સોરઠી બહારવટિયા ભાગ-2/ગંગદાસનું મોત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગંગદાસનું મોત

ભડ જે ભાલાળા તણે, ઘઘુંબે ઘમસાણ, અમદાવાદ અહરાણ, કાણ્યું માંડે કવટાઉત! [ભાલાવાળા બહારવટિયા જ્યારે અમદાવાદમાં જઈને ઘમસાણ મચાવે છે ત્યારે મુસલમાનોને ઘેર કાણ્યો — કલ્પાંતો મંડાય છે.] આવે ઘર અહરાં તણે, જેસંગ વાહળી જાણ, (ત્યાં તો) ખોદે લઈ ખરસાણ, કબરૂં નવિયું કવટાઉત! [જ્યારે જેસાજીની ફોજ અસુરોના — મુસલમાનોના ઘર ઉપર આવે છે, ત્યારે ખુરસાણોને નવી કબરો ખોદવી પડે છે.] તેં માર્યા મામદ તણા, ત્રણસેં ઉપર ત્રીસ, (ત્યાં તો) વધિયું વીધા વીસ, કબરસ્તાનું કવટાઉત! [ઓ કવાટજીના પુત્ર! તેં મામદશા પાદશાહના ત્રણસો ને ત્રીસ પઠાણો માર્યા, તેથી શહેરનું કબ્રસ્તાન વીસ વીઘાં વધારવું પડ્યું.] અમદાવાદ શહેરની હીરા મોતીની બજારમાં એક હાટ ઉપર એક રજપૂત ડોસો બેઠો છે. ઘોડાની વાઘ પોતાના હાથમાં જ છે. ઢાલ, તરવાર ને ભાલો પોતપોતાના ઠેકાણાસર જ છે. પારખી પારખીને ડોસાએ મોતી સાટવ્યાં. મોતીનો ડાબલો શેઠે એના હાથમાં દીધો. પલકમાં બુઢ્ઢો રજપૂત છલંગ મારી ઘોડાની પીઠ પર પહોંચ્યો. ઝવેરી બેબાકળો બનીને દોડ્યો અને બોકાસાં દીધાં કે “અરે દરબાર! મોતીનો આંકડો ચૂકવતા જાવ!” “આંકડો ચૂકવશે મામદશા બાદશા! કહેજે કે કાકો ગંગદાસ મોતી સાટવી ગયા છે; એના મૂલ જો એ નહિ ચૂકવે તો હું એનો મોલ ફાડીશ.” એટલું કહીને ડોસાએ હરણની ફાળે ફાળ ભરવાનો હેવાયો ઘોડો ઠેકાવ્યો અને વેપારીઓનાં બુમરાણ વચ્ચે કેડી કરતો, ઊભી બજાર ચીરીને બુઢ્ઢો નીકળી ગયો. માર્ગે જેઓ આડા ફર્યા તેમાંના કંઈક પઠાણ પહેરેગીરોનાં માથાં તરવારે રેડવતો રેડવતો ડોસો જાણે ગેડીદડાની રમત રમતો રમતો ગયો. કોપાયલા પાદશાહના પાણીપંથા ઊંટ અને ઘોડાં બહારવટિયાની પાછળ ચડ્યાં. કેડે કેડા રૂંધાઈ ગયા. કંઈક ગાઉની મજલ કપાઈ ગઈ. પણ પાછળ ફોજના ઘોડાની પડઘી ગાજતી અટકતી નથી અને ગંગદાસનો ઘોડો ધીરો પડવા લાગ્યો છે. “કાં દાદા, ઢીલપ કેમ વરતાય છે?” જેસો પૂછે છે. “કાંઈ નહિ, બાપ, ઈ તો ગઢપણનું. લ્યો હાંકો!” વળી થોડી વાર હાંક્યા પછી ડોસા ધીરા પડે છે. “ના, ના, દાદા! ખરું કહો, શું થાય છે?” “બાપ! વાંસામાં જીવાત્યની વેદના ખમાતી નથી.” “કાં, લોટ નથી ભર્યો?” “ભર્યો’તો. પણ ઘણા પહોર વીત્યા. જીવાત્ય ફરી વાર ભૂખી થઈ હશે.” “શું કરશું?” “કણી અફીણ હશે? તો ડિલને ટેકો થાય ને પીડા વીસરાય.” ત્રણેયમાંથી કોઈના ખડિયામાં કણી અફીણ નથી નીકળ્યું. ઘોડા પૂરપાટીએ લીધ્યે જાય છે. ઊભું તો રહેવાય તેમ નથી. એમાં જેસાજીને ઓસાણ આવ્યું. કાળી ને જરાક પલળેલી જમીન આવી ત્યારે ભોંમાં ભાલો ખુતાડીને એણે ઊંચો લઈ લીધો. ભાલાને કાળો ગારો ચોંટી ગયો હતો તે ઉખેડી, જેસાજીએ અફીણ જેવી ગોળી વાળી. “લ્યો દાદા, અફીણ! ઠાકરની દયાથી મારા ભાથામાંથી આટલું જડી આવ્યું.” અફીણ જાણીને ગંગદાસજી આરોગી ગયા. વેદના થોડી વાર વિસારે પડી. ફરી ટટ્ટાર થઈને ઘોડો દોડાવ્યો. પણ વેદના સહેવાતી નથી. પાઠામાં ખદબદતી જીવાત્ય શરીરની કાચી માટીમાં ઊંડી ને ઊંડી ઊતરતી જાય છે. ગંગદાસજીએ ઘોડો ઊભો રાખ્યો, નીચે ઊતરીને પોતે ધરતી ઉપર બેસી ગયા અને દીકરાઓને સાદ દીધો : “જેસા-વેજા! બાપ, બેમાંથી એક જણો ઝટ મારું માથું વાઢી લ્યો, પછી માથું લઈને ભાગી નીકળો.” “અરે, દાદા! આ શું બોલો છો?” “હા, બાપ! હવે મારાથી ડગલુંયે દેવાય તેમ નથી રહ્યું. હવે તો આ દેહ આંહીં જ રાત રહેશે. હમણાં જ દુશ્મનો આંબી જાશે. પણ જો અહરાણ મારું માથું કાપશે તો હું અસદ્ગતિ પામીશ. માટે મારી સદ્ગતિ સાટુ થઈને તમે માથું વાઢી લ્યો. વાર કરો મા. વાંસે ઘોડાના ડાબા વગડે છે.” જેસોજી થંભી ગયો. ગોત્રગરદનનું મહા પાપ એની નજર આગળ ઊભું થયું. એ બોલ્યો, “ભાઈ વેજા! મારો હાથ તો ભાંગી ગયો છે. તારી હિંમત હોય તો વાઢી લે.” “વાઢી લે, મારા દીકરા!” ગંગદાસ બોલ્યો. “પાપ નહિ થાય, પુણ્ય થાશે.” ઘડીભર વેજો પરશુરામ જેવો બન્યો. આંખો મીંચીને એણે ઘા કર્યો. દાદાનું રેશમ જેવું સુંવાળું માથું પાવરામાં નાખીને ભાઈઓએ ઘોડાં દોટાવી મૂક્યા. માર્ગે ઝાડવાં ને પંખીડાંયે જાણે કળેળતાં જાય છે કે અરે વેજા! ગોત્રગરદન! ગોત્રગરદન! ગોત્રગરદન! બહારવટિયા ઘણું ઘૂમ્યા. પાદશાહી ફોજ માર્ગે ગંગદાસની લાશ ઉપર રોકાઈ ગઈ લાગી. ઓચિંતું જેસાજીને ઓસાણ આવ્યું. “ભાઈ વેજા! પાદશાહના માણસો દાદાના ધડને શું કરશે?” “દેન પાડશે.” “પણ ચેહમાં માથા વગરનું ધડ બળે તો તો ગજબ થાય. બાપુ અસદ્ગતિએ જાય.” “તો તો આ ગોત્રગરદન કરી એળે જાય! શું કરશું?” “હાલો પાછા! ચિતામાં માથું હોમ્યે જ છૂટકો છે.” બહારવટિયા પાછા આવ્યા. મરણિયા થઈને ફોજ માથે પડ્યા. દાદાની ચિતા સળગી રહી છે. ભાલાની અણીએ ચડાવેલું માથું ચિતામાં હોમી દઈને અલોપ થયા