સમૂળી ક્રાન્તિ/6. વાદોની કાથાકૂટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
6. વાદોની કાથાકૂટ

હાલ આપણે બધા જુદા જુદા વાદોની કાથાકૂટમાં પડી ગયા છીએ, પૂંજીવાદ, સમાજવાદ, સામ્યવાદ, યંત્રીકરણ, રાષ્ટ્રીયકરણ, કેદ્રીકરણ, વિકેદ્રીકરણ, મોટા ઉદ્યોગ, ગ્રામોદ્યોગ, યંત્રોદ્યોગ, હાથકારીગરી, બળવાન કેદ્ર, ગ્રામસ્વરાજ્ય, મજૂર રાજ્ય, કિસાન રાજ્ય, ડેમોક્રસી, ઑટોક્રસી વગેરેમાંથી એકાદ શબ્દને પકડી લઈ, જીવનની સાચી અને સારી વ્યવસ્થા તેવા કોઈ એક વાદ પ્રમાણે બધો કારભાર ગોઠવી દેવાથી થઈ જશે એમ માનતા હોઈએ એવું આપણી ચર્ચાઓનું સ્વરૂપ થાય છે. પરંતુ માનવજીવન એવું લપસણું છે કે કોઈ એક વ્યવસ્થાની પકડમાં એ પકડાઈ શકતું નથી અથવા બળાત્કારે પકડાય છે તો કોહવા માંડે છે અને મનુષ્યને સુખી અને સ્વસ્થ કરવાને બદલે આપત્તિમાં નાખે છે.

પરંતુ, આ ઉપરાંત એક મહત્ત્વની વાત વિચારવાની છે. આ બધા વાદો એકબીજાથી બહુ જુદી જાતના દેખાતા હોય છતાં એ સૌ એક જ પાયાને મજબૂત કરી અથવા સમજીને ઊભા થયેલા છે. બધા જ ધન–ગણિત–સોનાના તોલ–ગણિત – પર રચાયેલા છે. સોનાના સિક્કા ભલે આજે ક્યાંયે વપરાતા ન હોય, પણ અર્થવિનિમયનું સાધન – વાહન અને માપ – તેની પાછળ રહેલા સોનાચાંદીના સંગ્રહ પર છે. ભલે સામ્યવાદી મજૂરને મહત્ત્વ આપે, પૂંજીપતિને કાઢવા પ્રયત્ન કરે, પરંતુ તેયે પૂંજીને – એટલે સોનાચાંદીના પાયાને અને ગણિતને જ – મહત્ત્વ આપે છે. આર્થિક સમૃદ્ધિનું માપ સોનાની બનેલી માપપટ્ટી જ છે. એ માપપટ્ટીની પાછળ વસતી સામાન્ય સમજૂત એ છે કે જે વસ્તુ હરકોઈને સહેજે મળે એમ ન હોય તે જ ઉત્તમ ધન કહેવાય. પૂંજીવાદ એટલે એવી વસ્તુ પર ખાનગી કબજો રાખવામાં શ્રદ્ધા; સામ્યવાદ અથવા સમાજવાદ એટલે એવી વસ્તુ પર સરકારનો કબજો રાખવામાં શ્રદ્ધા. એ જ વસ્તુ હરકોઈને સહેજે મળે એમ હોય તે જીવનના નિર્વાહ માટે ગમે તેટલી મહત્ત્વની હોય તોયે કનિષ્ઠ ધન ગણાય. આ રીતે હવા કરતાં પાણી, પાણી કરતાં ખાદ્યો, તેના કરતાં કપાસ, તંબાકુ, ચા, લોઢું, તાંબું, સોનું, પેટ્રોલ, યુરેનિયમ વગેરે ઉત્તરોત્તર વધારે ઊંચાં પ્રકારનાં ધન ગણાય છે. આમ જે જીવનને કીમતી અને અનિવાર્ય તેની અર્થશાસ્ત્રમાં કિંમત ઓછી અને જેના વિના જીવન નભી શકે તેની અર્થશાસ્ત્રમાં કિંમત ઘણી એવો જીવન અને અર્થશાસ્ત્રનો વિરોધ છે.

જો કોઈ ક્રાન્તિ થવાની જરૂર હોય તો જેમ ધાર્મિક વગેરે માન્યતાઓ વગેરે વિશે કહ્યું તેમ આ બાબતમાં વિચારની ક્રાન્તિ થવી જરૂરી છે. કાંઈક એવું જ અર્થમાપનું સાધન ખોળવું જોઈએ કે જ ોજીવનને ઉપયોગી અને સર્વસુલભ વસ્તુઓ તથા શક્તિઓને કીમતી ઘટાવે, અને તેના અભાવને દારિદ્ર લેખે.

અર્થશાસ્ત્રની બીજી વિલક્ષણતા એ છે કે મજૂરીનો સમય સાથે સંબંધ ગોઠવવામાં તે સાધન અથવા યંત્રને ગણતરીમાં લેતું જ નથી. દા. ત., સરખી વસ્તુ બનાવતાં એક સાધનથી પાંચ કલાક લાગે અને બીજાથી બે કલાક લાગે, તો બીજું સાધન વાપરનારને વધારે કિંમત મળે; પછી ભલે પહેલાએ જાતમહેનતથી બનાવી હોય, અને બીજાએ માત્ર યંત્રમાં દાબી કાઢી હોય. આ જ બીજી રીતે એમ રજૂ થાય છે કે અર્થશાસ્ત્રમાં સમયને કિંમત નથી પણ સમયની બચતને ઈનામ મળે છે, અથવા સમયના બગાડ પર દંડ બેસાડવામાં આવે છે. પણ આમાં શી રીતે સમય બચ્યો કે બગડયો તેની પરવા કરવામાં આવતી નથી.

ખરું જોતાં જેમ સાધન સારું હોય તો સમય ઘટે, તેમ કુશળતા, ઉદ્યમશીલતા ઇત્યાદિને લીધે મજૂરીની ગુણમત્તા વધારે હોય તોપણ સમય ઘટે. અને સાધન તથા ગુણમત્તા સરખાં હોય તો વસ્તુની કિંમત તેની પાછળ લાગેલા સમયના પ્રમાણમાં લેખાવી જોઈએ. એક જ સરખા યંત્ર પર એક માણસ સરખી ગુણમત્તા વાપરી એક વસ્તુ બનાવે તો બે કલાકમાં બનાવે તે કરતાં અઢી કલાક ખરચીને બનાવેલી વસ્તુ વધારે કીમતી બનવી જોઈએ. સાધન તથા ગુણમત્તાની વિશેષતા તે વસ્તુમાં ઊતરવી જોઈએ. આમ વસ્તુની કિંમત જેમ તેની પાછળ વધારે સમય, વધારે સારું સાધન અને વધારે ગુણ વપરાયા હોય તેમ વધારે થવો જોઈએ. હકીકતે, પડતર કિંમત તો આ પ્રમાણે જ થાય છે. પણ આજની અર્થવ્યવસ્થામાં બનાવનારને એ ગણિત પ્રમાણે કિંમત ઊપજતી નથી. આથી સમય અને ગુણમત્તાને બચાવનારાં સાધનો ઉપર જ બધો ભાર મુકાય છે. અથવા, કહો કે સમયના વપરાશ પર ભારે દંડ બેસાડવામાં આવે છે અને ગુણની કિંમત કંજૂસાઈથી આંકવામાં આવે છે.

આ બધી ગણિતની ભાષામાં કરેલી રજૂઆત ચોક્કસ ગણિતના રૂપમાં લેવાની નથી. એનો હેતુ એટલું જ દેખાડવાનો છે કે આજે વપરાતું કિંમતના માપનું સોના–ચાંદી વગેરે વિરલ પદાર્થો પર રચાયેલું ધોરણ વસ્તુઓની સાચી કિંમત આંકવાને માટે ખરું સાધન નથી. અને તેથી તેને આધારે બનેલી અર્થવ્યવસ્થા, ગમે તે વાદ પર રચાયેલી હોય, અનર્થ જ ઉત્પન્ન કરનારી નીવડે છે અને નીવડશે.

કુદરત સાર્વજનિક છે. એટલે એને કિંમત જ ન હોવી જોઈએ. જમીન કે ખાણો હવાની જેમ જ કુદરતી બક્ષિસ છે. એની વિપુલતા કે ઊણપથી કિંમતમાં ફરક પડવાનું કારણ નથી.

વળી, આજની આપણી ધન અને કિંમત માપવાની પદ્ધતિ દેખાવમાં સવ્ય – લાભમાપક (positive) હોય, પરંતુ હકીકતે અપસવ્ય – હાનિમાપક (negative) છે. આજકાલ કોઈ શેરીમાં રમખાણ થયાં હોય તો તેના લોકો પર સામુદાયિક દંડ બેસાડવામાં આવે છે. બે શેરીમાં રમખાણ થયાં હોય અને એક પર પચીસ હજારનો અને બીજા પર દસ હજારનો દંડ બેસાડવામાં આવે, તો સરકારી ચોપડામાં પહેલી શેરીવાળાને ખાતે પચીસ હજાર જમા પડશે અને બીજી ખાતે દસ હજાર પડશે. તે પરથી સરકાર પહેલી શેરીને વધારે લાભદાયી ગણે અને બીજીને ઓછી, અને તેથી પહેલી માટે વધારે સંતોષ માને તો એક રીતે એ સીધી વાત દેખાય છે. પણ બીજી અને સાચી દૃષ્ટિએ જોઈએ તો એ પંદર હજારનો વધારે લાભ સંતોષની નહીં પણ ખેદની વાત છે. કારણ, સરકારનો હેતુ રમખાણોને અટકાવવાનો છે, રમખાણોના દંડો વસૂલ કરવાનો ધંધો ચલાવવાનો નથી. એ હેતુની સિદ્ધિ માટે કોઈ પર દંડ નાખવો ન પડે, રમખાણ જ ન થાય, એ સ્થિતિ લાવવી એ છે.(દંડની બાબતમાં આ કથન કદાચ સહેલાઈથી સ્વીકારવામાં આવશે, અને એમ કોઈ સમજતું નથી એમ કહેવામાં આવશે. પણ દારૂ વગેરે પર થતી આવકની બાબતમાં આવી સમજૂત થાય છે કે નહીં તે વિચારવું ઘટે છે.)

અથવા, નીતિમાં થોડો ફેરફાર કરી સરકાર એવા નિયમ કરે કે જે શેરીઓ આખું વર્ષ શાંતિ જાળવે તેને અમુક હિસાબે કરમાં વળતર આપવું, અને જ્યાં રમખાણ થાય ત્યાં પૂરો કર વસૂલ કરવો. આ રીતે કેટલીક શેરીવાળા સારાં ઈનામ લઈ જાય, તેથી સરકારની કરવસૂલી ઓછી થાય. આ દેખાવમાં નુકસાનની બાબત ગણાય. પણ બીજી રીતે, સરકારનો હેતુ રમખાણો ન થવા દેવાનો હોવાથી એ વળતર લાભપ્રદ જ છે. આમ શાંતિની દૃષ્ટિએ દંડની વસૂલાત જમાના સરવાળામાં પડવા છતાં નુકસાન છે. અને કરનું વળતર ઉધારના સરવાળામાં પડવા છતાં લાભ છે. શાંતિની દૃષ્ટિએ દંડની જમા રકમ અપસવ્ય – હાનિમાપક સંખ્યા છે, અને કરનું વળતર સવ્ય – લાભમાપક સંખ્યા છે.

આ રીતે આપણે કિંમતનો પ્રશ્ન વિચારીએ. ધારો કે આપણે એમ કહીએ કે મિલનું કપડું એક રૂપિયે વાર પરવડે છે, અને તેવી જ ખાદી બે રૂપિયે વાર પરવડે છે. અને તે હિસાબે મિલના એક વાર કાપડની કિંમત એક રૂપિયો માંડીએ અને ખાદીની બે રૂપિયા માંડીએ, હવે, એક વાર કપડું તો એક વાર કપડું જ છેઃ મિલમાં બન્યું હોય કે ખાદીનું હોય. જીવનની ગરજો બંનેથી સરખી સરે છે; તેથી જીવનને બંનેની કિંમત સરખી છે. ધારો કે એક માણસને તેની બંડી છ મહિના સતત કામ આપે છે. એટલે એની સાચી કિંમત છ મહિના છે. છતાં એની જુદી જુદી કિંમત માંડવાનો અર્થ એ થયો કે યંત્રમાં છ મહિનાનું ભાડું એક રૂપિયો થાય છે, અને હાથ–ઓજારમાં બે રૂપિયા. જો છ મહિનાનું ભાડું એક રૂપિયો વાજબી હોય તો ખાદી માટે બે રૂપિયા લઈ તમે ખાદી વાપરનાર પર દંડ બેસાડો છો. અથવા બે રૂપિયા આપી ખાદી બનાવનારને ઈનામ આપો છો. અને જો છ મહિનાની કિંમત બે રૂપિયા વાજબી હોય તો મિલકાપડ માટે એક રૂપિયો આપી મિલવાળા પર દંડ બેસાડો છો, અથવા મિલનું કાપડ એક રૂપિયે વેચી તેના વાપરનારને ઈનામ આપો છો. આમ પડતરની કિંમતની ગણતરી પરથી વસ્તુની કિંમત આંકવા જતાં એની સાચી કિંમત શોધવાનું કોઈ ચોક્કસ સાધન જ મળતું નથી.

વળી એક બીજી રીતે આજની અર્થવ્યવસ્થાની અનર્થતાનો વિચાર કરીએ. નૈતિક ન્યાયથી જોઈએ તો જે વસ્તુઓ વિના જીવન નભી જ શકે એમ ન હોય અને જેના ઉત્પાદનમાં જ મનુષ્યોના મોટા ભાગને રોકાવું આવશ્યક હોય, તેમાં રોકાયેલા માણસોની મહેનતની સૌથી વધારે કિંમત હોવી જોઈએ. માણસની મહેનતમાંથી શું નિર્માણ થાય છે, અને તે જીવન માટે કેટલું આવશ્યક છે તેના ખ્યાલથી તેનું મહેનતાણું હોવું ઘટે. આમ જોતાં એ વિશે શંકા જ નથી કે ઘણામાં ઘણા માણસોએ અનાજ ઉત્પાદન કરવાની મહેનત કરવી જ જરૂરી છે. બાકી બધુ એનાથી ગૌણ સ્થાન લે. માટે વધારેમાં વધારે મહેનતાણું અનાજ ઉત્પન્ન કરવાની સીધી મજૂરી કરનારને મળવું જોઈએ. બાકી બધા ધંધા એનાથી ઊતરતી પંક્તિના ગણાવા ઘટે. અનાજ પછી બીજો નંબર કદાચ ઘર અને વસ્ત્ર બનાવનારાઓનો તથા ભંગી વગેરે સફૈયાઓનો ગણાય. જે ધંધાના જ્ઞાન અથવા મદદ વિના બીજા ધંધાદારીઓની બધી વિદ્યા–કળા નકામી બની જાય એમ હોય તે ધંધો આર્થિક રીતે સૌથી વધારે કીમતી લેખાવો જોઈએ.

પણ આપણે જાણીએ છીએ કે આજની અર્થવ્યવસ્થામાં એમ નથી. સૌથી વધારે મહેનતાણું રાજા, પ્રધાન, સેનાપતિ, લશ્કર, પોલીસ, ન્યાયાધીશ, વકીલ, વૈદ્ય, મોટા અધ્યાપક, નિષ્ણાત, ફૅશનસર્જક* વગેરેને આપવામાં આવે છે, અને જીવનમાં જેની છેલ્લામાં છેલ્લી જરૂર તેને વધારેમાં વધારે મહેનતાણું મળે છે. (ફૅશનસર્જક શબ્દ કળાસર્જકથી જુદો પાડવા જાણી જોઈને વાપરું છું. સાચા કળાસર્જકોનું મહેનતાણું તો મોટેભાગે ઓછું હોય છે, પ્રતિષ્ઠા ભલે હોય.)

આમ થવાનું એક કારણ એ છે કે અજ્ઞાન લોકોમાં જેવા ભૂતપ્રેત અથવા દેવદેવીઓ વિશે વહેમો પ્રચલિત છે અને જેની ભણેલા લોકો હાંસી ઉડાવે છે, તેવા જ આપણા સભ્યસમાજી (બુર્ઝ્વા)ઓના રાજ્યવ્યવસ્થા અને સુલેહશાંતિ જાળવનારા તથા જ્ઞાન આપનારા વગેરે વિશે વહેમો છે. જે શ્રદ્ધાથી અજ્ઞાની ભૂતપ્રેત કે દેવદેવીને રીઝવવા માટે કૂકડાબકરા કે પાડાનો બલિ ચડાવે છે, તેવી જ શ્રદ્ધાથી આપણે રાજા–મહારાજા અને રાજપુરુષોને રીઝવવા તેમને ખૂબ મહેનતાણું આપીએ છીએ, તેમના દરબારો ભરીએ છીએ અને સરઘસો કાઢીએ છીએ. જેમ પોતે ઘડેલી કે ચીતરેલી દેવની મૂર્તિને માણસ પૂજી કે પ્રણામ કરી કહે છે કે, હે ભગવાન, તું અમારો કર્તા અને ભર્તા છે, તેમ પોતે મદદ કરી ઊભા કરેલા રાજપુરુષોને તે પૂજી, પ્રણામ કરી કહે છે કે, તમે અમારા રાષ્ટ્રના સ્વામી અને પાલક છો. અનુભવ તો બતાવે છે કે રાજપુરુષોને કારણે જેટલી ખુનામરકી, અવ્યવસ્થા, અન્યાય, લૂંટફાટ, જૂઠાણું વગેરે થાય છે, તેટલી કશા પ્રકારની વ્યવસ્થિત રીતે સ્થપાયેલી રાજસત્તા ન હોય તો ન થાય.

પણ હવે મનુષ્યસમાજ એવી સ્થિતિમાં છે કે એને વ્યવસ્થિત રાજ્યસત્તા નિભાવ્યે જ છૂટકો છે, આથી એ ભલે હોય. પણ એનો અર્થ એ નથી કે તે કામમાં રોકાયેલાઓની આર્થિક કિંમત પણ વધારે આંકવી જોઈએ. અને આમ નહોતું એવોયે જમાનો હતો. આજે એમની આર્થિક કિંમત વધારે મૂકવાનું એક કારણ એ છે કે ધન અને પ્રતિષ્ઠાનું આપણે એવું સમીકરણ કર્યું છે કે જેટલું ધન તેટલી પ્રતિષ્ઠા અથવા જેની પ્રતિષ્ઠા વધારવી હોય તેનું મહેનતાણું પણ વધારવું જોઈએ એવું આપણે માનવા લાગ્યા છીએ. ‘સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે‘ એ નીતિવાક્ય આપણે સ્વીકારી લીધું છે. પ્રતિષ્ઠા અનેક કારણસર હોય અને અપાય. એ માન્ય કરવાની બીજી ગમે તેટલી રીતો હોય, પણ તે પૈસાના ઈનામ દ્વારા ન હોવી જોઈએ. વૃદ્ધ પુરુષને એની ઉંમર માટે, સ્ત્રીને એના માતૃત્વ, કોમળતા અને શીલ માટે, બાળકને એની નિર્દોષતા અને મધુરતા માટે, જ્ઞાનીને એના જ્ઞાન માટે, સિપાઈને બહાદુરી માટે, રાજપુરુષને એના નેતૃત્વ અને કર્તૃત્વ માટે, સંતને એના ચારિત્ર માટે, અધિકારીને એની વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થવા માટે પ્રતિષ્ઠા મળે એમાં કશો દોષ કાઢવાપણું નથી. પણ એ પ્રતિષ્ઠાની કદર પૈસા આપીને કરવાની ન હોય. આદર આપો. અગ્રસ્થાન આપો, ઊંચું સ્થાન આપો, ઠીક લાગે તેમ નમસ્કાર, પ્રણામ કરો, હારતોરા આપો, જોઈએ તો ખેતાબો અથવા પદવીઓ પણ આપો; પણ એ માટે એને વધારે મહેનતાણું કે સોનાચાંદીના કે મૂલ્યવાન પદાર્થો કે ધનસંચય કરવાની સગવડ આપવાની ન હોય. જો જુદાં જુદાં કામ માટે જુદાં જુદાં મહેનતાણાં હોય તો સૌથી વધારે મહેનતાણું અનાજની ખેતી કરનારનું કે જળની ખેતી કરનારનું હોવું જોઈએ. રાજાનોયે રોજ ખેતીના મજૂર કરતાં ઓછો હોવો જોઈએ. ભલે એના કામ માટે એને દેશની સ્થિતિ પ્રમાણે મર્યાદિત સગવડો મળે.