સાહિત્યચર્યા/‘ધ્વનિ’ અને પ્રતિધ્વનિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘ધ્વનિ’ અને પ્રતિધ્વનિ

‘ધ્વનિ’ આપણી ભાષાનો એક ઉત્તમ કાવ્યસંગ્રહ છે. કવિ રાજેન્દ્ર શાહનો એ પ્રથમ કાવ્યસંગ્રહ છે. કોઈ પણ કવિનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થાય ત્યારે ‘ઊગતો કવિ’ ‘આશાસ્પદ કવિ’ વગેરે વગેરે વિશેષણોથી એનું વિવેચન થાય છે. પણ ૧૯૫૧માં જ્યારે ‘ધ્વનિ’ પ્રગટ થયો ત્યારે રાજેન્દ્ર શાહ એક સિદ્ધ કવિ રૂપે અને એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ગુજરાતી કવિતાની એક સિદ્ધિ રૂપે પ્રગટ થયા. ૧૯૫૬નો રણજિતરાય સુવર્ણ ચંદ્રક રાજેન્દ્ર શાહને અર્પણ થયો છે. માત્ર છ જ વર્ષમાં આપણા એક સાચા સર્જક સાહિત્યકારને શોધીને, સ્વીકારીને એનું સન્માન કરવા માટે જવાબદાર એવી સાહિત્યસંસ્થાને જ પ્રથમ તો અભિનંદન ન આપવા જોઈએ? વાચકોને ધ્યાનમાં તો હશે જ, ને ન હોય તો એમના ધ્યાન પર લાવવું જોઈએ કે રણજિતરામ સુવર્ણ ચન્દ્રક વચમાં વચમાં એકાદ યોગ્ય વ્યક્તિને પણ અર્પણ થાય છે. લેખકનો જાહેર પુરસ્કાર થાય એ પ્રસંગ લેખકનાં લખાણો વિશે પુનર્વિચારણાનો પ્રસંગ ગણાય. પ્રત્યેક મહત્ત્વના લેખકનાં લખાણોની નવેસરથી વિચારણા વારંવાર, ઓછામાં ઓછું દાયકે એકવાર – સમાજમાં કે જીવનમાં મહત્ત્વનું પરિવર્તન થાય ત્યારે અથવા તો લેખક કંઈક નવું લખે કે નવું લખવાનો પ્રયત્ન કરે કે એના જૂના લખાણનો જાહેર પુરસ્કાર થાય ત્યારે થવી જોઈએ. તો જ સાહિત્ય સ્વસ્થ રહે. આ પ્રસંગે રાજેન્દ્ર શાહની કવિતા વિશે ‘ધ્વનિ’ના પ્રકાશન પછી આટલા સમયે, છ સાત વર્ષે, જે એક-બે વિચાર મનમાં રમે છે તે પ્રગટ કરીને જ એમને અભિનંદન આપીશું. રાજેન્દ્ર શાહનો જન્મ ૧૯૧૩માં. એમની કાવ્યપ્રવૃત્તિનો આરંભ લગભગ વીસની વયે ૧૯૩૩ની આસપાસ. ‘ધ્વનિ’માં જો કે વહેલામાં વહેલી રચનાસાલ ૧૯૩૭ છે. એ પૂર્વેની રચનાઓ કવિએ સંયમપૂર્વક પોતાની કાવ્યપોથીઓમાં જ સંઘરી છે. વાચકોને એમાં સંડોવ્યા નથી. કોઈપણ કવિ નામને લાયક કવિ માટે આ અનિવાર્ય છે. રાજેન્દ્રની કવિતા આરંભકાળમાં બંગાળના પ્રવાસે હતી. એ બંગાળી વસ્ત્રોમાં સજ્જ એવી અગુજરાતી કવિતાસુંદરીનું આજકાલની ગુર્જરસુન્દરીની જેમ પ્રદર્શન કરવાનો કોઈ અર્થ ન હતો. આમ, આ કવિનો કવિતાપ્રવેશ અને એમની શૈલીનો સંસ્કાર ’૩૦માં થયો. આરંભનાં જૂજ કાવ્યોમાં જે ગુજરાતી શૈલી હતી એનો જ આજ લગી વિકાસ થયો છે. સુન્દરમ્‌ની શૈલી સાથે એનું વધુમાં વધુ સામ્ય છે, ગુણ અને દોષ બન્નેની દૃષ્ટિએ. સુન્દરમ્‌ અને રાજેન્દ્ર ’૩૦માં થોડો સમય સહકાર્યકર હતા. રાજેન્દ્રની શૈલી ’૩૦ની છે. આમ, સાચી રીતે એ ’૩૦ના કવિ છે. નવીન પેઢીના કવિ છે. પણ રાજેન્દ્રનું વસ્તુ ’૪૦નું છે. ’૩૦માં વ્યાપક હતું તે સામાજિક વસ્તુ (social theme) નહિવત્ પણ અંગત વસ્તુ (personal theme) જ એમાં વિશેષ છે. પ્રહ્લાદના વસ્તુ સાથે એનું વધુ સામ્ય છે. પ્રકાશનની દૃષ્ટિએ રાજેન્દ્ર ’૫૦ના કવિ છે. ઉપલક દૃષ્ટિએ નહિ પણ કવિનો સમય નિશ્ચિત કરવાની જે સાચી દૃષ્ટિ છે એ દૃષ્ટિએ રાજેન્દ્ર ’૩૦ના કવિ છે. કવિ શું કહે છે એ નહિ પણ કેવી રીતે કહે છે, કયા સમયની ભાષામાં કહે છે, કયા સમયના લયમાં, લહેકામાં કહે છે, કયા સમયની બાનીમાં ને રીતિમાં કહે છે, એક શબ્દમાં કયા સમયની શૈલીમાં કહે છે એ કવિનો સમય નિશ્ચિત કરવાની સાચી દૃષ્ટિ છે. જો કે આ પ્રશ્નથી કવિના સમકાલીનોએ પીડાવાની જરૂર નથી. આ પ્રશ્ન ભવિષ્યની પેઢીઓનો છે. એમની સમજ અને સગવડનો છે. આપણને, કવિના સમકાલીનોને આવો ઐતિહાસિક રસ ન હોય એમાં જ આપણું કવિનું અને કવિતાનું શ્રેય છે. ભવિષ્યની પેઢીઓ રાજેન્દ્રની કવિતાને કેટલી અને કેમ જાણશે, માણશે, જોશે ને વિચારશે એ કહેવું અત્યારે અપ્રસ્તુત જ નહિ અશક્ય પણ છે. ગુજરાતી કવિતાની પરંપરામાં રાજેન્દ્રની કવિતા વિશે વિચાર કરવા જેટલી સમયની સુદૂરતાની સુવિધા સમકાલીનોને ન જ સાંપડે એ સ્વાભાવિક છે. આ પૃથ્વી પર કવિ જે સમયે વસતો હોય, શ્વસતો હોય તે જ સમયે જે વાચકવર્ગ વસતો-શ્વસતો હોય એને એની કવિતામાં ઐતિહાસિક નહિ પણ અંગત રસ જ હોય, કારણ કે એ કવિતા સમકાલીન કવિતા છે, વાચકના પોતાના યુગની કવિતા છે, પોતાના જીવનની કવિતા છે, પોતાની કવિતા છે, એટલે આપણને રાજેન્દ્રના સમયમાં નહિ પણ સર્જનમાં જ રસ હો! ‘ધ્વનિ’ એ સદ્ભાગી કાવ્યસંગ્રહ છે. આપણા સમાજ પાસે કવિનો પુરસ્કાર અને સ્વીકાર કરવાના જે કંઈ સાધનો છે તે સૌ દ્વારા ગુણજ્ઞ ગૂજરાતે ‘ધ્વનિ’નું સ્વાગત કર્યું છે. વિદ્યાપીઠોએ એને પાઠ્યપુસ્તક તરીકે નિયુક્ત કર્યો. રાજ્ય સરકારે એને એના પ્રકાશન સમયનું પ્રથમ પારિતોષિક અર્પણ કર્યું અને એક સાહિત્યસંસ્થા હવે (જો કે સાહિત્યસંસ્થા વિશે તો છેક હવે એમ જ કહેવું જોઈએ. સાહિત્યનો સ્વીકાર કરવામાં સાહિત્યની સંસ્થા જ છેક છેલ્લી હોય એ પ્રકારની સાહિત્યસંસ્થાઓ આપણે ત્યાં, કદાચ આપણે જ ત્યાં છે.) સાહિત્યના સન્માન માટેનું સમાજ પાસે જે સર્વશ્રેષ્ઠ સાધન છે તે રણજિતરામ સુવર્ણચંદ્રક એને અર્પણ કરે છે. સાહિત્ય પ્રત્યે ઉદાસીનતા અને ઉપેક્ષાના આ સમયમાં, મૂલ્યો અને ધોરણોની વિકૃતિ અને વિડંબનાના આ સમયમાં પણ ક્યારેક ક્યારેક સાચા સર્જકનું, સાચા કવિનું, સાચી કવિતાનું વિરલ અપવાદ રૂપે પણ બહુમાન થાય છે એ ઓછું આશ્વાસન નથી. બલકે ‘ધ્વનિ’નું જે સાર્વત્રિક સ્વાગત થયું છે એ તો આશા અને શ્રદ્ધાપ્રેરક છે. સહેજ અતિશયોક્તિ કરીને કહેવું હોય તો કહી શકાય કે આ સમય કવિતાને લાયક નથી એમ કહેવાનો કોઈને અધિકાર નથી. (સૌ સમય કવિતાને સરખો જ લાયક કે નાલાયક હોય છે. બાકી કવિ તો સદાય એની આંતરિક સર્જકતાને, અનિવાર્યતાને વશ વર્તીને જ સર્જન કરતો હોય છે.) સૌ સર્જકો માટે આ આનંદની વાત છે. આ લખનારને માટે આ ઔર આનંદની વાત છે. એનો આનંદ અદ્વિતીય છે. એથી એક અંગત આડવાત અહીં નોંધવાની એને લાલચ રહે છે. ‘ધ્વનિ’ની કવિતા એ અલબત્ત રાજેન્દ્રનું સર્જન છે પણ એનું પ્રકાશન આ લખનારનું સર્જન છે, આર્થિક નહિ પણ નૈતિક દૃષ્ટિએ. રાજેન્દ્ર એવા અનાસક્ત કવિ કે ‘પ્રકાશિત કવિ’ (published poet) થવાની એમને પરવા જ નહિ. આ લખનારે ૧૯૫૦માં કવિતાનું પ્રકાશન કરવાનું પાપ કર્યું હતું. પછી પોતે એકલો પડી ગયો છે એમ એને લાગ્યું એટલે રાજેન્દ્ર જેવા જો એમાં સહભાગી થાય તો કંઈક પ્રાયશ્ચિત્ત થાય એમ લાગ્યું. રાજેન્દ્રને કવિતાનું પ્રકાશન કરવા આગ્રહ કર્યો. પણ રાજેન્દ્રનો તો સો વાતની એક વાત જેવો નન્નો. અંતે કંટાળીને કહે, ‘લે આ હસ્તપ્રતો, તું જાણે ને તારું કામ જાણે!’ કવિની કાવ્યપોથીઓમાંથી પસંદગી, ક્રમ, પ્રેસકોપી, પ્રુફરીડીંગ વગેરે આદિથી અંત લગી બધું જ આ લખનારે હોંસે હોંસે કર્યું. રાજેન્દ્રનું મુખ્ય કવિતાસર્જન ૧૯૪૬થી ૧૯૫૦ની વચ્ચે. એ પૂર્વે એ પ્રકાશિત કવિ થાય એ અશક્ય તો ન હતું. અનેક કવિઓ કાચી કવિતા પ્રગટ કરવાનું પાકું સાહસ કરે છે. પણ એમાં કોઈ અર્થ નથી, ઔચિત્ય નથી, વિવેક નથી એટલું સમજે એવા રાજેન્દ્ર સાચા કવિ હતા. પણ ૧૯૫૧ લગીમાં રાજેન્દ્રે સાચી કવિતા સિદ્ધ કરી હતી. અને શ્રદ્ધાપૂર્વકની, પ્રતીતિપૂર્વકની સાચી કવિતા સિદ્ધ થાય એટલે એ વહેલી તકે પ્રગટ થવી જોઈએ. વાંચકોને સુલભ થવી જોઈએ. કવિતા એ કોઈ અરણ્યરુદન નથી પણ અન્ય મનુષ્યો સાથેનો ઉષ્માભર્યો આત્મીય પ્રેમાલાપ છે. સાચી કવિતા એક પ્રકારનો વાર્તાલાપ છે. કવિતા એ મૃત્યુ પછી સ્મશાનભૂમિમાં ઉચ્ચારાતી શોકાંજલિ નથી પણ જિવાતા જીવનની પ્રશસ્તિ છે. એ પણ આ આગ્રહનું એક કારણ અને સાચું કારણ હતું. ૧૯૪૭માં રાજેન્દ્રે ‘આયુષ્યના અવશેષે’નું છેલ્લું પાંચમું સૉનેટ રચ્યું. એક મહિના લગી એ સૉનેટે એમના મગજને સર કર્યું. બીજું કંઈ સૂઝે જ નહિ. એની પીડા તો એ જ જાણે છે. સૌ સાચા સર્જકોને આ પીડાનો અનુભવ હશે. એક મહિના લગી એ સિવાય એક અક્ષર કવિએ પાડ્યો નથી. માંડ માંડ બાર પંક્તિએ સૉનેટ પહોંચ્યું. પછી? શૂન્ય, કંઈ જ ન સૂઝે. સમગ્ર કાવ્યની સમાપ્તિ જેવું યુગ્મ રચવાનું હતું. આ લખનારને બે પંક્તિ સૂઝી તે કવિએ સંતોષપૂર્વક સ્વીકારી લીધી. આમ ‘ધ્વનિ’ના પ્રકાશનમાં નિમિત્ત થવાનું અને ક્યારેક એના સર્જનમાં પણ કિંચિત્ સહભાગી થવાનું સદ્ભાગ્ય સાંપડ્યું એનો આનંદ વ્યક્ત કરવાની આ પ્રસંગે ગર્વથી ધૃષ્ટતા ન કરાય? રાજેન્દ્ર ૧૯૪૪થી મુંબઈમાં વસે છે. આ સમયથી જ એમની ઉત્તમ કવિતાનું સર્જન થયું છે. તે પૂર્વે જન્મસ્થાન કપડવંજની આસપાસ વાત્રકકાંઠાના પ્રદેશમાં શૈશવનાં સ્મરણો અને પછી શ્રેય:સાધક અધિકારી વર્ગના સંસ્કારો એ એમનો મુખ્ય અનુભવ. ‘ધ્વનિ’ની સમૃદ્ધિમાં આ અનુભવોનો જ ફાળો છે. આ સમયમાં દેશ અને દેશની બહાર દુનિયામાં અનેક ઐતિહાસિક પ્રસંગો બન્યા હતા. વળી ‘ધ્વનિ’ની કવિતાના સર્જન સમયમાં પણ મુંબઈમાં કવિએ બહિર્જગત સાથે સંઘર્ષ અનુભવ્યો છે. યુદ્ધોત્તર આર્થિકરચનામાં મુંબઈ જેવા સ્થળમાં જે વ્યક્તિને સકુટુંબ સ્થિર થવાનું હોય એનો સંઘર્ષ કેવો તીવ્ર હોય એ સહેજે કલ્પી શકાય છે. મુંબઈમાં વસ્યા પછી થાણામાં લાકડાના વ્યવસાયમાં, ત્યાર પછી કાલબાદેવી પર કાગળના વ્યવસાયમાં અને અત્યારે ગીરગામ પર છાપખાનાના વ્યવસાયમાં સવારથી સાંજ તેઓ રચ્યાપચ્યા રહ્યા છે. મુંબઈનિવાસ પૂર્વે પણ પ્રથમથી જ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહ્યા છે. આ કવિ કોઈ એકાંતવાસી અમીર નથી. સંસારી જીવ છે. અને છતાં આ અનુભવોનો અણસારો સરખો ‘ધ્વનિ’ની કવિતામાં ન હોય એ કવિતાના અનેક આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય હશે. કદાચ એમ હોય કે મુંબઈ જેવી – આધુનિક યાંત્રિક સંસ્કૃતિની આગવી સરજત જેવી – નગરીમાં વસ્યા પછી પેલો શૈશવનો અને યૌવનનો અનુભવ વધુ ને વધુ ઉત્કટ ને ઉગ્ર બન્યો હોય, કવિના સંવેદનને ક્ષુબ્ધ કરતો હોય, એમની સર્જકતાને પડકારતો હોય. એ અનુભવે કવિતા મનનો પીછો પકડ્યો હોય. અને કવિતા સર્જન દ્વારા સજીવ રહેવા એણે કવિના જીવનને જકડ્યો હોય. વર્ડ્ઝવર્થની કવિતામાં આ પ્રક્રિયા પ્રબલ સ્વરૂપે જોવા મળે છે આથી રાજેન્દ્રની કવિતામાં એક પ્રકારની sense of nostalgia છે, જે કવિને વારંવાર વર્તમાનથી વિમુખ કરે છે, મનુષ્ય તરીકે વર્તમાનમાં જ વસતો હોવા છતાં. અને આથી જ કદાચ રાજેન્દ્રે મનુષ્ય તરીકે બહિર્જગતનો, સમાજનો, વાસ્તવિકતાનો, વર્તમાનનો નિકટ અનુભવ કર્યો હોવા છતાં કવિ તરીકે જાણે કે એ અનુભવ એમને અજાણ્યો છે. સામાજિક વસ્તુ તથા સમકાલીન પ્રશ્ન અને પરિસ્થિતિ વિશેની કવિતા ‘ધ્વનિ’માં નથી. વિવેચનનું કામ કવિતામાં શું છે એ કહેવાનું છે. કવિતામાં શું નથી એ કહીને – માત્ર એ જ કહીને અસ્તિત્વ ધરાવવાનો કોઈ વિવેચકને અધિકાર નથી. અમુક કવિતામાં જે કંઈ છે તે સિવાયનું બીજું બધું જ એમાં નથી એ તો કદાચ એ કવિતા વાંચ્યા વિના પણ કહી શકાય. અમુક કવિતામાં શું છે એ કહેવું હોય તો જ એ કવિતા વાંચવી અનિવાર્ય. રાજેન્દ્રની કવિતામાં એક પ્રકારનું કાવ્યમય વાસ્તવ (Poetic Reality) છે, સૌંદર્ય છે. અને એથી જ તેમની કવિતા પ્રતીતિજનક છે, શ્રદ્ધેય છે. એમાં વાસ્તવિકતા (Realism) નથી. અંગત અનુભવો છે. પણ એ અનુભવોને સર્વાનુભવોમાં પલટવાની એમની કલ્પનામાં શક્તિ છે. અંગત અનુભવ એ કાવ્યનો અનુભવ બની રહે એવાં સાચી કવિતાના લય અને પ્રતીકો છે. એમાં એમનું કવિત્વ છે, એમની અવનવીન સર્જકતા છે, મૌલિકતા છે. કવિનો ધર્મ કાવ્ય કરવાનો છે, કાવ્યમય વાસ્તવ સર્જવાનો છે. પછી તે વાસ્તવ કવિ બહિર્જગતની વાસ્તવિકતામાંથી સર્જે કે આંતરજીવનના અંગત અનુભવોથી સર્જે. કવિનું કાવ્ય વાસ્તવિક હોવું જોઈએ, એનું વસ્તુ વાસ્તવિક હોય કે ન હોય, એ કાવ્ય વાસ્તવિકતા વિશેનું હોય કે ન પણ હોય. વાસ્તવિકતા વિશેનું હોવું જ જોઈએ એ અનિવાર્ય નથી. રાજેન્દ્રનાં કાવ્યો આના પુરાવા રૂપ છે. આ સંદર્ભમાં ‘ધ લંડન મેગેઝીન’ના મે ૧૯૫૭ના અંકમાં ‘ધ રાઈટર ઈન હીઝ એઈજ’ (લેખક અને એનો યુગ) નામની પ્રશ્નોત્તરીમાં કવિ સ્ટીફન સ્પેન્ડરનું વિધાન વિચારપ્રેરક છે : ‘I still feel that a writer is not made contemporary by the fact that he is involved in contemporary social struggles. On the contrary, in the long run, these conflicts may appear to be exactly the things that distract him from the most significant reality ot his time, and, of course of other times.’ (મને હજુ લાગે છે કે સમકાલીન સામાજિક સંઘર્ષોમાં સંડોવાય એથી જ કોઈ લેખક સમકાલીન નથી બની જતો. ઊલટાનું, લાંબે ગાળે, આ સંઘર્ષો એના સમયના, અને અલબત્ત, બીજા બધા સમયના (સર્વકાલના), સૌથી મહત્ત્વના વાસ્તવથી એને વિમુખ કરનારી વસ્તુ પણ નીવડે.) કવિનું વાસ્તવ એટલે ‘ત્રીજા નેત્રની પ્રસાદી’, કલ્પનાનું વાસ્તવ, વાસ્તવિકતા નહિ. રાજેન્દ્ર સમકાલીન કવિ છે એ એમના વસ્તુ પરથી નહિ તો શૈલી પરથી અવશ્ય પ્રતીત થશે. અને કદાચ વાસ્તવિકતા (realism)થી પણ વધુ મહત્ત્વનું વસ્તુ વાસ્તવ (reality) – ઉદાહરણ ‘આયુષ્યના અવશેષે’માં માનવરસ, ચિત્રો, લય, પ્રતીકો, માનવજીવન વિશે તથા ભૂત, વર્તમાન અને ભાવિ વિશે ચિંતન વગેરે – ને કારણે રાજેન્દ્ર સવિશેષ સમકાલીન છે. છતાં પણ રાજેન્દ્ર જેવા એક સંવેદનશીલ સૌંદર્યલુબ્ધ સર્જક કવિને અંગત અનુભવો ઉપરાંતના અનુભવો, સમાજના અનુભવો, મારા-તમારા અનુભવો, વ્યાપક અનુભવો – વિશે કંઈ કહેવાનું જ ન હોય, એવું એમનું મૌન અસહ્ય લાગે તો નવાઈ નહિ. અસંખ્ય મનુષ્યોને એમના એક ઉત્તમ કવિ પાસેથી પોતાને વિશે પણ બે વાત સાંભળવાની સ્વાભાવિક જ અપેક્ષા રહે, કદાચ એમનો એ અધિકાર પણ હોય. કોઈપણ કવિની કવિતામાં કવિ સિવાય અન્ય કોઈ મનુષ્યની ઉપસ્થિતિ ન હોય એ એની કવિતા મુખ્ય મર્યાદા જ ગણાય. એને અહમ્નો અતિરેક કહીશું? રોમેન્ટિસિઝમ કહીશું? ગઈ સાલ મુંબઈમાં યુસીસ યોજિત અમેરિકન કળા અને સાહિત્ય વિશેના સંવિવાદમાં આ લખનારે કવિવિવેચક એલન ટેઇટને વોલ્ટ વ્હીટમેન વિશે પ્રશ્ન પૂછ્યો હતો. એના ઉત્તરમાં એમણે કહ્યું હતું : ‘In Whitman’s poetry Whitman is the only man who exists. A poet in whose poetry other men don’t exist is not a great poet. Whitman is a very original poet but originality is not enough. It all depends on what a poet does with his originality.’ (વ્હીટમેનની કવિતામાં વ્હીટમેન નામના એક માત્ર મનુષ્યનું અસ્તિત્વ છે. જે કવિની કવિતામાં કવિ સિવાય અન્ય મનુષ્યોનું અસ્તિત્વ ન હોય એ કવિ મહાન કવિ નથી. વ્હીટમેન અત્યંત મૌલિક કવિ છે. પણ મૌલિકતા પૂરતી નથી. મૌલિકતાનો શો ઉપયોગ થાય છે એ પર જ બધો આધાર છે.) પણ જે કવિ સાચી કવિતા આપે તેની સાથે કોઈપણ બહાને વાંકું ન પાડવું એ મતનો હું પણ છું. ૧૯૫૧ પછી રાજેન્દ્રે એક અત્યંત મહત્ત્વનું કાવ્ય કર્યું છે : ‘ભૂલેશ્વરમાં એક રાત’. ‘સંસ્કૃતિ’ના જાન્યુઆરી ૧૯૫૪ના અંકમાં એ પ્રગટ થયું છે. અત્યારે ‘શ્રુતિ’ નામનો એમનો નવો એટલે કે ત્રીજો કાવ્યસંગ્રહ છપાય છે. પણ એમાં મુખ્યત્વે ‘ધ્વનિ’ના પ્રતિધ્વનિ જેવાં કાવ્યો છે. ગુજરાતી કવિતાના અને રાજેન્દ્રની કવિતાના પણ ભવિષ્યની સાચી દિશા કદાચને ‘ભૂલેશ્વરમાં એક રાત’ જેવાં કાવ્યોમાં છે. ‘ધ્વનિ’માં રાજેન્દ્રની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ – ગુજરાતી કવિતાની પણ એક સિદ્ધિ – છે ‘આયુષ્યના અવશેષે’. ‘આયુષ્યના અવશેષે’થી આરંભાતી આ કવિની કાવ્યયાત્રા દિન-પ્રતિદિન વધુ ને વધુ ઉન્નત અને ઊર્જસ્વી નીવડો અને કવિતારસિકોને વધુ ને વધુ આસ્વાદ્ય અને આત્મીય નીવડો એવી શુભેચ્છા સાથે કવિ રાજેન્દ્ર શાહને આ પ્રસંગે અભિનંદન! ૩૧ જુલાઈ ૧૯૫૭