શબ્દલોકના યાત્રીઓ – ૨/દિનેશ કોઠારી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દિનેશ કોઠારી

આધુનિક કવિઓમાં શ્રી દિનેશ કોઠારીનું સ્થાન છે, જોકે હમણાં તે ખાસ લખતા નથી; પરંતુ ૧૯૬૫માં તેમણે ‘શિલ્પ’ નામે નાનકડો સંગ્રહ પ્રગટ કર્યો ત્યારે વિવેચકો અને અભ્યાસીઓનું ધ્યાન તેમના તરફ દોરાયું. ‘શિલ્પ’નું ‘ગ્રંથ’માં અવલોકન કરતાં મેં લખેલું: “એક-બે વસ્તુઓ તરત ધ્યાન ખેંચે છે. પહેલી વસ્તુ તે ભાવાનુરૂપ લયહિલ્લોલવાળાં ગીતોની તેમને ફાવટ છે. આ ગીતો તે સિદ્ધ કવિઓની પદ્ધતિનાં છે. ‘પ્રીતના વાઘા’ પહેરી દુનિયાભરમાં મહાલનાર કવિ તનમનિયાનાં ફૂલ જેવાં સમણાં લેવાને નિમંત્રે છે પણ અત્યારના જીવનની વિરૂપ એકતાનતા, યાંત્રિકતા કે મૂલ્યહ્રાસની પરિસ્થિતિ તેમને બેચેન બનાવી મૂકે છે ત્યારે અસહ્ય એકલતાનું ગાન સ્રવે છે. જિંદગીનું જે પત્તું પોતે ચીતરી ચૂક્યા છે એનો અફસોસ તે વ્યક્ત કરે છે. પોતાની સાથે ધસી રહેલા પોતાના ભૂતકાળનો સંત્રાસ એક બીજી રચનામાં પણ જોવા મળે છે.” તેમણે જેમ શમણાં લ્યો રે કોઈ શમણાં લ્યો!’, ‘ઝીલજો રે ઝરમરતાં ફોરાં’, ‘કૈં ના બોલી’, ‘અઢળક ઢળિયો રે શામળિયો’, ‘સ્વપ્નવેચણહારો’ જેવાં ભાવવાહી સુંદર લયસંયોજનાવાળાં ગીતો આપ્યાં છે, તો આધુનિક જીવનની યાંત્રિકતા અને હતાશાને પણ વ્યક્ત કરતાં કાવ્યો તેમણે આપ્યાં છે. ‘ટન ટન ટકોરા સાત, ઊગતા સૂર્ય સાથે શેકહૅન્ડ’ વાળી રચના પણ સુંદર છે. દૈનંદિન જીવનની એકવિધતા સુપેરે વ્યક્ત થઈ છે. ‘સૂર્ય’, ‘અંધકાર’, ‘આગિયા’, ‘ધુમ્મસ’ વગેરેનો પ્રતીક તરીકે તેમણે ઉપયોગ કરેલો. બીજાં પણ કેટલાંક સરસ કાવ્યો તેમણે આપેલાં; પણ હમણાં કવિતા પરત્વે તે મૌન છે. એમનું મૌન કાવ્યરસિકોને કઠે એવું છે. શ્રી દિનેશ ડાહ્યાલાલ કોઠારીનો જન્મ ઉત્તર ગુજરાતના વીસનગરમાં તા ૧૬ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ થયેલો. તેમનું વતન કડી (ઉ.ગુ.). તેમણે પ્રાથમિક શિક્ષણ કડી તથા અમદાવાદમાં લીધું અને માધ્યમિક શિક્ષણ વીસનગર અને અમદાવાદમાં. પછી તે એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં દાખલ થયા. ૧૯૫૫માં મુખ્ય વિષય ગુજરાતી સાથે બી.એ. થયા અને ૧૯૬૧માં એ જ વિષય સાથે એમ એ. થયા. શ્રી દિનેશ નોકરીની સાથે જ અભ્યાસ કરતા. ગુજરાત કૉલેજ, અમદાવાદના પુસ્તકાલયમાં તેમણે મદદનીશ ગ્રંથપાલ તરીકે કામ કરેલું. એમ.એ. થયા બાદ એક વર્ષ ઉપલેટા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કરેલું. છેલ્લાં ૧૭ વર્ષથી એઓ અમદાવાદની સિટી આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કરે છે. દિનેશભાઈને કવિતાના સંસ્કાર વિસનગરમાં તે ભણતા હતા ત્યારથી મળેલા. તે નિયમિત ‘કવિ સભા’માં જતા. કાવ્યો રચતા. તેમનું પ્રથમ કાવ્ય ૧૯૫૨ના ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયું. શીર્ષક હતું ‘ફાગણિયાનાં ફૂલ’. પછી તો તે ‘કુમાર’, ‘સંસ્કૃતિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કૃતિ’, ‘સમર્પણ’ વગેરેમાં કાવ્યો મોકલવા લાગ્યા. ૧૯૬૫માં સંગ્રહ ‘શિલ્પ’ પ્રગટ થયો. કવિતાની સાથે સાથે તે વિવેચન પ્રવૃત્તિ પણ કરતા રહ્યા. નવલકથા વિશે તેમણે શ્રી લાભશંકર ઠાકરની સાથે ‘Inner Life’ પુસ્તક લખ્યું. ‘સંસ્કૃતિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘વિદ્યાપીઠ’ વગેરેમાં તેમના વિવેચનલેખો પ્રગટ થયા છે. ‘સંદર્ભ’ અને ‘એકાંકી અને ગુજરાતી એકાંકી’ જેવા સંચયોમાં પણ તેમણે લેખો લખ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખાવવાની યોજના કરી એમાં તેમણે ‘મેઘાણી’ વિશેનું પ્રકરણ લખ્યું છે. શ્રી દિનેશ કોઠારીને અનુવાદમાં પણ રસ છે. સૉફૉક્લીઝ સાર્ત્ર, આયોનેસ્કો, બેકેટ, સૉલ બેલો, એડવર્ડ એલ્બી વગેરે પાશ્ચાત્ય નાટ્યકારોનાં નાટકોના અનુવાદ કર્યા છે. બંગાળીમાંથી જીવનાનંદ દાસ, બુદ્ધદેવ બસુ વગેરેનાં કાવ્યોને ગુજરાતીમાં ઉતાર્યા છે. આર્તેગા, વાલેરી, એઝરા પાઉન્ડ વગેરેના સાહિત્યતત્ત્વચર્ચાના લેખોનો તેમણે અનુવાદ કરી ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓને કીમતી વિવેચનસામગ્રી પૂરી પાડી છે. પણ દિનેશ કોઠારી મુખ્યત્વે કવિ છે. ૧૯૬૫ પછીનાં કાવ્યોનો સંચય એ સત્ત્વરે આપે એમ ઇચ્છીએ. ‘દિનેશનો બોજ વહું કેટલાંય વરસથી’ એમ કહેનાર શ્રી કોઠારીએ ‘દિનેશ બૂઝે!’ એમ કહ્યું છે તે આપણે શા માટે સ્વીકારીએ?

૧૭-૮-૮૦