ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દેશી નામમાલા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



દેશી નામમાલા : હેમચંદ્રાચાર્યકૃત દેશ્ય શબ્દોના સંગ્રહરૂપ આ કોશ ‘રત્નાવલી’ (રયણાવલી) અને ‘દેશી શબ્દસંગ્રહ’ના નામથી પણ પ્રસિદ્ધ છે. ગ્રન્થના પ્રારંભની ત્રીજી ગાથામાં આ કોશની રચનાનું પ્રયોજન નિર્દેશતાં કોશકારે જણાવ્યું છે કે જે શબ્દો સંસ્કૃતપ્રાકૃત વ્યાકરણોના નિયમો દ્વારા સિદ્ધ થયા નથી, સંસ્કૃત કોશોમાં મળતા નથી અને અલંકારશાસ્ત્રપ્રસિદ્ધ ગૌડી લક્ષણાશક્તિને અભીષ્ટ અર્થપ્રદાન કરતા નથી, તેને જ દેશી માનીને આ કોશમાં નિબદ્ધ કર્યા છે. પોતાની રચનામાં કયા દેશી શબ્દોનો સંગ્રહ અપેક્ષિત છે, તેની સ્પષ્ટતા કરતાં હેમચંદ્રાચાર્યે જણાવ્યું છે કે ‘જે દેશી શબ્દો પ્રાદેશિક બોલીઓમાં પ્રસિદ્ધ છે, તેની સંખ્યા અનંત છે, તેથી સર્વનો સંગ્રહ શક્ય નથી. અહીં એ જ દેશી શબ્દોનું સંકલન કરવામાં આવ્યું છે કે જે અનાદિકાળથી પ્રાકૃત-ભાષામાં પ્રચલિત છે.’ આ કોશમાં કુલ ૭૮૩ ગાથાઓ છે. તે ગાથાઓ સ્વરાદિ, ‘ક’વર્ગાદિ, ‘ચ’વર્ગાદિ, ‘ટ’વર્ગાદિ ‘ત’વર્ગાદિ, ‘પ’વર્ગાદિ, ‘ય’કારાદિ અને ‘સ’કારાદિ – એમ આઠ વર્ગોમાં વિભક્ત કરવામાં આવી છે. આ વર્ગોમાં શબ્દોને તેમની અક્ષરસંખ્યાના ક્રમથી મૂકવામાં આવ્યા છે – અને અક્ષરસંખ્યામાં પણ અકારાદિ વર્ણાનુક્રમથી શબ્દ મૂક્યા છે. ભારતીય ભાષાઓના ક્રમિક વિકાસ અને ઐતિહાસિક અધ્યયન માટે આ કોશ ઉપયોગી છે. નિ.વો.