બે દેશ દીપક/હરામખોર!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હરામખોર!

આત્મગૌરવની સમતુલા તોળનાર એ ઈંગ્લાંડની અદાલત હતી. શ્વેતશ્યામના ભેદ ન પાડવાની પ્રતિષ્ઠા ભોગવનાર ન્યાયમંદિર હતું. જડ્જ હતાં. જ્યુરી હતી, કાયદા હતા. તફાવત માત્ર એટલો જ હતો કે ફરિયાદી હતો એક ભારતવાસી. અને તહોમતદાર હતું એક વિલાયતી વર્તમાનપત્ર. આરોપ હતો એ ગોરા પત્રકારે એ કંગાલ ભારતવાસીની બદનક્ષી કર્યાનો. ‘લાજપતરાયે લશ્કરની રાજભક્તિ ત્યજાવવા કાવત્રા કર્યા છે' એમ તે પત્રે લખેલું હતું. ‘આમ જો ભાઈ!' બદનક્ષી કરનાર છાપાના વકીલે એક સાક્ષીને પુછ્યું, ‘જો આ છબીમાં આ કોણ બેઠું છે?' ‘આજના ફરિયાદી લજપતરાય.' સાક્ષીએ ઉતર દીધો. ‘ને એની બાજુમાં કોણ છે?' ‘બાબુ બિપિનચંદ્ર પાલ!' ‘હં, એ શખ્સ કેદમાં જઈ આવ્યો છે કે?' ‘હા, એક કેસમાં જુબાની ન આપવાને કારણે.' ‘જુઓ નામદાર!' વકીલ ન્યાયમૂર્તિ તરફ વળ્યો: ‘આ બિપિનચંદ્ર પાલ જેવા હરામખોરની સાથે છબીમાં બેસનાર ફરિયાદી લાજપતરાય પણ હરામખોર જ હોવો જોઈએ ને!' ‘અને બીજી વાત નામદાર!' વકીલે ચલાવ્યું, ‘આ લાજપતરાયને મી. મોર્લે જેવા એક ઉદાર અને તત્ત્વજ્ઞાની હિન્દી સચીવે હદપાર કર્યો હતો. એથી સ્પષ્ટ થાય છે કે એ બડો હરામખોર હોવો જોઈએ!' નિરાશામાં ડૂબતા ન્યાયમૂર્તિના હાથમાં જાણે કે નૌકા આવી પડી. ન્યાયમૂર્તિ જ્યુરી તરફ વળ્યા : પોતાનો અભિપ્રાય પ્રકટ કર્યો : સાહેબો! સાચી વાત કે આ શખ્સ ઉપર આપણા વર્તમાનપત્ર ‘ડેલી એક્સપ્રેસે કરેલી બદનક્ષીની એક પણ સાબિતી જડતી નથી છતાં ફરિયાદીની બદનક્ષી થયાની વાત હું સ્વીકારું છું. પરંતુ આ શખ્સને વળી આબરૂ શી હોઈ શકે? આપણા મી. મોર્લે જેવા શાંતિપ્રેમી, અને ફિલસુફ હિન્દી સચીવે જેને હદપાર કરેલો હતો એવા હરામખોરની આબરૂને બહુ બહુ તો ધક્કો લાગીને કેટલો લાગે? એની આબરૂહાનિ બદલ હું પ૦ પાઉન્ડ ચૂકવવાના મતનો છું.’ ગઈ કાલે જ જેની મૃત્યુ-નેાંધ લેતાં હિન્દી ધારાસભાના અધ્યક્ષ શ્રી. પટેલે જેના અવસાનને ‘જગતભરની ખોટ' કહી, તે મહાપુરુષના સ્વમાનનાં મૂલ્ય ઈગ્લાંડના ન્યાયમંદિરમાં રૂપિયા સાડી સાતસો જ હતાં, કારણ એક જ: એની માતા – એની માતૃભૂમિ પરાધીન છે.