નારીસંપદા : ટૂંકી વાર્તા/બ્રેવ ગર્લ
એકતા નિરવ દોશી
‘કૅન્સર કેર’ બોર્ડ જોતાં એને લાગ્યું એનું હૃદય ઊછળીને બહાર આવી જશે. અંદર ગયા પછી એની સાથે શું શું થશે એવા વિચારો અનિચ્છાએ પણ આસપાસ ઘૂમરાયા કરતા હતા. હજુ સુધી નખમાંય રોગ નહોતો. ન તો વર્ષમાં એકાદ વારથી વધારે તાવ આવતો હતો કે ન ક્યારેય સાદી શરદીથી વધારે કશી બીમારી. બાળકોની સુવાવડ સિવાય ભાગ્યે જ દવાખાના તરફ જોવું પડ્યું હતું. હા, ક્યારેક ચક્કર આવી જતાં પણ એને કારણે અહીં કૅન્સર હૉસ્પિટલ આવવું પડશે એ તો વિચાર્યું જ નહોતું. રિયા કારની અંદર બેઠાં બેઠાં જ થાકી ગઈ. બહાર નીકળવાને બદલે ક્યાંક ભાગી જવું હતું. જોકે, હવે ટૂંક સમયમાં જ જવાનું તો હતું કાયમ માટે... લગીર ધ્રુજારી આવી ગઈ. ‘કૅન્સર એટલે કૅન્સલ જ થયું ગણાય...’ આજ સુધી અલગ અલગ જગ્યાએથી આવું જ સાંભળ્યું હતું. અંદર જતાં જ જાણે જીવંતતાને મોતના ભયનો સાપ ડંખી ગયો હોય એવા ચહેરા દેખાતા હતા. ક્યાંક ગલોફામાં ટાંકા લીધેલાં લાચાર મોઢાં, તો ક્યાંક કેમોથી ખરી ગયેલા વાળ, ક્યાંક અશક્તિથી વ્હીલચેર પકડી લીધેલી યુવાની, તો ક્યાંક મને શું થયું છે એ કુતૂહલમાં ચકળવકળ થતી બાળ આંખો. સઘળું કર્કના તીક્ષ્ણ પંજામાં ભીંસાઈ ચૂર ચૂર થઈ રહ્યું હતું. રિયાને એ પંજાબી પક્કડ પોતાની અંદર પણ ક્યાંક અનુભવાઈ. ખૂંચે એવી, વાગે એવી, ધારદાર બટકું ભરી, માંસનો લોચો તોડી લે એવી. હૉસ્પિટલના પરિસરમાં પગ મૂકતાં જ નાની બાળકી દોડી જતી દેખાઈ. ડૉક્ટરથી, દવાથી ભાગતી રિયા. દવા જોઈને જ ઉબકા કરતી રિયા. ડૉક્ટરના નામે દાદીના પાલવની ઓથે છુપાઈ જતી રિયા. ‘ના, ના. દવાઓ તો નહીં જ, નહીં જ ખાઉં.’ નાનકડી રિયા કોઈક વાર લેવાં પડતાં ઇન્જેક્શનથી ભાગતી રહેતી. દવાની ટીકડીઓ એ કોઈ ના જુએ એમ ગટરમાં ફેકી દીધી. ઇન્જેક્શનની સોય જોઈ ભેંકડો તાણતી, દવાખાનું જોઈને જ ડરી જતી રિયા. “રિયા, રિયા ! ક્યાં ખોવાઈ ગઈ? આર યુ ફીલિંગ વેલ !” પતિએ ઢંઢોળી. ખભા ઉપર એક હાથ મૂકી બીજો હાથ પકડી એને આગળ દોરી. “ઓહ, યસ ! હું એકદમ બરોબર છું.” એણે આગળ ડગ ભર્યા. અત્યાર સુધીના જીવનમાં ઘણી વાર બોલી હતી કે ડૉક્ટર પાસે નહીં જાઉં કે દવા નહીં લઉં તો મરી નહીં જાઉં. પણ હવે બોલાય એવું રહ્યું નહોતું. રેડિયોલૉજી સેન્ટરમાં થયેલા બધા ટેસ્ટે પાક્કું કરેલું કે ડૉક્ટર પાસે તો જવું પડશે જ, અને છતાંય મોત... નાનપણમાં જ દૂરનાં એક દીદીને કૅન્સરથી મરતાં જોયાં હતાં. દીદી ગુજરી ગયાં ત્યારે એમનો દીકરો માત્ર ત્રણ વર્ષનો. નમાયા એ દીકરાને મોસાળમાં, પોતાના ઘરે હડધૂત થતો જોયો હતો. ‘પણ, પણ મારો વરુણ તો કૉલેજમાં આવી ગયો છે. પોતાને સંભાળી લેશે.’ એણે પોતાને મજબૂત કરવાના પ્રયાસમાં જાતને ટપારી. ‘અને શનાયા? એ તો હજુ માંડ પંદરની’ જિજીવિષા બહાનાં શોધતી હતી. શનાયાએ તો હજુ કિશોર અવસ્થામાં ડગ ભર્યા હતા. હજુ ડગલેપગલે મમ્મીના ન હોવાથી એ કિશોરીને ફરક પડવાનો હતો. તરુણીથી યુવતી બનવાના પડાવ મમ્મી વગર પસાર કરવા થોડાક તો અઘરા પડે. દવાખાનામાં આગળની ફૉર્માલિટી પૂરી કરવા માટે જતાં પગ ડગમગી ગયા. હૉસ્પિટલના રિસેપ્શન ઉપર પતિ ફૉર્મ ભરતો હતો. ડૉક્ટરને આવવાને થોડી વાર હતી. એ સોફા ઉપર બેઠી. હજુ પગ ધ્રુજતા હતા. જ્યારે જ્યારે વેક્સિન કે અન્ય કોઈ ઇન્જેક્શન લેવું પડતું ત્યારે પપ્પા હસીને કહેતા, “રિયા ઇઝ અ બ્રેવ ગર્લ !” એ વાક્ય ફરી ફરી મનમાં બોલી. શનાયાના વિચારોમાં ખોવાઈ ગયેલી રિયાને કૉલેજ જતી યુવાનીના ઉંબરે ઊભેલી રિયા દેખાઈ. હંમેશાં ચહેરા ઉપર એક હળવા મલકાટનો લસરકો લઈને ફરતી રિયા ખાસ સુંદર નહોતી છતાંય જોનારની નજર ઘડી ભર તો અટકી જ જતી. “એક્સક્યુઝ મી, મિસ ! શું આપને મૉડલિંગની ઇચ્છા ખરી?” મુંબઈ ગયેલી રિયાને કોઈએ અટકાવી હતી. “કેવું મૉડલિંગ?” રિયાએ પૂછેલું. “બિકીની મૉડલિંગ. બિલીવ મી, જરાય ચીપ નહીં લાગે. તમારું ફિગર...” કહેનાર તો કડક શબ્દોમાં ના સાંભળી નીકળી ગયો પણ રિયાના મનમાં ઊથલપાથલ કરી ગયો. એ પછી રિયા અરીસામાં પોતાના વળાંકો નીરખતી થઈ ગઈ હતી, ખરેખર બિકીનીમાં શોભી ઊઠે એવા ! એ વળાંક હવે થોડા બદલાયા હતા, પણ હજુય જોવા ગમે એવા તો હતા જ. શું એની જગ્યાએ સપાટ મેદાન થઈ જશે? “પેશન્ટ નંબર 3. રિયાબેન.” અવાજ આવ્યો અને પતિએ એને હાથ આપ્યો. પતિ એના કરતાં વધારે ચિંતામાં દેખાયો. જાણે છેલ્લા ચાર દિવસમાં રિયાની બીમારીની ચિંતાએ એકાએક એની ઉંમર પણ વધારી દીધી હતી. “પ્લીઝ, મને કાંઈ નથી થયું. આવી રીતે કારણ વગર ચિંતા કરી મને અને તમારી જાતને બીમાર નહીં બનાવી દો. મને કાંઈ જ નથી થવાનું, જરા હસતા રહો.” એણે મોઢા ઉપર એનું કાયમી સ્મિત પહેરી પતિના હાથમાં હાથ પરોવ્યો. “આટલાં વર્ષે ઓળખતા નથી? રિયા ઇઝ એ બ્રેવ ગર્લ...” એણે પતિ તરફ પહોળું સ્મિત ફરકાવી કહ્યું. “તમારા ગાયનેકૉલૉજિસ્ટ સાથે વાત થઈ ગઈ છે. રેડિયોલૉજી રિપોર્ટ્સ અને એક્સ-રે જોઈને ડિસ્કસ કરી લીધું છે. તમને ખ્યાલ હશે સામાન્ય ગાંઠ હોય તો અગાઉ બીજા ટેસ્ટ પણ કરાવાતા હોય છે. પણ આ ગાંઠ સામાન્યની વ્યાખ્યાથી ઘણી મોટી છે.” ડૉક્ટરસાહેબનાં ચશ્માં પાછળની નજરો જાણે એની હિંમત માપતી હતી, ઈંચમાં, વર્તુળના પરિઘમાં. “જે પણ હોય ડૉક્ટર ! વી આર ઓકે વીથ ધેટ.” રિયાએ જ જવાબ આપ્યો. “હું ખોટું નહીં બોલું, ડૉક્ટર છું, આશ્વાસન કે પ્રાર્થનાની બદલે સમજણ જ આપીશ. એક વાત સમજો. ચાલીસ પછી આ પ્રકારની વધારે મોટી ગાંઠને અમારે કૅન્સર તરીકે જ ટ્રીટ કરવાની રહે છે. શક્યતાઓના છેદ ઉડાડતા જવાના. છતાંય એક પણ ડાઉટ રહે તો... લેટ્સ હોપ ફૉર ધ બેસ્ટ.” ડૉક્ટરના શબ્દો તીરની જેમ ખૂંચ્યા. હમણાં જ એક કાકી આ કૅન્સરમાં જ ગુજરી ગયેલાં. ખબર પડી એના ત્રીજા મહિને જ. “પણ મને તો ક્યારેય સામાન્ય તાવય...” રિયા બોલવા ગઈ પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. “જુઓ ભાઈ, આજે કૅન્સર લા-ઇલાજ નથી રહ્યું. બીજું, હવે કોઈ અંગ દૂર કરવું પડશે એવું પણ નથી રહ્યું. ફક્ત એક નાનો કાપો અને પછી થોડો આરામ.” રિયાને લાગતું હતું કે ડૉક્ટર પતિને સાવ ઠાલું આશ્વાસન આપતા હતા. “હું અત્યારે પહેલાં ચેકઅપ કરીશ. જરૂર લાગશે તો આપણે બાયોપ્સી કરાવવા મોકલીશું. બેન, તમે આ નર્સ સાથે જાઓ. હું પાંચ મિનિટમાં આવું છું.” યમદૂત જાણે સંદેશો આપી ગયો, પાંચ મિનિટ... એ નર્સ સાથે ચેકઅપ રૂમમાં ગઈ. “બેન, ટૉપ કાઢી નાંખો. સાહેબ આવીને ચેક કરશે.” નર્સનો મશીની અવાજ આવ્યો. એને થયું કે, આ હૉસ્પિટલવાળા રોબૉટ નર્સ રાખવા માંડ્યા કે શું ! આ નર્સ સ્ત્રી થઈને સ્ત્રીસહજ સંકોચ સમજતી નથી. હા, ત્રણ દિવસ અગાઉ રેડિયોલૉજિસ્ટ પાસે અનાવૃત્ત થવું પડેલું પણ એ તો સ્ત્રી હતી. “કોઈ લેડી ડૉક્ટર...” આગળ કશું બોલ્યા અગાઉ એને ટુવાલ આપી દેવામાં આવ્યો. શરમ, સંકોચનાં આવરણ ડૉક્ટરના હાથ વડે ટુવાલ હટવાની સાથે આંખોમાં ટુવાલ બનીને ઢંકાઈ ગયાં. ગ્લવ્ઝ પહેરેલો સંવેદનહીન હાથ બધે ફરતો રહ્યો, કશું શોધતો રહ્યો. શોધખોળમાં કોઈ પુરાવો હાથમાં આવ્યો હોય એમ એ સંવેદનહીન હાથ, એકાદ જગ્યાએ અટક્યો, જડતાપૂર્વક દબાયો અને પછી પોતાનું ગ્લવ કચરાપેટીમાં ફેંકી બહાર નીકળી ગયો. “બેનને બાયોપ્સી માટે સેમ્પલ લેવાના રૂમમાં લઈ લો. હાલ જ બાયોપ્સી સેમ્પલ લેવાનું છે. રિયાબેન, રિપોર્ટ કરાવવા મુંબઈ લેબમાં મોકલવું પડશે તો ત્રણ-ચાર દિવસ લાગશે.” ડૉક્ટરસાહેબ સમજાવી નીકળી ગયા. બાયોપ્સી રૂમમાં બીજા બે માણસો વધ્યા. ફરી એક વાર આવરણો દૂર થયાં. આ વખતે તો શરમનાં પણ... આંખો બંધ પણ ન થઈ. એક નાનકડું ઇન્જેક્શન ભોંકાઈ ગયું. ચેતાતંત્રને હંગામી લકવો લાગી ગયો, હવે તો રિયાનું શરીર પણ નર્સ અને ગ્લવ્ઝવાળા હાથની જેમ સંવેદન ખોવા માંડ્યું હતું. “જુઓ, રિયાબેન ! ડરવાની જરૂર નથી. હાલ થોડીક દવાઓ આવશે. પછી કદાચ નાનકડું ઑપરેશન...” ડૉક્ટર બોલતા જતા હતા. એમના હાથમાં બાયોપ્સી સ્લાઇસ કલેક્ટ કરવા માટે મોટું પંચિંગ મશીન હતું. ‘રિયા ઇઝ અ...’ પપ્પાના શબ્દો ફરી યાદ કર્યા. પોતાને મજબૂત કરતી રિયા ઘેનમાં સરવા લાગી. ‘જો મને ખબર પડી જાય ને કે જીવવા માટે ગણતરીના દિવસો રહ્યા છે તો ભરપૂર જીવી લઉં.’ યુવાનીમાં મિત્રોને તાળી આપતાં બોલેલી રિયા યાદ આવી. કૅન્સરને ઝિંદાદિલીથી જીવતાં ફિલ્મનાં પાત્રો યાદ આવ્યાં. મરવાની છે એ ખબર પડી ત્યારથી પતિ માટે બીજી પત્ની શોધતી હિરોઇન યાદ આવી. મૃત્યુના ડરને ધુમાડામાં ઓગાળી દેતા લોકો યાદ આવ્યા. યાદ આવ્યા એને બ્રેવ ગર્લ કહેતા પપ્પા. “હર પલ યહાં જી ભર જીઓ, જો હૈ સમા કલ હો ન હો” એના કાનમાં મધ માફક ઘોળાયું અને અચાનક બંધ આંખે એના મોઢા ઉપર પરમ શાંતિ છવાઈ ગઈ, જાણે કે એ સાવ નિઃસ્પૃહ થઈ ગઈ, બધો જ સ્વીકાર. આંખ ખૂલ્યા પછી પણ સ્વીકાર અકબંધ રહ્યો. જિંદગી જીવી લેવાનો સ્વીકાર. દરેક પળ ખર્ચી લેવાનો સ્વીકાર. સ્વીકાર સ્વજનોને અલવિદા કહેવાનો. હૉસ્પિટલની બહાર નીકળવાની સાથે જ મનમાં આવતા થોડા દિવસોમાં પૂરાં કરવાનાં કામોની યાદી બની ગઈ હતી. “વરુણ, તારી બંગાળી બિપાશા બાસુને કહે, એનાં માબાપને મળવું છે.” એના અવાજમાં ઉત્સાહ હતો. જતાં જતાં દીકરાને એની ખુશીઓથી દૂર નહોતો રાખવો. “પણ મમ્મી, તને તો માછ-ભાત ખાતી છોકરીના સંસ્કાર સાથે...” દીકરો પપ્પાની સામે આશ્ચર્યથી જોવા લાગ્યો. પતિ સામે જોઈ રિયાએ આંખોથી જ કશું જણાવવાની ના પાડી. “તારી ખુશીથી વિશેષ મારા માટે કોઈ ધર્મ નથી.” ભગવાન પાસે તો જવાનું જ છે, એમને મનાવી લેવાશે, એણે વિચાર્યું. જાણે એક પછી એક કામ પૂરાં કરી લેવાનો અમલ પણ શરૂ થઈ ગયો હતો. ઘણું કરવાનું હતું. ખુશીઓ સમેટી લેવાની હતી. “શનાયા... આજ સાંજે તારા હાથનાં ભાખરી-શાક ખાવાં છે.” ઘરને પોતાના વગર જીવવાની આદતો આપવાની હતી – શનાયાને તો ખાસ. મમ્મા વગર એક ડગલું ન ભરતી કિશોરીને ઝડપથી જવાબદાર યુવતીમાં તબદીલ કરવાની હતી. એણે નક્કી કર્યું કે રોજ એક એક કામ એને સોંપતી જશે અને દીકરીમાં પાકટતા આવતી જશે. “ભાભી... સૉરી ! ભૂલ તો કોઈની પણ હતી. માફી હું માંગું છું. માફ કરી દો ને ! બેય ભાઈઓને ફરી એક કરવા માટે તમે કહો એ કરવા તૈયાર છું.” છૂટી ગયેલા સંબંધને ફરી બાંધી લેવાના હતા. જેઠાણીના કરેલા કાવાદાવા હવે તેને ક્ષુલ્લક લાગતા હતા. “અરે ! પણ રિયા... એક જ દિવસમાં તારે દુનિયા ફેરવી નાખવી છે?” પતિ એને ઓરડામાં લઈ જઈને પલંગ ઉપર સુવડાવતાં બોલ્યો. “તમે તો સમજો. સ્વીકારીએ કે ન સ્વીકારીએ કૅન્સર એટલે કૅન્સલ જ...! મારા પછી તમે એકલા ન પડવા જોઈએ. મારે કોઈ અફસોસ સાથે નથી મરવું. કોઈ મને મનદુઃખ સાથે યાદ કરે કે કડવાશ સાથે મારી મોત ઉપર આવે, એના કરતાં આજે જ કરી લેવા દો ને – બધું જ.” રિયા પ્રેમથી બોલી. “જેટલું કરી શકું એટલું તો કરી લેવા દો...” “રિયા, સાચે તું...” પતિની આંખ ભરાઈ આવી. “રિયા ઇઝ અ બ્રેવ ગર્લ... મારા પપ્પા કહેતા. હવે તો તમે પણ માનો છો ને?” રિયાએ પતિની આંખો લૂછી. “સાંભળો છો, મારી છેલ્લી ઇચ્છા પૂરી કરશો? મારે વર્લ્ડ ટૂર કરવી છે. મારાં ઘરેણાં, બચતો, મારે શું કામ આવશે? ભલે નવા દેશમાં, અજાણી ધરતી ઉપર પ્રાણ છોડવા પડે પણ જવું તો છે જ.” પછી તો બે દિવસમાં વર્લ્ડ ટૂરનાં કપલ પૅકેજ જોવાઈ ગયાં હતાં. પાછલી જિંદગી માટે રાખેલી અમુક બચતો તોડી રિયાની ઇચ્છા પૂરી કરવાનું નક્કી થયું. અઠવાડિયામાં પૈસા ભરવાના હતા. ચાર દિવસ પછી રિપોર્ટ આવ્યા. કોઈ ઘરમાં નહોતું. અત્યાર સુધીમાં મોતને સ્વીકારવા તૈયાર થઈ ગયેલી રિયાના હાથ કવર ખોલતાં ધ્રૂજી ઊઠ્યા. કેટલામું સ્ટેજ હશે? કેટલા દિવસો બાકી? કેટલી યાતનાઓ સહન કરવી પડશે? કવર ખોલી રિપોર્ટ વાંચતાં વાંચતાં રિયા રીતસર ધ્રુસ્કે ચડી ગઈ. આંખ સામે ઘરમાં માછ ખાતી બંગાળી વહુ દેખાઈ. રોજ હેરાન કરતી જેઠાણી દેખાઈ. એક હાથમાં વર્લ્ડ ટૂર માટે ફિક્સ ડિપૉઝિટ તોડવાનું ફૉર્મ અને બીજા હાથમાં નૉર્મલ રિપોર્ટ દેખાયો. અને એણે પોતાને કહ્યું, “રિયા ઇઝ અ...!”
❖