સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/તુલસીશ્યામ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તુલસીશ્યામ

એવી અમારી રસમંડળી, પ્યારા મિત્ર સાણા ડુંગરને પાછા વળતાં રોકાવાનું વચન આપી, છેટેથી એ બૌદ્ધ યોગીવર સામે જય જય કરીને તુલસીશ્યામ પહોંચી. આ તુલસીશ્યામ. ચારેય બાજુ ડુંગરા ચોકી ભરે છે અને ડુંગરાની ગાળીઓમાં વનસ્પતિની ઘટા બંધાઈ છે. કેવી એ વનસ્પતિની અટવી? સૌરાષ્ટ્રીય ભાષામાં કહે છે ‘માણસ હાથતાળી દઈને જાય એવી’ આવી સચોટ અર્થવાહિતાવાળી ભાષાસમૃદ્ધિ કોઈ કોઈ ગુજરાતી વિદ્વાનોનાં નસકોરાં ફુલાવે છે, આ કરતાં યુરોપી ભાષાના તરજુમા ઘુસાડી દેવાનું તેમને વધુ ગમે છે. ખેર, ગુજરાતની તરુણ પ્રજાનાં દિલ વધુ વિશાળ છે, ઓછાં સૂગાળ છે. એ આપણાં સબળ તત્ત્વોને એકદમ અપનાવી રહેલ છે. એ આ વાંચશે ત્યારે તુલસીશ્યામ આવવાનું મન કરશે. તુલસીશ્યામના ઇતિહાસમાં મને બહુ રસ નથી. પક્ષી બેસે તો મરી જાય એવું ‘મીંઢો હરમ્યો’ નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું, એ ‘મીંઢાના નેસ’ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવો સતિયો આજથી પાંચસો વર્ષ પૂર્વે, ‘લેરિયાના નેસ’ નામે ગામથી પોતાની વરોળ ભેંસ પર બેસીને ચાલ્યો આવે છે. માર્ગે બરાબર આ ડુંગરા વચ્ચે જ રાત પડે છે. ઘનઘોર અટવી : સામેના રુકિમણી ડુંગર પરથી વાજતે ગાજતે વરઘોડો ચાલ્યો આવે : શૂરવીર ચારણ તલવાર ખેંચી એ પ્રેતસૃષ્ટિને ડારવા ઊભો રહ્યો : પણ જાણે એને કોઈ જ્યોતિ સ્વરૂપે કહ્યું કે દેવા સતિયા! આંહીં મારી પ્રતિમા નીકળશે. આંહીં એની સ્થાપના કરજે. ચારણ નિદ્રામાં પડ્યો; પ્રભાતે પાંદડાં ઉખેળતાં શ્યામ પ્રતિમા સાંપડી. કંકુ તો નહોતું, પણ ચારણ સદા સિંદૂરની ડાબલી સાથે રાખે : સિંદૂરનું તિલક કર્યું (આજ સુધી એ પ્રતિમાને સિંદૂરનું જ તિલક થાય છે) : બાબરિયાઓનું ને ગીરનિવાસી ચારણોનું એ તીર્થધામ થયું : પ્રતિમાજીને નવરાવવા ત્યાં તાતા પાણીનો કુંડ પ્રગટ થયો : એની પાસે જ થઈને નાનું ઝરણું ચાલ્યું જાય છે. તેનું જલ શીતલ, ને આ કુંડનું પાણી તો તો ચૂલા પરના આંધણ જેવું ફળફળતું : પ્રથમ એમાં પોટલી ઝબોળીને પ્રવાસીઓ ચોખા ચોડવતાં : પણ એકવાર કોઈ શિકારીએ માંસ રાંધ્યું : ત્યારથી એની ઉષ્મા ઓછી થઈ છે. હવે એમાં ચોખા નથી ચડતા. પણ એમાં તમે સ્નાન કરો છો એવું ઊનું પાણી તો સદાકાળ રહે છે. કોઈએ કહ્યું કે એમાં દેડકાં પણ જીવતાં જોવામાં આવે છે. એ તો ઠીક, પણ એ પાણીની ગંધનો પાર નથી. કોઈક જ વાર કુંડ સાફ થાય ખરા ને! તીર્થો ઘણાં ખરાં ગંદકીથી જ ભરેલાં!

તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપો ભવિષ્યતિ.