ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકસોમ વાચક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કનકસોમ(વાચક) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં અમરમાણિક્યના શિષ્ય. રાજકન્યા ત્રૈલોકસુંદરી સાથેના લગ્નમાં કોઢિયા પ્રધાનપુત્રને સ્થાને જેને બેસવું પડ્યું તે મંગલકલશને પછીથી રાજકન્યા કઈ રીતે શોધી કાઢે છે તેની કથા રજૂ કરતી દુહા, ચોપાઈ અને દેશીની ૧૬૬ કડીની ‘મંગલકલશ-ચોપાઈ/ફાગ’ (ર.ઈ.૧૫૯૩/સં. ૧૬૪૯, માગશર સુદ-; મુ.), પર કડીની ‘જિનપાલિત-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, ભાદરવા-), ૪ ઢાળ અને આશરે ૬૦ કડીની ‘આષાઢાભૂતિ-ચરિત્ર/ધમાલ/રાસ/સઝાય’ (ર.ઈ.૧૫૮૨/સં. ૧૬૩૮, આસોસુદ ૧૦), ૧૧૭ કડીની ‘હરિકેશી-સંધિ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, કારતક સુદ-), ૪૮ કડીની ‘આર્દ્રકુમાર-ચોપાઈ/ધમાલ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, પ્રથમ શ્રાવણ-) ૧૨૨ કડીની ‘થાવચ્ચાશુકસેલગ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૯) તથા ‘હરિબલ-સંધિ’ એ આ કવિની પ્રમાણમાં ટૂંકી એવી કથાત્મક કૃતિઓ છે. ઈ.૧૫૬૯માં આગ્રામાં અકબરની સભામાં પૌષધની ચર્ચામાં કવિના ગુરુબંધુ સાધુકીર્તિએ તપગચ્છના મુનિઓને નિરુત્તર કર્યા તે પ્રસંગને વર્ણવતી, લગભગ એ અરસામાં રચાયેલી જણાતી ૪૯ કડીની ‘જઈતપદ-વેલી’ (મુ.), ક્યારેક ‘શ્રીપૂજ્યભાસ’ને નામે ઓળખાવાયેલી ગચ્છનાયક જિનચંદ્રસૂરિ વિશેની ૧૧ અને ૫ કડીની ૨ ગીતરચનાઓ (બંનેની ર.ઈ.૧૫૭૨; પહેલી મુ.) તથા નગરકોટના આદીશ્વરની કવિએ કરેલી યાત્રાને ગૂંથી લેતું ૧૩ કડીનું સ્તોત્ર (ર.ઈ.૧૫૭૮; મુ.) એ આ કવિની ઐતિહાસિક માહિતીવાળી કૃતિઓ છે. આ ઉપરાંત, આ કવિની ૩૦ કડીની ‘નેમિ-ફાગ’ (ર.ઈ.૧૫૭૪), ૯૦ કડીની ‘ગુણસ્થાનકવિવરણ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૫/સં. ૧૫૩૧, આસો સુદ ૧૦), ૨૯ કડીની ‘નવવાડી-ગીત’ તથા ૧૭ કડીની ‘આજ્ઞાસઝાય-ગીત’ એ કૃતિઓ મળે છે. જિનવલ્લભસૂરિકૃત ૫ સ્તવન પર અવચૂરિ (ર.ઈ.૧૫૫૯) અને ‘કાલિકાચાર્ય-કથા’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, અસાડ સુદ ૫) કઈ ભાષામાં છે તે સ્પષ્ટ નથી. કૃતિ : ૧. ઐજૈકસંગ્રહ; ૨. પ્રાફાગુસંગ્રહ;  ૩. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૫ - ‘નગરકોટકે તીન સ્તવન ઔર વિશેષ જ્ઞાતવ્ય’, અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ: ૧, ૩ (૧,૨); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. [વ.દ.]