ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પંચીકરણ’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘પંચીકરણ’ : પારિભાષિક નિરૂપણવાળી અખાની આ કૃતિ પંચમહાભૂતાદિ તત્ત્વોથી થતી પિંડ અને બ્રહ્માંડની રચનાની પ્રક્રિયા-પંચીકરણપ્રક્રિયાને ઝીણવટથી વર્ણવે છે. પણ પંચીકરણની આ પ્રક્રિયાનું વર્ણન સૃષ્ટિની સત્યતા સાબિત કરવા માટે નથી કરવામાં આવ્યું, પણ દેખાતા જગતનું મૂલ કારણ બ્રહ્મ સાચું છે અને એનો અનેકાકાર ભાસતો નામરૂપવાળો વિલાસ ખોટો છે એ સમજાવવા માટે કરવામાં આવ્યું છે. એટલે જ પંચીકરણ પ્રક્રિયાનો પ્રણવવિદ્યા સાથેનો સંબંધ જે પાછળના સંસ્કૃત સાહિત્યમાં વીસરાઈ ગયેલો તે અહીં જોડી આપવામાં આવ્યો છે અને લયયોગ દ્વારા એટલે કે તાત્ત્વિક ચિંતન વડે પોતાનાં પિંડનાં તત્ત્વોને બ્રહ્માંડનાં તત્ત્વોમાં લય સાધી જીવાત્મા પરમાત્મા સાથે અભેદભાવ કેવી રીતે સિદ્ધ કરી શકે અને ક્રમશ: કૈવલ્યમોક્ષની સ્થિતિ સુધી પહોંચી શકે તેનો માર્ગ બતાવ્યો છે. એ નોંધપાત્ર છે કે ૧૦૨ ૪ ચરણી ચોપાઈના બંધમાં મળતી આ કૃતિનો કેટલોક ભાગ ૬ ચરણી ચોપાઈના બંધમાં ‘છપ્પા’ના એક અંગ તરીકે જોવા મળે છે અને બીજા કેટલાક ભાગોમાં પણ ૬ ચરણી ચોપાઈનો બંધ જોઈ શકાય છે.[જ.કો.]