ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આગ્રહણકલા
આ-ગ્રહણકલા (Hasosismo) : અનુઆધુનિક કવિતાનું ખાસ લક્ષણ. રચનાઓમાં આવતી સ્વયંઘાતક પંક્તિઓનો એમાં નિર્દેશ છે. આ પ્રક્રિયા ઉપસ્થિતિ અને અનુપસ્થિતિ વચ્ચે હરેફરે છે અને પૂર્વખંડમાં સ્થાપેલાને ઉત્તરખંડમાં ઉચ્છેદે છે. બીજી રીતે કહીએ તો રચનામાં આગલી પંક્તિ જે પુરસ્કારે છે એને પછીની પંક્તિમાં ગોપવી દેવાની કલા છે. આને પૂર્વની પંક્તિમાં જે ગોપવ્યું હોય અને પછીની પંક્તિમાં જે પ્રગટ કર્યું હોય એની સાથે કે પછીની પંક્તિમાં જેને પ્રગટ કરવાનું હોય એને આગલી પંક્તિમાં જે ગોપવ્યું હોય એની સાથે ગૂંચવવાની જરૂર નથી. જેમકે ‘એ આવ્યો એ સ્થળે, જ્યાં એ હતો જ’ અહીં પૂર્વખંડ એક નિશ્ચિત અને પરિચિત જગતને સ્થાપે છે પણ ઉત્તરખંડમાં એને ઉસેટી લે છે. કેટલાક દક્ષિણ અમેરિકન કવિઓની અને ખાસ તો અમેરિકન કવિ જોન એશબરીની રચનાઓમાં આ કલાપ્રવિધિ વધુ અખત્યાર થયેલો જોવા મળે છે.
ચં.ટો.