બારી બહાર/૬૬. કામિની

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬૬. કામિની

સંધ્યાએ થોડી વાદળીઓ અષાઢ કેરી વરસી’તી;
ભીની ખેતરની માટીની આછી સુરભિ પ્રસરી’તી;
ખુલ્લી મારી બારી પાસ
સૂતો’તો જોતો આકાશ.
નહીં સમાવી શકતી નિજમાં એવી ખુશબો ઉગ્ર લઈ,
પ્રવેશતી ને ઘૂમી વળતી મમ ઘરમાં વાયુલહરી;
આ તે શો આવો પમરાટ,
–અષાઢની અંધારી રાત ?
મધમધતે અંગે આ પંથે ગઈ કોઈ નવપરિણીતા ?
વા પ્રેમીને મળવા કાજે કોઈ ગઈ યૌવનમત્તા ?
જોતો હું બારીની બાર’ર,
દેખું પણ કેવળ અંધાર.
ફરી વળી સૌરભ છલકાતી લઈ આવી વાયુલહરી;
ફરી જઈને બારી પાસે નીચે જ્યાં મેં નજર કરી,
પર્ણોની પાછળ તે વાર,
દીઠી કામિનીની હાર.
અધીર એ આપી દેવાને અંતરની સુરભિ સઘળી,
તેથી તો આ વાયુ કેરી છલકી જાતી સૌ લહરી.
ધરણીનું ધરણીને દઈ,
ધરણી પર એ જાય ઢળી.