સોરઠી ગીતકથાઓ/4.રાણો — કુંવર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
4.રાણો — કુંવર

રાણો રબારી કોમનો હતો; મહુવા પાસે વાંગર ગામનો રહેવાસી હતો. અને કુંવર ચભાડ શાખાના આહીરની પુત્રી હતી. બંનેનાં માલધારી કુટુંબોનાં નેસડાં ક્યાંક ડુંગરામાં એકબીજાંની નજીક પડ્યાં હશે; ત્યાં ભેંસો ચારતાં ચારતાં, યુવાન વયનાં એ બંને જણાંને પ્રીત બંધાયેલી હશે. પરંતુ આહીર જાતિ રબારી કરતાં ઊંચેરી હોવાથી બંનેની વચ્ચે વિવાહનો સંભવ નહોતો. એક દિવસ રાણો જોતો રહ્યો અને કોઈ આહીરની સાથે પરણાવી દેવામાં આવેલી અબોલ કુંવર સાસરિયે ચાલી નીકળી. તે પછી રાણો વતનમાં ન રહી શક્યો. કુંવરના સમાચાર મેળવી એને પગલે પગલે ભમવા લાગ્યો. સંસારની મરજાદને કારણે પોતે કુંવરને પ્રત્યક્ષ મળવા તો ન જઈ શક્યો, પણ કુંવરનાં સાસરિયાં એક પછી એક જે જે રહેઠાણ ખાલી કરતાં કરતાં ચાલ્યાં જતાં હતાં તે તે રહેઠાણ પર જઈને રાણો એ સૂનાં ખોરડામાં કુંવરની સ્મૃતિઓ અનુભવતો હતો. આખરે કુંવરનાં સાસરિયાં ગિરકાંઠે આવેલા સાણા ડુંગરથી નીકળી ગિરનાં ઊંચામાં ઊંચા વિકટ ડુંગર નાંદીવેલા પર જઈ રહ્યા અને રાણો આવીને સાણામાં રોકાયો. કદાચ કુંવરનું કુટુંબ ધુંવાસને ધડે (એ નામના ડુંગર પર) ગયું હોય તેમ સમજી ત્યાં પણ આંટો મારીને શૂન્ય હૃદયે રાણો પાછો સાણા ડુંગર પર આવ્યો. નાંદીવેલો અને સાણો ડુંગર સાતેક ગાઉને અંતરે સામસામા ઊભા છે. કુંવર નાંદીવેલે ઝૂરે છે. ને રાણો સાણે ડુંગરે રડે છે. ઝૂરતી કુંવરનું શરીર સુકાવા લાગ્યું એટલે એના પતિએ માન્યું કે સ્ત્રીને ગિરનું પાણી લાગવાથી પેટમાં સારણગાંઠ થઈ છે. તેથી એણે કુંવરને પેટે દવા તરીકે ડામ દેવરાવ્યા. બીજી બાજુ રાણાને સાચેસાચ ગિરનું પાણી લાગ્યું ને પેટ વધી ગયું. એના પગનું જોર શોષાઈ ગયું. ઝાઝું જીવવાની કે ફરી વાર પરસ્પર મળવાની હવે આશા નથી. તે વખતે ઓચિંતાની એક દિવસ રાત્રિએ કુંવર આવી પહોંચે છે, અને એ બંને પ્રેમીઓનાં હાડપિંજર બની ગયેલા બદસૂરત શરીરો એક જ આલિંગનની ભીંસમાં ભાંગી જઈ એકસાથે શ્વાસ ત્યજે છે. દુહાઓમાંથી તો ફક્ત આટલી જ કથા તારવી શકાય છે, પરંતુ મહુવા પંથકના અનેક માલધારીઓમાં એવી વાત પ્રચલિત છે કે સાણે રાણો સૂતેલો તેમાં કુંવર આવી. રાણાના શરીર પર ઓઢેલું વસ્ત્ર કુંવર ચૂપચાપ ખેંચવા લાગી. કદાચ પોતાની ભેંસ લૂગડું ચાવતી ખેંચતી હશે એમ સમજી રાણાએ ભેંસને આવે શબ્દે ડચકારી ‘હેહે, માવડી!’ પછી તો કુંવર પ્રગટ થઈ. પરંતુ રાણાએ એને અજાણ્યે અજાણ્ય ‘માવડી’ કહી દીધેલી તેથી ત્યાર પછી રાણાએ કુંવરને જીવનભર મા–બહેન કરીને જ રાખી હતી! [કથા માટે જુઓ ‘સૌરાષ્ટ્રની રસધાર’, ભાગ 5] 

1. કુંવરનું સૌંદર્ય જંગલમાં ઢોર ચારતો ચારતો રાણો પોતાની પ્રેમિકાને વિશે આવા કાલાઘેલા ઉદ્ગારો ગાયા કરે છે :

કુંવર કાળી નાગણી, સંકેલી નખમાં સમાય, (એનું) કરડ્યું ડગ નો ચાતરે, કુંવર ચાભાડ્ય કે’વાય. [1] [કાળી નાગણી જેવું એના રૂપનું ઝેર છે. જેને એના પ્રેમરૂપી દાંત વડે એ કરડે, તે એક ડગલું પણ ભરી શકે નહીં. એને વશ થઈ જાય. એવી કુંવર, સાખે ચાભાડી (ચભાડ આહીરની પુત્રી) કહેવાય છે.]

બાળે બીજાની હાલ્ય, હલબલતાં ડગલાં ભરે, હંસલા જેવી હાલ્ય હોય કોટાળી કુંવરની. [2] [બીજી સ્ત્રીઓની ચાલ્ય તો ઢંગ વગરનાં ડગલાં ભરતી હોય છે. પણ મારી કોટાળી કુંવર તો હંસગતિએ ચાલે છે.]

બાળે બીજાના વાળ, ઓડ્યેથી ઊંચા રિયા, ચોટો ચોસરિયાળ, કડ્યથી હેઠો કુંવરને. [3] [આગ ઊઠજો બીજી સ્ત્રીઓનાં માથાંમાં, જેના વાળ ગરદન સુધી પણ ન પહોંચે એવા જીંથરકા (નાના) હોય છે અને મારી કુંવરના માથા પર તો જુઓ! ચાર સેયો પાડીને ગૂંથેલો એનો ચોટલો છેક કમ્મરથી પણ નીચે ઢળકતો શોભે છે.]

બાળે બીજાની આંખ્ય, ચુંચીયું ને બુંચીયું, મૃગના જેવી આંખ્ય, હોય કોટાળી કુંવરની. [4]

બાળે બીજાનાં ઉર, હાલે ને હચબચે, અણિયાળા એ ઉર, હોય કોટાળી કુંવરનાં. [5] [બાળજો બીજી સ્ત્રીઓનાં સ્તન, કે જે ઢીલાં પોચાં પડીને હલબલે છે. મારી કુંવરની સ્તન તો તંદુરસ્તીને લીધે કઠણ અને અણીદાર રહ્યાં છે.]

બહુ બોલે ને બહુ બકે, વલ વલ કાઢે વેણ, કરડજો એને કાળોતરો, (મર) હોય આપણાં શેણ! [6] [કોઈ બહુ બોલનારી, બહુ બકનારી, લવારી કરનારી, ભલે એ પોતાની સજની હોય, તોયે એને કાળો નાગ કરડજો!]

થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ, (એને) કે’દિ’ કાંટો મ વાગજો, (મર) હોય પારકાં શેણ! [7] [ઓછાબોલી, આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચારનારી સ્ત્રી ભલેને અન્ય કોઈની ઘરનારી હોય, તોયે એને કાંટો પણ ન વાગજો, એવી હું દુવા દઉં છું.]

કાળમુખાં ને રીસાળવાં, નીચાં ઢાળે નેણ, (એને) કાળી નાગણ કરડજો, (મર) હોય આપણાં શેણ! [8] [ગુસ્સાથી કાળું મોં કરનારી, રીસાળ, નીચી નજર ઢાળનારી, એવી સ્ત્રી ભલે આપણી પોતાની સજની હોય, તો પણ એને કાળી નાગણીના દંશ થજો!]

હસમુખાં ને હેતાળવાં, અમૃત વરસે નેણ, (એને) કાંટો કે’દિ’ મ વાગજો, (મર) હોય પારકાં શેણ. [9] [જે સ્ત્રી હસમુખી, હેતાળ, નેત્રોમાંથી અમૃત વરસાવતી હોય, તે ભલે અન્યની સ્ત્રી હોય, તો પણ એને કાંટો સુધ્ધાં ન વાગજો!]

રાણા! રાતે ફૂડે ખાખર નીંઘલિયાં, સાજણ ઘેરે સામટે આણાત ઉઘલિયાં. [10] [જંગલમાં ફાગણ મહિને ખાખરાનાં ઝાડ રાતાંચોળ કેશુડાંના ફૂલે કોળ્યાં હોય, તેવી શોભીતી રાતી ચૂંદડીઓ ઓઢીને ચાલતી જાનડીઓનાં વૃંદ વચ્ચે વીંટળાઈને ચાભાડી કુંવર આણું વળી સાસરે ચાલી જાય છે.]

2. રાણાનું પરિભ્રમણ

મેલ્યું વાંગર ને માઢીયું, મેલી મહુવાની બજાર, ડગલાં દિ’ ને રાત (મારે) ભરવાં પડે ભેરાઈનાં. [11] [મેં તો સદાને માટે મારા ગામ વાંગર ને માઢીયું ત્યજી દીધાં. મહુવાની બજારે હટાણું કરવાનું ધુંવાસ ડુંગરથી છેટું થઈ પડ્યું. હવે તો મારે દિવસરાત ભેરાઈ ગામના આંટા ખાવા પડે છે.]

રાણો કે’ રહીયું નહિ તનડું ટેક ધરી, કપરા જોગ કરી હાલીતલ હળવું પડ્યું. [12] [રાણો કહે છે કે મારું શરીર કુંવરને વિસરવાનો નિશ્ચય કરીને પાછળથી ન રહી શક્યું અને આવા વસમા સંજોગો ઊભા કરીને ચાલી નીકળનાર એ શરીર પોતાની જાતે જ હલકું પડ્યું.]

જીવ ઢંઢોળે ઝૂંપડાં, જૂને નેખમ જાય, ખોરડ ખાવા ધાય, (તોય) મન વાર્યું કરે નહિ. [13] [મારો પ્રાણ કુંવરનાં જૂનાં રહેઠાણોમાં જઈ જઈને સૂનાં ઝૂંપડાં તપાસી રહ્યો છે, પરંતુ એ બધાં ખાલી ખોરડાં તો મને ખાવા ધાય છે, છતાં હૃદય એ કુંવરના નિવાસોમાં ભટકતું રોકાતું નથી.]

કાગા જમત હે આંગણે, ખનખન પથારા, સાણા! સાજણ ક્યાં ગયાં, મેલીને ઉતારા? [14] [એ છિન્નભિન્ન થઈ ગયેલાં ઝૂંપડાંને આંગણે કાગડા ચણી રહ્યાં છે. ઉતારાઓ અસ્તવ્યસ્ત પડ્યાં છે. રાણો સાણા ડુંગરને પૂછે છે કે ‘હે ભાઈ, આ ઉતારા છોડીને મારાં સ્વજનો ક્યાં ચાલ્યાં ગયાં?’]

ચોસર જેનો ચોટલો, નાક ભાતીલાં નેણે, રાણો પૂછે રાવલને, કોઈ દીઠાં મુંજાં સેણ! [15] [હે રાવલ નદી! જેનો ચાર સેર્યે ગૂંથેલો ચોટલો છે, અને જેનાં નાક, કાન તથા નેણ ઘાટીલાં છે, એવી મારી સજનીને તેં ક્યાંય જોઈ?]

3. કુંવરની મનોદશા

સાણે વીજું સાટકે, નાંદે અમારા નેસ, કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ. [16] [સાણા ડુંગર ઉપર વીજળી ચમકારા કરે છે અને અમારાં નેસડાં હવે તો નાંદીવેલા ઉપર છે. કુંજડીના બચ્ચા જેવી કુંવર બાળુડે વેશે નાંદીવેલે બેઠી છે.]

આભે ધારાળા કાઢિયા, વાદળ ચમકી વીજ, રૂદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ. [17] [આસમાનમાંથી મેઘની ધારાઓ નીકળી. વાદળમાં વીજળી ઝબૂકી. કુંવરના હૃદયને રાણો સાંભર્યો કેમ કે આષાઢ મહિનાની બીજ આવી.] કોટે મોર કણુંકિયા, વાદળ ઝબૂકી વીજ, રુદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ. [18] [ગામડાંના ગઢ કોટ ઉપર અને ડુંગરાની ટોચ ઉપર મોરલા ટહુક્યા. આષાઢી બીજ આભમાં દેખાણી. હૃદયને રાણો યાદ આવ્યો.]

રામરામીયું રાણા! (મને) પરદેશની પોગે નહિ; છેટાની સેલાણા! વસમી વાંગરના ધણી! [19] [હે વાંગર ગામના વાસી રાણા! વટેમાર્ગુઓ સાથે મોકલેલા તારા રામરામ મને આઘેથી પહોંચતા નથી. છેટાની વાટો બહુ વસમી છે. આપણે ઘણાં દૂર પડ્યાં છીએ.]

રાખડીયું રાણા! બળેવની બાંધી રહી, છોડને સેલાણા! કાંડેથી કુંવર તણે. [20] [ઓ રાણા! ગઈ બળેવે તેં આવીને સીમમાં પીપળાને છાંયે મારે કાંડે રાખડી બાંધી હતી, તે એમની એમ રહી છે. હવે તો તું આવીને તારી રાખડી છોડી જા.]

છાનું છાનું વિજોગે ઝૂરતી કુંવરનું શરીર શોષાવા લાગ્યું. ત્યારે એના પરણેલા પતિને વહેમ આવ્યો કે કુંવરના પેટમાં સારણગાંઠનો રોગ હશે. તેથી એ કુંવરના પેટ પર ડામ દેવા લાગ્યો. મુખેથી ચુપચાપ રહી સહી લેતી કુંવર મનમાં મનમાં શું કહે છે :

સારણગાંઠ્યું સગા! કાળજની કળાય નૈ, (એનાં) ઓસડ અલબેલા રાણાની આગળ રીયાં. [21] [હે નાદાન સગા, એ સારણગાંઠો તો કાળજાની અંદર ઊપડી છે. તને એ નહીં દેખાય; અને એની દવા પણ બીજા કોઈની પાસે નથી. એ ઓસડ તો રાણાની પાસે જ રહ્યું.]

4. સાણા ડુંગરમાં રાણાની અંતર-વેદના

સાણે મન સૂતું નહિ, ધુંવાસને ધડે, આવ્યું આંટો લે, રોતું મને રાણો ભણે. [22] [રાણો બોલ્યા કરે છે કે ‘મારું મન સાણામાં શાંતિથી સૂઈ ન શક્યું. કદાચ કુંવર ધુંવાસના ધડા નામના નજીકના ડુંગર પર હશે એમ સમજી હું ત્યાં ગયો. ત્યાંથી આંટો મારીને મારું રડતું મન પાછું આવીને પડ્યું છે.’]

કુંવર ઉછળે ભળ ઉછળે, (તું) શીદ ઉછળ, સાણા! કાલ્ય કુંવર મનાવશું; (તું) પડ્યો રે’ને પાણા! [23]

કુંવર નેસ લઈને હાલી નીકળી ત્યારે એને સાણો ઊછળતો લાગે છે.

[હે સાણા ડુંગર! હે પથ્થર! કુંવર મારા રીસાઈને આમતેમ કૂદકા મારતી નાસે છે, એને તો કાલે જ મનાવી લેશું. પણ એમાં તું શીદ ઉછાળા મારે છે?]

એક કાગડાને જોઈ પોતે પૂછે છે :

ક્યાંથી આવ્યો કાગ, વનરાવન વીંધે કરે! કહેને કેડાક પાર, કિયે આરે કુંવર ઊતરી? [24] [ઓ કાગડા! તું આ વન વીંધીને ક્યાંથી આવે છે? તેં કુંવરને ક્યાંય દીઠી? કઈ નદીને આરે જઈને કુંવર ઊતરી છે?]

પાતળ પેટાં, પીળરંગા, પસવને પારે, કુંવર કૂંપો કાચનો, ઊતર્યાં, કયે આરે! [25] [પાતળા પેટવાળી છે. રંગ ચંપકવરણો-પીળો છે. ‘પસવ’ (હરણની જાતના પ્રાણી) જેવી સુંવાળી તો એની કાયા છે. કુંવર કાચના સીસા સરખી નાજુક છે, એવી કુંવર કયે કાંઠે ઊતરી છે, હે ભાઈ કાગા!]

અને હે ભાઈ, કુંવરને એટલો સંદેશો દેજે કે :

ગર લાગી ગૂડા ગળ્યા, પેટે વધ્યો પીયો , કાગા, ભણજો કુંવરને, રાણો સાણે રીયો. [26] [રાણાને તો ગિરનું પાણી લાગ્યું છે. એના હાથ-પગ ગળી ગયા છે, એનું પેટ વધી ગયું છે, અને હવે તો રાણો સદાનો સાણે ડુંગરે જ રહી જશે, હવે મેળાપ નહીં થઈ શકે.]

આખી રાત ઉજાગરો કરતો કરતો રાણો વિચારે છે :

રાણા જોને રાત, પૃથમીને પોરો થિયો, ન સુવે નીંદરમાંય, હૈયું કાંકણહારનું. [27] [હે રાણા! રાત્રિ તો પૃથ્વી આખીને વિશ્રામ લેવાનો સમય છે. તમામ જીવજંતુ ને માનવી પોઢી જાય છે; નથી સૂતું એક કંકણહાર નામનું પક્ષી. એને એકને જંપ નથી. એની માફક આ મારા હૃદયને પણ ઉજાગરા કરવા સરજાયા છે.] આછર પાણી આંબડે, ચળવા કંકોળેલ કાસ, મેયુંને નો મેલાવીયેં ડોળેસરનો વાસ. [28] [આંબડા કૂવામાં આછાં તેલ જેવાં પાણી અને ચરવા માટે મીઠું ઘાસ એવો ડોળિયા ગામનો વસવાટ મારી ભેંસોને મેં શીદ છોડાવ્યો?]

5. કુંવરનું ગુપ્ત આગમન, છેલ્લું મિલન અને મૃત્યુ :

(તારી) દેહડી ઉપર ડામ, ચાભાડી, કેણે ચોડિયા? કિયા વેરીનાં કામ, કાયા બગાડી કુંવરની! [29] [તારા દેહ ઉપર, ઓ ચભાડ આહીરની દીકરી, આ ડામ કોણે દીધા? એવો કયો વેરી વૈદ્ય મળ્યો કે જેણે તારી કાયા બગાડી દીધી?]

કુંવર કહે છે :