બહુવચન/નોબેલ વ્યાખ્યાન ૧૯૬૦ : કવિતા વિશે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
Bahuvachan Photo 22.png


નોબેલ વ્યાખ્યાન ૧૯૬૦ : કવિતા વિશે
સેંટ જોન પર્સ

અહીં કવિતાનો જે આદર થયો, એ કવિતાની વતી મેં સ્વીકાર્યો, અને એ આદર હવે હું વિના વિલંબે કવિતાને પુનઃ સમર્પિત કરવા જઈ રહ્યો છું. કવિતા જવલ્લે જ લોકાદર પામતી હોય છે. કાવ્યાત્મક સર્જકતા અને દુન્યવી બંધનોમાં સપડાયેલી સામાજિક પ્રવૃત્તિઓની ખાઈ વધુ ને વધુ વિસ્તીર્ણ થતી જઈ રહી છે. આવું એકાકીપણું, એ કવિની કરણી ન હોવા છતાં, કવિએ સ્વીકારવું રહ્યું. વિજ્ઞાનનો જો વ્યવહારુ ઉપયોગ ન હોત તો વૈજ્ઞાનિકની નિયતિ પણ આ જ બની રહેત. હવે વાત વીતરાગી મનની કરવી છે. વીતરાગી મન કોનું હોય? વૈજ્ઞાનિકનું કે કવિનું? કવિનું મન વીતરાગી હોઈ એનો આદર કરવા તો આપણે સૌ અહીં એકઠા થયા છીએ, પરંતુ વૈજ્ઞાનિકનું મન પણ કવિના મન કરતાં લેશમાત્ર ઓછું વીતરાગી નથી. આખરે અહીં એ બન્નેને જાની દુશ્મનો ગણવાની બંધી ફરમાવવામાં આવી છે. સમાન અસીમની સમક્ષ બન્ને સમાન પ્રશ્નો મૂકતા રહે છે; કેવળ પરીક્ષણની પદ્ધતિમાં બન્ને નોખા પડતા હોય છે. જ્યારે આધુનિક વિજ્ઞાનની નાટ્યાત્મકતાને ધ્યાનમાં રાખી જોઈએ તો જેમ એણે શુદ્ધ ગણિતવિદ્યાની બૌદ્ધિક સીમાઓને ખોળી કાઢી છે; જ્યારે પદાર્થ વિજ્ઞાનમાં બે ઉદાત્ત સર્વોપરી સિદ્ધાંતો સ્થપાયેલા હોવાની જાણ થાય છે, એક સાપેક્ષતાવાદનો સર્વસામાન્ય સિદ્ધાંત, બીજો અનિશ્ચિતતા અને અનિયતવાદનો રાશિ સિદ્ધાંત જે ભૌતિક મોજણીઓની ચોકસાઈ સુધ્ધાં પર મર્યાદા આણી દેતો હોય છે; આ શતકના સહુથી મહાન વૈજ્ઞાનિક શોધક, આધુનિક બ્રહ્માંડવિદ્યાના સ્થાપક, ગાણિતિક સમીકરણોની સંજ્ઞામાં સર્વોચ્ચ બૌદ્ધિક સમન્વયના સ્થાપત્યકાર, જ્યારે આપણને અંતઃપ્રજ્ઞાને બુદ્ધિની વહારે આવવા આહ્‌વાન કરતા સાંભળતા જોવા મળે છે કે “કલ્પના જ તમામ ફળદાયી વૈજ્ઞાનિક ખ્યાલોની જનમભોમકા છે” અને એટલી હદે જઈને વૈજ્ઞાનિક માટે પ્રમાણભૂત “કલાત્મક દર્શન”નો લાભ અપાવવાના આગ્રહી હોય છે એ જોઈએ ત્યારે કવિતાના ઉપકરણને ન્યાયશાસ્ત્ર જેટલો જ ઔરસ ગણવાનો અધિકાર આપણને પ્રાપ્ત થતો નથી? ખરે જ, આત્મતત્ત્વની પ્રત્યેક સર્જનાત્મક ક્રિયા પ્રારંભમાં “કાવ્યાત્મક” હોય છે, એ શબ્દના યથાર્થ અર્થમાં. સંવેદનમૂલક અને મનોગત સ્વરૂપોને સમાન મૂલ્ય અર્પણ કરીને, એ જ પ્રવૃત્તિ, પ્રથમ તો, વૈજ્ઞાનિક તેમ જ કવિનાં સાહસોની સામાન્યપણે સેવા બજાવતી હોય છે. કોણે વધુ લાંબો પ્રવાસ ખેડ્યો, કોણ વધુ લાંબો પ્રવાસ ખેડશે – વિમર્શાત્મક વિચારણા કે કાવ્યાત્મક અધ્યાર? પેલા આદિમ અગાધથી, જેમાં બે અંધ આકૃતિઓ, જન્મથી જ અંધ, કશુંક ફંફોસી રહી છે. એમાંની એક સર્વપ્રકારના વૈજ્ઞાનિક સરંજામોથી સજ્જ છે, બીજાની સહાયમાં છે કેવળ અંતઃપ્રજ્ઞાના ઝબકારા, બેઉમાંથી કોણ વહેલો સપાટી પર દેખા દેશે, ભરપૂર ઊર્જાથી થનગનતો અને આછી આભા પ્રસરાવતો? આનો ઉત્તર આપણે કેવોક વાળીએ છીએ એનું ઝાઝું મહત્ત્વ નથી. મહત્ત્વનો મુદ્દો છે એ માયાવી સૃષ્ટિ, જેમાં બન્ને હિસ્સેદાર છે. કવિતાનું ઉત્કૃષ્ટ આધ્યાત્મિક સાહસ આધુનિક વિજ્ઞાનના ભવ્ય દૃશ્યપટલ પર ચાલી રહેલા ડ્રામામાં કશુંક અર્પણ કરે એ જરૂરી નથી. ખગોળવિજ્ઞાનીઓએ વિસ્તૃત થતા જતા વિશ્વના ખ્યાલનો ભયભીત બનીને સામનો કર્યો પણ હોય, એની સમાન કક્ષાનું વિસ્તૃતીકરણ નૈતિક અપરિમેયતાના અન્ય વિશ્વમાં, મનુષ્યના વિશ્વમાં પણ નથી થઈ રહ્યું? જેટલે પણ દૂર સુધી વિજ્ઞાનના સીમાડાઓ વિસ્તરતા રહે અને એની પર કમાન ખેંચાતી રહે, તેમ છતાં કવિના શિકારી શ્વાનોને તારસ્વરે ભસતા આપણે આજે પણ સાંભળી શકીએ છીએ, કેમ કે કવિતા પોતે “નિરપેક્ષ વાસ્તવ” ન પણ હોય એવો કેટલાકનો દાવો છે, કવિતા જ તો દર્શાવી આપતી હોય છે કે સબળમાં સબળ આવેગ અને અત્યંત મર્મગ્રાહી એનું આકલન, ગુનામાં સામેલ થવાની હદ સુધી, જેમાં વાસ્તવિકતા સ્વયં કવિતાની ભીતર આકાર ધારણ કરતી હોય છે. સાદૃશ્યતામૂલક તેમ જ પ્રતીકાત્મક ચિંતન દ્વારા, વ્યવધાનસભર કલ્પનોથી દૂર સુધી પહોંચતી દીપ્તિ તેમ જ એના સમાનધર્મીઓની ક્રીડા દ્વારા, પ્રતિભાવો તેમ જ અસામાન્ય સાહચર્યોની સહસ્ર શૃંખલા દ્વારા, એમાં વળી ભાષાના આધારે ઋૃતતત્ત્વનો સંક્રાન્ત થતો લય ઉમેરાય, ત્યારે કવિ જાણે પારલૌકિક વાસ્તવિકતાના વાઘા સજી લેતો હોય છે, પરંતુ વૈજ્ઞાનિક એવી અભીપ્સા સેવી શકે નહિ. મનુષ્યમાં આથી અધિક, નજરે ચડે એવી, દ્વંદ્વાત્મકતા હોય છે ખરી જે એને અધિક બંધનોમાં બદ્ધ કરી રાખતી હોય? જ્યારે પણ ફિલસૂફો તત્ત્વમીમાંસાનો ઉંબરો છોડી જતા હોય છે ત્યારે તત્ત્વમીમાંસકની ભૂમિકા ભજવવાનું કવિને માથે આવી પડતું હોય છે : પેલા પ્રાચીન ફિલસૂફના શબ્દપ્રયોગનો વિનિયોગ કરીને કહીએ તો – કવિતા જ, ફિલસૂફી નહિ, “વિસ્મયની અસલ દીકરી” રૂપે પ્રગટ થતી હોય છે. આ ફિલસૂફને કવિતા પરત્વે ભારોભાર અવિશ્વાસ હતો. કવિતા કેવળ જ્ઞાનનો માર્ગ નહિ, એથીય અધિક એ જીવનનો માર્ગ છે – જીવન એની અખિલાઈમાં. કવિ તો છેક આદિમકાળના ગુફાવાસીમાં પણ વસતો હતો. કવિ આવનારા આણ્વિક માનવીમાં પણ વસતો હશે, કેમ કે કવિતા મનુષ્યનું મૂળભૂત અંગ છે. કવિતામૂલક આવશ્યકતામાંથી, જે આત્મતત્ત્વની આવશ્યકતા છે, તમામ ધર્મોનું અવતરણ થયું છે, અને કવિતાની કૃપા થકી માનવીય ચકમકની ભીતર દિવ્યત્વનો તણખો શાશ્વતી સુધી ઝબકાર કરતો રહેશે. જ્યારે પણ પુરાકથાઓ લંગડાવા માંડે છે, ત્યારે દિવ્યત્વને કવિતામાં આશ્રય મળી રહેતો હોય છે, બની શકે કે એ એનો હાથ-બદલી (relay stage)નો તબક્કો હોય. જુગ જૂનાં સરઘસોમાં બ્રેડધારકોને પગલે પગલે મશાલધારકો ચાલતા, તે પ્રમાણે અત્યારે, સામાજિક વ્યવસ્થામાં અને જીવનની તાત્કાલિકતાઓમાં કાવ્યાત્મક કલ્પન જ તો મનુષ્યની પ્રકાશ માટેની ખોજમાં રહેલા ઉચ્ચ આવેગને પુનઃ પુનઃ પ્રગટાવી આપતું હોય છે. કેવો તો ગરવો આપણો વિશેષાધિકાર છે! શાશ્વતીનો બોજ વહેતાં વહેતાં આગેકૂચ કરવી, માનવતાનો બોજ વહેતાં વહેતાં આગેકૂચ કરવી, અને તે નવ્ય માનવતાવાદના દર્શનના નેતૃત્વ હેઠળ – એ દર્શન એટલે પ્રમાણભૂત વૈશ્વિકતા, ચૈતસિક પરિપૂર્ણતા! પોતાના આકરા કામ પરત્વે નિષ્ઠાવાન રહીને, જે માનવીય રહસ્યમયતાને તાગવાથી સ્હેજ પણ ઓછું નથી. આધુનિક કવિતા એવો ઉદ્યમ ધપાવી રહી છે જેને નિસ્બત છે માનવીય અસ્તિત્વની વિપુલતા સાથે, આવી કવિતામાં પિથિયા* કે એના અનુયાયીઓ જેવાને સ્થાન હોય નહિ કે ન હોય વિશુદ્ધ રસમીમાંસાને. આ એવી કળા છે જે નથી અત્તરિયા માટે કે નથી સુશોભનકાર માટે, એ કંઈ કલ્ચર્ડ મોતી ઉછેરતી નથી, નકલ કે નિશાનીઓનો વેપાર કરતી નથી કે નથી એને ધરવ થવાનો સંગીતનો જલસો માત્ર બની રહેવામાં. રમણીયતા જોડે એને ગાઢ અનુબંધ ખરો, ચરમ જોડાણ, પરંતુ રમણીયતા એનું લક્ષ્ય નથી કે નથી એ એનો એકમાત્ર આહાર. જીવનથી કળાને અને પ્રેમને જ્ઞાનથી તલ્લાક આપવાનો એનો ઇનકાર હોય છે, એ એક આંદોલન છે, એક આવેગ છે, એક સત્તા છે, સનાતન નવીનીકરણ છે જે એની સીમાઓને વિસ્તારતું રહે છે. પ્રેમ એની પ્રાણદાયી જ્યોત છે, સ્વાતંત્ર્ય એનો કાયદો છે, અને એની આણ સર્વત્ર પ્રવર્તે છે, એ એક અપેક્ષા છે. એ કદી ગેરહાજર રહેવા ઇચ્છે નહિ કે નકાર કરવા ઇચ્છે નહિ. જોકે, જમાના પાસે એની કોઈ યાચના હોતી નથી. પોતાના લક્ષ્ય પરત્વે પ્રતિબદ્ધ અને તમામ વિચારસરણીઓથી વિમુક્ત, એ સ્વયંને જીવનની સમકક્ષ જાણે છે, જેને આત્મ-સમર્થનની કશી જરૂર રહેતી નથી. એક જ આશ્લેષમાં, એક ભવ્ય જીવંત લસરકામાં, પોતાના વર્તમાન જોડે, સમસ્ત અતીત અને ભવિષ્યને, માનવીય તેમ જ અતિમાનવીય, નક્ષત્રમૂલક તેમ જ અખંડ અવકાશને સમાવી લે છે. એની કહેવાતી દુર્બોધતા, એની પોતાની પ્રકૃતિમાં રહેલી નથી, એની પ્રકૃતિ તો પ્રબુદ્ધ કરાવવાની છે, પરંતુ પોતે જે તમિસ્રનું અન્વેષણ કરી રહી છે એને કારણે છે, અને એ અન્વેષણ તો કરવું જ રહ્યું. સ્વયં આત્માને ગ્રાસ કરતું તમિસ્ર તેમ જ માનવીય હસ્તીને ઘેરાઈ વળેલું તમિસ્ર. એ પોતાને દુર્બોધ બની રહેવાની પરવાનગી આપતી નથી, અને વિજ્ઞાનની સંજ્ઞાઓ કરતાં ચુસ્તીમાં જરીકે ઓછી ઊતરતી નથી હોતી. આમ, જે કંઈ હસ્તીમાં છે એને નિરપેક્ષપણે વળગી રહીને કવિ આપણને ઋતતત્ત્વનાં શાશ્વતી અને ઐક્યતાના સમ્પર્કમાં મૂકી આપે છે, અને એનો સંદેશ આશાવાદનો હોય છે, એને માટે સંવાદિતાનો એક નિયમ સમસ્ત વસ્તુજગત પર શાસન કરનારો હોય છે. એમાં એવું કશું બને નહિ જે માનવી સાથે અસામંજસ્યમાં હોય. ઇતિહાસની સૌથી વરવી વિપત્તિઓ પુનરાવર્તનો અને નવીનીકરણોના ચાલતા રહેતા ચક્રમાંના મોસમી લયમાત્ર હોય છે. ફ્‌યુરીઓ જે મંચની પાર થઈને બીજે છેડે જતી હોય છે, મશાલ ઊંચી ધરી રાખીને, તેઓ કાળના પટ પર ઊઘડતા રહેલા ગંજાવર કથા-વસ્તુની કેવળ એકાદ પળને પ્રકાશિત કરતી હશે. વર્ધમાન સંસ્કૃતિઓ એકાદ પાનખરની યાતનાથી નષ્ટ થઈ જાય નહિ, એ તો કેવળ પર્ણો જ ખેરવે, જડતા જ કેવળ મર્ત્ય ખતરો છે. કવિ એને કહેવાય જે આપણા વતીથી બંધાણના પાશને છેદી નાખે. આ પ્રમાણે, પોતે ઇચ્છે કે નહિ, કવિ ઐતિહાસિક ઘટનાઓ જોડે બંધાયેલો રહે છે. એના સમયમાં ચાલી રહેલા ડ્રામામાંના કશાથી એ પરાયો હોતો નથી. આ પ્રાણપ્રદ યુગમાં જીવી રહેલા આપણા સૌના જીવનમાં એ ગૌરવની લાગણી પ્રેરે એવી અરજ કરીએ. કેમ કે સમય આપણા માટે મહાન અને નૂતન છે, આપણી પકડમાં ઝટ આવે તેવો નથી. અને ખરેખર તો આપણો સમય માટેનો આદર કોને સમર્પિત કરીશું?... “ભય પામીશ નહિ.” ઇતિહાસ કહેતો હોય છે. પોતાનો હિંસાનો મુખવટો હઠાવી દઈને અને એક હાથ ઊંચો ધરીને એશિયાઈ દેવ તાંડવ નૃત્યની ચરમ ક્ષણે અભયની મુદ્રામાં કહેતા હોય એવી અદામાં ઇતિહાસ કહેતો હોય છે : “ભય પામીશ નહિ, તેમ સંશય પણ કરીશ નહિ – કેમ કે સંશય નિર્વીર્ય છે અને ભય ગુલામ છે. એને સ્થાને તું એ લયને સાંભળ જેનો કર્તા હું, વસ્તુમાત્રનું નવીનીકરણ કરનારો અને માનવજાત સર્વદાને માટે જે કથા-વસ્તુની રચના કરવામાં વ્યસ્ત છે એ એના પર થોપી દેનારો. જીવન જીવનનો પરિહાર કરે છે એ લગારે સત્ય નથી. જે કંઈ જીવંત છે એ શૂન્યમાંથી અવતર્યું હોતું નથી કે નથી એ શૂન્ય સાથે સંલગ્ન. સાથે એ પણ સાચું કે શૂન્ય એના સ્વરૂપ અને પરિમાણને ઋતતત્ત્વના નિરંતર વહેતા પ્રવાહ સાથે પોતાને ટકાવી શકે નહિ. કરુણતા રૂપબદલીની પ્રક્રિયામાં રહેલી છે એવું પણ નથી. આ શતાબ્દીનો અસલી ડ્રામા લૌકિક અને અલૌકિક મનુષ્ય વચ્ચે વધતા જતા એકાકી-પણામાં રહેલો છે. મનુષ્યનું એક અડધિયુંં એટલા માટે દીપ્તિમંત હોય છે કે એનું અન્ય અડધિયુંં તમિસ્રમાં ડૂબેલું રહે? વિચાર કે લાગણીના વિનિમયથી વંચિત કોમ પર પરાણે લાદેલો વિકાસ એ કૃતક પરિપક્વતા નહિ તો બીજું શું છે?...” કવિએ, એની અખિલાઈમાં, માનવીના બે-પાંખિયાં વલણની સાખ પૂરવી એ કવિને માથે છે; આત્મતત્ત્વની સમક્ષ એની આધ્યાત્મિક સંભાવનાઓ કરતાં અધિક સંવેદનશીલ દર્પણ ધરી રાખવું; આપણા પોતાના શતકમાં માનવીનું જેને માટે સર્જન કરવામાં આવ્યું એથી અધિક કમનીય માનવીય પરિસ્થિતિનું દર્શન જગાડી આપવું, વધુ ને વધુ ઘનિષ્ઠપણે સામૂહિક ચૈતન્યને વિશ્વમાંની આધ્યાત્મિક ઊર્જાના પ્રવાહ જોડે જોડી આપવું. પરમાણ્વિક ઊર્જાના આ યુગમાં કવિનું માટીનું કોડિયું પર્યાપ્ત લેખાશે? – ચોક્કસ, જો એ એની માટી દ્વારા આપણી પોતાની માટીનું સ્મરણ કરાવી આપે એમ હોય તો. અને પોતાના સમયની ગુનાહિત વિવેકબુદ્ધિ બની રહેવું કવિ માટે પર્યાપ્ત લેખાશે.

મૂળ અંગ્રજી અનુવાદ : ડબ્લ્યુ. એચ. ઑડેન
(એતદ્‌ : ૧૯૪, એપ્રિલ-જૂન ૨૦૧૨)

* પિથિયન : ગ્રીક પુરાકથાના એક પાત્ર પિથિયા પરથી તેના સાગરીતો કે અનુયાયીઓ પિથિયનો તરીકે ઓળખાતા. પિથિયા પ્રાચીન ગ્રીકના વિખ્યાત ડેલ્ફી ખાતેના એપોલોના દેવળમાં એક પૂજારણ હતી અને દેવવાણી ભાખી આપવામાં માહેર હતી. અસ્પષ્ટ અને દુર્બોધ વાણીમાં એ દેવવાણી (oracles) ઉચ્ચરી જતી જેનું અર્થઘટન દેવળના અન્ય પૂજારી કરી આપતા. અહીં કવિનો આશય અંધશ્રદ્ધાનો સંકેત આપવાનું સમજાય છે.