સાહિત્યચર્યા/કલાકારની દૃષ્ટિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કલાકારની દૃષ્ટિ

૧૯૫૦ની આસપાસ મુંબઈમાં એક જપાની ચિત્રકારનાં ચિત્રોનું એક-વ્યક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એ જપાની ચિત્રકાર પ્રદર્શન સ્થળ પર ઉપસ્થિત હતા. એક દર્શકે પ્રદર્શનમાં એક ચિત્ર જોયું. એ લંબચોરસ ચિત્ર હતું. ઊંચાઈ વધુ અને પહોળાઈ ઓછી એવું લંબચોરસ ચિત્ર હતું. એમાં રંગ મુખ્યત્વે આસમાની હતો. એમાં ઉપરની બાજુમાં એક પાતળી ડાળ અને એની પર એક નાનકડા પંખીનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. બાકીના પટ પર માત્ર આસમાની રંગ હતો. એ જોઈને પેલા દર્શકે ચિત્રકારને પ્રશ્ન પૂછ્યો, ‘Why is there so much empty space in this painting?’ ચિત્રકારે ઉત્તર આપ્યો, ‘For the bird to fly.’ દર્શકની દૃષ્ટિમાં એ પંખી માત્ર એક ચિત્ર જ હતું. ચિત્રકારની દૃષ્ટિમાં એ પંખી માત્ર ચિત્ર ન હતું, પણ સજીવ અને જીવંત પંખી હતું. એવું ને એટલું સજીવ અને જીવંત હતું કે જાણે હમણાં ઊડશે! ૨ ઑક્ટોબર ૧૯૯૯