ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવાનંદ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવાનંદ-૧ [જ.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, કારતક સુદ ૧૫ - અવ. ઈ.૧૮૫૪/સં. ૧૯૧૦, શ્રાવણ વદ ૧૦] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુકવિ. દલપતરામના કાવ્યગુરુ. ભાલપ્રદેશના બળોલ ગામના વતની. ગઢવી જીજીભાઈ રત્નુ પિતા. બહેનજીબા માતા. મૂળ નામ દેવીદાન. કુશળ ગાયક અને સિતારવાદક. વ્રજભાષાની કાવ્યપ્રણાલીના જાણકાર. સહજાનંદ-સ્વામીએ તેમને બ્રહ્માનંદને સોંપેલા. ઈ.૧૮૩૨માં બ્રહ્માનંદના અવસાન પછી તેઓ મૂળીમાં મહંતપદે આવેલા. અવસાન મૂળીમાં. ૧૨૦૦ ઉપરાંતની સંખ્યાએ પહોંચતાં, વિવિધ રાગોનો નિર્દેશ ધરાવતાં ને તિથિ, વાર બારમાસી, ગરબો, ગરબી ચાબખા વગેરે પ્રકારોનો પણ આશ્રય લેતાં આ કવિનાં પદો (મુ.)માં કૃષ્ણલીલા, સહજાનંદચરિત્ર અને ભક્તિવૈરાગ્યબોધ આલેખાયાં છે. ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ મળતાં આ પદોમાં પરંપરાનો પ્રભાવ વરતાય છે તેમ છતાં તેમાં લોકભોગ્ય સરળતા અને સચોટતા છે, કવચિત પ્રાસાનુપ્રાસની ચમત્કૃતિ છે અને ‘તારે માથે નગારાં વાગે મોતનાં રે’ જેવાં કેટલાંક પદો લોકપ્રચલિત બનેલાં છે. કૃતિ : ૧. દેવાનંદકાવ્ય, પ્ર. નારાયણ સેવાદાસજી, સં. ૨૦૨૫ (+સં.); ૨. દેવાનંદપદાવલિ, સં. જયંત પાઠક, ઈ.૧૯૭૮;  ૩. (અવિનાશાનંદકૃત) કચ્છની લીલાનાં પદો, પ્ર. કોઠારી વ્રજલાલ જીવણ, ઈ.૧૯૪૨; ૪. કીર્તન સારસંગ્રહ : ૧ તથા ૨, સં. હરિજીવનદાસ, સં. ૨૦૦૭ તથા સં. ૨૦૦૮. સંદર્ભ : ૧. દેવાનંદની અક્ષર આરાધના, અમૃતલાલ યાજ્ઞિક, ઈ.૧૯૭૯;  ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી [ચ.મ.]