ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/કીર્તિસેનાની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કીર્તિસેનાની કથા

પૂર્વે પટણામાં ધનપાલિત એવા નામનો એક મોટો ધનાઢ્ય વણિક રહેતો હતો. તેનામાં નામ પ્રમાણે જ ગુણ હતા. એટલે તે ધનનું રક્ષણ કર્યા કરતો હતો. તેને ત્યાં કીર્તિસેના પુત્રીનો જન્મ થયો. આનું રૂપ અનુપમ હતું. અને તે વણિકને પ્રાણ કરતાંય અધિક પ્રિય હતી. મગધ દેશમાં દેવસેન નામનો મોટો શ્રીમંત વણિક રહેતો હતો, તે પોતાનો બરોબરિયો હતો, ધનપાલિત શેઠે તે કન્યાને તેની સાથે પરણાવી હતી. દેવસેન પોતે સદાચરણી હતો. તેનો પિતા ગુજરી જવાથી ઘરમાં તેની માતા ધણીરણી હતી. આ સ્ત્રી સ્વભાવે બહુ ખરાબ હતી. દેવસેન પોતાની સ્ત્રીને માન આપતો જોઈ તે ક્રોધથી બળી જતી હતી. અને પુત્ર ન હોય ત્યારે પછવાડે કીર્તિસેનાને દુઃખ આપતી હતી. પણ તે પતિ પાસે પોતાનું દુઃખ કહી શકતી ન હતી. કારણ કે કુટિલ સાસુઓને આધીન કુલીન કામિનીઓ ઘણી દુઃખદાયક સ્થિતિ ભોગવે છે. પછી એક વખત કીર્તિસેનાનો પતિ દેવસેન બંધુજનના કહેવાથી વેપાર કરવા વલભીપુર જવા તૈયાર થયો. એટલે કીર્તિસેના પતિને કહેવા લાગી, ‘આર્યપુત્ર, મેં આટલા વખત તમને જણાવ્યું ન હતું પણ હવે કહ્યા વિના છૂટકો નથી. એટલે કહું છું. તમે અહીં હો તો પણ તમારી માતા મને બહુ દુઃખ આપે છે, જ્યારે તમે પરદેશ જશો પછી કોણ જાણે મારું શું થશે તેની મને ખબર પડતી નથી.’

આ સાંભળી દેવસેન પોતાની સ્ત્રી ઉપરના પ્રેમને કારણે ગભરાઈ ગયો, ભયભીત બની ગયો. તે હળવે હળવે માની પાસે જઈ પ્રણામ કરી બોલ્યો, ‘માતા, હું પરદેશ જઉં છું. હમણાં કીર્તિસેનાને તમારા હાથમાં સોંપું છું. તે કુલીન ઘરની કન્યા છે તો તેના પર સ્નેહ રાખજો.’

તેની માએ પુત્રનું આવું બોલવું સાંભળી તે જ વખતે કીર્તિસેનાને બોલાવી અને ધમકાવી નાખી, પછી દીકરાને કહેવા લાગી, ‘દીકરા, તારી વહુને પૂછી જો કે મેં શું કર્યું? તે ઘરમાં કજિયો કરાવવા એવી એવી રીતે તને ઉશ્કેર્યા કરે છે, પરંતુ મારે તો તમે બંને સમાન છો.’ માતાનાં આવાં વચન સાંભળી દેવસેનનું મન શાંત પડી ગયું. કારણ કે માતાનાં પ્રેમાળ દેખાતાં વાક્યોથી કોણ ઠગાતું નથી?

પછી કીર્તિસેના ઉદ્વેગને લીધે મંદ હાસ્ય કરી છાનીમાની બેસી રહી.

બીજે દિવસે દેવસેન વલભીપુર ગયો. એટલે કીર્તિસેના પતિના વિરહક્લેશનો અનુભવ કરવા લાગી. અને તેની સાસુએ પણ ધીમે ધીમે તેની પાસેથી દાસદાસીઓને દૂર કરી દીધાં. પછી ઘરમાં કામ કરનારી દાસી સાથે એક સંપ કરી કોઈ જાણે નહીં એમ કીર્તિસેનાને ઘરની અંદર બોલાવી તેનાં બધાં કપડાં ઉતારી કહ્યું, ‘પાપિણી, તેં મારા પુત્રને મારી પાસેથી છિનવી લીધો છે.’ એમ કહી તેનો ચોટલો પકડી દાસી અને તે પોતે ધક્કામુક્કી પાટુના માર મારવા લાગ્યાં. અને દાંત અને નખથી તેને વીંખી નાખી. પછી ઘરમાં એક ભોંયરું હતું તેમાં પહેલેથી મેળવેલું ધન ભર્યું હતું, તેને બહાર કાઢી તેમાં કીર્તિસેનાને ઉતારી ઢાંકણું દઈ મજબૂત ભોંગળ ભીડી દીધી. પાપિણી સાસુ આવી દુઃખી કીર્તિસેનાને સાયંકાળે ખાવા વાસ્તે ચોખાનું એક કોડિયું ભોંયરામાં આપવા લાગી. તે કુટિલ સાસુ વિચાર કરવા લાગી કે આનો પતિ પરદેશમાં છે ત્યાં સુધીમાં તો આ સ્ત્રી પોતાની મેળે જ ભોંયરામાં મરણ પામશે તો તેને બહાર નાખી દઈશું અને જ્યારે તે આવશે ત્યારે એમ કહીશું કે ‘તે તો ઘણા દિવસથી નાસી ગઈ છે.’

કપટી સાસુએ ભોંયરામાં કેદ કરેલી કીર્તિસેના તો સુખ ભોગવવા યોગ્ય સુકુમાર કુલીન હતી, તે રુદન કરવા લાગી અને અફસોસ કરવા લાગી, ‘પતિ ધનાઢ્ય છે, મારો જન્મ ઉત્તમ કુળમાં થયો છે, હું સૌભાગ્યવતી અને સદાચરણી છું, છતાં મારી સાસુને કારણે આટલી વિપત્તિ પડે છે. આટલા માટે જ કન્યાનાં સગાંસંબંધીઓ કન્યાના જન્મને ધિક્કારે છે, કારણ કે કન્યા સાસુના અને નણંદના દુઃખથી અને વૈધવ્યાદિ દુઃખોથી દુઃખી થાય છે.’

આમ કીર્તિસેના દુઃખી થઈ રહી હતી ત્યાં અકસ્માત્ ત્યાંથી એક કોદાળી મળી. દૈવે જાણે તેના મનમાંથી સાલ કાઢી નાખ્યું હોય તેમ તે કોદાળી લાગી. કીર્તિસેના તે કોદાળી વડે સુરંગ ખોદવા લાગી. ખોદતાં ખોદતાં સુરંગનું મોઢું પોતાના ઘરમાં નીકળ્યું. આમાં પહેલેથી સળગાવેલો અક્ષય દીવો બળતો હતો. તેથી પૂર્વજન્મમાં કરેલા નાશરહિત પોતાના ધર્મને લીધે જેમ જ્ઞાન થાય તેમ પ્રકાશ પડવા લાગ્યો. એટલે તે ઘરને તપાસી વળી. પછી તે ઘરમાંથી પોતા માટે વસ્ત્રો અને પોતાનું જરઝવેરાત લઈ સવારે તેમાંથી ગુપ્ત રીતે બહાર નીકળી ગઈ. તે નગર બહાર નીકળી વિચાર કરવા લાગી કે આ અવસ્થામાં પિતાને ઘેર જવું એ ઘટિત નથી. કારણ કે ત્યાંના લોકોને મારે શું કહેવું? અને મારો વિશ્વાસ તેઓ કરશે? માટે હવે મારી યુક્તિથી પતિની પાસે જવું કારણ કે ‘આ લોકમાં અને પરલોકમાં કુલીન કામિનીને એક પતિ એ જ ગતિ છે.’ આમ વિચારી કીર્તિસેના ત્યાં એક તળાવ હતું તેમાં સ્નાન કરી રાજપુત્રનો ઉમદા પોશાક પહેરી બજારમાં ગઈ અને થોડી કંમિતમાં સોનું વેચી તે દિવસે એક વણિકને ઘેર ઉતારો કર્યો.

એ વણિકને ઘેર સમુદ્રસેન નામનો એક વણિક આવ્યો હતો, તે દિવસે વલભીપુર જવાનો હતો. તેની સાથે કીર્તિસેના પણ પ્રથમ ગયેલા પોતાના પતિને મળવા માટે જવાનું નક્કી કરી અને ઉત્તમ રાજપુત્રનો પોશાક પહેરી ચાકર સહિત સમુદ્રસેન નામના વણિકની સાથે વલભીપુર જવા નીકળી અને તે વણિકને કહ્યું, ‘મારા ગોત્રજોએ મને દુઃખ આપ્યું છે માટે મારા માણસ પાસે જવા તમારી સાથે વલભીપુર આવું છું.’ તે સાંભળી પેલો સમુદ્રસેન આ પણ કોઈ રાજપુત્ર અવશ્ય હશે એમ ધારી ગૌરવને લીધે રસ્તામાં તેની સેવાચાકરી કરવા લાગ્યો. પછી તે વણિકનો સંઘ ઘણું દાણ આપવાના ભયથી મનુષ્યોને આવવાજવાનો માર્ગ જતો કરી જંગલના માર્ગે ચાલવા માંડ્યો. એક દિવસે જંગલનો છેડો આવ્યો અને સાંજ પડી એટલે સંઘે ઉતારો કર્યો. એવામાં શિયાળે યમદૂતની માફક ભયંકર શબ્દ કર્યો. તેના તે શબ્દથી શકુનશાસ્ત્ર જાણનારા વણિકો શંકા કરવા લાગ્યા કે આજ રાત્રે નિ:શંક ચોરો આવશે. ત્યાર પછી શત્રુથી રક્ષા કરનારા સિપાઇઓ હાથમાં હથિયાર લઈ ચોતરફ ચોકી કરવા લાગ્યા. ત્યારે શત્રુઓની આગળ ચાલતી સેના સમાન જણાતું અંધારું ચોમેર દોડવા લાગ્યું. એ જોઈ પુરુષના વેશમાં રહેલી કીર્તિસેના વિચારવા લાગી, ‘દુષ્ટકર્મ કરનારા પાપીઓનાં કર્મ સારી રીતે વિસ્તાર પામી આગળ વધે છે; કારણ કે સાસુએ આપેલું દુઃખ મને અહીં પણ નડ્યું. પ્રથમ તો મારી સાસુના કાળ જેવા કોપે મારું ભક્ષણ કર્યું હતું; ત્યાર પછી બીજા ગર્ભવાસ જેવા ભયંકર દુઃખ આપનારા ભોંયરામાં વસવું પડ્યું. નસીબયોગે ફરી જમની પેઠે તે ભોંયરામાંથી બચીને બહાર નીકળી અને અહીં આવી. તો ફરી મરણના સંકટમાં આવી ફસાઈ ગઈ. જો ચોર મને આ અરણ્યમાં મારી નાખશે તો મારી વેરણ સાસુ મારા વરને એમ કહેશે કે તે તો બીજા પુરુષ પર આશક હતી તેથી ક્યાંક નાસી ગઈ છે. ભોગ ચોઘડીએ કોઈ મારાં અંદરનાં કપડાં ઉતારશે અને મને સ્ત્રી જાણશે તો તે મારા શિયળનો ભંગ કરશે. તો તે કરતાં મારું મૃત્યુ શ્રેયસ્કર છે. પણ શિયળભંગ શ્રેયસ્કર નથી. માટે આ વણિકની દરકાર ન કરતાં મારે મારો પોતાનો બચાવ કરવાની જરૂર છે. કેમ કે ઉત્તમ સ્ત્રીએ પ્રથમ સતીધર્મની સંભાળ લેવી અને પછી સગાસંબંધીની સંભાળ લેવી.’

આમ નિશ્ચય કરી તે સંતાવાની જગ્યા શોધવા લાગી. એવામાં પૃથ્વી માતાએ જાણે કરુણા કરી તેને માર્ગ આપ્યો હોય તેવો ઘરના આકારનો એક ખાડો તેણે જોયો. આ ખાડો ઝાડના મધ્ય ભાગમાં આવેલો હતો. કીર્તિસેના તે ખાડામાં ઊતરી શરીરને ઢાંકી પતિને મળવાની આશાથી વિચાર કરતી બેઠી. જ્યાં અર્ધ રાત્રિ વીતી એટલે ઘણી મોટી ચોરસેના આયુધો ઉગામતી એકદમ તૂટી પડી ને સંઘને ઘેરી લીધો. ચોર રૂપી શ્યામ મેઘ શબ્દ કરવા લાગ્યા ને હથિયારની ચકચકાટ કાંતિરૂપ વીજળીઓ પ્રકાશવા લાગી અને લોહીનો વરસાદ વરસ્યો. આવી રીતે રાત્રિમાં યુદ્ધ રૂપ દુદિર્ન મચ્યો; તેમાં બળવાન ચોરલોકો સમુદ્રસેન શેઠનો અને તેના માણસોનો નાશ કરી તેમનું ધન લૂંટી ચાલતા થયા. આ વખતે કીર્તિસેનાએ પરસ્પર યુદ્ધ કરનારા લોકોનો શોરબકોર સાંભળ્યો છતાં તેના પર બળાત્કાર ન થયો ને તે જીવતી રહી તેમાં નસીબને કારણ માનવું જોઈએ.

પછી રાત્રિ વીતી ગઈ અને સૂર્યનો સારી પેઠે ઉદય થયો એટલે તે કીર્તિસેના ખાડામાંથી બહાર નીકળી અને ઝાડની ડાળીઓની અંદરથી બહાર આવી. કારણ કે જે સ્ત્રીઓ પોતાના પતિની જ ભક્ત હોય છે તેમનું તેજ ક્યાંય પણ ઝાંખું પડતું નથી. અને તેવી સદ્ગુણી સ્ત્રીઓની રક્ષા દેવતાઓ આપત્તિમાંથી કરે છે. કેમ કે નિર્જન વનમાં એક સંહેિ તેને જોઈ છતાં તેનો ઘાત કર્યો નહીં, એટલું જ નહીં તેણે તેનો ત્યાગ કર્યો. એવામાં કોઈ એક તપસ્વી ક્યાંકથી આવી ચઢ્યો અને તેણે તે સ્ત્રીને સર્વ વૃત્તાંત પૂછી શાંત પાડી, તેને માર્ગ બતાવી ક્યાંક અલોપ થઈ ગયો. પછી તે પતિવ્રતા સ્ત્રી જળપાન કરી અમૃતથી જેમ તૃપ્ત થાય તેમ તૃપ્ત થઈ ને ક્ષુધા ને તૃષારહિત બની ગઈ. પછી તે મુનિએ બતાવેલા માર્ગ તરફ ચાલવા લાગી. એવામાં સૂર્યનારાયણ જાણે એક રાત્રિ અહીં જ રહી જા એવો ઉપદેશ આપતા હોય તેમ પોતાનાં કિરણો ફેલાવી અસ્તાચળ પર વિરાજમાન થયો. સાંજ પડી. તે જોઈ મોટા ઝાડના મૂળમાં એક ઘર જેવું કોટર હતું તેમાં તે પેસી ગઈ અને તેનું દ્વાર બીજા લાકડા વડે ઢાંકી દીધું. પ્રદોષ વખત થયો એટલે પેલી સ્ત્રીએ દ્વારના કાણામાંથી જોયું તો એક રાક્ષસી અને તેનાં છોકરાં ત્યાં આવેલાં હતાં. તેમને જોતાં તે ઘણી ડરવા લાગી કે હું બીજી આપત્તિમાંથી છૂટી છું તો આ જ મને ખાઈ જશે. એવામાં તે રાક્ષસી ઝાડ પર ચઢી અને તેની પાછળ તેનાં છોકરાં પણ ચઢ્યાં અને તત્ક્ષણ બોલ્યાં, ‘મા, અમને કંઈ ખાવાનું આપ.’ એટલે પેલી રાક્ષસી કહેવા લાગી, ‘બેટા, આજે હું મહાસ્મશાનમાં ગઈ હતી તો પણ મને કંઈ ખોરાક મળ્યો નહીં. મેં અહીં યુદ્ધની જગા પર ડાકણોના ટોળા પાસે માગણી કરી તો તેમણે પણ મને ખોરાકમાંથી ભાગ આપ્યો નહીં. એટલે મેં ભૈરવદેવને વિનતિ કરી અને તેમની પાસે ખોરાક માગ્યો. ભૈરવદેવે મારું નામ અને કુળ પૂછી મને એમ કહ્યું કે અયિ ભયંકરી, તું કુલીન છે, ખરદૂષણના વંશમાં જન્મી છે. માટે અહીંથી થોડે દૂર વસુદત્ત નામનું નગર છે ત્યાં જા. ત્યાં વસુદત્ત નામનો એક રાજા છે. તે મોટો ધર્માભિમાની છે. તે આ સઘળા જંગલના સીમાડા ઉપર રહી તેનું રક્ષણ કરે છે અને લોકો પાસેથી કર લઈ ચોરોને શિક્ષા કરે છે. તે રાજા મૃગયા રમવા માટે એક સમે અરણ્યમાં ગયો હતો, ત્યાં મૃગયા કર્યા પછી શ્રમિત થવાથી તે સૂઈ ગયો, એવામાં તેના કાનમાં અજાણતાં જ નાનો કાનખજૂરો પેસી ગયો. ને કેટલાક દિવસ પછી માથામાં ઘણો ફેલાયો. આ ભયંકર રોગને લીધે હમણાં તે રાજા આંતરડાં માત્રથી બાકી રહેલો છે. વૈદ્યો પણ તેના રોગની પરીક્ષા કરી શકતા નથી. અને બીજો કોઈ જો તેના રોગને ઓળખી શકશે નહીં તો એ રાજા થોડા દિવસમાં મરણ પામશે. માટે તે રાજા મરણ પામે તો તું તારી માયાથી તેના માંસનું ભક્ષણ કરજે. કારણ કે તેનું માંસ ખાવાથી તને છ માસ સુધી તૃપ્તિ રહેશે.’ આવી રીતે ભૈરવનાથે પણ મને નિ:સંદેહ સમયનો વિભાગ પાડી આપ્યો છે, તો બેટા, હવે શું કરું?’ તેની વાત સાંભળી તેનાં છોકરાં રાક્ષસીને કહેવા લાગ્યાં, ‘મા, તેના રોગની પરીક્ષા કરનારો મનુષ્ય તેના રોગને દૂર કરે તો તે રાજા શું જીવતો રહે? તે રાજાનો રોગ દૂર કેમ કરી શકાય તે અમને કહે.’

એટલે આમ પૂછતાં બાળકોને તેમની માતા કહેવા લાગી, ‘આ રોગની પરીક્ષા કર્યા પછી જો અંદરથી કાનખજૂરાઓને કાઢી નખાય તો રાજા જીવતો રહે. મરે નહીં. તેનો મહારોગ કેવી રીતે દૂર થાય તે સાંભળો. પ્રથમ ઊનું ઘી તેના મસ્તક પર લગાડવું. પછી મધ્યાહ્નના ગરમ તડકામાં તેને બેસાડવો. પછી વાંસની નળીનો એક છેડો તેના કાનના છિદ્રમાં ખોસી તે નળી શીતળ જળના ઘડાની પીઠ ઉપર રહેલા કોડિયાના કાણામાં લગાડવી. એટલે પેલા કાનખજૂરા પરસેવાથી અને તડકાની ગરમીથી ગભરાઈ ઠંડકની ઇચ્છાથી તેના મસ્તકની બહાર નીકળી તે જ કાનના છિદ્ર વાટે પેલી વાંસની નળીમાં ઊતરીને ઘડામાં પડશે. આમ ઘડામાં પડ્યા પછી તે રાજા મહારોગમાંથી મુક્ત થશે.’

ઝાડ પર ચઢેલાં બાળકોને આટલું કહી તે રાક્ષસી ચૂપ થઈ. આ સર્વ વાત કોટરમાં રહેલી કીર્તિસેનાએ સાંભળી. ત્યાર પછી તે વિચાર કરવા લાગી, ‘જો હું આ દુઃખમાંથી છૂટીશ તો ત્યાં જઈ આ યુક્તિથી રાજાને જીવતો રાખીશ. તે રાજા આ જંગલના સીમાડા ઉપર અને બહારના ભાગમાં રહી સાધારણ કર લે છે અને આ જંગલનું પાલન કરે છે, તેના પ્રતાપથી સઘળા વણિકો આ માર્ગેથી સુખરૂપ જાય છે. સ્વર્ગવાસી સમુદ્રસેન વણિક પણ એમ જ કહેતો હતો. ધારું છું કે મારો વર પણ આ જ માર્ગેથી આવશે, માટે અરણ્યના સીમાડા પર આવેલા વસુદત્ત નામના નગરમાં જઈ ત્યાંના રાજાને રોગમાંથી મુક્ત કરી તે જ નગરમાં રહી મારા વરના આવવાની રાહ જોઉં.’

આવા વિચાર કરતી કીર્તિસેનાએ મહા કષ્ટમાં તે રાત ગાળી. સવાર થઈ અને રાક્ષસી તથા તેનાં છોકરાં નાસી ગયાં. એટલે તે કોટરમાંથી બહાર નીકળી, પુરુષનો વેશ ધારણ કરી વગડામાં ચાલવા લાગી. જ્યાં અપરાહ્નનો સમય થયો એટલે એક ભલો ગોવાળ તેની નજરે પડ્યો. તે ગોવાળનું મન તથા તે સ્ત્રીનું લાવણ્ય જોઈ તેને દૂરના જંગલમાં એકલી આવેલી જોઈ પીગળી ગયું. પછી તે કીર્તિસેના ગોવાળ પાસે જઈ પૂછવા લાગી, ‘આ પ્રદેશનું નામ શું છે તે મને કહો.’

પેલો ગોવાળ બોલ્યો, ‘આ આગળ આવેલું નગર વસુદત્ત. તેનો રાજા વ્યાધિને લીધે મરવા પડ્યો છે.’

આ સાંભળી, કીર્તિસેના તે ગોવાળને કહેવા લાગી, ‘જો મને કોઈ તે રાજા પાસે લઈ જાય તો હું તેના તે રોગનું નિવારણ જાણું છું.’ તે સાંભળી પેલો ગોવાળ બોલ્યો, ‘આજે જ હું તે ગામ જાઉં છું, માટે તું મારી સાથે ચાલ. હું તારા માટે પ્રયત્ન કરીશ.’ એટલે કીર્તિસેના બોલી, ‘ભલે.’

પછી તે ગોવાળ પુરુષ વેશમાં રહેલી કીર્તિસેનાને વસુદત્તપુરમાં લઈ ગયો અને તે જ વખતે ઉદાસ પ્રતિહારીને તેની હકીકત જણાવી. તે પ્રતિહારીએ તે સ્ત્રીની આજ્ઞાથી રાજાને વિનંતી કરી. એટલે રાજાના હુકમથી તરત જ પવિત્ર પ્રમદાને તેની પાસે લઈ જવામાં આવી. રાજા વસુદત્તને પણ અદ્ભુત રૂપવાન પુરુષના વેશમાં રહેલી કીર્તિસેનાને જોઈ મનમાં વિશ્વાસ આવ્યો કે તે મારો રોગ નાબૂદ કરશે જ. પછી પુરુષના વેશમાં રહેલી કીર્તિસેનાને તે રાજાએ કહ્યું, ‘અરે સુલક્ષણ, જો તું આ રોગનું નિવારણ કરીશ તો હું તને મારું અર્ધું રાજ્ય આપીશ. મને યાદ છે કે સ્વપ્નમાં કોઈ સ્ત્રીએ મારી પીઠ ઉપરથી કાળો ધાબળો ખેંચી લીધો હતો તે ઉપરથી હું જાણું છું કે તું મારા રોગને અવશ્ય દૂર કરીશ.’

તે સાંભળી કીર્તિસેનાએ રાજાને કહ્યું, ‘રાજાજી, આજનો દિવસ તો ગયો, પણ કાલે હું તમારો રોગ દૂર કરીશ. ઉતાવળ કરો મા. ધીરજ રાખો.’

આમ કહી તે દિવસે તો રાજાના મસ્તક ઉપર ગાયનું ઘી ચોપડાવ્યું, તેનાથી રાજાને નિદ્રા આવી ગઈ. અને પ્રથમની કારી વેદના દૂર થઈ ગઈ, રાજાની વેદના દૂર થયા પછી ત્યાં સઘળાં મનુષ્યો કીર્તિસેનાનાં એવી રીતે વખાણ કરવા લાગ્યાં કે આપણા પુણ્ય વડે આ કોઈ પણ દેવ વૈદ્યના રૂપે આવી ચઢ્યા છે.

પટરાણી પણ જુદા જુદા પદાર્થો વડે તેની બરદાસ્ત કરવા લાગી અને રાતે શયન માટે જુદું ઘર આપ્યું, સેવા માટે દાસદાસીઓ આપ્યાં. પછી બીજે દિવસે બપોરનો સમય થયો એટલે તે કીર્તિસેનાએ સર્વ મંત્રીઓ અને અંત:પુરવાસના દેખતાં પૂર્વે રાક્ષસીએ કહેલી અદ્ભુત યુક્તિ વડે રાજાના કાનમાંથી દોઢસો કાનખજૂરા કાઢ્યા અને તે સઘળાને ઘડામાં ભરી દીધા. પછી તે રાજા ઉપર ઘી અને દૂધની ધારા કરી સારી રીતે તેને શાંત કર્યો. પછી ધીમે ધીમે રાજા શુદ્ધિમાં આવ્યો અને રોગમુક્ત થયો. ઘડામાં રહેલા કાનખજૂરાને જોઈ બધા વિસ્મય પામ્યા. કારણ કે આ બાબતે કોણ આશ્ચર્ય ન પામે? તે રાજા પણ બહાર નીકળેલા કાનખજૂરાને જોઈ ત્રાસ પામ્યો અને મહા વિચારમાં પડી ગયો. તે અત્યંત હર્ષ પામ્યો અને પોતાનો પુનર્જન્મ થયો એમ માનવા લાગ્યો. પછી સ્નાન કરી મહોત્સવ કર્યો અને કીર્તિસેનાને અર્ધું રાજ્ય આપવા માંડ્યું પણ તેણે તે લેવાની ઇચ્છા જણાવી નહીં. ત્યારે તેને ગાય, હાથી, ઘોડા અને સુવર્ણ વગેરે આપી તેનો સત્કાર કર્યો. આ વૈદ્યે અમારા રાજાને જીવતદાન આપ્યું છે માટે અમારે સત્કાર કરવા લાયક છે એમ માની રાણી અને મંત્રીઓએ પણ સુવર્ણ અને વસ્ત્રોથી વૈદ્યને ઢાંકી દીધા.

પછી પતિને મળવાની ઇચ્છાવાળી કીર્તિસેનાએ રાજાને કહ્યું, ‘હું હમણાં આ નગરમાં થોડો વખત રહેવાનો છું. માટે આ દ્રવ્ય તમે રાખો.’ આમ કહી તે સર્વ રાજાના હાથમાં સોંપી અને સઘળાના માનપાત્ર બની કેટલાક દિવસ પુરુષના વેશમાં રહી. એવામાં તેણે લોકો પાસેથી સાંભળ્યું કે વલભીપુરથી આ માર્ગે દેવસેન પુષ્કળ દ્રવ્ય કમાઈને આવ્યો છે. જાણતાંવેંત તે તેની પાસે જઈ મયૂરી જેમ નવા મેઘને જુએ તેમ તેણે પ્રાણપતિના દર્શન કર્યાં અને ઘણા ઘણા દિવસની ઉત્કંઠા તથા સંતાપથી પીગળેલા હૃદય વડે જેમ આનંદનાં અશ્રુના અર્ઘ્ય આપતી હોય તેમ તેના ચરણમાં પડી. તેના પતિએ પણ પુરુષના પોશાકમાં રહેલી પોતાની પ્રિયાને ઓળખી નહીં, કેમ કે સૂર્યનાં કિરણોથી નિસ્તેજ થયેલી ચાંદની મૂતિર્માન હોય છતાં દિવસે માંડ માંડ દેખાય છે તેમ આ પણ માંડ માંડ ઓળખાઈ. પણ પ્રિયાના મુખચંદ્રને નિહાળી ચંદ્રકાંત રૂપ દેવસેનનું હૃદય પીગળ્યું નહીં એ આશ્ચર્ય! એવી રીતે પ્રણામ કર્યા પછી કીર્તિસેનાએ પોતાનું રૂપ પ્રગટ કર્યું. એટલે તેનો પતિ ‘આ શું?’ એમ વિચાર કરતો ઊભો રહી ગયો. અને બીજા વણિકો પણ વિસ્મય પામ્યા. આ વૃત્તાંત જાણતાંવેંત વસુદત્ત રાજા આશ્ચર્ય પામ્યો અને પોતે જ ત્યાં આવી તેણે કીર્તિસેનાને સર્વ વૃત્તાંત પૂછ્યું. એટલે કીર્તિસેનાએ પોતાના પતિની આગળ સાસુના નઠારા આચરણથી ઉત્પન્ન થયેલું પોતાનું સર્વ વૃત્તાંત વર્ણવી બતાવ્યું. તેનો પતિ દેવસેન તે સઘળું વૃત્તાંત સાંભળી મા ઉપર ઘણો ગુસ્સે થયો અને પોતાની માતાનો ત્યાગ કર્યો અને તે જ ક્ષણે ક્રોધ, આશ્ચર્ય, ક્ષમા ને હર્ષની વચ્ચે ડોલવા લાગ્યો. પતિભક્તિના રથમાં બેઠેલી, શીલનું બખ્તર પહેરી, ધર્મને સારથિ કરી, પોતાની મતિનું શસ્ત્ર બનાવી આ જગતને સતી પતિવ્રતા સહજમાં જીતે છે. પછી કીર્તિસેનાનું આવું અદ્ભુત ચરિત્ર સાંભળી ત્યાં ઊભેલાં સઘળાં મનુષ્યો અને રાજા આનંદપૂર્વક કહેવા લાગ્યાં કે ‘આ સ્ત્રીએ, પતિ માટે ક્લેશ સહન કરીને, રામચંદ્ર માટે સખત ક્લેશ સહન કરનારાં સીતાદેવીનો પણ પરાજય કર્યો છે.’ તે પછી રાજા બોલ્યો, ‘મારા પ્રાણ ઉગારનારી આ સ્ત્રી મારી ધર્મની બહેન છે!’

રાજાએ આમ કહ્યા પછી કીર્તિસેના બોલી, ‘રાજાજી, તમે મને પ્રસન્ન થઈને હાથી, ઘોડા, રત્ન અને ગામ વગેરે રાજ્યનો ભાગ આપ્યો હતો તે તમારા કબજામાં છે, તે સર્વ મારા પતિને સ્વાધીન કરો.’ એટલે રાજાએ તેના પતિ દેવસેનને ગામ વગેરે આપી પ્રસન્ન થઈને તેનો પટો કરી આપ્યો.

પછી દેવસેન પોતાની માતાનો ત્યાગ કરી કીર્તિસેનાનાં વખાણ કરવા લાગ્યો અને રાજાએ આપેલા અને વેપારમાંથી મેળવેલા ધનના ઢગલા વડે ભંડારો ભરી દઈ તે જ નગરમાં નિવાસ કરીને રહેવા લાગ્યો. અનુપમ ચરિત્રવાળી પ્રખ્યાત થયેલી કીર્તિસેના પણ સાસુના દુઃખમાંથી છૂટી, સુખ પામીને પતિના દેહ સાથે બંધાયેલી, પુણ્યના ફળની સમૃદ્ધિ જેવી તે સમગ્ર ભોગ અને ઐશ્વર્યની બાબતમાં પતિની સમીપમાં રહેવા લાગી.