રચનાવલી/૧૩૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૩૧. નૈષધીયચરિત (શ્રીહર્ષ)


સંસ્કૃતમાં છ કાવ્યોના અભ્યાસની ખાસ પરંપરા હતી. એમાં એક બાજુ કાલિદાસના ‘રઘુવંશ’, ‘કુમારસંભવ' અને ‘મેઘદૂત' છે, જે લઘુત્રયીથી ઓળખાય છે અને બીજી બાજુ ભારવિનું ‘કિરાતાઅર્જુનીય’ માઘનું ‘શિશુપાલવધ' અને શ્રીહર્ષનું ‘નૈષધીયચરિત' છે, જે બૃહતત્રયીથી ઓળખાય છે. સંસ્કૃત સાહિત્યમાં એવું પણ પ્રચલિત છે કે કાલિદાસની ઉપમા ધ્યાનપાત્ર છે, ભારવિમાં અર્થનું ગૌરવ ધ્યાનપાત્ર છે, દંડીમાં પદલાલિત્ય ધ્યાનપાત્ર છે તો માઘમાં ત્રણે ગુણો હાજર છે. આગળ ચાલતાં એવું પણ કહેવાયું કે માઘનો ઉદય નહોતો થયો ત્યાં સુધી ભારવિનો સિતારો ચમકતો હતો પણ શ્રીહર્ષનું ‘નૈષધીયચરિત' જ્યાં ચમક્યું ત્યાં માઘ કોણ અને પછી ભારવિ કોણ? ટૂંકમાં સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ પછી ‘નૈષધીયચરિત’ના રચયિતા શ્રીહર્ષની બોલબાલા છે. અલબત્ત, કાલિદાસ તરત સમજાય એવી પ્રાસાદિક કવિતાના સર્જક છે, તો શ્રીહર્ષ પાંડિત્યથી ભરપૂર અને અનેક શાસ્ત્રોથી ભારેખમ એવી કવિતાના સર્જક છે. કાલિદાસ પ્રસન્ન છે, શ્રીહર્ષ ખૂબ શ્રમ પછી સાહિત્યસંતોષ આપે છે. ક્યારેક કાલિદાસની સરખામણીમાં શ્રીહર્ષની શૈલીને કૃત્રિમ અને આડંબરી પણ કહેવાયેલી છે, તો શ્રીહર્ષના ‘નૈષધીયચરિત'ને અવનતિકાળનું મહાકાવ્ય પણ કહ્યું છે. આમ છતાં અલંકાર અને છંદ, શબ્દ અને અર્થ, અનુપ્રાસ અને લય આ બધાની ઝીણી નકશી અને અદ્ભુત કરામતો સહેજ પણ બાજુએ મૂકવાં જેવાં નથી. કસબને એના અંતિમ છેડા પર કવિતામાં અખત્યાર થતો જોવાનો પણ રોમાંચ કાંઈ ઓર હોય છે. આપણા પ્રાચીન કવિઓ વિશે ઐતિહાસિક વિગતો ઝાઝી મળતી નથી પણ ‘નૈષધીયચરિત'માં કવિએ જ આપેલી વિગત પરથી લાગે છે કે શ્રીહર્ષના પિતાનું નામ શ્રીહીર અને માતાનું નામ મામલ્લદેવી હોવું જોઈએ. પિતા પ્રસિદ્ધ વિદ્વાન હતા પણ કોઈ રાજસભામાં એમનો પરાજય થતાં પુત્ર હર્ષને કહેલું કે ‘પુત્ર અગર જો તું સુપુત્ર હો તો મારા વિજેતાને પરાજિત કરીને મારા મનનો સંતાપ દૂર કરજે. આ પછી હર્ષે તર્ક, ન્યાય, વ્યાકરણ, વેદાન્તદર્શન, યોગશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર વગેરેનો અભ્યાસ આદર્યો' જેની ખાતરી એમના ‘નૈષધીયચરિત' મહાકાવ્યમાં ઠેર ઠેર થાય છે. ‘નૈષધીયચરિત’ની રચનાથી પ્રસન્ન રાજાએ હર્ષને કહ્યું કે કાશ્મીર જઈને મહાકાવ્યની પરીક્ષા કરાવી ત્યાંના રાજાનું પ્રમાણપત્ર લઈ આવો. શ્રીહર્ષ કાશ્મીર તો પહોંચે છે પણ વિદ્વાનોની ઇર્ષ્યાને કારણે એમનો કોઈ મેળ પડતો નથી. એવામાં શ્રીહર્ષ નદીતટ પર બેઠા હતા ત્યાં બે દાસીઓ પાણી ભરવા માટે આવે છે અને કોઈ બાબત પર એ બે વચ્ચે ઝઘડો થાય છે. ઝઘડો ઠેઠ રાજસભા સુધી પહોંચે છે. રાજા કહે છે કે તમારા ઝઘડાનું કોઈ પ્રત્યક્ષ સાક્ષી છે? તો દાસીઓએ કહ્યું કે એક વિદેશી એ વખતે તટ પર બેઠો હતો. શ્રીહર્ષને રાજસભામાં હાજર કરવામાં આવે છે. રાજા પૂછે છે આ બે વચ્ચેના વિવાદ વિશે કંઈ જાણો છો? શ્રીહર્ષ કહે છે ‘રાજન, હું પરદેશી હોવાથી એમના શબ્દોનો એક પણ અર્થ હું સમજી શક્યો નથી. આ બંને જણે એકબીજાને જે સામસામા કહ્યું તે કહો તો રજૂ કરી શકું છું અને શ્રીહર્ષે બંને દાસીઓનો ઝઘડો યથાવત્ રજૂ કર્યો. આ દંતકથા હોય તો દંતકથા પણ એક વાત પર પ્રકાશ ફેંકે છે અને તે એ કે શ્રીહર્ષનું મહાકાવ્ય જોતાં એમની ધારણશક્તિ બહુ ઊંચા પ્રકારની હશે તો જ એમના શ્લોકોમાં જુદાં જુદાં ક્ષેત્રોના વિવિધ વિષયોને તેઓ લાવી શક્યા છે. ‘નૈષધીયચરિત’ મહાકાવ્ય બાવીસ સર્ગનું બનેલું છે અને એમાં મહાભારતના વનપર્વમાં આવતી આમ તો નલદમયંતીની જાણીતી કથા જ છે અને એ કથામાં પણ નળની ઉત્તરકથા તો સમાવી નથી. બાવીસ સર્ગમાં નળ અને હંસનું મિલન, પછી હંસનું દમયંતી તરફ ગમન, દમયંતીમાં નળ તરફનો ઊભો કરેલો અનુરાગ, સ્વયંવર વગેરેનાં વર્ણનો છે. દમયંતી મળી નહિ એથી હતાશ થયેલા કલિનું પણ એમાં આલેખન આવે છે. ત્યારબાદ નલદમયંતીનો પ્રેમપ્રસંગ, પ્રકૃતિવર્ણન વગેરેનો સમાવેશ છે. ગુજરાતી ભાષામાં પ્રેમાનંદે તો ‘નળાખ્યાન’ને અદ્ભુત રીતે રજૂ કર્યું છે. પ્રેમાનંદ પહેલાં ગુજરાતી ભાષામાં ભાલણે પણ ‘નળાખ્યાન' રજૂ કર્યું છે પણ ભાલણ સંસ્કૃત પંડિત હોવાથી એમણે એમાં ‘નલચંપૂ’ ઉપરાંત શ્રીહર્ષના ‘નૈષધીયચરિત'માંથી પણ ઘણી કલ્પનાઓ ભાષાન્તર કરીને ઉઠાવી છે. બાવીસ સર્ગના લાંબા પટ પર ફેલાયેલા આ મહાકાવ્યના કેટલાક શ્લોકોના નમૂનાઓ જ જોઈ શકાશે. શરૂના સર્ગમાં નળનું રાજા તરીકે વર્ણન કરતાં કવિ કહે છે કે ‘નલે ઉશેટી નિજ રિદ્ધિથી ભરી સમસ્ત પૃથ્વી થકી, તો નિરાશ્રયી / વસી જઈને અતિવૃષ્ટિ શત્રુની / મૃગાક્ષી સૌ સુંદરીઓની / આંખમાં' અહીં રાજા તરીકે પોતાની સમૃદ્ધિથી અતિવૃષ્ટિને નલે દૂર કરી તો એ શત્રુઓની સ્ત્રીઓની આંખમાં જઈને વસી, એમ નલનું શત્રુઓનું જીતવું અને એમની પત્નીઓનું રુદન એમાંથી નલનું પરાક્રમ કવિએ છતું કર્યું છે. એ જ રીતે પોતાના માથા પર સેંથી પાડીને બે બાજુ બાંધેલા કેશગુચ્છોને જોતાં નલનો તરંગ પણ માણવા જેવો છે : ‘વિભાગી વહેંચ્યો નહિ મેરુ પ્રાર્થીને / ન સિન્ધુ કીધો મરુ દાનવારિથી / નલે વિચાર્યું શિર સેંથી બાંધિયાં / ના કેશગુચ્છો, અપકીર્તિ યુગ્મ તે એટલે કે યાચકોમાં મેરુને વહેંચી શક્યો નથી અને દાનના વારિથી સમુદ્રને ખાલી કરી શક્યો નથી એવું કલંક, એની અપકીર્તિ જેવા એ કાળાં કેશગુચ્છો છે! તો નલના હૃદયમાં દમયંતી કેવી રીતે પ્રવેશી એનું વર્ણન જુઓ : ‘ખીલેલ બે જોબન-ભેટ શાં સ્તનો / તણે ઘડૂલે દમયંતી સુન્દરી / અલંઘ્ય લજ્જાનું વહેણ ગૈ તરી / પ્રવેશી એ નૈષધ-રાજવી–ઉરે’ નલ અશ્વ પર સવાર થઈને ઉદ્યાન ભણી જાય છે ત્યારે અશ્વની ગતિ અંગેનો તરંગ જુઓ. આવી ગતિથી ધરતી પર કેટલા ડગ માંડીશું? ધરતી ઓછી પડશે; એવું વિચારીને ગતિગર્વિલા અશ્વો જાણે કે સમુદ્રને પૂરવા માટે ધૂળને ઉડાડે છે.’ જેમ અશ્વનું તેમ દૂતકાર્ય કરનાર હંસનું વર્ણન પણ કેટલા બધા શ્લોક ભરીને હર્ષે કર્યું છે. એમાં પંખી અંગેનું કવિનું બારીક નિરીક્ષણ જોવા મળે છે. એકાદ બે ઉદાહરણ જોઈએ : ઉદ્યાનના સરોવરમાં નલ સુવર્ણ હંસને કળથી ઝાલે છે અને પછી એને છોડી દે છે. છૂટો થયેલો હંસ ફરી ફરી શરીર કંપાવીને ઝાલવાથી અસ્તવ્યસ્ત થયેલી પાંખને ચાંચથી સરખી કરે છે અને પછી : ઉપરે લઈ પાંખ મધ્યથી / નિજ જંઘા ઝટ, એક પાદથી / ખજવાળત ડોક હંસલો / છૂટતા પહોંચી ગયો નિવાસ પે' પંખીનું ગતિશીલ ચિત્ર અહીં કવિએ ઝડપ્યું છે. તેવું જ જલ પાસેથી ઊડીને દમયંતી પાસે ગયેલો હંસ જમીન પ૨ કેવી રીતે ઊતર્યો એનું ચિત્ર જુઓ : ‘સંકોરી પાંખો પછી હંસલો એ / વ્યોમેથી વેગે ઝટ ઊતર્યો ને / નિવેશસ્થાને ફફડાવી પાંખો / ભૈમી કને ભૂમિ પરે જ આવ્યો.' જેમ હંસને આંખથી દર્શાવ્યો છે, તેમ કાનથી સંભળાવ્યો પણ છે. સરવે કાને સાંભળો : ‘અવાજ આકસ્મિક કો ધરાથી / પાંખોની જ્યાં ઝાપટથી ઊઠ્યો ત્યાં / કશાકમાં નેણ પરોવી બેઠી / વૈદર્ભી કેરું ભયભીત ચિત્ત.' આ હંસ જ્યારે દમયંતીને કહે છે કે વિશ્વની કોઈપણ વસ્તુ લાવી આપવામાં એ સમર્થ છે ત્યારે દમયંતી માત્ર નલને પામવાની ઇચ્છા કરતાં કહે છે કે મારું ચિત્ત માત્ર નળની જ કામના કરે છે, અન્ય કોઈ વસ્તુ પર મારો અભિલાષ નથી. આમ વર્ણનથી માનવસંવેદન સુધી આ મહાકાવ્યનાં કાવ્યવસ્તુને કવિએ વિસ્તાર્યું છે અને તેથી આ અત્યંત અઘરું મહાકાવ્ય હોવા છતાં પરિશ્રમ કરનારાને પ્રસાદ ધર્યા વગર રહેતું નથી.