વ્યાજનો વારસ/વહુ-વહુની રમત
લાખિયારે બાળાશેઠને માટે ગુજારેલી દુઆથી જ જાણે કે આભાશાનો દીકરો દિવસે નહિ એટલો રાતે અને રાતે નહિ એટલો દિવસે વધવા માંડ્યો છે.
છઠ્ઠે દિવસે ઘરમાં છઠ્ઠી બેસાડી. બાજઠ ઉપર નવા બરુમાંથી ઘડેલી કલમો અને કોરા કાગળના તા મૂક્યા, ચાંદીના એક ખૂમચામાં દૂધ ઠારવા મૂક્યું હોય એમ રૂપિયાના ધોળાફૂલા સિક્કાઓ ભરીને એમાં કેસર – છાંટણાની જેમ લાલ હિંગળોક ગીનીઓ વેરવામાં આવી. અને આ રિદ્ધિ–સિદ્ધિના બાળ વારસના ટીનકુડાક હાથની કૂણી કૂણી આંગળીઓ વડે એ સિક્કાઓની મુઠ્ઠી વળાવવામાં આવી. પાણીદાર મોતી જેવી એની ઝીણી લંબગોળ આંખમાં આંજણ આંજવામાં આવ્યું. અને માનવંતીએ એને પહેલી વાર પોતાને થાનેલે લગાડ્યો.
વિધાતા આવીને છઠ્ઠીના લેખ લખી ગયાં.
બારમે દિવસે કુટુંબીઓ અને સગાંઓની જમણવાર થઈ અને બાળ–બળિયા ઉજવાયા. ઓળી ઝોળી પીપળ પાન કરીને અમરતે બાળકનું નામ 'રિખવ' પાડ્યું. નામની પસંદગીમાં પણ આચાર્ય વિમલસૂરીની જ પ્રેરણા હતી.
વિમલસૂરીજી વીતરાગી સાધુ હોવા છતાં તેમને આભાશા પ્રત્યે ભારે રાગ હતો. તેમને મન આભાશા એક આદર્શ શ્રાવક હતા. હર ક્ષણે તેઓ આભાશાનું ક્ષેમકુશળ વાંચ્છતા હતા. ધર્મકાર્યો અર્થે જરૂર પડે ત્યારે તેઓ આભાશા પાસે મોટી મોટી રકમનાં ખર્ચ કરાવતા. આભાશા પણ સૂરીજીના એક શબ્દ ઉપર પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થઈ જતા. અને તેથી જ સંસાર ત્યાગ કર્યા છતાં આભાશાના સંસારમાં સૂરીજી આટલો બધો રસ લેતા હતા.
રિખવના જન્માક્ષર અને જન્મોત્રી તૈયાર થયે આભાશા એ લઈને વિમલસૂરી પાસે ગયા. સૂરીજીએ આઠ દિવસ સુધી સર્વે સ્વામીબંધુઓથી છૂપી રીતે આ જન્માક્ષરનું અધ્યયન કર્યું. ફરી ફરીને અધ્યયન કર્યું અને છેવટે ખિન્ન બનીને એ ભૂંગળું પાછું વાળ્યું. જન્માક્ષર વાંચીને સૂરીજીનાં શાન્ત માનસજળ ડહોલાઈ ગયાં. બાળકને ભરયુવાન વયે એક ગ્રહ નડતર કરતો જણાયો છતાં આ હકીકત આભાશાને મોંએ કહેતાં એમની હિંમત ન ચાલી. એમણે વિચાર્યું કે બાળકની હસ્તરેખાઓ વિગતે જોવી જરૂરી છે.
એક વર્ષે વિમલસૂરી જસપરમાં ચોમાસું કરવા આવ્યા ત્યારે બાળકની હસ્તરેખા જોવાનું એમનું કુતૂહલ વધી ગયું. આભાશાને ત્યાં ગોચરી વહોરવા તથા પચખાણ આપવાના નિમિત્તે તેઓ ગયા.
ઓશરીમાં રિખવ અને આડોશીપાડોશીઓનાં ચાર-પાંચ છોકરાં રમતાં હતાં. સાથે અમરતનો દલુ હતો, ચતરભજનો છોકરો ઓધિયો હતો અને પડોશી લાખિયારની નાનકડી રૂપાળી છોકરી એમી પણ હતી.
આભાશા તરફથી માનવંતીને ખાસ હુકમ હતો કે મને પૂછ્યા સિવાય રિખવને આ ડેલીનો ઉંબરો વળોટવા ન દેવો. રમવા માટે બહારનાં છોકરાંને આપણે ત્યાં બોલાવવાં પણ રિખવને ઉંબરા બહાર ન મોકલવો. આભાશાના હુકમ સાથે અમરતના સ્વભાવની અનેક આશંકાઓ અને વહેમો ભળ્યા અને રિખવનું જીવન ઘરની ડેલી પૂરતું જ પરિમિત થઈ ગયું, ધીમે ધીમે તો ઘરનાં સહુ માણસો તેમ જ નોકરચાકરો એમ જ માનતાં થઈ ગયાં કે ડેલીના ઉંબરાની બહાર તો જીવણશા અને બીજા દુશ્મનો હાથમાં મંતરેલ દાણા લઈને રિખવ ઉપર છાંટવા માટે ખડે પગે તૈયાર જ ઊભા છે.
પરિણામે રિખવને, રમવા માટે આડોશપાડોશના છોકરાંને અહીં તેડવાં પડતાં. એમાં ચતરભજનાં બાળકો મુખ્ય હતાં. સદ્ભાગ્યે, એ છોકરાં ચતરભજથીય અદકાં ખેપાની અને ભારાડી હતાં. પરિણામે શેરીના સંપર્કથી વંચિત રહેલો રિખવ શેરીમાંથી મળતા 'સંસ્કારો'થી વંચિત નહોતો રહ્યો. ચતરભજનો છોકરો ઓધિયો શેરી અને આ ડેલી વચ્ચે એક સાંકળ બની ગયો હતો. શેરીમાં રમાતી એકેએક રમત એ આ ડેલીના ફળિયામાં દાખલ કરતો. એ માટે થોડાં રમનારાં ઘટે તો અમરત ફઈની ખાસ પરવાનગી લઈને બહારથી વધારે છોકરાંની આ ડેલીમાં આયાત કરતો. અમરત તો એક જ વાત લઈને બેઠી હતીઃ
'શેરીનાં સત્તરશેં છોકરાં આવીને આ ફળિયામાં ભલે નાચીકૂદી જાય. પણ મારા રિખવને તો લાખ વાતેય ડેલીનો ઉંબરો વળોટવા ન દઉં. કસાઈ જેવા કુટુમ્બી સૌ મારા ભાઈનું કાસળ કાઢવા વાટ જોઈને જ બહાર બેઠા છે. ને એમાંય ઓલ્યો નખોદિયો જાવણો તો રિખવને દીઠે જ શેનો મેલે ? ફોંસલાવી-પટાવીને ઘરમાં ઘાલીને ધબ્બી જ બેહારે ને પછી વાત ઉડાડે કે ઈ તો કાબૂલી આવ્યા'તા, ઈ આ છોકરાને ઉપાડી ગયા !'
સદ્ભાગ્યે અમરતના દલુને અર્ને ઓધિયાને દૂધ અને સાકર જેવું સરસ ભળતું. દલુ પણ નાનપણથી અમરત જેવી આપરખી મા અને આભાશા જેવા દિલાવર મામાના લાડચાગમાં ઊછર્યો હોવાથી ભારે આઝાદ અને અલ્લડ બન્યો હતો. ઓધિયાને પોતાની અનેકવિધ શક્તિઓને કામગીરી આપવા માટે આ કાચો માલ ઠીક મળી ગયો, દલુ અને ઓધિયા વચે એવી તો ભાઈબંધી જામી, એવી તો ભાઈબંધી જામી, કે પછી તો દલુને ઓધિયા વિના ન ચાલે ને ઓધિયાને દલુ વિના ન ચાલે. ઓધિયાની જીભની મીઠાશ તો ચતરભજનેય કોરે મેલી દિયે એવી હતી, 'ફૈબા !' 'ફૈબા !' કરીને એણે અમરત ઉપર એવો તો જાદુ કરી દીધો હતો કે અમરતને તો સગા ભત્રીજા રિખવ કરતાંય વધારે હેત આ નવા ભત્રીજા ઉપર ઊભરાવા લાગ્યું. અને અમરત તો આ ઘરની ધારધણી હતી. આભાશાને મન તો બહેનનો બોલ એટલે બ્રહ્મવાક્ય. બહેનને ગમ્યું એ ભગવાનને ગમ્યું. ઓધિયા ઉપર અમરતના ચાર હાથ થયા ત્યારથી આભાશાની આંખમાં પણ આ 'ચતા મુનીમનો છોકરો' વસી ગયો.
પછી તો ઓધિયો અને સાથે એની બે નાનકડી બહેનો પણ એ ઘરમાં પડ્યાં પાથર્યાં રહેવા લાગ્યાં. અમરત આખો દિવસ 'મારા દલુનો દોસ્તાર, મારા દલુનો દોસ્તાર,' કરીને ઓધિયાના મલાવા કર્યા કરતી, ખાવાપીવાની કોઈ પણ સારી ચીજ દલુ અને ઓધિયાને સરખે ભાગે મળે નહિ ત્યાં સુધી સાત ખોટના રિખવને પણ એ સાંપડી શકતી નહિ. અમરતની આ ધરાર – પટલાઈ માનવંતીને બહુ જ ખૂંચતી, પણ 'બા'(નણંદને એ બા કહી બોલાવતી)ની સામે એક હરફ પણ ઉચ્ચારવાની ભોજાઈમાં ત્રેવડ કે તાકાત નહોતી. એ તો બિચારી મનમાં ને મનમાં સમસમી રહેતી અને કહેતી : 'આવા પારકા છોકરાને બહુ હેરવ્યો છે, પણ કોક દી પસ્તાવાનું ટાણું આવશે.'
દલુ અને ઓધિયા વચ્ચેનો, ઓધિયા અને આભાશા વચ્ચેનો ઘરોબો જોઈને ટીખળી ગામલોકોએ તો તાબડતોબ ચુકાદો આપી દીધો કે 'ઓધિયો એ શાબાપાનો પહેલા ખોળાનો દીકરો છે. અને દલુ ભલે ભાણેજ રહ્યો, પણ એ બીજા ખોળાનો છે.
'સગી પરણેતરના જલમ્યા રિખવને કયા વાડે મેલશો?' કોક વળી રિખવનો પણ પક્ષ ખેંચતું.
'રિખવ તો છે ત્રીજા ખોળાનો. જુઓને, શેઠ દલુને હથેળીમાં થૂંકાવે છે.'
'ઈ તો દુખાયેલી બેનને ઓછું ન આવે એટલા સારુ...' ‘પણ બેનબા પાછાં આ બે દેડકાના ઓધિયા ઉપર અછોઅછો વાનાં કરે છે ને !’
‘હોય ઈ તો, દલુનો ભાઈબંધ છે ને, એટલે જરાક મન-મોં સાચવે…’
‘એલા, ભાઈબંધ તો સૌના છોકરાંવને હોય છે. પણ ભાઈબંધના આવા લાડચાગ તો એક આભાશાને ઘેરે જોયા.’
‘એલાવ, આ ચતિયા મુનિમને પણ આભાશાના ઘર હારે કોક આગલા ભવની પૂરેપૂરી લેણાદેણી નીકળી હો ! પોતે તો જિંદગી આખી આ પેઢીમાં ઊભો ધરાણો ને માથેથી પોતાના છોકરાનુંય સાલ સલવાડ્યું…’
‘હવે આ રિખવશેઠનો મુનીમ ઓધિયો જ થ્યો જાણજો !’ કોકે મજાકમાં ભવિષ્યવાણી ભાખી.
‘ભાઈ, કોને ખબર છે, કોની લાડી કોના છોડ ઝાલશે ! ઠાલા મફતના મનના મોર શું કામ ઉતારો છો? ઓધિયા જેવા કાટલિયાને ઘરમાં ગરવા દીધો છે, તી કોક દી કુટુંબ આખાને પાયમાલીમાં મૂકી દેશે ને આવી આલીશાન મોલાતુનો અપાશરો કરી નાખશે.…’
‘ભાઈ, ધણીને સુઝે ઢાંકણીમાં. આપણે શું કામ ઠાલા કોકની અધ્યારી કરીને દૂબળાં થઈ છીં ? મેડીનો અપાશરો થાહે તોય આપણે ક્યાં રોટલા પૂરવા જાવું પડે એમ છે ?’
દલુ અને ઓધિયો બન્ને જણા રિખવ કરતાં ઉંમરમાં ઠીક ઠીક મોટા હતા તેથી રિખવ એમની શેહમાં દબાતો. વળી, રિખવને હજી ડેલીની બહાર જવાની છૂટ નહોતી એટલે રમતગમત વગેરે માટે એ આ બન્ને મોટેરા ભાઈબંધોનો જ ઓશિયાળો હતો. રિખવને રમવા માટે પોતાની જ ઉંમરનાં બાળકો બહુ નહોતાં મળતાં. માત્ર, પછવાડે વસતા સંધીના કુટુમ્બમાંથી હમણાં હમણાં લાખિયારની ઘરવાળી, વ્યાજના હફતાના ભરણા પેટે આભાશાનું ઘરકામ કરવા આવતી થઈ હતી તેથી કોઈ કોઈ વાર એના કજિયારાં છોકરાં જુન્નુ અને એમી પણ પરાણે, કજિયો કરીને સાથે આવતાં. અમરતને તો આ કાટવરણનાં છોકરાંને ઘરમાં પેસાડવાનું પસંદ નહોતું. પણ માનવંતીને આ પાડોશી કુટુમ્બ પ્રત્યે આજ વર્ષો થયાં જીવ હળી ગયો હતો તેથી અમરત એની આડે આવી શકતી નહિ અને મનમાં ભાભીના આ ગાલાવેલાપણાં ઉપર બળીબળીને ખાખ થઈ જતી.
જુન્નુ આમ તો રિખવ કરતાં ઉંમરમાં થોડો નાનો હતા, પણ ડિલમાં જખ્ખર બાંધાનો હોવાથી દેખાવમાં એ રિખવ કરતાં મુઠ્ઠી એક મોટો લાગતો. એમી એ જુન્નુની નાની બહેન હતી, પણ અજાણ્યા માણસ કોઈ એમ ન કહે કે જુન્નુ અને એમી એક જ મગની બે ફાડ હશે. જુન્નુ જેટલા પ્રમાણમાં જબ્બર અને કદાવર એટલા જ પ્રમાણમાં એમી નાજુક અને સુકુમાર હતી. હોંશીલા લાખિયારે એને માટે ટચૂકડી ઇજાર અને ટચૂકડો આબો સીવડાવ્યાં હતાં. નાનકડી એમીને આ કપડાં બહુ જ શોભતાં અને એ પહેરીને માથે જ્યારે લાલ રંગનો રૂમાલ ઓઢતી ત્યારે તો એના ભારે નમણા ને લાલલાલ હિંગળોકિયા મોં ઉપરથી જ ગુલાલ ઊડી ઊડીને આ રૂમાલને રંગી રહ્યો છે એવો દેખાવ થઈ જતો. ઠસ્સાભર્યા ભારઝલ્લે પગલે એ આભાશાની ઓશરીમાં હરફર કરતી ત્યારે ઘડીભર તો એમ જ લાગતું કે નાટકમાં મુગલ દરબારની કોઈ હૂરીનો જ એ પાઠ ભજવી રહી છે.
એમીનો આ પોશાક રિખવને એટલો તો ગમી ગયો કે એણે કજિયો કરીને ઇજાર અને લાંબો આબો સીવડાવ્યાં. એમીના માથા પર રૂમાલ જોઈને રિખવ પણ એક નાનકડો લાલ અતલસનો કકડો હાથમાં રાખવા માંડ્યો. પછી તો આ બંને બાળ ગઠિયાઓના જીવ એટલા બધા હળી ગયા કે દિવસ આખો બેય સાથે જ રમ્યા કરતાં.
એક વખત રિખવે નાહીને ઊઠ્યા પછી કપડાં પહેરવામાં વાર લગાડી અને પોતાની અસલ રેશમી બટકૂડી કફની હાથમાં લઈને એ બહાર ઓશરીમાં રમવા આવતો રહ્યો. એના ગૌર વાંસામાં નીલવર્ણું લાખું, દૂધની તર જેવા ઊજળા આરસપહાણ વચ્ચે નીલમમણિની જેમ શોભી રહ્યું હતું. એમીએ એ જોયું અને ભારે કુતૂહલ ઉપજ્યું. પોતાના હરીફ ગોઠિયા પાસે અમુક રમકડું છે અને પોતાની પાસે એ નથી એવો ઈર્ષ્યાપ્રેર્યો અકિંચનતાનો ભાવ પણ તેને એક ક્ષણ માટે ઊપજી આવ્યો. પોતાને આખે શરીરે ક્યાંય આવું રૂપાળું ચિતરામણ નથી એ હકીકતનું ભાન થતાં રિખવના એ નીલવર્ણા નિશાન ઉપર એણે પોતાની કૂણકૂણી આંગળીઓ ફેરવી જોઈ.
રિખવને જાણે કે એ સ્પર્શ ગમ્યો હોય એમ એના મોં ઉપરથી લાગ્યું.
એમીએ પૂછ્યું : ‘રિખવ, આ ડાઘ શેનો છે ?’
રિખવે કહ્યું: ‘ગાંડી, આ ડાઘ નથી. આ તો લીલું ફૂલ છે ફૂલ.’
લાખાની નિશાનીનું રિખવને મોંએ થતું આવું કાવ્યમય વર્ણન સાંભળીને તો એમીથી ન જ રહેવાયું :
‘રિખવ, મને આ લીલું ફૂલ આપ !’
રિખવ હસ્યો: ‘તું તો સાવ ગાંડી જ રહી. આ ફૂલ કાંઈ સાચકલું ફૂલ નથી. એ તો મારા વાંસામાં ચોંટી ગયું છે.’
‘તો મારા વાંસામાં પણ બીજું એક ફૂલ ચીતરી દે !’
‘મને ન આવડે !’ બાળક રિખવે સીધો ને સરળ ઉત્તર દીધો.
તે દિવસે અણસમજુ એમીએ ઘેરે જઈને રિખવના વાંસામાં જોયું હતું એવું લીલું ફૂલ લેવા માટે લાખિયાર પાસે ભારે કજિયા કર્યા.
વિમલસૂરીજી ગોચરી માટે ડેલીમાં પ્રવેશ્યા ત્યારે બપોર થઈ ગયો હતો. પણ લાખિયારને ત્યાં રોટલા મોડા ઘડાતા તેથી હજી જુન્નુનું અને એમી અહીં જ રમતાં હતાં.
આજે ઓધિયો એક નવી રમત લાવ્યો હતો. એનું નામ ‘વઉ–વઉની રમત.’ દલુ અને ઓધિયા ઉપરાંત શેરીમાંથી બીજા પણ બેચાર તેવતેવડાં છોકરા–છોકરીઓ અહીં આવી ચડ્યાં હતાં. એમાં ઓધિયાની નાની બહેને લીલી પણ હતી.
ઓધિયો આ રમતનો સર્જક હતો. એની મૌલિક મેધાએ આ રમતનો વ્યૂહ રચી કાઢ્યો હતો. એ વ્યુહ પ્રમાણે તો રિખવે લીલીને વહુ બનાવવાની હતી. બીજા સહુ છોકરાં ઓધિયાના હુકમ પ્રમાણે એકબીજાનાં વરવહુ બની ગયાં પણ રિખવે ઓધિયાના હુકમનો અનાદર કર્યો.
એણે કહ્યું : ‘લીલી હારે નહિ પરણું…’
‘લીલી હારે નંઈ તો કોની હારે પરણીશ ?’ ઓધિયાએ રિખવ સામે આંખો કાઢીને કહ્યું : ‘લીલી હારે નંઈ તો શું મારી હારે પરણીશ ?’ અને સહુ છોકરાંને ખડખડાટ હસાવ્યાં.
રિખવે એક જ વાત પકડી રાખી : ‘હું એમી હારે જ પરણીશ.’ ફરી સહુને હસવાનું મળ્યું.
‘તારી વઉ લીલી !’ ઓધિયાએ હુકમ છોડ્યો.
‘ના, મારી વઉ લીલી નંઈ. મારી વઉ એમી.’
‘એલા, એમીને વઉ નો કરાય, આભા બાપાને ખબર પડશે તો રાંધણિયામાં નંઈ ગરવા દિયે.’
‘રાંધણિયામાં શું કામ નઈ ગરવા દિચે ?’ રિખવે પૂછ્યું.
‘એમીથી આપણે અભડાઈએ.’ દલુએ સમજ પાડી.
‘ચાલ, હવે તું ઝટ લીલીને વઉ કરી લે એટલે સૌ બબ્બે જણાં કૂંડાળું વળી જાઈએ. હાલો, ઝટ કરો.’ ઓધિયો રમત શરૂ કરવાની ઉતાવળ કરતો હતો.
‘ના, હું તો એમીને વઉ કરીશ.’ રિખવે બાળહઠ ચાલુ રાખી અને સહેજ રોવા જેવો ઊંહકારો પણ કર્યો.
‘શા માટે રડે છે, શ્રાવક ?’ વિમલસૂરીએ રિખવનું મોં પોતાની પહોળી હથેળીમાં લઈને લાડપૂર્વક બન્ને ગાલ દબાવતાં પૂછ્યું : ‘કોને વહુ કરવી છે ? ને શો આ બધો વેશ ?’
ઓધિયે જવાબ આપ્યો : ‘મારાજસા’બ, એ તો અમે વઉ–વઉની રમત રમતાં’તાં. રિખવને અમે કીધું કે એમીને વઉ નો કરાય. એમીથી આપણે અભડાઈએ પણ રિખવ હજી કાંઈ સમજે થોડું ?’
‘વિમલસૂરીનું વિશાળ કપાળ, જેના ઉપર હર ક્ષણે ઊંડા વિચારમંથનની સૂચક કરચલીઓ રહેતી, એ કરચલીઓમાંય આજે વધારો થયો. અને નેણ ઊંચાં ચડી જતાં આંખો પણ પહોળી થઈ ગઈ અને મોં ઉપર એક દુર્દમ્ય કુતૂહલ તરવરી રહ્યું. રિખવને સમજાવતાં–ફોસલાવતાં તેઓ પરસાળને સામે ખૂણે પડેલી પાટ ઉપર એને લઈ ગયા. રિખવે એમીને પણ સાથે ખેંચી. પાછળ ઓધિયો, દલુ ને બીજાં છોકરાં પણ ચાલ્યાં.
રસોડામાં તપાસ કરતાં જણાયું હતું કે ગોચરી માટેની ‘વેળા’ થવાને થોડી વાર છે. એટલે વિમલસૂરીએ માનવંતી અને અમરતને ધર્મલાભ આપીને પરસાળમાં થોડો સમય રાહ જોવાનું મુનાસબિ માન્યું હતું. વળી, આભાશાનું જમવા આવવાનું ટાણું થઈ ગયું હોવાથી પોતે થોડી વાર રાહ જોશે તો આભાશા પણ આવી ચડશે અને ધર્મલાભ પામી શકશે એવી વિમલસૂરીની ગણતરી હતી. મહાપુરુષોને જ જે શક્તિ વરી છે — બાળક સાથે બાળક બની જવાની — એ વિમલસૂરીમાં પણ હતી. ઉપાશ્રયમાં અપરિગ્રહ, આત્મસાધના, કર્મબંધન કે સમ્યક્ત્વ જેવા ભારેખમ વિષય ઉપર વ્યાખ્યાન આપી રહ્યા પછી ભાવુક શ્રોતાઓ અપરિગ્રહવ્રતનો પ્રથમ ભંગ કરવા માટે પ્રભાવનાનાં પતાસાં લેવા જતાં પહેલાં બાલગોપાલ સહિત મુનિશ્રીને વાંદવા આવે ત્યારે લાંબાલચ પ્રવચનથી કંટાળેલા વિમલસૂરી આ ટીણિયાટોળી સાથે ભારે ગેલ કરતા. અને તેથી જ, તેઓ માત્ર શ્રાવિકાવર્ગમાં જ નહિ પણ છોટા શ્રાવકો – બાળવર્ગમાં પણ લાડીલા બની શક્યા હતા.
પરસાળની પાટ ઉપર બેસીને રિખવ, એમી, દલુ અને ઓધિયા સાથે ગેલ કરીને, કોઈનું ધ્યાન ન ખેંચાય એ રીતે એમણે રિખવની જમણી હથેળીની રેખાઓ જોઈ લીધી અને તરત એમના મોં ઉપર ઝાંખપ આવી ગઈ. કોણ જાણે કેમ પણ એમીની હસ્તરેખાઓ જોવાનું એમને સૂઝ્યું. ૨મતરમતમાં એનો હાથ પણ સ્પર્શ કર્યા વિના દૂરથી જોઈ લીધો અને જાણે કશાક ભારે અટપટા કોયડાનો ઉકેલ મળી ગયો એમ એમના મોંની તંગ બનેલી રેખાઓ ઢીલી પડતાં લાગ્યું. છતાં, રિખવની હસ્તરેખાઓ જોતી વેળા એમની આંખમાં ઝબકી ગયેલો વિષાદ હજી સાવ દૂર થયો નહોતો.
‘મહારાજસાબ, માફ કરજો, થોડોક મોડો થયો છું !’ પગથિયાં ચડી રહેલ આભાશાનો શ્વાસભર્યો અવાજ આવ્યો. ‘લશ્કરી શેઠની એક હૂંડી આવી પડી એના સીકાર…’
‘કાંઈ ફિકર નહિ. એ તો એમ જ ચાલે.’ વિમલસૂરીએ કહ્યું : ‘સંસારી જીવ કોને કહે ! દ્રવ્યોપાર્જન અર્થે સઘળા આરંભો કરવા પડે. અને એ આરંભો કરતો છતો પણ માણસ આદર્શ શ્રાવક બની શકે અને કર્મો ખપાવી શકે.’
આભાશાને ભય લાગ્યો કે અત્યારે હું ભૂખ્યે પેટે પેઢીમાંથી દોડતો આવ્યો છું, અને હજી તો અરધોઅરધ હૂંડીઓ સ્વીકારવાની બાકી રહી છે, ત્યારે આ મુનિશ્રી, જેમને તૈયાર ગોચરી ઉપર માત્ર તૂટી પડવાનું જ કામ કરવાનું હોય છે, તેઓ અત્યારે ‘શ્રાવકનાં બાર વ્રતો’ કે ‘અતિચારનો આદેશ’ કે ‘સંસારી સાધુત્વ’ ઉપર રીતસરનું વ્યાખ્યાન જ આપી દેશે કે શું ! તેમણે તરત મૂળ કામ ઉપર આવવા માટે મુનિશ્રી તેમ જ માનવંતી બન્ને સાંભળી શકે તેટલા મોટા અવાજે કહ્યું : ‘વેળાને હજી વાર છે કે શું ?’
અંદરથી માનવંતીનો અવાજ આવ્યો : ‘તૈયાર જ છે.’
આભાશાએ રાબેતા મુજબ હોંશેહોંશે મુનિશ્રીને વહોરાવવા કરી જોયું પણ આજે વિમલસૂરીએ એમના નિયમ કરતાંય ઓછી ગોચરી વહોરી. આભાશા મોં ઉપર ખેસનો સોનેરી પટ્ટાળો છેડો દાબીને જે જે વસ્તુનો મુનિશ્રીને આગ્રહ કરે તે તે દરેક ચીજનો ‘બહુ થઈ ગઈ,’ ‘અહીં તમને સંકોચ પડશે’ એવા એવા જવાબો સાથે ઇન્કાર જ થતો ગયો. રોજ પોતાને હાથે વહોરાવનાર ખુદ માનવંતીને પણ આજે નવાઈ લાગી.
પાતરાંને ઝોળીમાં સિફતથી સંકેલી, રજોહરણને અદાપૂર્વક બગલમાં મારીને વિમલસૂરી વિદાય થયા ત્યારે જતાં જતાં ફરી એક વખત રિખવ અને એમી તરફ નજર ફેંકતા ગયા.