શબ્દલોકના યાત્રીઓ – ૧/હીરાબહેન પાઠક
ત્રેસઠ વર્ષનાં શ્રી હીરાબહેન એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી અધ્યાપિકાને સ્થાનેથી નિવૃત્ત થયા બાદ અત્યારે બધો વખત સાહિત્યના અધ્યયન અને લેખનને આપે છે. તેમણે કવિતા, સાહિત્ય-વિવેચન અને સંશોધન-સંપાદનના ક્ષેત્રે કામ કર્યું છે. તેમણે સ્વ. રામનારાયણ વિ. પાઠકના માર્ગદર્શન હેઠળ પી.એ.ની પરીક્ષા માટે લખેલો નિબંધ ‘આપણું વિવેચન સાહિત્ય’ ૧૯૩૮માં પ્રગટ કર્યો. એ પછી પાઠકસાહેબ સાથે ૧૯૪૫માં લગ્ન કર્યું અને વૃદ્ધાવસ્થામાં તેમની સેવા કરી. પાઠકસાહેબના આ દ્વિતીય લગ્ને ઘણી ચકચાર જગાવેલી, સાહિત્યજગતમાં ખળભળાટ મચી ગયેલો. કવિ શ્રી સુન્દરમે આ ઘટનાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી છે : “પાઠકસાહેબનું આ લગ્ન એ કોઈ અણધારી ઘટના નહોતી. ધીરે ધીરે, સ્વાભાવિક રીતે વિકસતો સંબંધ એક ગાઢ રૂપ લેતો ગયો. એ વિકાસનો કંઈક સાક્ષી હું પણ રહેલો છું. હીરાબહેનની તો અમે કદીક માર્મિક મશ્કરી પણ કરી હશે. અને આ સંબંધને લગ્નનું રૂપ આપવું એ જ ઇષ્ટતમ છે એવો આ યુવતીનો નિર્ણય તે સ્ત્રીમાં રહેતી સહજ પ્રગલ્ભતાનું જ એક ઉત્તમ દૃષ્ટાંત છે. આમાં સ્નેહની ગાઢતા તો હતી જ, પણ એ ઉપરાંત પણ એક ઘણી ઊંડી વસ્તુ હતી, અને તે તેમના દસબાર વર્ષના દાંપત્યે બહુ ઉત્તમ રીતે બતાવી આપી છે.” આગળ તેમણે યોગ્ય જ કહ્યું છે કે “પત્ની પતિનું અર્ધાંગ ગણાય છે. પણ હીરાબહેનને હવે જોઈએ છીએ ત્યારે તે કેવળ અર્ધાંગ નહિ પણ પાઠકસાહેબનાં કેટલાં સર્વાંગમય હતાં તે સમજી શકાય છે.” હીરાબહેને પાઠકસાહેબના અવસાન બાદ પોતાની ઊર્મિઓ ‘પરલોકે પત્ર’માં ચારુ કળાત્મક રૂપે વ્યક્ત કરી છે. આ સાહિત્ય સ્વરૂપ નવું જ છે. એમાં વિરહનો ભાવ સઘન રીતે ઘૂંટાયો છે. કરુણ પ્રશસ્તિનાં તત્ત્વો પણ એમાં છે. આ પુસ્તકમાં આપવામાં આવેલા બાર પત્રોમાં મુક્ત વનવેલી અને એક પત્રમાં કટાવની ચાલનો તેમણે કરેલો ઉપયોગ નોંધપાત્ર છે, અને લેખિકાની હૃદયસ્થ કવિતાને એથી ઉચિત અભિવ્યક્તિ સાંપડી છે. સાહિત્યજગતમાં પણ આ કૃતિ ઉચિત પ્રશંસા પામી છે. એને કવિ ન્હાનાલાલ પારિતોષિક, સાહિત્ય સભાનું સનતકુમારી પારિતોષિક, સાહિત્ય પરિષદનું ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયાં છે. ગુજરાત સરકારનું પારિતોષિક પણ એને મળેલું. શ્રી હીરાબહેનનો જન્મ મુંબઈમાં ૧૨મી એપ્રિલ ૧૯૧૬ન રોજ થયો હતો. એ દિવસ રામનવમીનો હતો (પાઠકસાહેબનો ચૈત્રી પૂર્ણિમાનો), પિતા કલ્યાણદાસ જગમોહનદાસ મહેતા રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા, ગાંધીજી સાથે પણ રહેલા. માતા વીજળીબહેન પણ સેવાભાવી હતાં. પિતાનું ખમીર, સક્રિયતા અને પારમાર્થિક દૃષ્ટિબિંદુ અને માતાની કલાત્મક સુરુચિ, સુઘડતા, દાનવૃત્તિ અને ભક્તની ઋજુતા તેમને વારસામાં મળેલાં. પ્રાથમિક શિક્ષણ તેમણે મુંબઈની રાષ્ટ્રીય શાળામાં લીધું (તેમના કુટુંબ પર ગાંધી જીવનદર્શનનો પ્રભાવ હતો). માધ્યમિક શિક્ષણ ચંદારામજી સ્કૂલ અને ન્યૂ ઇરા સ્કૂલમાં લીધું. સાહિત્યિક શક્તિઓ નાનપણથી વરતાવા લાગેલી, ‘ઉષા’ નામે સામયિકનાં તંત્રી બનેલાં. શિક્ષકોએ તેમને પ્રોત્સાહન આપેલું. ગુજરાતી સાહિત્યમાં રસ હોવાથી અને એ વખતે કર્વે યુનિ.માં આ વિષય અપાતો હોઈ મુંબઈ યુનિ.ને બદલે કર્વે યુનિ.માં દાખલ થયાં. ઈન્ટરમાં હતાં ત્યારે કાવ્યો લખવાં શરૂ કરેલાં. જી. એ. (એટલે બી. એ.)માં આવ્યાં ત્યારે પાઠકસાહેબ ત્યાં આવ્યા. સ્પેશિયલ ગુજરાતીના વર્ગમાં એ એકલાં જ વિદ્યાર્થિની હતાં. પાઠ્યક્રમ ઉપરાંત બહારનું વાચન પણ થતું. પાઠકસાહેબ જેવા અધ્યાપક અને અભીપ્સુ હીરાબહેન. સાહિત્યના અધ્યયનમાં ઘણો વેગ આવ્યો. ૧૯૩૬માં જી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ૧૯૩૮માં એમ.એ.ની સમકક્ષ એવી પી.એ.ની પરીક્ષા પસાર કરી. એ વખતે તેમણે પાઠકસાહેબના માર્ગદર્શન હેઠળ ‘આપણું વિવેચનસાહિત્ય’ નિબંધ લખ્યો. આજે પણ આ પુસ્તક એ વિષયનું એકમાત્ર પુસ્તક છે, બેનમૂન અને સઘન અભ્યાસથી મંડિત. ૧૯૩૭માં પાઠકસાહેબ અમદાવાદની એલ. ડી. કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. હીરાબહેન પણ અમદાવાદ આવ્યાં અને કન્યા છાત્રાલયમાં સુપરિન્ટેન્ડેન્ટ થયાં. ૧૯૩૮માં તે એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિ.માં અધ્યાપિકા તરીકે જોડાયાં. ૧૯૩૮થી ૧૯૭૨ સુધી તેમણે આ સ્થાને કામ કર્યું. એ પછી સ્વૈચ્છિક રાજીનામું આપી છૂટાં થયાં. એસ.એન.ડી.ટી.ની વિદ્યાર્થિનીઓના જીવનઘડતરમાં તેમણે કીમતી ફાળો આપ્યો છે. આજે પણ એમનું કોઈ નવું પુસ્તક પ્રગટ થાય તો પહેલી નકલ પોતાની એ માતૃસંસ્થાને ભેટ મોકલે છે. ૧૯૪૫માં તેમનું પોતાના વિદ્યાગુરુ પાઠકસાહેબ સાથે લગ્ન થયું. પાઠકસાહેબ ૧૯૫૫માં અવસાન પામ્યા. એક દશકો તેમનું દામ્પત્ય રહ્યું. પાઠકસાહેબ સાથેના પરિચયના કેટલાક લેખો તેમણે લખ્યા છે. દા.ત. સહજીવનનો છેલ્લો દિવસ, મહાનુભાવ, પ્રથમ પરિચય વગેરે. હવે એમના સહજીવનની કેટલીક ઘટનાઓ અને તેમના સંબંધ પર પ્રકાશ પાડનારાં પરિબળોને સમાવિષ્ટ કરતું એક સંસ્મરણાત્મક–આત્મકથાત્મક પુસ્તક આપવાની તેમની ઈચ્છા છે. એ સવેળા આપે એમ ઈચ્છીએ. શ્રી હીરાબહેનને કવિતામાં જેટલો રસ છે તેટલો જ વિવેચનમાં પણુ છે. ‘કાવ્યભાવન’ અને ‘વિદ્રુતિ’ એ બે વિવેચનાત્મક સ્વાધ્યાયોના સંગ્રહો પ્રગટ થયા છે. તાજેતરમાં સંસ્કૃત શ્લોકો કે પંક્તિઓનું રસદર્શન કરાવતું ‘ગવાક્ષદીપ’ પુસ્તક તેમણે પ્રગટ કર્યું છે. તેમણે શામળની ‘ચંદ્રચંદ્રાવતી વારતા’નું શાસ્ત્રીય સંપાદન કરી એમની સંશોધક તરીકેની શક્તિનો સંતર્પક પરિચય કરાવ્યો છે. ૧૯૭૧માં ગુજરાતીને અધ્યાપક સંઘના ૨૨માં સંમેલનમાં પ્રમુખસ્થાનેથી આપેલા ‘મોટિફ’ વિશેના વ્યાખ્યાનમાં તેમની અભ્યાસનિષ્ઠા જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિદ્યાનગર અધિવેશનમાં તે વિવેચન વિભાગનાં પ્રમુખ હતાં. ગુજરાત સાહિત્ય સભાએ તેમને ૧૯૭૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક આપી તેમનું બહુમાન કર્યું છે. તેમના બે વિવેચન સંગ્રહો ‘બોધના’ અને ‘સચેતસ’ હવે પછી પ્રગટ થશે. અંગત અને બિનંગત નિબંધો પણ પ્રગટ થશે. તેમણે પાઠકસાહેબના અવસાન બાદ તેમનાં નવ પુસ્તકોનું સંપાદન કરી, વિસ્તૃત પ્રવેશકો લખી તેમના અક્ષરદેહને સુપેરે આપણી સમક્ષ રજૂ કર્યો છે. પાઠકસાહેબની રૉયલ્ટીની આવકમાંથી તેમણે ગુજરાત યુનિવર્સિટીને પંચોતેર હજાર જેટલી માતબર રકમનું દાન કર્યું છે. અને યુનિ.માં રામનારાયણ વિ. પાઠક ગ્રંથમાળા શરૂ થઈ છે. પાઠકસાહેબના વતન ભોળાદમાં પણ એમણે જાહેર પ્રજા માટે દવાખાનું બંધાવ્યું છે. હીરાબહેન અનેક સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. ભારતીય વિદ્યાભવનન, ગુજરાતી સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમીની ગુજરાતીની સલાહકાર સમિતિનાં તે સભ્ય છે અને ગુજરાત ને ગુજરાત બહારની અનેક સ્ત્રી સંસ્થાઓને એમનું માર્ગદર્શન મળતું રહે છે. કલકત્તામાં ભરાયેલી વિમેન્સ રાઈટર્સ કૉન્ફરન્સમાં પણ તેમણે મદદ કરેલી. આમ, હીરાબહેનને કવિતા અને સાહિત્યવિવેચન ઉભય ક્ષેત્રોમાં રસ હોવા છતાં તેમની અભિરુચિ સર્જનાત્મક સાહિત્ય તરફ જ છે. હીરાબહેન આપણાં મૂર્ધન્ય લેખિકા છે, ગુજરાત જેમના માટે ગૌરવ લઈ શકે એવાં લેખિકા છે.
૧૬-૩-૮૦