રચનાવલી/૧૬૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૬૧. ધ બ્રીજ (હાર્ટ ક્રેન)


આધુનિકતાને આપણે નિંદતા રહ્યા છીએ. ઔદ્યોગિકીકરણને આપણે વગોવતા રહ્યા છીએ. મહાનગરોની ભીડને આપણે ભાંડતા રહ્યા છીએ. યંત્રસંસ્કૃતિને આપણે વખોડતા રહ્યા છીએ. એનાં દોડતાં રાક્ષસી ચક્રો, એની ક્રેન અને એનાં બુલડોઝરો, એના તોતિંગ બેલ્ટ્સ અને પિસ્ટનો- એની ભઠ્ઠીઓ અને એની ચીમનીઓ, એના ખખડાટો અને એના ધમધમાટો — આ બધાંને આપણે ફિટકારતા રહ્યા છીએ. પણ યંત્ર સંસ્કૃતિને પણ એનું પોતાનું સૌંદર્ય છે. એમાં ભવિષ્યની વિજ્ઞાનની દિશા છે, વિકાસ છે, પ્રગતિ છે. યંત્રસંસ્કૃતિનું દૃશ્ય પણ લોભામણું હોઈ શકે આ વાતની સાહેદી પૂરી પાડેલી ઈટલીના કવિ મારિનેત્તિએ, રશિયાના કવિ માયકોવ્સ્કીએ ભવિષ્યવાદ જેવા આંદોલન છેડીને એમણે યંત્રોનો આદર કર્યો. આ જ જમાતમાં જગા જમાવીને બેઠેલા અમેરિકી કવિ હાર્ટ ફ્રેનને પણ ભૂલી ન શકાય. એલિયટે આધુનિકતાનો નિરાશાનો સૂર આપ્યો તો એની સામે હાર્ટકને આધુનિકતાને આશાનો સૂર આપ્યો. હાર્ટ ક્રેને યંત્રો ભયાનક છે તો પણ એનો સ્વીકાર કર્યો. યંત્રોને સંવેદનનું સફળ માધ્યમ બનાવ્યાં. હાર્ટ ને ઔદ્યોગિક જગતને ઇતિહાસ સાથે, તત્ત્વવિચાર સાથે અને પ્રાચીન કથાઓ સાથે જોડ્યું અને એ જોડવા માટે એણે પ્રતીક પસંદ કર્યું, પુલનું. ન્યુયોર્કના પ્રખ્યાત બૂકલીન બ્રીજને હાર્ટક્રેને એના દીર્ઘકાવ્ય ‘ધ બ્રીજ'માં ચિરંજીવી બનાવી દીધો. ૧૯૩૦માં લખાયેલું ‘ધ બ્રીજ’ આ સદીના જે સમર્થ કાવ્યો રચાયાં એમાંનું એક છે લગભગ પંચોતેર પાના ભરીને નવ ખંડો વચ્ચે કાવ્ય લાંબુ પથરાયેલું છે. હાર્ટક્રેન ન્યૂયોર્કમાં બ્રૂકલીન હાટ્સ વિસ્તારમાં એક નાની રૂમમાં રહેતો હતો અને એની રૂમમાંથી તોતિંગ મહાકાય બ્રુકલીન બ્રીજ હંમેશાં એની નજરમાં આવ્યા કરતો હતો. ન્યૂયોર્કના દક્ષિણપૂર્વમાં રહેલો આ બ્રૂકલીન બ્રીજ લોવર મેનટ્ટન અને બ્રૂકલીનને જોડે છે. ૧૫૯૫ ફૂટ લાંબો આ ઝૂલતો બૂકલીન બ્રીજ ૧૮૬૯-૮૩ દરમ્યાન જોન એ રોલિંગ અને એના દીકરા વૉશિંગ્ટને એ પૂરો કરેલો. વીસ વર્ષ સુધી તો જગતના એક માત્ર સૌથી મોટા ઝૂલતા પુલ તરીકે એણે પ્રતિષ્ઠા જાળવી રાખેલી. હાર્ટ ને આ બ્રીજની આસપાસ પોતાના જીવનના અનુભવોને પૂરા થમસાણ સાથે ચકરાવા દીધા છે. એમાં ભાવોનું ગજબનું ગતિતાંડવ છે. ઓહાયો રાજ્યમાં ૧૮૯૯માં જન્મેલા હાર્ટક્રેને એનું બાળપણ ક્લીવલૅન્ડમાં ગુજારેલું છે. એણે હાઈસ્કૂલ પણ પૂરી ભરી નહીં. પિતાનો કેન્ડીનો ધીખતો ધંધો હતો. પણ ક્રેન લેખક બનવા માગતો હતો. પિતાનો એમાં સંપૂર્ણ વિરોધ હતો. આમ છતાં ક્રેન બહારનું પુષ્કળ વાંચતો, મેલવિલ, વ્હિટમન જેવા લેખકો તો ખરા જ, પણ ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓને પણ વાંચતો. એમાં ય ફ્રેન્ચ કવિ રે’બૉનું જમ્બુ આકર્ષણ હતું. આ દરમ્યાન માતાપિતાના છૂટાછેડા થતાં ક્રેન એના મોસાળમાં રહ્યો, એનું મોસાળ ક્યુબામાં હતું અને ત્યાં આઇલ ઑવ પાઇન્સમાં ફળોની વાડી હતી. ક્યુબામાં રહ્યું રહ્યું ક્રેનનો સમુદ્ર તરફનો અને ઉષ્ણપ્રદેશો તરફનો પ્રેમ વિકાસ પામતો ગયો. આ પછી ન્યૂયોર્કમાં આવીને એણે મિકેનિક, કલર્ક, સેલ્સમન, રિપોર્ટર જેવી અનેક નોકરીઓ અજમાવી જોઈ, યુરોપની મુસાફરી પણ કરી. પણ પીવાની લત અને સજાતીય સંબંધોની નિષ્ફળતા એને આત્મવિનાશ તરફ દોરતી રહી. આ દરમ્યાન ન્યૂયોર્ક ક્રેનને ખેંચતું રહ્યું. એનો ઔદ્યોગિક નગરનો ઠાઠ એના પર આકર્ષણ કરતો રહ્યો. અંદરના એના અનુભવોની ભીષણ તાણ એમાં ઉમેરાતી રહી. બહારથી અને અંદરથી ચાલી રહેલી કવિની અમેરિકા અંગેની શોધ ભૂમિ, નદી અને સમુદ્રને જોડતા આ પુલ સાથે જાણે કે એકાકાર થઈ ગઈ અને ક્રેન આ સદીની ઉત્તમ સિદ્ધિ જેવું ‘ધ બ્રીજ’ કાવ્ય રચી બેઠો. ‘ધ બ્રીજ’ કાવ્યમાં ક્રેન અમેરિકા અંગેનું સ્વપ્ન ઊભું કરવા માગે છે. આમ તો એમાં અનેક કાવ્યોને સાંધી સાંધીને ક્રેન આગળ ચાલે છે અને છેક કોલંબસથી માંડી યંત્રયુગ સુધીની કથા કહેવા માંગે છે આ કથામાં કોલંબસ ઉપરાંત વ્હિટમન, એડગર, એલન પો, એમિલિ ડિકિન્સનની જેવાં અમેરિકાના કવિઓ તેમજ રિપ વાન વિન્કલ, પૉકાહોન્ટાસ જેવાં પાત્રોને પણ એમાં દાખલ કરે છે. એમાં પુલ, સમુદ્ર, નદી - આ બધું રૂપાંતરોની ધાર પર ઊભેલું છે. ભૂતકાળના ઇતિહાસથી માંડી વર્તમાનની પરિસ્થિતિમાંથી જુદાં જુદાં પ્રતીકો ચઢી ચઢીને એવાં આવે છે; અને બ્રૂકલીન બીજની આસપાસ ગોઠવાઈને એક ચોક્કસ અર્થ ઊભો કરે છે. આ દરમ્યાન ક્રેન ભાષાને તોડેફોડે છે, વાક્યોને મચડે છે ક્યારેક વ્યાકરણને નેવે મૂકે છે, ક્યારેક તર્કને કોરાણે રાખે છે પણ આવું બધું કરવા છતાં એનું લાંબું કાવ્ય એનો પ્રભાવ ગુમાવતું નથી. પુલની આસપાસ ઊડતાં ગલપંખીઓ, સબ-વૅમાં ગુંગળાવતું વાતાવરણ, પોની ભૂતિયા આંખોનો પીછો અને એ આંખો પર લટકતી અમેરિકાની કંપનીઓની જાહેરાતો, વૉલ સ્ટ્રીટની ચહલપહલ - આ બધાંમાં ક્રેન જાણે કે યંત્રયુગીન સંસ્કૃતિને ઊજવતો માલુમ પડે છે. એને મન પુલ શહેરના બે અડધિયાને સાંકળે છે અને એના પરના રેલ્વેના પાટા શહેરને આખા રાષ્ટ્ર સાથે સાંકળે છે. પુલમાં એ ટેકનિક અને સુંદરતાનું મિલન જુએ છે. કેટલાક ડાબેરી વિવેચકોને ક્રેનના આ દીર્ઘકાવ્યમાં અમેરિકી મૂડીવાદી વ્યવસ્થાને અનુમોદન મળતું હોય તેવી બૂ આવે છે ખરી, પરંતુ એકંદરે ક્રેનનો ઝોક નિરાશાને બદલે આશા ઉપર છે. એ કેવું આશ્ચર્ય છે કે પોતે સાવ ગતિહીન પુલ છેવટે અહીં સ્વાતંત્ર્યનું ઉદાહરણ થઈ બેઠો છે. એલિયટે લંડનની અને જેમ્સ જોય્સ ડબ્લિનની આધુનિકતામાં હતાશા જોયેલી, એક પ્રકારની નકારાત્મકતા જોયેલી, એના જવાબરૂપે જાણે કે ક્રેન ધ બ્રીજમાં ન્યૂયોર્કની એક આશા જુએ છે. પણ ન્યૂયોર્કની આધુનિકતા અંગેનો ફ્રેનનો ઉત્સાહ એની પોતાની હતાશાને ઉગારી શક્યો નથી. ‘ધ બ્રીજ’ પ્રગટ થયા પછી ક્રેન ગૂગનહામ ફેલોશિપ ઉપર મેક્સિકો જાય છે. મેક્સિકોમાં રહી એ ત્યાંનાં જીવન, ઇતિહાસ અને એની સંસ્કૃતિ પર આધારિત એક દીર્ઘકાવ્ય લખવા ધારે છે. છેવટે વર્ષ બાદ ન્યૂયોર્ક પાછા ફરતી વેળાએ વહાણમાંથી કરિબીયન સમુદ્રમાં કૂદી એ માત્ર તેત્રીસ વર્ષની વયે આપઘાત કરી લે છે. વૉલ્ટ વ્હિટમન, એડગર લી માસ્ટર્સ અને સેન્ડબુર્ગ જેવા અઠંગ અમેરિકાપ્રેમી કવિઓની જેમ હાર્ટ ક્રેન પણ અમેરિકાનો મોટો ચાહક છે. એનું ‘ધ બ્રીજ' કાવ્ય પુલ નીચે આપઘાત માટે છલાંગ મારવાનું પ્રતીક બન્યું છે, તો સાથે સાથે એ ઊંચો આદર્શ છે અને આશાની ટોચ બનવાનું પ્રતીક પણ બન્યું છે.