ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/લંડનનાં કેટલાંક કલાતીર્થ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૭
રઘુવીર ચૌધરી

લંડનનાં કેટલાંક કલાતીર્થ





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • લંડનનાં કેટલાંક કલાતીર્થ - રઘુવીર ચૌધરી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની


‘ધ નેશનલ ગેલેરી’ લંડનના પ્રવાસીઓ માટે એક તીર્થભૂમિ છે. રાજમહેલની પાસે ટ્રફાલગર સ્ક્વેર નામની જગ્યાએ આ ચિત્ર-સંગ્રહ આવેલો છે. ભૂમધ્ય સાગરમાં આવેલી ટ્રફાલગર નામની જગ્યાએ બ્રિટિશ સેનાપતિ નેલ્સને નેપોલિયનના નૌકા કાફલાને હરાવેલો અને પછી એ પોતે વીરગતિ પામેલો. અહીં લડનમાં યોગ્ય જગ્યાએ ટ્રફાલગર સ્ક્વેરમાં કીર્તિસ્તંભની ઊંચાઈએ નેલ્સનની પ્રતિમા મૂકેલી છે. અને એની ફરતે નીચે હાથીથી પણ મોટા સિંહ રચેલા છે. આ કીર્તિસ્તંભ અને ગેલેરીની વચ્ચેના વિસ્તારમાં ફુવારા છે અને વરસાદમાં પલળવા ટેવાયેલાં હજારો કબૂતર છે. તમારા હાથમાં ખાવાની વસ્તુ હોય અને એ તમે કબૂતર માટે ખુલ્લી રાખો તો એ ઊડી આવે. હાથ પર બેસે, ખભે બેસે, માથે પણ બેસે. તમને વૃક્ષનું ગૌરવ આપે, અને સંખ્યામાં ઘણાં હોય તોપણ કબૂતર લડ્યા વિના ખાય. આ સ્થળે બે વાર જવાનું બન્યું. શ્રી હીરાલાલ શાહ સાથે બસમાં અને શ્રી વિનોદ કપાસી સાથે કારમાં. કબૂતર સાથે ભળી જઈને ફોટા પડાવવાનો અહીં ભારે મહિમા છે. અહી થોડી વાર રોકાઈએ એટલે નેશનલ ગેલેરીનાં ચિત્રો માણવાની યોગ્યતા જાગે. ઈ. સ. ૧૮૨૪માં લંડનમાં ‘ધ નેશનલ ગૅલેરી’ની સ્થાપના થઈ હતી. યુરોપના કલારસિક દેશોએ આ પહેલાં એમને ત્યાં આવા ચિત્ર-સંગ્રહો શરૂ કરી દીધા હતા. ‘ધ વિયેના ગેલેરી’ પેરીસ કરતાં પણ બાર વર્ષ અગાઉ ઈ. સ. ૧૭૮૧માં સ્થપાઈ હતી. લંડનનું આ મકાન ઈ. સ. ૧૮૩૮માં ખુલ્લુ મુકાયું હતું. આ ગેલેરીનાં ઘણાં ચિત્રો વિશ્વવિખ્યાત છે. બધાં જ ચિત્રોની સપૂર્ણ સૂચિ અને વિવરણ સુલભ છે. ઈટાલી, નેધરલેન્ડ, જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, સ્પેન અને બ્રિટનની વિવિધ ચિત્રશૈલીઓના પ્રવર્તકો અને એમનાથી પ્રભાવિત ચિત્રકારોનાં મૂળ ચિત્રો જોવાનો આ પ્રથમ અનુભવ હતો. અઢારમી સદી સુધીનાં ચિત્રોમાં કલ્પનાનું તત્ત્વ, સ્વપ્નિલ રચનાનું તત્ત્વ નહોતું એમ નથી, તેમ છતાં મનુષ્ય અને પ્રકૃતિનાં યથાતથ લક્ષણો ઝીણવટથી આલેખવા પર જે ભાર હતો એને કારણે મને થયું કે છેલ્લાં સાતસો વર્ષના યુરોપમાં હું એક સાથે હરીફરી રહ્યો છું. આ ચિત્રોમાં જે મનુષ્ય છે એનો સંબંધ જેટલો ધર્મ સાથે એટલો જ પ્રકૃતિ સાથે છે. અહીં જળ અને સ્થળનું અજબ સંતુલન છે. અન્ય જીવો પ્રકૃતિના ભાગ બનીને જ અહીં મનુષ્યની પડખે છે. દાનની સૃષ્ટિનાં પ્રતીકો છે તો લીલા પર્વતો પણ છે. એક બાજુ મનુષ્યો લૌકિક માયા-મમતા અને ભૂલો સાથે છે તો બીજી બાજુ અડધી જગા રોકીને ઊભેલા ઈશુ છે. અરે, કુંવારી માતા અને શિશુનાં ચિત્રો જ કેટલાં બધાં છે! યુદ્ધનાં ચિત્રોમાં ઠેર ઠેર ઇતિહાસની જાણીતી ઘટનાઓ પણ અંકિત થયેલી છે. એમાં અનુભવાતી નાટ્યાત્મક એટલે કે જીવંત ક્ષણ અને વર્ણન-કથનની ચિત્રકલાગત શક્યતા સહૃદયોને ધન્ય કરે. ટર્નર (ઈ. સ. ૧૭૭૫થી ૧૮૫૧)નાં ચિત્રો જોઈને મનુભાઈ રાજી થઈ ગયા. એમને અગાઉથી ખબર પણ હતી કે ટર્નર પ્રકૃતિનો – પ્રકૃતિકેન્દ્રિત સૃષ્ટિનો મહાન સર્જક હતો. ખૂબીની વાત એ છે કે જે ટર્નરનો સમય છે એ જ વર્ડ્ઝવર્થનો સમય છે. એકે રંગ અને રેખામાં સૃષ્ટિને ઝીલી છે, બીજાએ શબ્દમાં. બંને પ્રકૃતિની સંનિકટ છે. બલ્કે કહેવું તો એમ જોઈએ કે બંને પ્રકૃતિમાં છે અને બંનેની અંતસ્થ પ્રકૃતિ અહીં વ્યક્ત થઈ છે. ક્યારેક કોઈ ખાસ વ્યક્તિના નિવાસનું એના પરિવેશ સાથે અંકન થયું છે ત્યારે સૂર્ય-ચંદ્ર આદિ દ્વારા સૂચવાતો સમય પણ રંગોમાં ઝિલાયો છે. મેં કહ્યું કે આધુનિક ચિત્રકળાનાં કેટલાંક લક્ષણો ધરાવતાં ચિત્રો પણ ટર્નરે કર્યાં છે. ત્યારે મનુભાઈએ એટલું કહ્યું : ‘હા, ધૂંધળાપણું એના પછી આવ્યું.’ એમને આધુનિક ચિત્રકળામાં રસ નથી. બીજે દિવસ અમે ‘ધ ટેટ ગેલેરી’ જોવા ગયા ત્યારે ત્યાં ટર્નર અને પ્રકૃતિના બીજા ઉપાસકોની કૃતિઓ જોઈને એ રાજી થયા, તેમ સંતુષ્ટ પણ થયા, વિનોદભાઈએ દસેક દિવસ પહેલાં જે પગના હાડકામાંથી સળિયો કઢાવી નાખ્યો હતો તેથી એમણે સાચવવાનું પણ હતું. એ બંને થાક્યા. પછીય હું ફરતો રહ્યો અને ક્યુબીઝમ તેમ જ આધુનિક ચિત્રશૈલીઓનાં ચિત્રો જોવા બે પાઉન્ડની ટિકિટ લઈ દાખલ થઈ ગયો. બહાર બંને જણ રાહ જુએ અને હું ચિત્રો જોવામાં ઝડપ કરું ને જીવ બળે. જેમ ચલિચત્રોની કળામાં દૂર, નજીક અને અડોઅડથી છબીઓ લેવાની જરૂર હોય છે તેમ આધુનિક વિભાગનાં કેટલાંક ચિત્રોને જુદા જુદા અંતર અને દૃષ્ટિકોણથી જોવાની ઇચ્છા રોકીને હું માત્ર ચાલીસેક મિનિટમાં જ બહાર નીકળી ગયો. ધાવતા બાળકને કોઈ વિખૂટું ન પાડે પણ એ જાતે જ માતાની છાતી પરથી સરકી પડે અને એણે પગ પર ઊભા રહેવું પડે તેમ હું બહાર નીકળીને ફૂટપાથ પર આવી ગયો. કાર પાર્ક કરી હતી ત્યાં વિનોદભાઈ વિલંબ બદલ બીજો સિક્કો નાખીને પાછા આવી ગયા હતા. હું હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે ચિત્રકળાની બીજી પરીક્ષા ‘ડ્રોઈંગ ઇન્ટરમીડિયેટ’ પાસ કરેલી અને જિલ્લા કક્ષાએ મારાં ચિત્રોને પુરસ્કાર પણ મળેલા. એક વાર ઉમાશંકરભાઈને ત્યાં કાકાસાહેબ હતા. ને હું નાના સંજયને લઈને ગયેલો ત્યારે શું સૂઝ્યું કે મેં એક લસરકે કાકાસાહેબનું રેખાંકન કરેલું અને બરાબર વધેલી દાઢીને કારણે કાકાસાહેબે સ્વીકારવું પડ્યું હતું કે એ રેખાંકન એમનું જ છે. મિત્રોમાં હું કંઈ વધુ પડતા આત્મવિશ્વાસવાળા માણસ તરીકે વગોવાઉં છું પણ હું નમ્રતાનો જરાય ભંગ કર્યા વિના કહું કે સંગીત કરતાં ચિત્રકળામાં મારી ગતિ વધારે છે. હમણાં એક દિવસ હાર્મોનિયમ પર હું રાગ ભૂપાલીની સ્વરમાલિકા ગાતો હતો. ત્યારે પારુએ રસોડામાંથી કહેલુ કે એકલું વાજું વગાડો સાથે ગાશો નહિ. આ રીતે ચિત્ર બનાવતાં મને કદી કોઈએ ટોક્યો નથી. બપોરે ઘરમાં બધાં ઊંઘતાં હોય ત્યારે નાની દીકરી સુરતા કાં તો વાંચે કાં તો ચિત્રો બનાવે. એ અત્યારે સાતમા ધેારણમાં છે. એમ થાય છે કે ક્યારેક એની સાથે આ ચિત્ર ગેલેરીઓ જોવા આવવું જોઈએ. એક ઇતિહાસમાં આપણે અંગ્રેજોની સામે છીએ, બાકીનામાં ઠીક ઠીક પાછળ છીએ. ટેટ ગેલેરીમાં મેં ભારતીય ચિત્રકારોનાં ચિત્રો જોવાની અભિલાષા રાખેલી એ બર ન આવી. સાગરા અને બીજા આધુનિક ચિત્રકારોનાં ચિત્રો યુરોપના દેશામાં ખરીદાયાં છે એવુ સાંભળેલું, તેથી મેં ગેલેરીના અધિકારીને પૂછ્યું. એણે નમ્રતાપૂર્વક કહ્યું કે મેં તો એકેય ભારતીય ચિત્રકારની કૃતિ જોેઈ નથી છતાં તમે કેટલોગ જોઈ લેજો. જોયું. નથી. ભારત આવ્યા પછી મેં શ્રી ગુલામમોહમદ શેખને આ અંગે પૂછ્યું. એમણે કહ્યું કે ગોવાના એક ચિત્રકારની કૃતિ ખરીદાયેલી પણ ત્યાં મુકાઈ નથી. સુવિદિત છે કે આધુનિક ભારતીય ચિત્રકારો પશ્ચિમની મહત્ત્વની ચિત્રશૈલીઓથી પ્રભાવિત છે. આગવી ચિત્રશૈલીના અસાધારણ કલાકાર કે પશ્ચિમને પ્રભાવિત કરનાર કોઈ પ્રવર્તક આધુનિક ભારતમાં થયા હોત તો એમનાં ચિત્રોને અહીં અચૂક સ્થાન મળ્યું હોત. આ શરતને બાજુ પર રાખીએ તો ગુજરાતે છઠ્ઠા-સાતમા દાયકામાં જે ચિત્રકારો આપ્યા છે એમનાં ચિત્રોથી ટેટ ગેલેરીનું ધોરણ નીચું ન જ આવત. અહીં ગોઠવાયેલાં નાના કદનાં ઘણાં બધાં ચિત્રો એકવિધ લાગે. બાહ્ય સૃષ્ટિના યથાતથ આકાર, એનો આભાસ, સ્વપ્નજગત, વિમાનવીકરણ અને વિરચના, સ્વતંત્ર સ્વાયત્ત રૂપરચના અને અંદરના માણસને રંગ અને રેખામાં બહાર લાવી વૈશ્વિક સંદર્ભોમાં એનું પ્રાગટ્ય – આ બધા અભિગમ સમજવામાં મને અવારનવાર રસ પડ્યો છે. આ બે ગેલેરીઓ જોતાં છેલ્લી સાતેક સદીની ચિત્રકળાના વિકાસ સાથે સાહિત્યમાં આવેલા મુખ્ય વળાંકો સરખાવી જોવાનું મન થયું. ધર્મ બંનેમાં મુખ્ય વિષય છે. વિજ્ઞાન આવે છે અને પ્રત્યક્ષ અનુભવનું મહત્ત્વ વધે છે. યંત્રવિજ્ઞાનની મનુષ્ય પરની પકડ પછી સ્વરૂપ અને રચનારીતિમાં જે સંકુલતા આવી છે તે ફરી વિશદતા ધારણ કરશે? ટોયન્બીએ કહ્યું છે તેમ આ યંત્રયુગ પૂરો થતાં ફરી ધર્મ અને અધ્યાત્મનો તબક્કો આવશે. એમ થશે તો અત્યારે વિવિધ કલાઓમાં દાખલ થયેલી સંકુલતા ખાતરની સંકુલતા કે ક્યારેક પ્રયોગખોરીને લીધે જોવા મળતી દુર્બોધતા દૂર થશે. આ બે ચિત્રશાળાઓ સાથે સેન્ટ પેાલ ચર્ચનું પણ સ્મરણ થાય છે. આવું ભવ્ય દેવાલય મેં જોયુ નથી. વળી, ત્યાં ગેલેરીઓમાં વિદ્યાર્થીઓ હતા. તેમ અહીં પણ વિદ્યાર્થીઓ હતા. નાનાં બાળકો ભવ્યતા અને સુંદરતાનો અનુભવ એક સાથે કરે એથી રૂડું શું! તાજમહાલના સૌન્દર્ય કરતાં સેન્ટ પોલ ચર્ચાની ભવ્યતાએ મને વધુ પ્રભાવિત કર્યો છે. મનુભાઈ ગાંધીજીનું વાક્ય બોલ્યા. વિશ્વયુદ્ધ વખતે બોમ્બમારો થતો હતો ત્યારે ગાંધીજીએ કહેલું કે સેન્ટ પોલ ચર્ચ તૂટશે તો એનો મને ભારે આઘાત લાગશે. અંગ્રેજો સામે આઝાદી માટે અહિંસક સત્યાગ્રહ કરનાર ગાંધીજીના મુખમાંથી આવું જ વાક્ય નીકળે, છતાં કેટલાકે એ વખતે ગેરસમજ કરેલી! ‘ગાંધીજી અંગ્રેજ તરફી થઈ ગયા!!’ એમની સર્વધર્મ સહિષ્ણુતાને સમજવાની તૈયારી પણ કોની? બીજા વિશ્વયુદ્ધમાં આ દેવાલયને થોડુંક નુકસાન થયુ હતું અને કલાધર્મી મનુષ્યનું એ સદ્ભાગ્ય કે બચી ગયું. છેલ્લી ચૌદ સદીમાં આ મંદિર અનેકવાર બંધાયું છે. અત્યારની રચના સર ક્રિસ્ટોફર ગ્રેનની છે. એ ઈ. સ. ૧૭૦૮માં પૂરી થઈ અને ૧૫ વર્ષ પછી ૧૭૨૩માં ગ્રેનનું અવસાન થયું . આ કૅથિડ્રલની ઊંચાઈ ૩૬૫ ફૂટ છે. ત્રીસેક માળના મકાન જેટલી લંબાઈ ૫૧૫ ફૂટ છે અને પહેાળાઈ ૨૪૮ ફૂટ છે. અંદર દાખલ થતાં મોકળાશ, સુરક્ષા અને આનંદનો અનુભવ થાય છે. વૈભવને પણ ભવ્યતામાં ઢાળી શકાય તો ધર્મને એનો બાધ નથી.

[બારીમાંથી બ્રિટન, ૧૯૮૪]