ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મોસાળા-ચરિત્ર’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘મોસાળા-ચરિત્ર’ [ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, ચૈત્ર વદ ૧૩, શનિવાર] : ચોપાઈ, દુહા અને સવૈયાની દેશીઓમાં રચાયેલું ૧૮/૨૧ કડવાંનું વિશ્વનાથ જાનીનું આ આખ્યાન(મુ.) નરસિંહજીવનના મામેરાના પ્રસંગ પર આધારિત છે. પ્રેમાનંદ પૂર્વે મામેરા-વિષયક રચાયેલી કૃતિઓમાં કથાપ્રસંગને વિશેષ રૂપે બરોબર ખીલવી કડવાંબંધવાળી કદાચ આ પહેલી કૃતિ છે. નરસિંહના રથનું વર્ણન, સાસરિયાં ને નાગરસ્ત્રીઓની હાંસી, કુંવરબાઈની ચિંતા, નરસિંહની ઈશ્વરશ્રદ્ધા, સમોવણ માટે ભગવાને વરસાવેલો વરસાદ, પહેરામણીની યાદીમાં લખાવાયેલા ૨ પથ્થર વગેરે મહત્ત્વના પ્રસંગબીજ એકસાથે આ કૃતિમાં મળે છે, જેને પછી પ્રેમાનંદે પોતાના ‘મામેરું’માં વધારે રસિક રીતે ખીલવ્યાં. જો કે ઘણી જગ્યાએ કથાનાં રસબિંદુઓને ખીલવવામાં કે પાત્રમનની લાગણીને નિરૂપવામાં કવિ પ્રેમાનંદની બરોબરી કરે છે અને ક્યારેક પ્રેમાનંદથી પણ વધારે અસરકારક બને છે. નરસિંહજીવનના આ પ્રસંગમાં રહેલા ચમત્કારના અંશોને ગૌણ કરી નરસિંહના વ્યક્તિત્વમાં રહેલાં કૃષ્ણસમર્પણભાવને વધારે ઉપસાવી કવિએ એને ભક્તિરસની કૃતિ બનાવી છે. એક તરફ ભક્તની શ્રદ્ધા, અને બીજી તરફ શ્વસુરગૃહના સંબંધીઓનો અને સમસ્ત નાગર જ્ઞાતિનો ઉપહાસ એ બેની વચ્ચે મુકાયેલી કુંવરબાઈ પ્રેમાનંદની કુંવરબાઈને મુકાબલે ઓછાબોલી અને વધારે શાલીન છે. હાસ્યમાં પ્રેમાનંદ જેટલી શક્તિ કવિ અહીં બતાવતા નથી, તો પણ નરસિંહની વ્હેલનું ચિત્ર ને નાગરસ્ત્રીઓએ મામેરાના નિમંત્રણ વખતે કંઈક હસીમજાકનો ખેલ જોવા મળશે એની ખુશાલીમાં બતાવેલી ઉતાવળ એ આલેખનમાં કવિએ હાસ્યની કેટલીક શક્તિ જરૂર બતાવી છે.[જ.ગા.]