પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૨.

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીનું ભાષણ

ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન
બારમું અધિવેશન: અમદાવાદ
ઓક્ટોબર: નવેમ્બર: ૧૯૩૬

મહાત્મા ગાંધી
ઈ.સ. ૧૮૬૯

આ બારમા સંમેલનથી પરિષદની બેઠકને બદલે સંમેલનનું અધિવેશન પ્રધાન બન્યું. ગુજરાતના પાટનગર અમદાવાદમાં આ સંમેલન મળ્યું હતું. એ પાટનગરને તજીને ગાંધીજી તો વર્ધાની કુટીરમાં બિરાજ્યા હતા. ગુજરાતી સાહિત્યને અરે એ સાહિત્યની પરિષદને પોતાના વિશાળ કાર્ય પ્રદેશમાં સ્થાન આપવા શ્રી. મુનશીએ ગાંધીજીને વિનંતિ કરી. અને ગાંધીજી પણ એક ગુજરાતી સાહિત્યકાર તો ખરા જ ને. એમણે એ વિનંતિ સ્વીકારી અને અમદાવાદને આંગણે જગતની એ મહાન વિભૂતિથી પરિષદનું સંમેલન દીપી ઊઠ્યું. ગુજરાતના લોકજીવનનો કયો પ્રદેશ ગાંધીજીથી કે એમની પ્રવૃત્તિથી અસ્પૃષ્ટ રહ્યો છે? અને સાહિત્ય એ પણ લોકજીવનનો એક પ્રવાહ છે એટલે ગાંધીજી સાથે ગુજરાતી સાહિત્યનો સંબન્ધ પણ બહુ ગાઢ છે. એમણે પોતે વીર, શાન્ત અને કરુણ રસનાં અનેક ચિત્રો ગુજરાતી સાહિત્યને અર્પ્યાં છે. એમની સ્વસ્થ શૈલી અને તેજસ્વી પ્રતિભાએ ગુજરાતી સાહિત્યમાં અનોખી ભાત પાડી છે. એમની પૂર્વેના યુગના પાણ્ડિત્યના ભારમાંથી એમણે ગુજરાતી ભાષાને મુક્ત કરી છે. દીર્ઘસૂત્રિતાને એમણે ગુજરાતી સાહિત્યમાંથી દૂર કરી છે. ગુજરાતી ભાષાના સ્વાભાવિક માધુર્યમાં એમણે અનેક વાર ઓજસ પૂર્યું છે અને લોકહૃદયના પ્રસુપ્ત ચેતનને જાગ્રત કર્યું છે. ગાંધીજી જેવા પુરુષ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે હોય એ અવસર પરિષદ માટે અપૂર્વ હતો. એમની આંખ આગળ જ ગુજરાતની જોડણી એકધારી કરવાના પ્રયાસો થયા અને વ્યાપક બન્યા. એમના આશીર્વાદથી જ આજે વિદ્યાપીઠનો જોડણીકોશ ગુજરાતી ભાષાની જોડણીને સ્થિર સ્વરૂપ આપતો આગળ ધપતો જાય છે. ગુજરાતી ભાષા અને સાહિત્યને અમદાવાદના આ સંમેલનમાં એમના આશીર્વાદ મળ્યા એ સદ્ભાગ્ય પણ ઘણું મોટું જ ગણાય. ગુજરાતનું પાટનગર અને મહાનમાં મહાન વિદ્યમાન ગુજરાતી પ્રમુપપદે એવી આ સંમેલનની અપૂર્વતા ઇતિહાસમાં બીજે સ્થળે ભાગ્યે જ મળશે.

ઉપોદ્‌ઘાત

તમારી પાસે ભાઈ મુનશીએ જે વાત કરી તે સત્યથી વેગળી છે. તમને એમણે કહ્યું કે ’૨૫ની સાલમાં મેં ઊલટથી કહી દીધું કે પ્રમુખ નહિ જ થાઉં અને દરખાસ્ત આવશે તો લાચારી બતાવીશ. એ તો ઠીક. પણ મુનશીએ ઉતાવળમાં કહી દીધું કે જેટલી ઊલટથી તે વખતે ના પાડી હતી એટલી જ ઊલટથી આ વખતે પ્રમુખપદનો મેં સ્વીકાર કર્યો એ વાત ગલત છે, સત્યથી વેગળી છે. તે દહાડે આ પદ માટે હું લાયક નહોતો જ. આજે તેથી યે ઓછો લાયક છું. આ પદ લેવા હું જરા યે ઉત્સુક જ નહોતો છતાં મેં પદ સ્વીકાર્યું છે, પણ તે ઊલટથી નહિ. એ તો ધર્મસંક્ટ થઈ પડ્યું એટલે આવ્યો. જે મિત્રો પાસેથી કામ લેવા માગતો હોઉં તેઓ મારી પર ભાર લાદે ત્યારે સ્વીકારી લઉં છું. સ્વીકાર કર્યા પછી તો હું પડ્યો માંદો. મેં કહેવડાવ્યું કે મહેરબાની કરી મને જવા દો અને આ અધિવેશનનું કામ ઉકેલી લો. પણ હું રહ્યો ‘મહાત્મા’, એટલે આ વાત કોણ માને? હું કોના હૃદયમાં મહાત્મા હઈશ એ તો કોણ જાણે? પણ અલ્પાત્મા તો મારા હૃદયમાં થઈ જ ગયો છું. ‘મહાત્મા’ના શબ્દો મોળા પડ્યા, માંદો પડ્યો અને ન આવી શક્યો. વળી બીજી મુશ્કેલી આવી. સેગાંવમાં બે જણ માંદાં પડ્યાં અને મને થયું કે નહિ જવાય તો અલ્પાત્માનોયે અલ્પાત્મા થઈ જઈશ. અમુક સ્થિતિમાં હા પાડી હોય તો કોઈક સંજોગોમાં ના થઈ શકે છે એમ શાસ્ત્રો કહે છે. પણ હું તો અક્ષરને પાળનારો રહ્યો એટલે આવ્યો; પણ દર્દીઓ બચી ગયા છે અને હું આવીને બેઠો છું.

ક્ષમાયાચના

મેં આશા રાખી હતી કે પરિષદમાં આવતાં પહેલાં બધું સાહિત્ય એકઠું કરીને વાંચી લઈશ અને બધું વાંચીને ભાષણ તૈયાર કરીશ. પણ આજે હું દેવાળિયો છું. ભાષણ ન લખી શક્યો, અને લેખિત ભાષણની આશા છોડજો એમ કહેવડાવ્યું. ત્યાં દર્દીની સેવા છોડી શકું એમ નહોતું. પછી રાજકોટમાં શાન્તિની આશા રાખી હતી, પણ ત્યાં મિનીટે મિનીટ ભરાઈ ગઈ. અહીં આવ્યો ત્યાં તો જ્વાળા સળગી છે એમ જોયું. માલિકો અને મજૂરો વચ્ચે ઝગડો ચાલે છે. રાત્રે પણ કાંઈક જોઈ જઈશ એવી આશા હતી, જોવાની સામગ્રી પણ કઢાવી હતી. પણ અહીં આવ્યો ત્યાં સુધી હું મહત્ત્વની વાતોમાં જ રોકાયેલો રહ્યો. એટલે મારે શું કહેવાનું છે એ વિષે નોંધ પણ નથી કરી લાવ્યો. આના કરતાં વધારે નાલાયક પ્રમુખ કોઈ ચૂંટ્યો હતો? આ કહેવાય છે અધિવેશન બારમું. પણ મારે હાથે અધિવેશનનું બારમું તો નહિ થઈ જાયને? મારે નસીબે એ અપશુકન સૂચવનારો શબ્દ આવી પડ્યો છે. પણ હું નસીબદાર છું. હું જ્યાં જાઉં છું ત્યાં અનેક પ્રકારની આશા બંધાય છે; નોખા સ્વરૂપની આશા બંધાય છે. પણ નોખું સ્વરૂપ થાય તો બારમું જ થાય ના? છાપાંની કાપલીઓ મારી ઉપર આવેલી છે. બંધારણમાં સુધારો કરવા વિષેના બાર મુદ્દાઓ મને મોકલવામાં આવ્યા છે. એ હું વાંચી ગયો છું, પણ બંધારણનો અભ્યાસ કર્યા વિના આવ્યો છું. એટલે કોઈ કાયદાશાસ્ત્રી કોયડા ઉઠાવશે તો મારે મૂંઝાવું પડશે. આપણી પાસે આજના કાર્યક્રમમાં દશ વસ્તુઓ છે. તેમાં એક મારું ભાષણ છે. આ બધી વસ્તુઓ સાડા પાંચ પહેલાં ઉકેલવી જોઈએ. આટલી પ્રસ્તાવના કર્યા પછી મારા ઉપર જે બોજો લાદ્યો છે તે માટે આભાર માનું છું. સ્વામી લાત મારે તો પણ સેવક સ્વામીને કહે કે હું દિલગીર છું કે મેં ભૂલ કરી અને તમારે મને લાત મારવી પડી. મારે ત્રીસ કરોડ સ્વામી છે. એ લોકોએ મને સેવક ચૂંટ્યો નથી, પણ મેં માની લીધું કે હું ત્રીસ કરોડનો સેવક છું. એ ત્રીસ કરોડમાં તમે પણ છો. અને તમે મારા બમણા સ્વામી છો, કારણ તમે મને ચૂંટ્યો છે. પણ જેમ તેમ કરીને મને તમે નિભાવી લેશો એ આશાએ હું આવ્યો છું.

‘ડેમૉક્રસી’ની વ્યાખ્યા અને વ્યાપ્તિ

મારે વિષે છાપાંમાં આવ્યું અને છાપાંની કાપલીઓ મને મોકલાઈ તે તો હું ન વાંચી શક્યો. પણ મારા ઉપર કાગળો આવે તે તો વાંચવા જ જોઈએ – વિનય ખાતર પણ વાંચવા જોઈએ. હું ‘ડેમૉક્રેટ’ ગણાઉં છું અને હું છું પણ ખરો. એટલે એ લોકોએ મારા ઉપર આશા બાંધી. એ લોકોએ કહ્યું કે પરિષદનું બંધારણ મુનશીનું છે, એનો તો એ ઇજારો કહી શકાય; એ કાયદાશાસ્ત્રી રહ્યા, એટલે એણે એને ઘડ્યું છે જ એવું કે એની એક ઈંટ પણ અમે નથી ચસકાવી શકતા. પણ તમે એકબે ઇંટ હલાવો તો કાંઈક થાય; મને–કમને દબાણથી અમુક ફેરફાર કરાવી શકાય તો કરો. આ ઉપરાંત પણ કેટલીક સૂચનાઓ આવી. આ સૂચનાઓ હું પચાવી નથી શક્યો. હું પોતાને ‘ડેમૉક્રૅટ – લોકશાસનમાં માનનારો – માનું છું.’ અને એ અર્થમાં જે ખરો ‘ડેમૉક્રેટ’ હોય તે તો સાનમાં સમજી જાય કે પ્રજાનો કબજો એટલે શું, ક્યાં ‘ડેમૉક્રસી’ ચાલે અને ક્યાં ન ચાલે? જ્યારે મહાસભાનું બંધારણ પહેલી વાર તૈયાર થયું ત્યારે કેટલાકે કહ્યું હતું કે અમારે મહાસભામાં ચાર આના શું કામ આપવા? જેણે ચાર આના ન આપવાનું વ્રત લીધું છે તેને મેં કહ્યું કે તમારે મહાસભામાં આવવાનું કારણ શું છે? ધારો કે દેશની સેવા ખાતર ખરેખરી ‘પીપલ્સ બૅન્ક’ સ્થાપી હોય – મોટા મોટા શેઠિયાઓ સ્થાપે છે એવી નહિ પણ સારી લોકહિતકારી બૅંક – તેમાં લોકોના હિતની ખાતર પણ જે પ્રામાણિક માણસો, કાબેલ માણસો હોય, નિસ્વાર્થ હોય, લોકહિત ચાહનારા હોય એવાને જ રાખવા જોઈએ ના? એમાં લોકશાસનના સિદ્ધાન્ત પ્રમાણે માણસ ચૂંટ્યે ન ચાલે. બીજો દાખલો લઈએ, ધારો કે આપણે હાયકોર્ટનું બંધારણ ‘ડેમૉક્રટિક’ કરવું છે. રામરાજ્યમાં પણ હાઇકાર્ટ તો હશે. પણ શુદ્ધતમ ‘ડેમૉક્રસી’ની અંદર પણ એવી સંસ્થાઓ હશે કે જેમાં ‘ડેમૉક્રસી’ના હિતમાં જ, ‘ડેમૉક્રસી’ના નિયમોથી નહીં પણ બીજા નિયમોએ, કામ ચલાવવું પડશે. મને તો ખબર જ છે કે ક્યાં ‘ડેમૉક્રસી’ ચાલે ને ક્યાં ન ચાલે. અને એથી જ કહું છું કે સાહિત્ય પરિષદમાં ‘ડેમૉક્રસી’ના બધા નિયમો નહિ હોય. [બધાથી સાંભળી શકાય માટે ખુરશી ઉપર બેઠા તે વખતે ઘણો વિનોદ કરાવ્યો. પછી કહ્યું: મારે તમને વિનોદ કરતાં કરતાં ગંભીર વાતો સંભળાવવી છે. પણ ગંભીર વાતો કહીને તમને શું હું રડાવું? એવું ગાંભીર્ય મારામાં નથી. એટલું ગાંભીર્ય તો ફાંસીએ ચડું ત્યારે પણ મારામાં ન આવે. એટલે હું હસાવું તોપણ તમારે ઠાવકા થઈને સાંભળવું.] હું ‘ડેમૉક્રૅટ’ છું છતાં કહું છું કે આવી પરિષદો ‘ડેમૉક્રસી’ને ધોરણે ન જ ચાલી શકે. તેમાં ‘ડેમૉક્રસી’નું તત્ત્વ હશે, પણ નિયમો નહિ હોય. સાવ નિરક્ષરમાં નિરક્ષર ગણાતાં બાળકો, સ્ત્રીઓ અને બુઢ્ઢાઓ ‘ડેમૉક્રસી’ સમજતાં થઈ ગયાં હશે તે વખતે હું તો મરી ગયો હોઈશ, પણ જીવતા હોય તે યાદ રાખે કે આવી સંસ્થામાં ‘ડેમૉક્રસી’ નહિ પણ ‘મૉબૉક્રસી’ થાય. એટલે મને જેમણે લખ્યું છે કે તમે ‘ડેમૉક્રસી’ ચાહતા હો તો આટલા ફેરફાર કરાવવા જોઈએ તેમને મારે વિનયપૂર્વક આ કહેવું જોઈએ. પણ તેનો અર્થ એ નથી કે આ બંધારણ મુનશીનો ઇજારો છે. એ બંધારણ મેં વાંચ્યું છે. મારી તો ખ્યાતિ છે કે હું બંધારણ ઝપાટાબંધ ઘડી શકું છું. હું થોડો જ કાયદાશાસ્ત્રી છું? એટલે મારી ભાષા ગામઠી હોય, પણ એ ભાષા કાયદાશાસ્ત્રી પણ સમજી શકે અને લોકો પણ સમજી શકે એવી બનાવી શકું છું. મારી બુદ્ધિ હજી હું ભાડે નથી આપી ચૂક્યો એટલે કહું છું કે આ બંધારણમાં મુનશીએ કશો ઇજારો નથી લીધો.

બંધારણમાં ફેરફાર કરવા વિષે

બીજી વાત. આજ લગી કોઈ એવો જન્મ્યો નથી જે એવું બંધારણ બનાવી શકે કે જેમાંથી મોટર, ચાર ઘોડાની ગાડી કે મારા જેવાની બેલગાડી ન ચાલી જઈ શકે. ગમે તેવા બંધારણમાં ન્યૂનતા તો રહેવાની જ. પૂર્ણતા, સર્વજ્ઞતા અને સર્વશક્તિમાનપણું એ તો ઈશ્વરનો ઇજારો છે. ઈશ્વર પણ જબરદસ્ત ‘ડેમૉક્રૅટ’ જ છે ને? એ કેટલું સહન કરે છે? આપણે તેની પ્રજા કેટકેટલાં ધતિંગ કરીએ છીએ! એને પૂછીએ છીએ કે ઈશ્વર બતાવો. એ સર્વત્ર, આપણી આંખમાં, અરે આપણા દરેક મવાળામાં પણ પડ્યો છે છતાં પૂછીએ છીએ. પણ ઈશ્વરને જોવાની શક્તિ ઈશ્વરે કોઈને નથી આપી. એની ઇચ્છા હોય તો જ અને તે જ એને જોઈ શકે છે. એને ચહેરો કે આંખ, નાક, કાન, નથી, પણ એને જોવાની શક્તિ જેને એ આપે છે તેની આગળ એ પ્રગટ થાય છે. પણ એ શક્તિ એણે એની પાસે જ રાખી છે. મુનશી તો ઠીક. એ તો આપણામાંના એક, અને આપણે તો ગુલામોની કોટિમાં છીએ. પણ રશિયા, ઈટલી, કે બીજે ક્યાંય પણ શું એવું બંધારણ છે જેમાં કોઈ ફેરફાર કરાવવા ઇચ્છે તો ન કરાવી શકે? હા, બંદુકને બળે નભતાં બંધારણ એવાં હોય ખરાં; પણ બંધારણમાં ફેરફાર જ કરવા જેવું ન હોય એવું બંધારણ તો કોણ રચી શકે? આ પરિષદના બંધારણમાં જે ફેરફાર કરાવવા હોય તેમને મારી એક સૂચના છે. સારા ફેરફારો આ બે દિવસમાં નહિ થઈ શકે. ગમે તેવી અનિચ્છાએ આવેલો પણ હું પ્રમુખ છું. પ્રમુખના અધિકારો હું જાણું છું. અને પ્રમુખની જવાબદારીઓ તો હું બરાબર સમજી ગયેલો છું. પણ ખરા પ્રમુખ તો કોણ છે? (આનંદશંકરભાઈ તરફ જોઈને) આ ઉપપ્રમુખ છે તે ખરા; હું તો ખોટો. એમણે મને કાગળ લખેલો કે તમે પ્રમુખ છો પણ હું તમને બચાવી લેવાનો છું. એટલે બધું કામ એ આટોપશે. બંધારણ બે દિવસમાં નહિ ફેરવાય. આનંદશંકરભાઈ ઉપર પણ એનો ભાર તો ન નખાય. અધિવેશનનું બારમું ન થાય – અને જ્યાં સુધી હું પ્રમુખ છું ત્યાં સુધી નહિ થાય – એટલા માટે મને સૂઝશે અને જેટલી કળા વાપરી શકાશે તેટલી વાપરીને બંધારણમાં ફેરફાર કરવાનું હું સૂચવી શકીશ; જો કે ફેરફાર કરાવી જ શકીશ એમ નથી. હું જે બતાવીશ તે બંધારણની રૂએ બતાવીશ. કોઈ પણ દિવસે કોઈ પણ માણસને હું પ્રપંચી વાત ન કરું. સીધી વાતો સીધી રીતે સંભળાવવાની મારી શક્તિ રહેલી છે. સાવ સીધી રીતે, સોએ સો ટકા સીધી રીતે ફેરફાર કરાવી શકીશ તે હું બતાવીશ.

વિદ્યાપીઠ

હવે મારું ભાષણ. હું સાક્ષરોને શું કહું? સર ચિનુભાઈએ મારે માટે કહી જ દીધું છે કે હું નથી સાક્ષર કે નથી સાહિત્યકાર. પણ હું વિદ્યાપીઠનો કુલપતિ છું, જોડણી કોશનો તૈયાર કરનારો છું. એ વિદ્યાપીઠ વિષે સર ચિનુભાઈએ ભૂતકાળનો પ્રયોગ કર્યો. હું સર ચિનુભાઈને કહેવાની રજા લઈશ કે એ વિદ્યાપીઠ છે અને રહેવાની જ છે. એ બે દિવસ માટેની નથી. સ્વરાજનો મંત્ર જાણતા હઈશું. ત્યાં સુધી વિદ્યાપીઠ રહેવાની છે. જેમ જંગમ આશ્રમ છે તેમ જંગમ વિદ્યાપીઠ પણ બને. કોઈએ અઢી લાખ રૂપિયા આપ્યા એટલે મકાન થયું. પણ એ ન હોત તો વિદ્યાપીઠ ન ચાલત? જ્યારે દ્રવ્ય નહોતું ત્યારે પણ વિદ્યાપીઠ તો હતી જ. તે ભૂતમાં થઈ, વર્તમાનમાં ચાલે છે અને ભવિષ્યમાં ચાલવાની છે. વિદ્યાપીઠનાં રૂપાન્તર થયાં છે અને થયાં કરશે. વિદ્યાપીઠમાં ગિદવાણી નથી, કિરપાલાની નથી, કાકા નથી. એમાં ગામઠી માણસો છે. પણ શું સાક્ષરો જ વિદ્યાપીઠ ચલાવે? માણસ ભલે ગામઠી હોય. એ ગામઠી હૃદયવાળા જોઈએ, નાટકી ન જોઈએ. કાઠિયાવાડમાં એવા પડેલા છે જેમને વાલીડા કહે છે. તે જે વેશ ભજવવો હોય તે ભજવે. એવા નહિ, પણ જેનું હૃદય ખરેખરું ગામઠી છે એવા વિદ્યાપીઠ ચલાવી શકશે. અમદાવાદનાં ઢીંગલાઢીંગલી માટે વિદ્યાપીઠ થોડી જ છે? ભલેને ભાઈ અંબાલાલની દીકરી ત્યાં આવી ગઈ. પણ વિદ્યાપીઠ એવી ડીપો નથી જ્યાં ઢીંગલાઢીંગલી આવે, તેને સુશોભિત બનાવીએ અને પાછાં હતાં તેવાં તેમનાં માબાપને ‘ડિલીવર’ કરીએ–સોંપી દઈએ. વિદ્યાપીઠ તો ગામઠી સ્ત્રીપુરુષોને ઘડવા સારુ રચાયેલી છે. એમને ઘડતાં નથી આવડતું, પણ તેઓ પ્રયત્ન તો કરે જ છે. તેવાને માટે ‘ગીતાજી’ના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે કે એમનું અકલ્યાણ નહિ થાય. ભગવાનની એ પ્રતિજ્ઞા છે અને સાચી ભાવનાવાળાને વિષે એ સફળ થશે. વિદ્યાપીઠે ભૂતકાળમાં જે ફાળો આપ્યો છે તેથી એને પૈસા આપનારાને પૂરું વળતર મળી ગયું છે. પણ સર ચિનુભાઈ, હું કહેવા ઇચ્છું છું કે વિદ્યાપીઠે જેમ પૈસા આપનારને પૂરાં દામ આપ્યાં છે તેમ ભવિષ્યમાં પણ આપશે અને આપ તે જોશો.

સાહિત્ય પરિષદ શું કરે

હવે પરિષદ વિષે. સાહિત્ય પરિષદે શું કરવું? પરિષદ પાસેથી શી આશા હું રાખું? કાકાએ એ વિષે નવ પાનાં લખીને મને આપ્યાં હતાં. તે હું વાંચી તો ગયો, છતાં ભૂલી ગયો છું. દાક્તર હરિપ્રસાદે કાગળ મોકલેલો, પણ તેય ક્યાંય રખડે છે. હશે તો સુરક્ષિત, પણ મને અહીં આવતાં ન મળ્યો. તેમને ફરી લખી આપવા કહ્યું તે તેમણે હું રાતે સૂઈ ગયો પછી મોકલ્યું. અને એ પણ અહીં નથી લાવ્યો. એટલે એમણે માગેલું કાંઈ આપી ન શકું. એવું મારું દુર્દૈવ છે. મને વખત મળે ત્યારે રાંધું અને સામગ્રી તૈયાર કરું ને? પણ અત્યારે જે કહું છું તે કાંઈ નહિ તો મારી પાસે તો શોભે જ છે. કારણ હૃદયમાંથી જે આવે છે તે કહું છું, ઓપ ચડાવ્યા વિના કહું છું. સ્વાગતાધ્યક્ષે મારો ભાર હળવો કર્યો છે. મેં પહેલાં સાહિત્ય પરિષદને જે કહ્યું હતું તે તેમણે આપને ફરી કહી સંભળાવ્યું છે. એમ ધારીને કે રખેને મારે ચાબખા મારવા પડે. પણ અહિંસાનો પૂજારી ચાબખા મારે? મારી પાસે ચાબખા ન હોય. તે વખતે મેં તો વિનય જ કર્યો હતો. આજે નરસિંહરાવભાઈ અહીં નથી એ મને બહુ સાલે છે. એમની સાથેનો મારો સંબંધ ઉત્તરોત્તર વધતો ગયો છે. એ અહીં હોત તો હું આજે બહુ રાજી થાત. અને રમણભાઈ તો આજે દેહે પણ નથી. તેમને મેં કહ્યું હતું કે મારી પાસેના કૂવા ઉપર કોસ ચલાવનાર કોશિયો કેવી ભાષા વાપરે છે એની એને ખબર નથી. એ ગાળ બોલે છે એનું એને ભાન નથી. તેને હું શું કહું? કવિ હોય તે એની પાસે જાય. મુનશી તો નવલકથાકાર રહ્યા, એ તો જઈ ન શકે. અદ્ભુત કળાકાર હોય તે એની પાસે જઈને એને સમજાવી શકે. બે શબ્દ અહીં ટીકાડ્યા, બે શબ્દ ત્યાં ટીકાડ્યા અને એવું કહે કે પેલો ઝીણી શકે એવું હોય. આપણે સાહિત્ય કોને માટે રચીશું? કસ્તુરભાઈ ઍન્ડ કંપની માટે, કે અંબાલાલભાઈ માટે કે સર ચિનુભાઈ માટે? એમની પાસે તો પૈસા છે; એટલે ગમે તેટલા સાહિત્યકારો રાખી શકે છે, ગમે તેટલાં પુસ્તકાલયો વસાવી શકે છે. પણ પેલા કોશિયાનું શું? તે વેળા મારી સામે એ એકલો હતો, અને તે પણ કોઈ ખરા ગામનો નહિ, પણ કોચરબનો. કોચરબ કાંઈ ગામ છે? એ તો અમદાવાદનો એંઠવાડ. ત્યાં જીવણલાલભાઈનો બંગલો હતો. મારા જેવા ભૂત જ ત્યાં જઈને બેસે ને? ત્યાં એમને વધારે ભાડું આપનારા પણ તે વખતે કોણ મળે? પણ મને અહીં રાખવો હતો, એટલે જીવનલાલભાઈએ બંગલો આપ્યો અને મંગળદાસ શેઠે પૈસા આપવાના કહ્યા. પણ આજે તો એ કોશિયા જેવાં ઘણાં યે માણસ મારી સામે પડ્યાં છે. આજે હું સેગાંવમાં જઈને પડ્યો છું. ત્યાં ૬૦૦ માણસો છે. તેમાંથી ૧૦ માણસો પણ વાંચી શકે એવા ભાગ્યે જ હશે. ૧૦ એ અલ્પોક્તિ હોય તો ૫૦ કહું, પણ પચાસમાં અતિશયોક્તિ જરૂર છે. ત્યાં હું શું કરું છું? વિદ્યાપીઠના કુલપતિનું પદ મારે શોભાવવું રહ્યું. એટલે મફત લાયબ્રેરી કાઢી ત્યાં પુસ્તકોનો સંગ્રહ કરવા માંડ્યો. પણ વાંચી શકે એવા દસમાંથી, સમજીને વાંચી શકે એવા બે ત્રણ અને બહેનોમાં તો એક પણ વાંચી શકે એવી નથી. ત્યાં ૭૫ ટકા હરિજનો રહ્યા વર્ધાનો તેને સ્પર્શ પણ લાગેલો નથી. લાગેલો હોત તો હું દૂર જાત. ત્યાં તો મૅલેરિયા છે. પણ હું જાઉં ત્યાં મૅલેરિયા ન નભી શકે એવી મૅલેરિયા સાથે અમારે સંધિ છે. ત્યાં અનેક ખાબોચિયાં છે. પણ એક ધનિક મળી ગયો એણે સડક કરી આપી છે. છ મહિના પહેલાં જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિમાં આનંદશંકરભાઈ જેવા ત્યાં આવી પણ ન શકે. ત્યાં મેં એક પુસ્તકાલય બનાવ્યું છે. એમાં સાહિત્ય તો શું હોય? એક બે છોકરીઓએ વાપરી લીધેલી એવી ચોપડીઓ તેમની પાસેથી ઉછીની લીધી. એ ધૂળ જેવાં પાઠ્ય પુસ્તકોના બનાવનાર વિષે બોલું તો તમને ખૂબ હસાવી શકું અને કલાકો સુધી વાત કરું, પણ વખત નથી. ત્યાંનો પ્રદેશ તો મહારાષ્ટ્રી રહ્યો. ત્યાં ગુજરાત જેટલી નિરક્ષરતા નથી, પણ સેગાંવ ગામમાં નિરક્ષરતા છે. ત્યાં મારી પાસે એક એલએલ. બી. છે. એ કાયદો ભૂલી ગયો છે. ભૂલથી એલએલ.બી. થઈ ગયેલો. એ ગુજરાતનો છે, પણ થોડું મરાઠી જાણે છે. એને મેં કહી દીધું કે લોકો સમજી શકે એવી ચોપડીઓ ચલાવવી અને પોતે પોતાના જ્ઞાનમાંથી એમાં વધારો કરવો. આધુનિક છાપાં છે પણ ત્યાંના લોકો એમાં શું સમજે? એમને ભૂગોળ શીખવવી રહી. એ રશિયા શું જાણે? સ્પેન ક્યાં આવ્યું એની એયે શી ખબર? આ સાડા ત્રણ રૂપિયાની ચોપડીઓ માટે ઘ એવું કે ચોમાસામાં ત્યાં બેસી ન શકાય. કોઈ દીવાસળી મૂકે તો સળગી જાય. એ હતી તો મીરાંબહેનની ઝૂંપડી. મીરાંબહેન ત્યાગી છે, પણ મૂરખ છે. મેં એને કહેલું કે જ્યાં લોકો પાયખાનાં કરે ત્યાં તું નહિ રહી શકે. હું તો સીમાડા ઉપર જ રહું. મારે શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ આહાર જોઈએ. એ દેહાતમાં વસવાની મારી શરત છે. સદ્ભાગ્યે હું જ્યાં પડ્યો છું તે પાદરને લોકો પાયખાના તરીકે નથી વાપરતા. પણ પેલી મીરાંબહેનવાળી ઝૂંપડીમાં અમે પુસ્તકાલય વસાવ્યું. આવા ગામમાં હું લોકોને શું વાંચી સંભળાવું? મુનશીની નવલકથા વાંચું? શ્રી કૃષ્ણલાલભાઈનું ‘કૃષ્ણચરિત્ર’ વાંચું? ‘કૃષ્ણચરિત્ર’ જોકે મૌલિક નથી, તરજુમો છે; છતાં એ તરજુમો મેં વાંચ્યો ત્યારે મને મીઠો લાગ્યો હતો. હું એ વાંચીને રાજી થયો હતો. પણ એ એમનું પુસ્તક પણ હું સેગાંવમાં નથી ચલાવી શકતો એ આપણું દુર્દૈવ છે. એ વસ્તુ સાક્ષર મારે મોઢેથી ન જાણે તો કોને મોઢેથી જાણે? સેગાંવથી હું એક પણ બાળકને અહીં નથી લાવ્યો. ભાડું આપું તો વળી આવે. પણ અહીં આવીને શું કરે? છતાં વણમાગ્યો અને વણચૂંટાયેલો હું તેનો પ્રતિનિધિ છું અને ગામના ગામડિયાઓનો આર્તનાદ તમે સંભળાવું છું. એ ખરી ‘ડેમૉક્રસી’ છે. એ લોકો પાસેથી શીખીશીખીને હું તમને સૌને કહું છું કે ખરું સ્વરાજ જોઈતું હોય તો અહીં આવો. તમારે માટે હું માર્ગ સાફ કરી રહ્યો છું. ત્યાં કાંટા પડ્યા જ છે, પણ થોડાં ગુલાબો પણ હું ત્યાં ઉગાડી દઈશ. આ વાત કહું છું ત્યાં ડીન ફેરર યાદ આવે છે. એ જબરદસ્ત સાક્ષર હતો. અંગ્રેજીમાં ભારે સાક્ષરો પડ્યા છે એ હું સ્વીકારું છું. ભલેને અંગ્રેજોની સાથે હું લડું, પણ હું ગુણગ્રાહી છું. મને થોડો જ કોઈ અંગ્રેજનો કે અંગ્રેજી ભાષાનો દ્વેષ છે? એ ડીન ફેરરને થયું કે પ્રજાની આગળ મારે જીસસનું જીવન લખીને મૂકવું છે. તે કેમ લખવું? અંગ્રેજી ભાષામાં જીસસનાં જેટલાં વૃત્તાન્ત છે તે એ વાંચી ગયો, પણ એને સંતોષ ન થયો. પછી તે પૅલેસ્ટાઇન ગયો. ત્યાં બાઇબલ લીધું અને તેમાં આપેલા વૃત્તાન્તો પ્રમાણે બધું નરી આંખે જોઈ લીધું. પછી તેણે શ્રદ્ધાભાવથી પુસ્તક લખ્યું. એની પાછળ એણે કેટલી સામગ્રી એકઠી કરી, કેટલા શ્રમ અને કેટલાં વર્ષો પછી એ પુસ્તક એણે લખ્યું! અંગ્રેજી ભાષામાં એ અદ્ભુત પુસ્તક છે. મેં નાતાલ છોડ્યું ત્યારે એક પાદરીએ મને વાંચવા આપેલું. અંગ્રેજી ભાષામાં એ સુંદર અને સર્વમાન્ય પુસ્તક છે. એમાં જૉન્સનનું અંગ્રેજી નથી, ડિકન્સના જેવું સરસ અને સરલ અંગ્રેજી છે અને સામાન્ય લોકોને માટે એ પુસ્તક લખાયું છે. ત્યારે સાક્ષરો શું રઘુવંશ વાંચીને, ભવભૂતિ વાંચીને કે અંગ્રેજી પુસ્તકો વાંચીને ગામડાંમાં જશે? એ પુસ્તકો વાંચતાં વાંચતાં એને ક્ષય થાય, સંગ્રહણી થાય કે બ્લડપ્રેશર થાય તો ય વાંચવાનો લોભ રહી જવાનો. પછી એ ગામડાંને માટે પુસ્તક રચવા બેસશે તો એનું પુસ્તક પણ એના જેવું રોગીલું થશે. એવા માણસનું ગામડામાં કામ નથી. કવિ નર્મદાશંકરે કહ્યું છે તેવા બધી વાતે પૂરા માણસનું ત્યાં કામ છે. ગામડામાં તો ‘થર્મોસ’ લઈને જનારા મારા જેવા કરતાં પણ ખરા ગામડિયા તરીકે ત્યાં જઈને રહેનારાનું કામ છે. તેઓ જીવંત સાહિત્ય ત્યાંના લોકોને આપી શકશે.

સાચી કળા

રવિશંકર રાવળ જેવા અમદાવાદમાં બેઠા બેઠા પીંછી માર્યા કરે છે. પણ ગામડામાં જઈને શું કરે? જો કે આજે તેમનું પ્રદર્શન જોઈને મારી છાતી ઊછળી, કારણ પહેલાં અહીં એવાં ચિત્રો નહોતાં. દાક્તર હરિપ્રસાદ મને અગાઉ કાંઈક જોવા લઈ ગયેલા, પણ તેના કરતાં ખૂબ પ્રગતિ થઈ છે. સાહિત્ય ચિત્રો વાટે પણ આપી શકાય. પણ એ ચિત્રો જુદાં. અહીં તો રવિશંકર રાવળ ચિત્રોમાં શબ્દનું જ્ઞાન પૂરતા હતા. પણ સાચી કળા તો તેઓ મૂંગા રહે છતાં હું સમજી શકું એવી હોવી જોઈએ. હું સાક્ષર હોઉં, રસ્કિન મેં વાંચ્યો હોય પછી એમની કળા હું સમજી શકું અથવા એ સમજાવે ત્યારે સમજું એમાં ભારે કળા નહિ. મારે તો ગામઠી આંખે જોવું રહ્યું. છતાં મારી છાતી એમનાં ચિત્રો જોઈ ઊછળી. પણ ફરી મને થયું કે ચિત્ર મારી સાથે બોલે. મારી આગળ નાચે એવાં જોઈએ. એવાં ચિત્રો જગતભરમાં બહુ થોડાં જ છે. રોમમાં પોપના સંગ્રહમાં મેં એક મૂર્તિ જોયેલી તે જોતાં જ હું મૂર્છિત થઈ ગયો હતો. એ મૂર્તિ છે ‘ક્રાઈસ્ટ ઑન ધી ક્રૉસ’ની. એ મૂર્તિ જોઈને માણસ દીવાનો બની જાય. એ સમજાવવા રવિશંકર રાવળ મારી પાસે નહોતા ઊભા. પણ એ જઈને જ હું સ્તબ્ધ થઈ ગયો. આ તો પરદેશની વાત. પણ થોડાં વર્ષ ઉપર મહીસૂરમાં બેલુરમાં ગયો હતો. ત્યાંના પ્રાચીન મંદિરમાં નગ્નાવસ્થામાં ઊભેલી એક સ્ત્રીની પ્રતિમા જોઈ હતી. એ મને કોઈએ બતાવી નહોતી, પણ મારું ધ્યાન એકદમ ત્યાં ગયું અને હું આકર્ષાયો. હું નગ્નાવસ્થામાં ઊભેલી સ્ત્રીનું અહીં વર્ણન નથી કરવા ઇચ્છતો, પણ એ મૂર્તિનો જે ભાવ હું સમજ્યો તે જણાવું છું. એના પગની આગળ એક વીંછી પડ્યો છે. એનો કવિ બીભસ્ત નહોતો, એટલે સ્ત્રીને કપડાંથી કાંઈક ઢાંકી છે. એ કાળી સંગેમરમરની મૂર્તિ છે. એ જોતાં એમ થાય છે કે કોઈ રંભા પડી છે તે અકળાઈ રહેલી છે. હું એનું ગામઠી વર્ણન જ કરું છું. હું તો જોઈ જ રહ્યો. એ પોતાના અંગ ઉપરનાં કપડાંને તોડી રહી છે. કળાને જિહ્વાની જરૂર નથી હોતી. મને થયું કે સાક્ષાત કામદેવતા અહીં વીંછી થઈને બેઠા છે. પેલી બાળાને અંગાર વ્યાપી ગયો છે. કવિએ કામને વિજય મેળવવા દીધો નથી. એ સ્ત્રીનાં અંગેઅંગ ઉપર એની વેદના ચીતરાયેલી છે. રવિશંકર ભલે એનો ગમે તે અર્થ કરે, પણ એ એમનો શહેરી અર્થ ખોટો અને મારો ગામઠી અર્થ ખરો. હું શું માગું છું તે મેં કહ્યું. ઇચ્છા તો થાય છે કે એ ચિત્રમાં વધારે રંગ પૂરું પણ આટલા ચિત્રથી ન સમજી જાય તે કળારસિક ન કહેવાય. આટલો મેં બબડાટ કર્યો છે તે માટે મને માફ કરજો. મારા હૃદયમાં અંગાર વ્યાપી રહ્યો છે. ઇચ્છા તો થાય છે કે આલેખેલી ઝાંખી ઝાંખી લીટીઓ પૂરી કરું, પણ લાચારીથી આટોપી લઉં છું. મારે કહેવાનું છે તેમાંથી થોડું જ કહ્યું છે. અત્યારે મારું હૃદય રડે છે. પણ હું આંખમાંથી આંસુ કેમ ઢાળું? ભારે વેદના હોય છતાં મારે તો હસવું છે. રડવાના પ્રસંગો આવે છે છતાં રડ્યો નથી. હૈયું કઠણ કરું છું, પણ એ સેગાંવ–ત્યાંના હાડપિંજરો જોઉં છું [અહીં ડૂમો ભરાઈ આવ્યો. થોડી વાર અટકીને બોલ્યા] ત્યારે મને તમારું સાહિત્ય રેઢિયાળ લાગે છે. આનંદશંકરભાઈ પાસે મેં સો પુસ્તકો માગ્યાં. એમણે મહેનત કરીને મને મોકલ્યાં. પણ એ પુસ્તકોને હું શું કરું? ત્યાં શી રીતે લઈ જાઉં? ત્યાંની સ્ત્રીઓને જોઉં છું ત્યારે થાય છે કે આ સ્ત્રીઓને અમદાવાદની સ્ત્રીઓની સાથે શો સંબંધ? પેલી સ્ત્રીઓ સાહિત્યને નથી ઓળખતી. રામધૂન ગવડાવું તો ઝીલી નથી શકતી. તેઓ સર્પ-વીંછીની દરકાર રાખ્યા વિના, વરસાદ કે ટાઢતડકાની દરકાર વિના મારે સારુ પાણી લઈ આવે છે, ઘાસ કાપી લાવે છે, બળતણ લાવે છે; અને એને હું પાંચ પૈસા આપું છું ત્યારે મને અન્નદાતા માને છે. ત્યાં તેમને પાંચ પૈસા આપનાર અંબાલાલભાઈ નથી. એ હિંદુસ્તાન અમદાવાદમાં નથી, સાત લાખ ગામડાંમાં છે. તેને તમે શું આપશો? એમનામાંથી પાંચ ટકા જેટલા લખીવાંચી શકે છે. માંડ સો-બસો શબ્દોનો એમની પાસે ભંડોળ છે. એની પાસે શું લઈ જવું એ હું જાણું છું પણ હું તમે કહીને શું કરું? બોલીને બતાવવાનો મારે વિષય નથી કે બોલીને બતાવું. કલમ મેં બળાત્કારે લીધેલી છે. પરાધીન દશામાં ચલાવું છું. આજે બોલું છું પણ તે અમુક સંજોગોમાં. હું વરસો સુધી બોલ્યો નથી. મિત્રોએ મને ‘ડન્સ’ મૂઢ ગણ્યો છે. નાના મંડળમાં પણ બોલી નહોતો શક્યો. કોર્ટમાં ગએલો ત્યાં ‘માઈ લૉર્ડ’ કે શું કહેવું તેની મને ખબર નહોતી. મને બોલતાં ન આવડે. બૅરિસ્ટર બનેલો પણ ગામડિયો, એટલે બોલવાનું માંડી વાળ્યું. થઈ શકતું હોય તે કરવું એ સૂત્ર મેં પકડ્યું. હું જાણું છું કે સ્વરાજની ચાવી મજૂરો પાસે પણ નથી. સ્વરાજની ચાવી ગામડામાં છે. ગામડું પણ હું શોધવા ન ગયો, જેમ સત્યાગ્રહ પણ શોધવા નહોતો ગયો. આ ગામડામાંની અનેક સ્ત્રીઓ મને પરાણે આવીને વરે છે. પણ હું તેમને વરું તો મારું એકપત્નીવ્રત લાજે, એટલે મેં તેમને માતાઓ બનાવી છે. એમને માતા તરીકે ઓળખું છું. એ માતાના મંદિરમાં તમને નોતરું છું. [કેશવલાલ ધ્રુવને ઉદ્દેશીને – ‘કેશવભાઈ, આપને પણ નોતરું છું.’ કેશવલાલ – ‘સાથે આયુષ્ય પણ આપો તો.’ ગાંધીજી – ‘એ તો હું પણ જીવીશ તો ના? આપણામાં ક્યાં બહુ વર્ષોનો ફેર છે?’]

ઉપસંહારનું ભાષણ
આભાર

પ્રથમ તો મારે તમારો બધાનો આભાર માનવો જોઈએ. સામાન્ય રીતે પ્રમુખ આભાર માને જ, પણ હું રૂઢિને વશ થઈને આભાર નથી માનતો. હું તો તમારા પ્રેમને વશ થઈને આવ્યો. મારે તમને જેટલો વખત આપવો જોઈએ તે પણ ન આપ્યો. મેં તો ધૂળ જેવું, વગર વિચાર્યે બોલેલું ભાષણ કર્યું, આ માટે તો મારે તમારી માફી માગવી જોઈએ. મને નભાવી લેવાને માટે હું તમારો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. રૂડા રૂડા નિબંધો વાંચવા મને ન ગમે એમ નથી. મારામાં કેટલાય રસો ભરેલા છે જેને હું તૃપ્ત નથી કરી શકતો. એમાંના કેટલાક બળી ગયા છે, અને જે પડેલા છે તે ‘પર’નું દર્શન ન થાય ત્યાં સુધી સંગપ્રસંગે પાંગર્યા કરવાના. આનંદશંકરભાઈએ મને કહ્યું કે અહીં મુશાયરો થયો, તેમાં નવયુવકોએ પણ સરસ ભાગ ભજવ્યો. શ્રી. ઈનામદારનાં ‘લૅન્ટર્ન સ્લાઈડ’વાળા પુરાતત્ત્વ વિષેના ભાષણમાં પણ મને જવાની ઇચ્છા હતી. પણ મેં ન એ ભાષણ સાંભળ્યું, કે ન એ મુશાયરો જોયો. આ મારી બધી ત્રુટિઓને તમે નભાવી લીધી એ તમારી ઉદારતા નહિ તો બીજું શું?

શરતી દાન શા માટે?

લાઠીના ઠાકોરના પાદપર્તિ માટેના ઇનામની અને શ્રી. રામજી લધાના નવલકથાના ઇનામની વાત તમે સાંભળી. એ વાત જ્યારે કહેવાતી હતી ત્યારે અમેરિકન કરોડપતિ કાર્નેગી મને યાદ આવ્યો. એણે સ્કોટલેંડના સાહિત્યકારોને લાઇબ્રેરીઓની બક્ષિશ કરેલી તે યાદ આવ્યું. સ્કોટલેંડ તો વ્યવહારકુશળ દેશ છે, અને તે માટે ત્યાંના લોકો ગર્વ લે છે. સ્કોટલેંડમાં તમે જાઓ એટલે લાગે કે આપણે નવા પ્રદેશમાં પ્રવેશ કર્યો છે. આપણી દૃષ્ટિઓ તો ઇંગ્લેંડ અને સ્કોટલેંડ એક છે, પણ ત્યાં સ્કૉચ બેંકર અને અંગ્રેજ બેંકર વચ્ચે લડાઈ પણ થતી હોય. આપણા સાહિત્યકારો માફક સ્કોચ પ્રોફેસરોએ લાઇબ્રેરીની બક્ષિશ સંબંધમાં શરત થતાં જણાવ્યું કે તમે અમને દાન આપો છો તો શરતો શા માટે મૂકો છો? અથવા લાઇબ્રેરીઓનું દાન શા માટે આપો છો? તમને તમારા વેપારમાં ખબર પડે પણ આમાં શી ખબર પડે? અમો અમારી મરજીમાં આવે તેવો ઉપયોગ કરીએ. તમને સાહિત્યક્ષેત્રમાં શી ખબર પડે? તમારો આશ્રય અમને વગર શરતે ગમે છે. એ જ રીતે અહીં હું કેટલાક સાહિયક્ષેત્રમાં દાન કરવા ઇચ્છનારાઓને સલાહ આપવા ઇચ્છું છું કે તેમણે પરિષદને કે તેના અંગને કે જેના પર નજર ઠરે અને લાગે કે યોગ્ય ઉપયોગ થશે તો તેને દાન આપવું. પ્રામાણિકતા તપાસો. પાદપૂર્તિના ઇનામની જાહેરાત થઈ ત્યારે મને થયું કે બીજા માટે કેમ નહીં? ટૂંક મુદતમાં પાદપૂર્તિ સારી ન પણ મળી આવે, તો એ રકમ પરિષદને આપી દેવી જોઈએઃ અથવા તો મને કહે કે તારા સારા ભાષણ માટે હરિજન કામમાં વાપરવા આપું છું. જેઓ કામ કરી રહ્યા છે, તેમના હાથમાં દાન મૂકવું જોઈએ. દાન કરવા ઇચ્છનારાઓને હું વિનંતી કરૂં છું કે તમો દાન કરો તો શરત ન કરો; વિશ્વાસ બેસે તે આપો. ન બેસે તો ગાંઠેથી પૈસા છોડશો નહીં.

નવલકથાના વાચનનો રોગ

શ્રી રામજીભાઈના નવલકથાના ઇનામની વાત. નવલકથા વાંચવી એ તો રોગ છે. જગતમાં ઘેર ઘેર એ ફેલાઈ ગઈ છે. એને પરિણામે શિલિંગ શોકર જેવાં મશીનો ગોઠવાયાં છે. તેમાં એક શિલિંગ નાખ્યો કે ચોપડી નીકળી! એ ચોપી કેવી હોય? એ તેની લાયબ્રેરી સુધી પહોંચે ખરી? ટ્રેનમાં લીધી, હાથમાં પાનાં ફેરવ્યાં, ચિત્ર જોયાં ને ફેંકી દીધી, ને સાહેબ ચાલતા થયા! લાઇબ્રેરીઓમાં ઉપાડ પણ નવલકથાઓનો જ વધુ થાય છે. વર્ષાઋતુમાં બિલાડીની ટોપીઓ ખવાતી નથી, પણ પરદેશમાં તો ‘મશરૂમ’ને નામે તે સ્વાદિષ્ટ લાગે છે. ઇનામ કાઢો કે ન કાઢો, તે તો છપાયે જ જશે. એમાં કલ્પનાના ઘોડા સિવાય શું છે? નવલકથા કેમ લખાય છે, તે હું અહીં કહું. પણ ટૉલ્સ્ટૉયે તેનો ખ્યાલ આપ્યો છે કે કેવી સામગ્રી તેની આસપાસ તૈયાર કરવામાં આવે છે. આજે તો વિમાન પર ચઢે, જુએ અને પછી ઊતરીને લખે, તેના પર અંકુશ રહે નહિ. નવલકથાનું સાહિત્ય ગુજરાતીમાં ન હોય તો ગુજરાતી રાંડીરાંડ નહીં રહે. એટલે મેં ટેલરના વ્યાકરણમાંથી કાંઈ કહેવાનો વિચાર રાખ્યો હતો. હું દક્ષિણ આફ્રિકા ગયો ત્યારે સાથે કેટલાંક ગુજરાતી પુસ્તકો લઈ ગયો હતો. તેમાં ટેલરનું ગુજરાતી વ્યાકરણ હતું. એ મને બહુ જ ગમ્યું હતું. હું શાસ્ત્રી તો નહીં જ પણ ગુજરાતી ભાષાનો પ્રેમી તો છું જ. એ વ્યાકરણ સુંદર હતું અને આ વખતે પણ તે પરિષદના દિવસની અગાઉની રાતે–કતલની રાતે મેં વાંચવા કાઢ્યું હતું પણ ખરું. પણ વંચાય શેનું? આજે સવારે પણ ઉઘાડ્યું. પણ વિચાર કરવાનો વખત મળે ત્યારે ને? ચાર વાગ્યા સુધી તો મૌન હતું. તે પણ કોણ ગણકારે? ટેલરે એના વ્યાકરણને અંતે એક નિબંધ લખ્યો છે. એને હું ઉપગ્રન્થ કહું છું. એ મને યાદ રહી ગયો છે. સાહિત્યમાં ન પડ્યા હોય તે ભાષાની પૂર્ણતા-અપૂર્ણતા ન જાણે. આપણે તો અંગ્રેજી જાણતા હોઈએ લૅટિન જાણતા હોઈએ એના શબ્દો ગુજરાતીમાં ન મળે, એટલે ગુજરાતીને અધૂરી કહીએ. પણ ટેલર એ નિબંધમાં છટાદાર કહે છે કે ગુજરાતી સંસ્કૃત ભાષાની દીકરી, તેને અધૂરી કોણ કહે? ‘यथा भाषकस्तथा भाषा’ તેમ તેણે તો લખ્યું છે. દળદર ગુજરાતી ભાષાનું નથી પણ એ બોલનારનું દળદર ગુજરાતીમાં દેખાય છે. આજે કોઈને પૂછીએ કે ગુજરાતી ભાષામાં છે શું તો કહેશે કે નવલકથાઓ જ છે. આપણું એ દળદર નવલકથાઓથી નથી ધોવાવાનું. શામળ ભટ્ટની ‘નંદબત્રીશી’ જ લઈએ. તે પણ નવલકથા જ છે. થોડીક નંદબત્રીશીઓ વધવાથી કાંઈ ભાષાનો થોડો જ ઉદ્ધાર થવાનો હતો?

ગામડિયા માટે સાહિત્ય લખો

હું તો ગામડાંમાં પડેલો એટલે ગામડિયાની દૃષ્ટિએ મારી ભૂખ રજૂ કરું. મને તો ગામડાંમાં રહેનાર માટે અનેક જાતનાં પુસ્તકો જોઈએ છે. મારી એ ભૂખ તમે સાહિત્યકાર પૂરી પાડો. એવાં કોઈ પુસ્તકો લખાયાં હોય તો મને મોકલજો. મને કેટલાકો પુસ્તકો મોકલે છે. એક ખગોળવિદ્યાની બે ચોપડીઓ મને એક લેખકે મોકલી. એ ખગોળવિદ્યામાં શું છે? બનાવનાર આકાશમાં જુએ છે ખરા? ખગોળવિદ્યાનું પુસ્તક મેં મેટ્રિકમાં વાંચેલું પણ આકાશમાં જોવાનું કોઈએ કહેલું નહિ. પૃથ્વી ગોળ છે, તેનાં આઠેક કારણો મને ભણાવેલા, ચંદ્રગ્રહણ કેમ થાય છે તે બતાવેલું. કાકા સાહેબ યરવડા જેલમાં રોજ આકાશ સામું જુએ અને મને હોંશ થાય. એ તો રહ્યા રસિક. મને થયું એ રોજ શું જોતા હશે? એમણે મને રસ ઉપજાવ્યો ને પુસ્તકો મગાવ્યાં પણ તે તો અંગ્રેજી હતાં. એક ધૂળ જેવું ગુજરાતી પુસ્તક મારી પાસે આવ્યું ખરું પણ એથી મારી ભૂખ કેમ ભાંગે? મેં કાકા સાહેબને કહ્યું કે ગુજરાતીમાં મૌલિક પુસ્તકો લખો. પણ તે તો ન લખી શક્યા. શહેરીઓને તો આજે ખગોળનું મૂળભૂત જ્ઞાન પણ નથી; તે કરતાં ખેડૂતો વધુ જાણે છે. તેઓ સપ્તર્ષિ-ધ્રુવ વગેરેને તો બરોબર ઓળખે છે. એ ગામડિયા સમજે અને તેઓના જ્ઞાનમાં વધારો કરે તેવું મને પુસ્તક જોઈએ. પણ ખગોળ જવા દો. ભૂગોળ પણ એ લોકોને લાયકની આજે ક્યાં છે? સાચી વાત તો એ છે કે આપણે ગામડાંની દરકાર જ કરી નથી. આપણાં અન્ન-વસ્ત્રને માટે આપણે ગામડાં પર આધાર રાખીએ છીએ છતાં તેના શેઠ હોઈએ તેમ વર્તીએ છીએ. આપણે અહીં મોજ માણીએ છીએ; પણ આપણા ખરા આશ્રયદાતા તો એ ગામડિયા છે. ઘઉં, ચોખા, વગેરે કાંઈ શહેરમાં નથી થતું. તે તો ગામડામાંથી આવે છે. આપણે તો આશ્રિત છીએ; છતાં આજે ગામડાં આશ્રિત બન્યાં છે. આપણે તેમની જરૂરિયાતોનો વિચાર જ નથી કર્યો. તમે શહેરી પ્રજા માટે લખશો. તોપણ એ તો એવા નગુણા છે કે અંગ્રેજી જ વાંચશે! પોતાની ભાષા છોડીને પરભાષા દ્વારા બધો વ્યવહાર ચલાવે એવો કોઈ કંગાળ મુલક છે કે? એટલે જ આપણો મુલક કંગાળ રહ્યો અને આપણી ભાષા રાંડીરાંડ રહી. અંગ્રેજીમાં તો, એક પુસ્તક ફ્રેંચ કે જર્મન ભાષામાં એવું ન હોય કે જે બહાર પડ્યું કે થોડી જ વારમાં એનું અંગ્રેજી ભાષાંતર ન થયું હોય. એટલું જ નહિ, ત્યાં તો બાળકોને માટે પણ ઉત્તમ પુસ્તકોના અઢળક સંક્ષેપો તૈયાર થાય છે. ડિકન્સને બચ્ચાંઓ વાંચી શકે? છતાં ત્યાં તો બચ્ચાંઓ માટે પણ ડિકન્સના ગ્રંથોમાંથી સરળ ભાષામાં સાહિત્ય આપવામાં આવે, જેથી બચપણથી ભાષાની રસિકતાનો ખ્યાલ તેને આવવા માંડે. મને બતાવો આવું ગુજરાતીમાં શું છે? જો હોય તો હું તેનાં ઓવારણાં લઉં. ૯૦ લાખમાં બેચાર માણસો નીકળે તો તેથી શું પ્રજાનું દળદર ફીટવાનું હતું? મારો તો આ સંબંધમાં ઠરાવ મૂકવા વિચાર હતો; પણ તે પડતો મૂક્યો. મારું કહેવાનું જે કોઈ સાહિત્યરસિકના હૃદયમાં સડેડાટ ઊતરી ગયું હશે તે કાંઈક કરશે. કોઈ ભાઈ-બહેન અથવા કોઈ વિદ્યાર્થી-વિદ્યાર્થિની સાહિત્યના ક્ષેત્રમાં ઝંપલાવવા માગતાં હોય તો તો શહેરીઓને માટે નહીં પણ ગામડાંની મૂક પ્રજાને ઉપયોગી થાય, તેવું સાહિત્ય તેઓ આપે. એ મૂક પ્રજાનો સ્વયંનિર્મિત પ્રતિનિધિ હું છું. તેમના તરફથી કહું છું કે એ ક્ષેત્રમાં ઝંપલાવો. તમે મનોરંજન વાર્તાઓ લખતા હશે, પણ તેથી તેમની બુદ્ધિ ઉપર પ્રભાવ નથી પડવાનો. અમારે ત્યાં ગ્રામસેવક વિદ્યાલય છે, તેના આચાર્યને મેં કહ્યું કે ઉદ્યોગો શીખવો અને તેના પહેલાં ઉદ્યોગોનાં ઓજારનો અભ્યાસ કરો. વાંસલાની રચના સમજો. તમે વાર્તાઓ લખશો કે પાઠ્ય પુસ્તકો લખશો, તેથી બુદ્ધિનો વિકાસ નહિ થાય. તમારી બુદ્ધિનો વિકાસ કરવો હોય તો ગ્રામ્ય સાધનોનો અભ્યાસ કરો, તેની ખૂબી અને ખામી સમજો, અને પછી તેને વિશે લખો. જેનું મગજ તાજું છે તેમને ગામડામાં નવું નવું જોવા જાણવાનું મળશે. ગામડામાં જતાં બુદ્ધિ રૂંધાઈ જાય એમ નથી. જે એવું કહે તેને હું કહીશ કે તે રૂંધાયલી બુદ્ધિ લઈને ત્યાં ગયા હશે, ખરી રીતે બુદ્ધિના વિકાસને માટે ક્ષેત્ર જ ગામડું છે, નગર નથી.

સ્ત્રીઓની ફરિયાદ

કાલે મેં વિષયવિચારિણી સભા આગળ એક વાત કરી હતી તે અહીં કરું. મારા ઉપર જ્યોતિસંઘ તરફથી શ્રીમતી લીલાવતી દેસાઈનો કાગળ આવ્યો હતો. એ કાગળનું તાત્પર્ય તો બરોબર હતું, જો કે એની ભાષા મને ન ગમે એવી હતી. એનો ભાવાર્થ એ હતો કે સ્ત્રીઓને વિષે જે લખાય છે તે સ્ત્રીઓને કઠે છે. જ્યોતિસંઘ અભણ સ્ત્રીઓને ગુજરાતી શીખવે છે. એ શીખવતાં તેની પાસે કાંઈક વાંચવું જોઈએ. આજનું સાહિત્ય વાંચીને તેમાં આવતાં સ્ત્રીઓનાં વર્ણન વિષે તેમણે મને લખ્યું હતું. આજના સાહિત્યમાં સ્ત્રીઓનાં જે વર્ણનો આવે છે તે વિકૃત છે. એ બહેનો અકળાઈને પૂછે છે કે અમને ઈશ્વરે ઘડી છે તે શું અમારાં શરીર તમે વર્ણવો એ માટે? અમે મરશું ત્યારે શું અમારાં શરીરમાં તમે વસાણાં ભરીને રાખવાના છો? અમે રાંધવા અને વાસણ માંજવા માટે સરજાયલી છીએ એમ પણ માની બેસવાની જરૂર નથી. મને એક માણસે ‘મનુસ્મૃતિ’માંથી વીણીવીણીને કેટલાક શ્લોકો મોકલ્યા છે. સ્ત્રીને વિષે જેટલું ખરાબ કહી શકાય એ બધું એણે ‘મનુસ્મૃતિ’માંથી કાઢ્યું છે. પણ સ્મૃતિમાં તો રત્નો પણ છે અને કાંકરા પણ છે. મિસ મેયોએ જેમ હિંદની ગટરોને જ હિંદ કહ્યું તેમ સ્મૃતિઓમાં સ્ત્રીઓને વિષે ખરાબમાં ખરાબ લખેલું ઘણુંય મળી આવે. એમ તો કેટલીક સ્ત્રીઓ પોતે પણ બાપડી કહે છે કે અમે અબળા, અમે અણઘડ, અમે ઢોર, તેથી શું સ્ત્રી માત્રને એ વર્ણન લાગુ પાડી શકાય? ‘મનુસ્મૃતિ’માં કોકે એવા ભૂંડા શ્લોકો ઘુસાડેલા કેમ ન હોય? હવે આ બહેનો પૂછે છે કે અમને આવાં સુંદર વર્ણનો આપીને છેતરે છે શા માટે? અમે છીએ એવી શા સારુ નથી ચીતરતા? અમે નથી રંભાઓ અને અપ્સરાઓ કે નથી અમે ગુલામડી દાસીઓ. અમે પણ તમારા જેવાં સ્વતંત્ર મનુષ્યો છીએ. શા માટે તમે અમને ઢીંગલી તરીકે વર્ણવો છો? મને સ્ત્રીના વિષે લાગણી છે, મેં તે વિષે વિચાર્યું છે. આધુનિક પુસ્તકો એક્કે એવાં નથી કે જે સાચી સ્ત્રીને વર્ણવતાં હોય! સ્ત્રીના શરીરના વર્ણન સાથે તમને શું નિસ્બત છે તે જાણી શકાતું નથી. પણ સ્ત્રીઓની પરાધીનતા કે સ્વરૂપ વિષે સાક્ષરો લખે અને સ્ત્રીઓ વાંચે તેની શી અસર થાય છે તે વિચારવાનું છે. શા માટે એને ઢીંગલી તરીકે ચીતરવામાં આવે છે? શા માટે એને માતા તરીકે નથી ચીતરવામાં આવતી? હું તો સ્ત્રીઓની વચ્ચે બેસનારો છું. એક કાળ એવો હતો કે જ્યારે મારી આગળ ઢગલો બહેનો રહેતી હતી. દક્ષિણ આફ્રિકામાં બધાં જેલમાં ગયાં ત્યારે ૬૦ કુટુંબોમાં હુ જ એક બાપ થઈને બેઠો હતો. તે વેળા હું કાંઈ ૬૯ વર્ષનો ડોસો ન હતો, તે સ્ત્રીઓના ટોળામાં રંભા પણ હતી અને કુરૂપ પણ હતી, જુવાનોમાં ભામટાઓ પણ હતા. પણ કોઈની કોઈ સ્ત્રી ઉપર કુદૃષ્ટિ કરવાની હિંમત ન હતી. કોઈ અયોગ્ય કિસ્સા જ બન્યા હતા એમ મારું કહેવું નથી, એક કિસ્સાનું તો મેં વર્ણન આત્મકથામાં આપેલું છે. પણ સામાન્ય રીતે કોઈની કોઈની સાથે છૂટ લેવાની કે કુદૃષ્ટિ કરવાની હિંમત નહોતી. એ અજ્ઞાન સ્ત્રીઓ હતી, અભણ હતી, પણ તેઓ જેલમાં જતાં શીખી અને ગઈ. એ કાંઈ અશિક્ષિત હોઈ બીજાનાથી દોરવાઈને જેલમાં ગઈ એમ ન હતું. એટલે હું તમને વિનયપૂર્વક કહેવા ઇચ્છું છું કે તમે તેમને–સ્ત્રીઓને અશિક્ષિત ગણી તેમનો અવાજ કાઢી નહિ નાખતા. જ્યોતિસંઘની ૫૦ કે ૧૦૦ બહેનો માટે હું નથી બોલતો, પણ સ્ત્રીનું હાર્દ વિચારી બોલું છું. તે જો તમે સાંભળી શકતા હો તો આને માટે વિચાર કરજો. સાહિત્યની કલમ ઉઠાવો તો એ જ વિચારથી ઉઠાવજો કે સ્ત્રી એ મારી જનની છે. એ વિચાર કરીને તમે લખશો તો તમારી કલમમાંથી જે ઝરશે તે સ્ત્રી સુંદર આકાશમાંથી વર્ષા ઝરે છે તેમ ઝરશે અને પૃથ્વીરૂપી સ્ત્રીને ફળદ્રુપ બનાવશે. પણ આજે તો તમે એ બાપડી સ્ત્રીને શાંતિ આપવાને બદલે એનું મન ઉત્તેજવાને બદલે એને ધગાવી મૂકો છો. એનામાં કદી ન હોય તેવા વિકારો ઉત્પન્ન કરવા તમે કેમ પ્રયત્નો કરો છો? સાહિત્યના વર્ણન પ્રમાણે તેનું નાક, તેના કાન છે કે નહિ તે જોવા માટે તેને અરીસામાં જોવાને માટે તમે પ્રેરો છો. તેના હૃદયમાં આ જ વિચાર ઘૂમી રહ્યો હોય, તેથી તે ખીસામાં અરીસો રાખતી થાય છે. એને શા સારુ એમ મનમાં થાય કે મને વર્ણવી છે તેવી હું છું કે નહીં? આવાં વર્ણનો એ સાહિત્યનો અનિવાર્ય ભાગ છે શું? તમે ચીતરો તો તેને વિકારી ન ચીતરો. ‘ઉપનિષદો’, ‘બાઈબલ’, ‘કુરાન’માં શું આવું વાંચવામાં આવે છે? તુલસીકૃત ‘રામાયણ’માં આવું છે? શું એ મહાગ્રંથો સાહિત્ય નથી? કહે છે કે અંગ્રેજી ભાષા પોણા ભાગ ‘બાઈબલ’ અને પા ભાગ શેક્સપીઅરની બનેલી છે. એ વિના અંગ્રેજી ક્યાં, કુરાન વિના અરબી ક્યાં અને તુલસી વિના હિંદી ક્યાં? પણ હજુ તમે વિચાર કરજો અને વિચાર કરતાં સાચું લાગે અને સૂઝે તો હજીય વિચારજો, ફરી વિચારજો, તમારા ખ્યાલ ફેરવવા પ્રયાસ કરજો, વિચાર કરતાં જો મારું કહેવું નિરર્થક લાગે તો મને માફી આપજો અને એને ફગાવી દેજો.

* * *