ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયચંદ્ર આચાર્ય-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિનયચંદ્ર(આચાર્ય)-૧ [ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. રાજિમતી અને સખી વચ્ચેના સંવાદ રૂપે ચાલતું ને ૩-૩ કડીના ઝૂમખાને લીધે વિશિષ્ટ સંયોજનવાળું ૪૦ કડીનું ‘નેમિનાથ-ચતુષ્પદિકા’(મુ.) એમાં અનુભવાતી રાજિમતીની ઉત્કટ વિરહવ્યથા અને એમાંનાં મનોરમ વર્ણનોથી ધ્યાનપાત્ર બારમાસીકાવ્ય બન્યું છે. કવિએ ૫૩ કડીના ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૨૮૨; મુ.)ની પણ રચના કરી છે. ‘કલ્પનિર્યુક્તિ દીપાવલિકાકલ્પ’ (ર.ઈ.૧૨૬૯) એ સંસ્કૃતકૃતિ તથા ‘આનંદપ્રથમોપાસક-સંધિ’ એ અપભ્રંશકૃતિ કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. તેરમાચૌદમા શતકનાં ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ.૧૯૫૫; ૨. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૩. પ્રામબાસંગ્રહ : ૧;  ૪. ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક, ઈ.૧૯૭૫-‘શ્રી વિનયચંદ્રસૂરિકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા’ એક બારમાસી કાવ્ય’, રમેશ મ. શુકલ; ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬ - ‘વિનયચંદ્રકૃત બારવ્રતરાસ’, મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. પ્રાકામંજરી; ૫. સંધિકાવ્ય સમુચ્ચય, સં. ર. મ. શાહ, ઈ.૧૯૮૦;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. લીંહસૂચી. [ર.ર.દ.]