પુનશ્ચ/રમત
તમે રમત રમી શકો છો.
તમે ચેસબોર્ડનાં ચોકઠાંઓમાં
તમારાં રાજા, રાણી વજીર,
હાથી, ઘોડા, ઊંટ, પ્યાદાં
બધું બરોબર ગોઠવો છો.
તમે પ્રથમ ચાલ ચાલો છો
ત્યારે જ હું તમારી છેલ્લી ચાલ પામી જાઉં છું,
કયું પ્યાદું ક્યાં સીધું એક એક ડગ ચાલશે,
પછી કયું ઊંટ ક્યાં વાંકું ને કયો હાથી ક્યાં સીધો ચાલશે,
કયો ઘોડો ક્યાં કૂદશે,
પછી વજીર, રાણી, રાજા ક્યાં શું કરશે –
બધું હું બરોબર પામી જાઉં છું.
છેવટે તમારો રાજા શેહમાં આવે છે
અને હું બાજી જીતી જાઉં છું.
મારે માટે તો રમત શરૂ થાય ત્યારે જ પૂરી થાય છે.
ના, હું રમત રમી શકતો નથી.
૨૦૦૪