ઢોળાવ ૫૨ અને ડુંગરોની હારમાળા સામે હતું. એય એની પડસાળમાં પેલા સુંદર શિલ્પો ગોઠવીને પ્રકૃતિ સંગે નિરાંતે જીવવા ચાહતા હતા. કુંડા ગામની આ ક્ષણે હું એ દૃશ્યો સાથે એકાકાર છું ત્યારે મારી સાથે આવેલા માય ડિયર જયુ તો નિવૃત્તિ પછી અહીં જ વસી જવા ચાહે છે. પાછા વળતાં જોઉં છું તો બધે જ વરસાદ વરસી ચૂક્યો છે. ઢોળાવો પરનાં ખેતરોમાં બળદ અને પાડા હવે જોડીને ખેતીકામ શરૂ થઈ ગયું છે. ખેડાતી માટીમાંથી ઊઠતી સુગંધ લેવા ગાડી ઊભી રખાવું છું. પાસે છે ઊંચાં સાદડનાં ઝાડ. આ સાદડ એ જ અર્જુનવૃક્ષ! અહીં સુધી સીતાને શોધવા આવી ચઢેલા રામે કદાચ આવા જ કોઈ ઊંચેરા અર્જુનવૃક્ષને પૂછ્યું હશે.– ‘તારી શાખાઓ તો ઊંચે ને દૂર સુધી પ્રસરી છે... તેં મારી સીતાને કશે જોઈ છે?’ અર્જુનવૃક્ષે એનાં ફરકડી જેવાં ફૂલો ખેરવીને રામને ટાઢવ્યા હશે. વરસાદમાં ભીંજાયેલાં એ ફરકડી જેવાં ને સુક્કાં કથ્થાઈ ફૂલોને ખોબામાં ભરીને સૂંધ્યું છે – આછી સુખડગંધ – જાણે સીતારામનાં પુરાણાં વસ્ત્રોમાંથી આવતી હશે એવી! મારું મન પુનઃ છલકાઈ ઊઠે છે. સાદડનાં ફૂલોને સાચવીને બૅગમાં મૂકું છું. સાંજ પડવા આવી છે. પ્રભુભાઈ અમને વઘઈ–વાંસદા સુધી વળાવવા નીકળ્યા છે. એમના મિત્ર વસંત તુંબડા વનીલ ઉદ્યોગ કો. ઓ. સોસાયટીમાં કાર્ય કરે છે. એ તથા ગાડીચાલક વિનોદ અને સાથીદાર નરેન્દ્ર પણ છે. સૌ અમને મળીને રાજી છે. હજી નાગલીના રોટલા તથા ફણસીનું શાક ખવરાવવા ચાહે છે. વરસાદ પાછો શરૂ થયો છે. ભગવા રંગનાં પાણી ઊછળતાં વહેળાઓ જોશમાં વહેતાં ફીણ ઉછાળે છે. પહાડીની કૂખમાં ગામ આવે છે. પલળતું, શાંત ! આવા જ કોઈ ડુંગરની ખીણમાં ગાંભુ નામે ગામ હશે, પાંચા પટેલનો આવો જ શેરડીનો વાઢ હશે... ને ભાત આપવા પહાડી વાટે ગયેલી મધુરી બાળા મીઠીને વાઘ ઉપાડી ગયો હશે. મારા ડિલમાં આછી કંપારી ફરી વળે છે. આવી પહાડી સફરમાં ‘મીઠી માથે ભાત’ મને હંમેશાં યાદ આવે છે. જાણે મીઠી મારી સ્તો બહેન હતી! વાંસ–માટીનાં નાનાં નાનાં નળિયેરી ઘરોનાં ડાંગી ગામ પલળતાં પલળતાં જંપી જવામાં છે. વરસાદમાં મૂંગાં. આંગણે ઢોર ને પડસાળે ચૂપ બેસીને દૂરના આભને આખો જન્મારો તાક્યા કરતા આદિવાસી પુરુષો... રસ્તો પલળતાં ધણ–ગોવાળ અને રમીને વળતાં છોકરાં, સૂની કેડીઓ અને ઊભાં ઊભાં ઊંઘવા માંડેલાં સાગસાદડનાં વનો! સાપુતારાને તો અલિવદા આપી છે, પણ માલેગાંવ અને કુંડ તો મારી સાથે ને સાથે જ છે...