તારાપણાના શહેરમાં/અપ્રગટ અગ્નિની ગઝલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અપ્રગટ અગ્નિની ગઝલ

એક અસ્તિત્વનું ધૂંધળું સ્વપ્ન છું
સહેજ સાકાર થાવા દે લ્હાવો મને
કાષ્ઠમાં વ્યાપ્ત અગ્નિ છું, પણ સુપ્ત છું
કાઢ ચકમક ને દે એક તણખો મને

એક બાજુથી ક્ષણ ક્ષણ સૂસવતો પવન
કૈંક ઉત્તેજનાઓથી શ્વસતો મને
બીજી બાજુથી પળ પળ આ છલકાતું જળ
સાવ રાખે પલળતો પલળતો મને

મારી ઊંડેથી આકાશ ઊઘડ્યા કરે
વિશ્વભર વ્યાપવા દે દિશાઓ મને
મારી માટી તસોતસ ત્વચાઓ બની
જકડી રાખ્યા કરે ભોંયભેગો મને

આગિયો કે દીવો, વીજળી કે સૂરજ
કે તને જે ગમે તે દે ચ્હેરો મને
આગ પ્રગટાવ આ લાકડામાં હવે
એક વેળા તો કર અહીંથી છુટ્ટો મને

તેજમાં કે તિમિરમાં પછી ઓગળું
પણ ઘડી બે ઘડી તો જરા ઝળહળું
કૈં કહું, સાંભળું, વેદનામાં બળું
તું ખુશીથી પછી કરજે ટાઢો મને