બાળ કાવ્ય સંપદા/પેલા ડુંગરની
પેલા ડુંગ૨ની
લેખક : જિતેન્દ્ર પ્રજાપતિ
(1987)
પેલા ડુંગરાની ટોચે મારે ચડવું છે,
ત્યાંનાં પંખીઓને મારે મળવું છે.
પેલા...
પેલા વહેતા ઝરણામાં મારે ન્હાવું છે,
એના જળમાં જઈ મારે ભીંજાવું છે.
પેલા...
પેલાં ફૂલડાંની જેમ મારે ખીલવું છે,
એની મ્હેક જેમ સઘળે વિખરાવું છે.
પેલા...
પેલાં ઝાડવાંની ફરતે મારે ફરવું છે,
એના છાંયડામાં જઈ મારે રમવું છે.
પેલા...
પેલાં બીજની જેમ મારે ઊગવું છે,
મારે ઝાકળના બુંદને ઝીલવું છે.
પેલા...