ચાંદરણાં/ટોળું
- ટોળું માત્ર બોલે છે, સાંભળતું નથી.
- ટોળું કહે છે બસ સાંભળો, બોલો નહીં.
- માણસ પોતાનો ચહેરો ઘેર મૂકીને ટોળામાં જોડાય છે.
- ટોળામાં ભળે તે સૌના ચહેરા એક બની જાય છે.
- ટોળું પોતે ચીસ પાડે છે, બીજાને પણ ચીસ પડાવે છે.
- ટોળાની શિસ્ત લશ્કર થાય, લશ્કરની અશિસ્ત ટોળું થાય.
- ટોળું વંટોળિયા જેવું હોવા છતાં ઊંચે જતું નથી.
- કળિયુગમાં રામનો નહીં, ટોળાનો મહિમા છે.
- યાત્રાના માર્ગે હવે સંઘ નહીં, ટોળું જાય છે.
- ટોળાને એક વિકરાળ આશયની ભૂખ હોય છે.
- એક ટોળું આપોઆપ જ બીજું ટોળું રચે છે.
- ટોળામાં કોઈ કોઈને અનુસરતું નથી, ઘસડાય છે.
- વિચાર પર આશય વિજય મેળવે છે ને ટોળું રચાય છે.
- ટોળું એ ખંડિત કરવા માટેની એકતા હોય છે.
- વિચાર ન કરવો પડે તે માટે ટોળું ઘાંટા પાડે છે.
- દરેક ટોળું છૂટકમાં નહીં જથ્થાબંધમાં જ માને છે.
- કોઈપણ ટોળામાં ‘હું’ ગુમ થઈ જાય છે.
- ટોળું, ટોળાને મળે છે, માણસ, માણસને મળતો નથી.
- પોલીસવાળો લાઠીચાર્જને બદલે ફંડફાળો માંગે તો ટોળું જલદી વિખેરાઈ જાય.
- ટોળાનો માણસ સ્વતંત્ર હોઈ શકતો નથી.
- ટોળામાં કોઈ માણસના હાથમાં ફૂલ નથી હોતું.
- સાઉન્ડ સિસ્ટમની શોધ થઈ છે એ વિશે ટોળું જાણતું નથી.