સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૩૧
પ્રભાત થયું. કુમુદ સરસ્વતીચંદ્રને ઉઠાડવા લાગી. એ ન ઊઠ્યો, એટલે કુમુદે તેને કપાળે હાથ મૂક્યો ને તેને બોલાવી ઉઠાડવા જાય છે, ત્યાં સરસ્વતીચંદ્ર જાગ્યો. ‘મને સ્વપ્નમાં મારી જનની દેખાઈ. મારે કપાળે હાથ મૂકી કંઈ કહેવા જતી હતી, એટલામાં હું જાગ્યો.' ‘બહુ શુભ શકુન થયા.’ ચંદ્રકાંતનું સ્વાગત કરવા સરસ્વતીચંદ્ર સામો જવા તૈયાર થયો. એટલામાં તો ચંદ્રકાંત સામેથી આવી સરસ્વતીચંદ્રની કોટે વળગી પડ્યો. એની આંખોમાંથી આંસુની ધારાઓ મિત્રના અંચળાને ભીનો કરી તેમાંથી ગેરુના નિગાળા ઉતારવા લાગી. ‘આ જ મારો મિત્ર! આ અંચળાથી ઢંકાયો ન રહ્યો, આ હૃદયથી સંતાયો ન રહ્યો. સરસ્વતીચંદ્ર! આ શું?' સરસ્વતીચંદ્ર પણ ગદગદ થઈ ગયો. ‘ચંદ્રકાંત! મેં ઘણાંક જીવને દુ:ખી કર્યા ‘તારે પણ અહીં સુધી ધંધો છોડી, ઘર છોડી, મારા માટે આથડવું પડ્યું.' ‘હાસ્તો, સ્વજનને દમવાની આપની કળાની આ તો એક નાનામાં નાની ખૂબી છે.' ‘ગંગાભાભી ખુશીમાં છે?' ‘એ તો મૂઆં હશે કે જીવતાં હશે.’ ‘શું આમ બોલે છે? તું ઘણું કઠણ બોલનારો છે, તે હજી એવો ને એવો રહ્યો. પિતાજી સુખી છે?' ‘તેમની ચિંતા પડે છે? પણ તે તમારે પૂછવાનો હક્ક શો.’ ‘મારા હૃદયને જાણનાર ચંદ્રકાંત હસવું આવે એવું બોલે છે.’ ‘તમને હસવું આવ્યું ને ન ચઢ્યો ક્રોધ કે ન લાગ્યું દુઃખ. તમારું હૃદય જાણવાનું હું ભૂલી ગયો છું અથવા તે વધારે કઠણ થયું છે. ને હું ઓળખી શકતો નથી. બાકી તમારા વિના બીજાં ઘણાંકનાં હૃદયને તો હું જાણું છું. કોનાં કોનાં કાળજામાં કેવી કેવી લાતો આપના શાણપણે મારી છે તે સારી રીતે જાણું છું.’ ‘કુમુદસુંદરીના શબ્દોમાં પણ એવી કટુતા હોત તો હું વધારે ભાગ્યશાળી થાત.’ ‘ચૂપ! નાળમાંથી કપાઈ ગયેલા એ દુ:ખી કમળનું નામ તમારી જીભ ઉપર આવવું ઘટતું નથી.’ સુંદરગિરિની સાધ્વીઓએ એ કમળ કરમાતું હતું તેને પાછું પ્રફુલ્લ કરવા માંડ્યું છે. હું હમણાં જ તારો તેમની સાથે મેળાપ કરાવીશ. માત્ર એટલું કે વાતચીતમાં એમનું કે એમના કુટુંબનું નામ એમની સંમતિ વિના પ્રકટ ન કરવું. એમને સાધુજનો ‘મધુરીમૈયા’ને નામે ઓળખે છે.’ વાતમાં ને વાતમાં કુમુદસુંદરીએ પણ સરસ્વતીચંદ્રના જેવી જ કન્થા ધારી છે એમ જાણતાં ચંદ્રકાંત તપી ઊઠ્યો. ‘સરસ્વતીચંદ્ર! હમારું હૃદય શાનું ઘડેલું છે? મને એ દુ:ખી જીવની પાસે તરત લઈ જાઓ. સરસ્વતીચંદ્ર એને લઈને વસંત ગુફા ભણી ચાલ્યો. મધુરીમૈયાની ભગવી કંથા જોઈ ચંદ્રકાંતનાં આંસુ વધ્યાં. કુમુદસુંદરીની, વાલકેશ્વરમાં સરસ્વતીચંદ્રના બંગલામાં જોયેલી છબી જીવતી ઊભી થઈ લાગી ને તેની સુંદરતા, મધુરતા અને દીનતા, એના હૃદયને, વંટોળિયો વહાણના શઢને ઉછાળવા લાગ્યાં. ‘ચંદ્રકાંતભાઈ! સુખી છો?' કુમુદે પૂછ્યું. ચંદ્રકાંત રોઈ પડ્યો. તેનાથી ઉત્તર દેવાયો નહીં. રૂમાલ આંખે ફેરવી બોલ્યો : ‘મધુરીમૈયા! ક્ષમા કરજો! મીઠા જાણેલા મારા મિત્રના હૃદયમાં સાગર જેવી ખારાશ જ ઊંડી ભરાઈ છે.’ ‘ચંદ્રકાંત! મારું રંક અનાથ હૃદય એમણે અતિ ઉદારતાથી સ્વસ્થ અને સનાથ કર્યું છે. માટે હવે એમના નિર્મળ હૃદયને ડહોળી નીચે ગયેલી માટીને પાછી ઉપર આણશો નહીં.’ સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંતે આખો દિવસ સૌમનસ્ય ગુફાને ઉપલે માળે ગાળ્યો. કુમુદ આવતી-જતી ભાગ લેતી હતી અને ઘડી બેસી પાછી જતી હતી. કંઈ પણ ગુપ્ત રાખ્યા વિના સરસ્વતીચંદ્ર પોતાનો અને કુમુદનો સર્વ ઇતિહાસ, તેમનાં સ્વપ્ન અને જાગ્રતિની સર્વ કથા અથથી ઇતિ સુધી ચંદ્રકાંતને કહી. સરસ્વતીચંદ્ર : ‘કુમુદસુંદરી, તમે પણ અહીં છો તે ચંદ્રકાંત જાણતો હતો.' કુમુદસુંદરી : ‘નવાઈની વાત. પણ હવે મારે પ્રકટ થવું કે નહીં, હવે શું કરવું તે ચંદ્રકાંતભાઈએ જ નક્કી કરવાનું છે.' ચંદ્રકાંત : ‘તમે નિરાંતે બેઠાં ને ચંદ્રકાંતને માથે ચિંતાનું ચક્ર બેઠું. લ્યો ત્યારે, પ્રથમ આ તમારા પિતાનો પત્ર.’ વિદ્યાચતુરે આ પત્રમાં કુમુદની જ ઇચ્છા મુજબ વર્તવા લખ્યું હતું. કુમુદ સરસ્વતીચંદ્ર સાથે પુનર્લગ્ન કરે તેથી લોકનિંદા થાય તોયે તે વેઠી લેવાનું પ્રેમાળ પિતાએ જણાવ્યું હતું. અત્યાર સુધી કુમુદ-સરસ્વતીચંદ્રનાં લગ્ન અંગે પિતાની સંમતિનો અભાવ હતો તે પણ હવે ટળી ગયો. કુમુદસુંદરી : ‘ચંદ્રકાતભાઈ, મારા મનની તૃપ્તિની વાત જવા દેજો, એમનું સુખ, એમનું સ્વાસ્થ્ય, એમની કીર્તિ, એમનું સદ્ભાગ્ય, એટલું જ વિચારજો. સરસ્વતીચંદ્રનો જન્મ સફળ થાય તે વિના બીજા ભોગની મને તૃષ્ણા નથી, બીજો વૈભવ મને ગમતો નથી.’ ચંદ્રકાંત ગળગળો થઈ ગયો. તેણે બીજો કુસુમનો પત્ર કુમુદને આપ્યો. કુસુમે લખ્યું હતું : ‘પ્રમાદધનભાઈના સમાચાર પછી સંસારને તમારા ડૂબ્યાના સમાચાર કરતાં જીવ્યાના સમાચાર વધારે વહાલા લાગતા નથી. તેમાં વળી તમારો ને સરસ્વતીચંદ્રનો સુંદરગિરિ ઉપર યોગ થયો સાંભળી સૌ આનંદને બદલે ખેદ પામે છે. સરસ્વતીચંદ્રને ગુણિયલ સુખી જોવા ઇચ્છે છે, પણ તમારાથી તે સુખી થાય એ એમના હૃદયને ગમતી વાત નથી. તમે જો પુનર્લગ્ન કરો તો કાકી તમારું મોં જોવાનાં નથી. દાદાજીથી તમારું દુ:ખ જોવાતું નથી. પણ આ સર્વ હરકતોને લીધે ઇચ્છે છે કે તમે ગુપ્તપણે સરસ્વતીચંદ્ર જોડે સુંદરગિરિ ઉપર આયુષ્ય ગાળો. મને પૂછો તો આ બધી દુગ્ધામાં હવે પડશો નહીં. છૂટ્યાં છો તે બંધાશો નહીં. મારે પોતાને પણ બંધાવું નથી. અમે સૌ એકબે દિવસમાં ત્યાં આવીશું. પિતાજી એમ કહેતા હતા કે કુસુમને સરસ્વતીચંદ્ર જોડે પરણાવીશ. પણ સરસ્વતીચંદ્ર સુજ્ઞ છે. કુમારાં રહેવાનો મારો મૂળ વિચાર એમની વાતોથી થયો છે ને હવે એ મારા મત્યેન્દ્રગુરુ ભૂલી જશે તો હું ગોરખ થઈને ગાઈશ : ‘દેખ મછેંદર ગોરખ આયા!' બાકીની વાતો મળીએ ત્યારે આખો જન્મારો છે. ‘લિ. કુમુદની કુસુમ તે બીજા કોઈની નહીં.’ પત્ર વાંચતાં કુમુદ હસતી હતી, ખિન્ન થતી હતી. બીજા અનેક વિચારો એના મનમાં આવતા હશે. ચંદ્રકાંત બીજા પત્રો એક પછી એક જોતો ગયો ને સાર કહેતો ગયો. સરસ્વતીચંદ્રે પૂછ્યું : ‘ગંગાભાભીનો પત્ર નથી?' ચંદ્રકાંતે છેવટે તે કાઢ્યો ને કુમુદને તેમાંનો કેટલોક ભાગ વંચાવ્યો. કુમુદે તે પરથી જાણ્યું કે ગુમાનબાના દીકરા ધનભાઈ ગુજરી ગયા છે, લક્ષ્મીનંદન ગાંડા થયા છે, પણ ગુમાનબા તેમની ચાકરી કરે છે. સરસ્વતીચંદ્ર જડશે તો લક્ષ્મીનંદન ડાહ્યા થશે, માટે એમને સુંદરગિરિ પર લાવવા ધાર્યા છે.’ કુમુદ ઊંડા વિચારમાં પડી અંતે બોલી : ‘ચંદ્રકાંતભાઈ, પત્રો વંચાઈ રહ્યા. તમારા વિચારવાની સર્વ વસ્તુ મળી ગઈ. ચંદ્રાવલીબહેન રાત્રે આવશે, પ્રાત:કાળે ગુરુજી સમાધિમાંથી જાગશે, ને મારે ચંદ્રાવલીબહેન જોડે જવું પડશે. કાલ ગુણિયલ પણ બધાંને લઈને આવશે. માટે હવે જે વિચાર કરવાનો છે તે આજ જ કરી લઈએ.' ચંદ્રકાંત ધીરે રહી બોલ્યો : ‘તમને બેને વિવાહમાંથી દૂર રાખવા ચંદ્રકાંતનું હૃદય કહ્યું કરે એમ નથી. પણ લોકકલ્યાણની રમણીય મંગલ સૃષ્ટિ ઊભી કરવાની તમારી બેની ભાવના, એ સર્વ સુંદરતાનું તેજ, આપણા હાલના આર્યસંસારમાં તમારા ‘પુનર્લગ્ન'ની છાયાથી કાળું પડી જશે. લોક તમારા સંસર્ગથી દૂર રહેશે. અને તમારી અપકીર્તિને લીધે, પૃથ્વી ઉપર વરસવા નીકળેલાં વાદળાંઓની ધારા સમુદ્રમાં પડી જાય ને પૃથ્વીને બિંદુ પણ ન અટકે, તેમ તમે વરસાવવા ધારેલા કલ્યાણમેઘ લોકને ઉપયોગી ન થતાં નકામે સ્થાને ગળી જશે અથવા જાતે વેરાઈ જશે. ખરું કે, અવિવાહિત સરસ્વતીચંદ્ર સૃષ્ટિ દ્વારા લોકકલ્યાણ કરવામાં સાધનહીન રહેશે. પણ એ તમારો બેનો વિવાહ થશે તો સરસ્વતીચંદ્રનાં સાધનમાત્ર લાકડાની તરવાર જેવાં થઈ જશે. સ્થૂળ સંબંધનો ત્યાગ કરી સૂક્ષ્મ પ્રીતિ રાખવાની ભાવના પણ લોકકલ્યાણ અર્થે તો મિથ્યા જ સમજવી. લોક સૂક્ષ્મ પ્રીતિ સમજતા નથી. એટલે તમારા અભિલાષ સિદ્ધ કરવાનો માર્ગ તો એક જ છે. સરસ્વતીચંદ્ર ને કુમુદસુંદરીનો દેખીતો વિવાહ થાય ને કુમુદસુંદરી સાધ્વી બની તેમને સહાય આપે તો તમારી સૂક્ષ્મ પ્રીતિ કાયમ રહે ને કુસુમસુંદરી પણ પોતાની સ્વતંત્રતા જાળવે.’ ‘શ્લોકના કલ્યાણ માટે પણ વંચના[1] કરવી તે અધર્મ છે. કુસુમસુંદરીને સપ્તપદીની પ્રતિજ્ઞાઓમાં પૂરી પછી તે તોડવામાં સહાયભૂત થવું ને જાતે પણ મિથ્યા પ્રતિજ્ઞાઓ લેવી એવો અધર્મ કરવા-કરાવવા હું ઇચ્છતો નથી. ધર્મ પ્રથમ અને કલ્યાણની વાસના પછી.’ સરસ્વતીચંદ્ર પ્રત્યુત્તર આપ્યો. ‘તમે મને મૂંઝવી નાખ્યો, હવે વિશેષ મારે કાંઈ કહેવાનું નથી. કુમુદસુંદરી! પુરુષોની બુદ્ધિ આમાં નહીં ચાલે. હવે તો તમારે માથે જ સૌ આવ્યું.’ ‘આપનો ઉપકાર માનું છું. પણ – સરસ્વતીચંદ્ર – આપ બંધાઓ છો કે હું જે નિર્ણય કરીશ તે તમે સ્વીકારશો!’ ‘મારા ને તમારા સંબંધમાં જે નિર્ણય કરશો તે હું પાળીશ.’ ‘આપણાં સંગીત જુદાં નથી.' સંગીત એક છે, પણ કંઠ બે છે.’ ‘ભલે એમ હો. આ કંથા ધારી તો ધર્મ પણ કન્યાનો જ ધારીશ. હું અને કુસુમ મળી કંઈક યોગ્ય માર્ગ કાઢીશું. ચંદ્રાવલીબહેન રાતે આવવાનાં છે તેમને પણ ભેળવીશું.' રાતે ચંદ્રાવલી કુમુદને મળી. મધુરીને પ્રધાનપુત્રીરૂપે ઓળખી લીધી. છેક મધ્યરાત્રિ સુધી બે મિત્રો, ચંદ્રાવલી અને કુમુદ ચાર જણ ગુફામાં બેઠા ને વાતો કરી. પ્રાત:કાળે કંથા પહેરી કુમુદ સરસ્વતીચંદ્ર પાસે આવી અને હાથ જોડી પગે લાગી બોલી : ‘મારી દુ:ખી જનની પાસે જવાની આજ્ઞા માગવા આપની પાસે આવી છું.' એમ કહેતી, ભાવિ હવે કેવું ઘડાશે તે માટે સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાન્ત સમક્ષ અંતરની ચિંતા વ્યકત કરતી, આંખો લોહતી લોહતી કંથાધારિણી કુમુદ ગુણિયલ અને કુસુમને મળવા ગઈ. ગઈ ને વળી પાછી ફરી. ‘આપણાં સ્વપ્નના આપે લખેલા લેખ આપશો? હું તે કુસુમની પાસે વંચાવીશ અને એની ચમત્કારી બુદ્ધિની સહાય લઈશ.’ એમ બોલી લેખ લઈ કુમુદ ગઈ. તે બાદ સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંત બે મિત્રો ગુરુજીને મળવા ચાલ્યા. માથે ચૈત્રી પ્રાત:કાળનો સૂર્ય, પર્વત પરથી આવતા પવનની ઉત્સાહક લહેરો. રમણીય લીલીછમ લીલોતરી વચ્ચે તપ કરવા બેઠેલા જટાધારી વૃદ્ધ યોગીઓ જેવા કાળા ખડકો, સામે દૂર સમુદ્રની ઝીણી આકાશમાં મળી જતી જલરેખા, એ સર્વ વચ્ચે સરસ્વતીચંદ્રનું હૃદય નવી શાંતિથી ને નવી સમૃદ્ધિથી ધડકતું હતું. સરસ્વતીચંદ્રે વિષ્ણુદાસને જોઈ નમસ્કાર કર્યા. વિષ્ણુદાસ એને દેખી એકદમ ઊભા થયા અને અત્યંત પ્રેમથી આલિંગન દીધું. ‘નવીનચંદ્ર! તમે મહાયજ્ઞના અધિકારી છો. સૂર્યના તેજ પેઠે તમારી બુદ્ધિ સંસારમાં પ્રસરશે ત્યારે અમે માત્ર તેના પ્રકાશને સ્વીકારીશું.’ ‘આપનો આશીર્વાદ જ એ સર્વનું મૂલ છે.' ‘નવીનચંદ્ર, તમારા મહાયજ્ઞના વિધિમાં અખંડ પ્રવૃત્ત રહી અતિથિમાત્રનું કલ્યાણ કરી, એ યજ્ઞમાં તમારા આયુષ્યના સર્વ અંશને હોમી દેજો!'
- ↑ છેતરપિંડી (સં.)