નવલકથાપરિચયકોશ/સૂરજની પાર દરિયો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૯૭

‘સૂરજની પાર દરિયો’ : વીનેશ અંતાણી

– ડૉ. મીનલ દવે
Surajni par dariyo.jpg

લેખક પરિચય : વીનેશ અંતાણી જન્મતારીખ : ર૩ જૂન ૧૯૪૬ એમ.એ. સુધીનો અભ્યાસ કરનારા વીનેશ અંતાણીએ થોડો સમય ભુજની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપ્યા પછી આકાશવાણીનાં વિવિધ કેન્દ્રોમાં ફરજ બજાવી અને સ્ટેશન ડાયરેક્ટર તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેઓ ગુજરાતી ‘ઇન્ડિયા ટુ ડે’ના સિનિયર કોપી એડિટર પણ રહી ચૂક્યા છે. દસ વાર્તાસંગ્રહ, ચોવીસ નવલકથા, ચાર અનુવાદો, થોડા નિબંધો અને આત્મકથા ‘એક હતો વીનેશ’ના આ સર્જકને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ઈ. ૨૦૦૦માં ‘ધૂંધભરી ખીણ’ માટે મળ્યો છે. નિર્મલ વર્માની રચના ‘માયાદર્પણ’ના અનુવાદ માટેનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અનુવાદ પુરસ્કાર પણ તેમને મળ્યો છે. એ ઉપરાંત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો એમણે મેળવ્યા છે. અધિકરણ માટે પસંદ કરેલ નવલકથા : ‘સૂરજની પાર દરિયો’ લેખક : વીનેશ અંતાણી પ્રથમ આવૃત્તિ : જાન્યુઆરી, ૧૯૮૫, પ્રકાશક : આર. આર. શેઠની કંપની, મુંબઈ, અમદાવાદ. ‘સૂરજની પાર દરિયો’ નવલકથા પુસ્તકરૂપે પ્રકાશિત થઈ એ પૂર્વે ‘નવનીત સમર્પણ’માં હપ્તાવાર પ્રગટ થયેલી અને વાચકોએ ઉમળકાભેર એને વધાવેલી. વાર્તાલેખનથી પોતાનું સર્જન આરંભનારા વીનેશ અંતાણીએ શરૂઆતમાં તો પ્રયોગશીલ પ્રકારની વાર્તાઓ લખવાની મથામણ કરી હતી. પરતું કરવા ખાતર પ્રયોગો કરવાનું એમને અનુકૂળ ન આવ્યું. આખરે પરંપરા અને પ્રયોગો વચ્ચેનો મધ્યમમાર્ગ એમણે સ્વીકાર્યો, જેમાં તેઓ પોતાની સર્જકતા અને મૂળભૂત સંવેદનો સાથે પ્રગટ થઈ શક્યા. વિવિધ આયામોથી માનવસંબંધોને તાગવાનું એમને વધારે ગમ્યું છે. એમની નવલકથાઓની સફળતાનું એ પાયાનું તત્ત્વ પણ છે. પ્રિયજન, પલાશવન વગેરે એ પ્રકારની નવલકથાઓ છે, જે ગુજરાતી સાહિત્યમાં નોખો ચીલો ચાતરીને લખાઈ છે. ‘સૂરજની પાર દરિયો’ સંબંધોની સંકુલતાને આલેખવા ઉપરાંત મનમાં ઊંડે ધરબાઈ ગયેલી સંવેદનાઓને પામવા મથતી નાયિકાની કથા છે. નાયિકા કોશા – મૂળ નામ તો કોશામ્બી, પણ બધા કોશા જ કહે – આશુ સાથે પંદર વર્ષથી લગ્ન જીવન ગાળી રહી છે. વિધૂર સસરા, દેર ઋત્વિજ અને દીકરી રીના સાથે કોશાનો સંસાર સુખેથી પસાર થઈ રહ્યો છે. પતિ, પુત્રી, સસરા, દેર બધાની સગવડો, સમય સાચવતાં સાચવતાં કોશા પણ ઘરનું એક યંત્ર, સાધન બની ગઈ, એની એને પણ ખબર નથી. પરણીને આવી ત્યારે કવિતાની ભાષામાં વિચારતી અને એ જ રીતે આશુ પાસે વ્યકત થતી કોશા આશુની મજાકોને લીધે એ અનુભવને ભૂલવા લાગી હતી. પરંતુ એને ખબર પણ ન પડે એમ એકલતાના પરપોટામાં કેદ થવા લાગી હતી. પોતાને માટે જીવવાનું ભૂલી ગઈ હતી. પરંતુ હવે ઘરના બીજા સભ્યોના સંદર્ભમાં જીવતાં જીવતાં અચાનક જ એ થાકી ગઈ હતી. ધંધામાં વ્યસ્ત આશુને બહાર જવાનું ગમતું નહીં. ત્યાં રીનાને શાળામાંથી ટ્રીપમાં જવાનું થયું અને કોશાએ સામે ચાલીને આશુ પાસે ગોવાનો પ્રવાસ માગી લીધો. એનું બીજું હનીમૂન જ્યાં માત્ર પોતે અને આશુ જ હોય, નાનાં નાનાં સુખના થોડા છાંટા ઊડતા હોય, એકલતાને બદલે બે વ્યક્તિ વચ્ચેનું ગમતું એકાંત કોશાને જોઈતું હતું. આશુની ફેક્ટરીમાં ઊભી થયેલી સમસ્યા વચ્ચે કોશા, આશુ ગોવા પહોંચ્યાં, મહામુશ્કેલીએ પણજીની હોટલમાં રૂમ મેળવી, હજી તો રીનાના હોમવર્ક, બાપુજીની ખાંડ વિનાની ચા, ઋત્વિજને રોજ ઢંઢોળીને ઉઠાડવાનો, આશુના બૂમબરાડા વગેરેમાંથી થોડા સમય માટે મળેલી મુક્તિનો આંનદ કોશા માણવાનું શરૂ કરે, ત્યાં જ આશુને મુંબઈ પરત થવાનું બન્યું. એ નહોતો ઇચ્છતો કે કોશા એકલી પણજીમાં રોકાય, પરંતુ કોશાને ખબર હતી કે મુંબઈ ગયા પછી પાછા ગોવા નહીં આવી શકાય. એણે આશુ વિના એકલા જ પણજીમાં રહેવાનું સ્વીકાર્યું. અજાણી જગ્યામાં એકલા અને સંદર્ભહીન સ્થિતિમાં મુકાયેલી કોશાની ચેતનાએ દબાઈ ગયેલી સંવેદનાઓને જાણે ફરી જાગતી કરી આપી. પોતાને ઓળખવાની આ યાત્રામાં આશુના ગયા પછી એક સાથીદાર એને મળી ગયો. નંદ, ઓએનજીસીનો ઇજનેર એવો નંદ વયમાં કોશાથી કદાચ બે-એક વર્ષ નાનો હશે. રણમાં ખોદકામથી થાકે એટલે આવા પ્રવાસે નીકળી પડે. નાની નાની ક્ષણોને માણે, જીવનને ભરપૂર ચાહે. અનાયાસે બંધાયેલી આ દોસ્તીથી કોશાએ પોતાને નવેસરથી ઓળખવા માંડી. આશુ સાથેના લગ્નજીવનથી એ જરા પણ દુઃખી નથી. ખૂબ સુખ મળ્યું છે. હવે તો ઘરમાં દેરાણી પણ આવવાની છે. પરંતુ આ સુખ અને સુવિધા ભરેલી જિંદગીની યાંત્રિકતામાં કોશાની અસલ ઓળખ ક્યાંક ખોવાઈ ગઈ હતી, જેમ ઇતિહાસમાં કોશામ્બી નગરી દટાઈ ગઈ, એ જ રીતે. નંદના સહવાસથી એ કોશામાં ફરી પ્રાણ પુરાયા. ગોવાના વિવિધ બીચ પર ફરતી કોશા નંદના સંદર્ભે આશુને પણ ઓળખવા મથે છે. અત્યાર સુધી તો દરિયામાં આથમતા સૂરજને જોયો, ત્યારે ત્યાં લગીના દરિયાને જોયો હતો. પણ એ સૂરજની પેલે પાર પણ દરિયો છે જ, જેની ઓળખ નંદના પરિચયને લીધે થઈ શકી. નંદ સાથેનો એનો સબંધ એટલો તો નાજુક, કોમળ અને અંગત છે કે એ કોઈને પણ એ સંબંધમાં સહભાગી બનાવવા ઇચ્છતી નથી. એ આશુને પણ નંદ વિષે કશું નહીં કેહવાનું નક્કી કરે છે કારણ કે નંદ સાથેના સમયગાળામાં એ માત્ર એક સ્ત્રી હતી, ન પત્ની, ન મા, ભાભી, ન પુત્રવધૂ. માત્ર સંવેદનોના જંગલમાં ગૂંચવાતી એક સ્ત્રી, જ્યાંથી બહાર આવવામાં નંદનું હોવું મદદરૂપ સિદ્ધ થાય છે. દરિયામાં આથમતા સૂરજને પેલે પાર દેખાતું દૃશ્ય કેવું હશે, એ જોવામાં નંદ એની ભેરે આવ્યો છે. અને જ્યારે એ દૃશ્યની મુખોમુખ કોશા ઊભી છે, ત્યારે નંદ એના જીવનમાંથી ખસી જાય છે. કોશા એને ક્યારેય ફરી મળી શકવાની નથી. આશુના મુંબઈ જવા સાથે શરૂ થયેલી નવલકથા આશુના પાછા આવવાની પળ પાસે પૂરી થાય છે. આખી નવલકથામાં ઘટનાતત્ત્વ ઘણું પાંખું છે. પતિની ગેરહાજરીમાં અજાણ્યા પુરુષ સાથે ગોવાનાં વિવિધ સ્થળો અને દરિયાકિનારે ફરતી સ્ત્રીના ચાર દિવસની આસપાસ નવલકથાનું જગત રચાયું છે. ઢોલકીવાળો, પાનવાળા ભૈયાજી, મજૂર, વેઈટર વગેરે ગણીએ તો પણ દસથી વધારે પાત્રો નવલકથામાં નહિ હોય. સર્જક વીનેશ અંતાણીને બહાર બનતી ઘટનાઓ કરતાં કોશાનાં ચૈતસિક આંદોલનો આલેખવામાં વધારે રસ છે. એના મનની ભીતર ધરબાઈ ગયેલી બીજી કોશાને બહાર ખેંચી કાઢવા માટે એમણે જે બીજાં પાત્રોનો સહારો લીધો છે તે નંદ શારકામ નિષ્ણાત છે. એની ઉપસ્થિતિ કોશાના મનમાં શારકામ કરે છે. અહીં નંદ જેટલી જ અગત્યની ભૂમિકા દરિયો પણ ભજવે છે. દરિયાનાં વિવિધ રૂપો કોશાના મનની છબી જાણે ઝીલતાં હોય એવું લાગે છે. આશુના પાત્રને જરા ભૂખરા રંગે લેખકે ચીતર્યું છે. કોશાને શરૂઆતના તબક્કામાં જ સમજાઈ ગયું છે કે ભૌતિક સુવિધાઓના વિશ્વમાં રાચતો આશુ પોતાની ઊર્મિઓને સમજી શકવાનો નથી. એટલે જ સાવ અજાણ્યા એવા નંદ પાસે એનું મન એ ખુલ્લું કરે છે. બીજા પક્ષે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના બંધાયેલો આ નાતો ગુજરાતી કથા સાહિત્યમાં અનોખો છે . એમની કોઈપણ નવલકથાની જેમ અહીં પણ વીનેશ અંતાણીએ ભાષાની સર્જનાત્મકતા પાસેથી ઉત્તમ કામ લીધું છે. કાવ્યાત્મકતા, કલ્પનો, દરિયાનાં વર્ણનો, કોશાની મનોસ્થિતિના વિવિધ તબક્કાઓ, નંદનો ક્યારેક નાટકીય વ્યવહાર, વગેરેના વિનિયોગથી નવલકથામાં જુદી જ ભાતનું વિશ્વ રચાયું છે. નારી મનોભાવની, એની એકલતાની, વેદનાની નવલકથા હોવા છતાં એના સુખની ક્ષણોને ઝીલવાનું પણ લેખક ચૂક્યા નથી. સંવાદો મમળાવવા ગમે તેવા છે. ફિલોસોફીનો ભાર ન લાગે એ રીતે જીવનનું ચિંતન પણ નવલકથાના પોતમાં વણાતું આવ્યું છે. શીર્ષકની સાર્થકતા અને ભાષાની ઊર્મિશીલતા ‘સૂરજની પાર દરિયો’ને ગુજરાતી નવલકથાને જુદા જ માર્ગે લઈ જવામાં સફળ નીવડી છે.

મીનલ દવે
નિવૃત્ત પ્રાધ્યાપક, શ્રી જયેન્દ્રપુરી આટ્ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજ, ભરૂચ
વાર્તાકાર, અનુવાદક, વિવેચક
મો. ૯૮૨૪૧૫૩૫૨૨
Emailઃ minaldave૧૧૧@gmail.com