સ્વાધ્યાયલોક—૫/હુંનરખાનની ચઢાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘હુંનરખાનની ચઢાઈ’

૧૬૦૦થી ૧૮૫૮ લગીમાં ભારતમાં અંગ્રેજોનું આર્થિક વર્ચસ્‌‌ અર્થે આગમન થયું, પણ એમાંથી ભારતની પ્રજાના કેટલાક ગંભીર દોષો અને દુર્ગુણો — કુસંપ, આળસ, અજ્ઞાન, વહેમ આદિને કારણે રાજકીય વર્ચસ્‌‌ સિદ્ધ થયું, અને એમાંથી ઇંગ્લંડ, યુરોપ, અમેરિકાના અર્થકારણમાં નફાખોરી અને રાજકારણમાં સત્તાખોરીને કારણે આર્થિક વર્ચસ્‌ સિદ્ધ થયું. આ રાજકીય વર્ચસ્‌ અને આર્થિક વર્ચસ્‌‌ને કારણે ભારતમાં અંગ્રેજોનું સાંસ્કૃતિક વર્ચસ્‌ સિદ્ધ થાય એ અનિવાર્ય હતું. ૧૮૫૮ પછી ઇંગ્લંડ અને યુરોપની પશ્ચિમની સંસ્કૃતિની, ઔદ્યોગિક સંસ્કૃતિની ભારતના ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક, બૌદ્ધિક, સાહિત્યિક, સામાજિક, આર્થિક રાજકીય જીવન પર, સમગ્ર જીવન પર સૂક્ષ્મ અને સ્થાયી અસર છે. આ ત્રિવિધ વર્ચસ્‌ અને આ અસરથી ભારતની પ્રજામાં જે કંઈ સારું-નરસું, સુન્દર-અસુન્દર હતું તે સમગ્ર પ્રગટ થયું અને એનું ભારતના સાહિત્યમાં સ્પષ્ટ પ્રતિબિંબ છે. ભારતના સાહિત્યના ઇતિહાસમાં ૧૯૪૭ લગીના એક શતકના આ ભૂતકાળનો યુગ એ સંક્રાતિ યુગ છે. ભારતના સાહિત્યમાં અને ગુજરાતી ભાષાના સાહિત્યમાં આ પ્રતિબિંબ એ સાહસપૂર્ણ અભ્યાસનો એક સ્વતંત્ર વિષય છે. અહીં આ લઘુલેખમાં આવો અભ્યાસ શક્ય ન હોય અને અભિપ્રેત પણ ન હોય એ સ્વયંસ્પષ્ટ છે. એથી જેમાં યંત્રવિજ્ઞાન અથવા ઔદ્યોગિક ક્રાંતિ, ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક મનુષ્ય પ્રત્યક્ષ વસ્તુ-વિષયરૂપ છે એવી ગુજરાતી ભાષાની સર્વપ્રથમ પદ્યકૃતિ ‘હુંનરખાનની ચઢાઈ’નું વિગતે મૂલ્યાંકન કરવાનો કંઈક પ્રયત્ન કરીશું. જોકે અહીં જ નોંધવું જોઈએ કે રામનારાયણ પાઠકે ૧૯૩૬માં એમનાં વ્યાખ્યાનો ‘અર્વાચીન કાવ્ય-સાહિત્યનાં વહેણો’માં ગુજરાતી ભાષાની કવિતામાં આ પ્રતિબિંબનો અભ્યાસ કર્યો છે અને એનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો છે, ‘જૂની માન્યતા જેવી મનાતી હતી અને જીવાતી હતી, તેવી સાચા નિખાલસ વિચારકોને સાચી ન લાગી. ચારે બાજુથી ધસી આવતાં નવાં સામાજિક બળો હજુ સમવિત થયાં નથી, તેમ જ અનેક વિજ્ઞાનશાસ્ત્રોમાંથી ધસી આવતી નવી નવી હકીકતોનો સમન્વય થાય તેવું દર્શન હજુ સિદ્ધ થયું નથી.’ અને અહીં તરત જ ઉમેરવું જોઈએ કે જગતભરના તેમ જ ભારતના અને ગુજરાતી ભાષાના સાહિત્યમાં ભવિષ્યનો યુગ એ સમન્વય યુગ હશે અને એમાં મંત્રકવિતા રૂપે આ દર્શન સિદ્ધ થશે એવી માત્ર આશા જ નહિ, બલકે શ્રદ્ધા માટેનું વાતાવરણ સર્વત્ર સર્જાતું આવે છે. ૧૮૧૭માં મરાઠાઓ સાથેના અંતિમ યુદ્ધમાં ખડકીમાં અંગ્રેજોનો વિજય થયો એથી પૂનામાં પેશ્વા સાથે અને ગુજરાતમાં ગાયકવાડ સાથે સંધિ પછી ૧૮૧૮ના નવેમ્બરની ૩૦મીએ અમદાવાદમાં જ્હૉન ઍન્ડ્રુ ડનલૉપની પ્રથમ અંગ્રેજ કલેક્ટર તરીકેની નિયુક્તિ કરવામાં આવી. ગુજરાતમાં અંગ્રેજોના રાજકીય વર્ચસ્‌‌નો આરંભ થયો. ૧૮૫૦ની આસપાસ જ્યારે ઇંગ્લંડમાં ઔદ્યોગિક યુગના પ્રથમ સ્તબકની પરકાષ્ઠા હતી ત્યારે ભારતમાં હજુ પ્રાગ્-ઔદ્યોગિક યુગ હતો. સુરતમાં હજુ દીવાસળીનો પ્રકાશ ન હતો. ભરુચમાં હજુ પ્રજા આગગાડીને આ ક્ષણે દાનવ રૂપે નીંદતી હતી તો બીજી જ ક્ષણે દેવ રૂપે કુંકુમ, તિલક, શ્રીફળ, ફૂલથી વંદતી હતી. ખેડામાં હજુ બે કારકુનો ‘બુધવારિયું’ના અંકની પોતપોતાની નકલોમાં અક્ષરે અક્ષર એકસરખો છે એથી છાનામાના આશ્ચર્યનો અનુભવ કરતા હતા. અમદાવાદમાં હજુ ‘બુદ્ધિપ્રકાશ’ના પૂંઠા પર આગગાડીનું અથવા બંબાનું ચિત્ર અને એની નીચે એ વિશેનું નાનકડું કાવ્ય પ્રસિદ્ધ થતું હતું. તો ‘બુદ્ધિવર્ધક’ના પૂંઠા પર વિજ્ઞાનનું રહસ્ય અને એનું આશ્ચર્ય આલેખતું વૃદ્ધ અંગ્રેજ વિજ્ઞાની અને બે બાળકોનું અથવા દૂરબીન અને ત્રણ બાળકોનું ચિત્ર પ્રસિદ્ધ થતું હતું. ૧૮૫૧માં આ વાતાવરણની વચમાં જે નગરમાં કંપનીના પ્રથમ અંગ્રેજ વ્યાપારીનું ભારતમાં વ્યાપાર અર્થે આગમન થયું હતું અને પ્રથમ અંગ્રેજ કારખાનું સ્થાપવામાં આવ્યું હતું તે જ નગર સુરતમાં દલપતરામે ‘હુંનરખાનની ચઢાઈ’ કાવ્ય રચ્યું. ૧૮૫૦ના મેની અધવચમાં દલપતરામ ફાર્બસની સાથે મુંબઈથી આગબોટમાં સુરત ગયા હતા અને દોઢેક વર્ષ રહ્યા હતા. ફાર્બસની સુરતના આસિસ્ટન્ટ જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ઍન્ડ્રુઝ ત્યારે સુરતમાં જજ હતા. એમના નામે ફાર્બસે સુરતમાં ૧૮૫૦માં ઍન્ડ્રુઝ લાઇબ્રેરી સ્થાપી હતી. ૧૮૫૧ના જાન્યુઆરી (બુધવાર, પોષ સુદ ૧૩, ૧૯૦૭)માં ઍન્ડ્રુઝ લાઇબ્રેરીમાં હાઇસ્કૂલના અંગ્રેજ આસિસ્ટન્ટ ટી.બી. કર્ટિસના પ્રમુખપદે દુર્ગારામ, મહીપતરામ, દિનમણિશંકર, મુકુન્દરાય, નર્મદ સમેત દોઢસો જેટલા શ્રોતાઓ સમક્ષ દલપતરામે ‘હુંનરખાનની ચઢાઈ’નું મૌખિક પ્રકાશન કર્યું હતું, બલકે આ કાવ્યભાષણ વાંચ્યું હતું. (પછીથી ૧૮૫૯માં દલપતરામે મુંબઈમાં પણ આ કાવ્ય વાંચ્યું હતું. આજ લગીમાં એની ચાલીસ આવૃત્તિઓ અને દોઢેક લાખ નકલો પ્રસિદ્ધ કરવામાં આવી છે.) ‘હુંનરખાનની ચઢાઈ’ એ ‘આપણા નવયુગનું પ્રથમ ગુજરાતી કાવ્ય’ છે, ‘ગુર્જર ગિરાની દેશભક્તિની પ્રથમ કવિતા’ છે. કાવ્યનો પૂર્વલેખ છે : ‘ઇચ્છો સૌ જન અંતરે, સુખસંભવ સંજોગ; 
વિવિધ વધારો વેગથી, દેશ વિશે ઉદ્યોગ.’ કાવ્યનો હેતુ એથી સ્પષ્ટ થાય છે. સુખની ઇચ્છા હોય તો ભારતમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો, યંત્રઉદ્યોગો વેગથી વધારો એવું કવિનું આ કાવ્યમાં એમના ‘દેશી મિત્રો’ને, દેશબન્ધુઓને ઉદ્બોધન છે. આ ઉદ્બોધનમાં દલપતરામની દર્શનશક્તિનો, દેશભક્તિનો પરિચય થાય છે કાવ્યનો આરંભ છે : ‘સુણજો સજ્જન સૌ તમે, એક વિવેકની વાત; 
અંતર આંખો ઊઘડે, જે સુણતાં સાક્ષાત. 
આજ આપણા દેશમાં, અફિણ, મજીઠ, કપાસ; 
એ ત્રણ અતિશય ઊપજે, એમાં ઉદ્યમ વાસ. 
એ થકી દ્રવ્ય વિદેશનું આવે છે આ દેશ; 
એ જ થકી આ દેશની, વધી વિખ્યાતિ વિશેષ 
પણ હુંનર નરમાં નથી, નથી વળી સઘળો શોધ; 
કુળ ઉદ્યમ સહુકો કરે બીજા ન ધરે બોધ. 
કુળ ઉદ્યમ તૂટે કદી, તો તૂટે નર તેહ; 
અવર ન બુદ્ધિ ઊપજે, અચરજ જેવું એહ. 
ચીન વિલાયતમાં વધ્યા, હુંનર પ્રગટ હજાર; 
એઓએ આ દેશની, નિર્ધન કરી બજાર. 
ગીજનીવાળો લઈ ગયો, સોમેશ્વર શોભાય; 
એમ હુંનરખાં હરી ગયો, મોટી લક્ષ્મી માય. 
હુંનરખાન વણરાજનો, ઉચરું ઝગડો આજ; 
કાન ધરી પ્રીતે કરી, સુણજો સકળ સમાજ.’ આ પંક્તિઓ કાવ્યની પ્રસ્તાવનારૂપ છે. ભારતમાં મબલક કપાસ (ઉપરાંત અફીણ અને મજીઠ) છે, એથી પરદેશનું કેટલુંક ધન દેશમાં આવે છે. એથી પરદેશમાં દેશની ખ્યાતિ પણ છે. પણ ભારતની પ્રજામાં હુન્નર નથી, શોધ નથી, ઉદ્યમ નથી, ઉદ્યોગ, યંત્રઉદ્યોગ નથી જ્યારે પરદેશમાં અનેક ઉદ્યોગો, યંત્રઉદ્યોગો છે. એથી ભારત નિર્ધન છે. ભારતની લક્ષ્મી પરદેશી હરી ગયો છે. કવિ વણરાજ (કપાસ) અને હુન્નરખાન વચ્ચેનો સંઘર્ષ આ આખ્યાનસ્વરૂપ કાવ્યમાં એક રૂપક દ્વારા નિરૂપે છે. આ કાવ્યમાં હુન્નરનું સજીવારોપણથી જે પાત્ર રૂપે સર્જન થયું છે તે હુન્નરખાન અને એવાં જ અન્ય પાત્રો તથા આ હુન્નરખાનનું ભારત પર આક્રમણ એ આ કાવ્યનું રૂપક છે. આ રૂપકમાં દલપતરામની સર્જકતાનો, કલ્પનાશક્તિનો પરિચય થાય છે. ભારતમાં ઉદ્યમપુરમાં લક્ષ્મીમાતાને પ્રતાપે વણરાજ રાજ્ય કરે છે. એને અફીણ અને મજીઠ બે નાના ભાઈઓ છે. ચીન-વિલાયતમાં અસલ ભારતનો નાગરિક પણ ભારતમાં મુસ્લિમોના આગમન પછી એમના રાજકીય વર્ચસ્‌‌ને કારણે સ્વેચ્છાએ સ્વદેશત્યાગ અને નિર્વાસનથી હવે પરદેશનો નાગરિક હુન્નરખાન રાજ્ય કરે છે. એને જંત્રખાન પ્રધાન અને માદરપાટ સેનાપતિ છે. (ઇંગ્લંડના રાજ્યના ૧૬૬૧ના અધિકારપત્રથી ૧૬૬૧થી ૧૮૩૩ લગી કંપનીનો ચીન સાથે વ્યાપારનો ઇજારો હતો.) હુન્નરખાન જંત્રખાનને અભિમાનપૂર્વક પૂછે છે : ‘રોકડ આપણી લે વણરાજ, તો શા લેખે આપણી લાજ? 
સાચું બોલે તજીને સોર, શાથી કરે વણરાજા જોર?’ જંત્રખાન ઉત્તર આપે છે : ‘…મહાલક્ષ્મી એની કુળમાત 
સદા પ્રસન્ન છે એને શીશ, તેથી વશ કીધી દશ દિશ.’ હુન્નરખાન જંત્રખાનને ભારત પર આક્રમણ કરવાનું કહે છે : ‘…હાથ કરું છું હિન્દુસ્તાન. 
તોડું દેવળ લક્ષ્મી તણું, પરમ પરાક્રમ છે આપણું. 
લક્ષ્મી લાવું પકડી કેશ, નહિ તો દેહ તજું પરદેશ.’ ત્યારે જંત્રખાન વણરાજના અને એના બે ભાઈ અફીણસિંહ અને મજીઠના બળનું. ભારતની દૂરતાનું અને લક્ષ્મીના ઐશ્વર્યનું હુન્નરખાનને સ્મરણ કરાવે છે અને ભવિષ્યમાં આક્રમણ કરવાનું, પણ આ ક્ષણે ધીરજ ધરવાનું કહે છે ત્યારે હુન્નરખાન કહે છે : ‘વાહન હય રથ હાથી, લક્ષ્મીના લેખ તું, 
બહુ અગ્નિરથ બોટ, અમારાં દેખ તું. 
… 
લક્ષ્મીના લખનાર હજાર લખે મળી, 
એક અમારો છાપખાન લખી દે વળી.’ એમ આગબોટ, છાપખાન આદિ યંત્રોરૂપી સૈન્યના પોતાના ભૌતિક બળનું અને જ્ઞાન-વિજ્ઞાન આદિ પોતાના બૌદ્ધિક બળનું જંત્રખાનને સ્મરણ કરાવે છે અને કોઈ પરાક્રમી વીર-અમીરને અફીણ, મજીઠ, કપાસને વિના મૂલ્યે હરવાનું, ભારત પર આક્રમણ કરવાનું આહ્વાન આપે છે. એના પ્રત્યુત્તરમાં માદરપાટ સેનાપતિ ભારત પર આક્રમણ કરે છે. ભીષણ યુદ્ધ થાય છે. પણ હુન્નરખાનને વિજય પ્રાપ્ત થતો નથી. એથી એ આ યુદ્ધના સમયમાં ભારતમાં કોણ પોતાનો શુભેચ્છક સહાયક છે એમ સેનાપતિને પૂછે છે ત્યારે સેનાપતિ હુન્નરખાનને વહેમનું તથા આળસ અને અજ્ઞાનનું નામ આપે છે, પણ સાથેસાથે ભારતમાં એક મહાન શત્રુ પણ છે, અને તે છે સાહિબ લોક, અને એને કારણે જ પોતાને વિજય પ્રાપ્ત થતો નથી એ સમાચાર પણ આપે છે : ‘પણ એક શત્રુ આપણો, થાવા ન દે મમ ભાવતું; 
એથી જ ઝાઝું જોર આપણી ફોજનું નથી ફાવતું; 
સરદાર સાહિબ લોક તે, એ લોકનું અતિ પ્રિય કરે; 
સમભાવ રાખે સર્વ શિર, દિલમાં દયા ધનથી ધરે. 
અજ્ઞાન, આળસ, વહેમનાં, થઈ શત્રુ સમ લાગ્યા રહે; 
હિત ચહે હિન્દુસ્તાનનું, તજી કપટ નિત સાચું કહે; 
પુસ્તકો, શાળા, પાઠશાળા, વિરચી વિદ્યા વિસ્તરે; 
કદી ગરથ ખરચે ગાંઠનું, સહુ લોક જેથી સુધરે. 
અતિ ગુપ્ત વાતો આપણી, ભેદુ બની રહે ભાખતા; 
સંચા ખજાના સર્વ સ્થળ, રતિયે ગુપત નથી રાખતા. 
… 
સાહિબ સલામત ગરીબપરવર, સુણો હુન્નરખાનજી, 
કોઈ વખત તમને બાંધીને, સોંપશે હિન્દુસ્તાનજી.’ એથી હવે હુન્નરખાન ચીન દેશમાંથી ‘કાગળ, કાચ, બિલોર, તજ, સોમલ, રેશમ, ખાંડ, ચાહ, ફટકડી, સાદરી, કલાઈ આદિ અનેક’ સૈન્ય સાથે ભારત પર બીજું આક્રમણ કરે છે. અફીણસિંહ એનો પ્રતિકાર કરે છે. ભીષણ યુદ્ધ થાય છે. એમાં યુદ્ધને અંતે અફીણસિંહને વિજય પ્રાપ્ત થાય છે ત્યારે હુન્નરખાન કાપડ, ધાતુ, કાષ્ઠ, પથ્થરનાં સાધનો આદિ મહાન સૈન્ય સાથે ભારત પર ત્રીજું આક્રમણ કરે છે. ભીષણ યુદ્ધ થાય છે. હુન્નરખાનના છીંટ, પાટ, લોહ પાટિયાં, મેજ, પેટી, ખુરશી, કાચ ઠામ, છાપજંત્ર, ડાગતંત્ર આદિ મહાન સૈન્ય સાથેના યુદ્ધમાં ભારતના સાળવી, લુહાર, સુથાર, કુંભાર, લહિયા, ખેપિયા આદિનાં સાળ, સાણસી, એરણી, શારડી, વાંસલાં, વીઝણી આદિ સામાન્ય સૈન્ય નિર્બળ પુરવાર થાય છે. યુદ્ધને અંતે વણરાજનો પરાજય થાય છે. આમ, હુન્નરખાનને અંતે વિજય પ્રાપ્ત થાય છે. હુન્નરખાન ઉદ્યમપુરનો નાશ કરે છે. લક્ષ્મીના મંદિરનો નાશ કરે છે અને લક્ષ્મીને હરે છે. હુન્નરખાનનું ભારત પર વર્ચસ્‌‌ થાય છે. હવે? ભારતને આ હુન્નરખાનના વર્ચસ્‌‌માંથી કોણ મુક્ત કરશે? કવિ ઉત્તર આપે છે : મંડળી સિંહનર. પણ એ તો નિદ્રાધીન છે. અને એ જાગે નહિ એ હેતુથી આળસ, અજ્ઞાન અને વહેમ સતત સક્રિય છે : ‘તે મંડળીક છે શૂરવીર. બહુ બુદ્ધિવંત વજ્ર શરીર; 
જાગતો થાય એકે ઉપાય, તો જરૂર હુંનરખાં જિતાય.’ પણ મંડળી સિંહનરને કોણ જગાડશે? આળસ, અજ્ઞાન, વહેમને કોણ ભગાડશે? કવિ ઉત્તર આપે છે : વિવિધ વર્તમાનપત્રો, પત્રિકાઓ, પુસ્તકશાળાઓ (અમદાવાદમાં નેટિવ લાઇબ્રેરી પછીથી જે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ નામે પ્રસિદ્ધ અને સુરતમાં ઍન્ડ્રુઝ લાઇબ્રેરી) અને ગુજરાતના શ્રેષ્ઠીઓ (અમદાવાદમાં હઠીસિંહ કેસરીસિંહ અને સુરતમાં જમશેદજી જીજીભાઈ). અંતમાં કવિ પૂનામાં બાજીરાવને સંપઋષિએ ભારતની લક્ષ્મીનું સમુદ્રમાં પતન થજો એવો શાપ આપ્યો હતો એનું સ્મરણ કરે છે અને લક્ષ્મીના સમુદ્રપતનનું કારણ આપે છે અને ‘લક્ષ્મી મળવાનો ઉપાય’ સૂચવે છે : ‘મુસલમાન ને હિન્દુ, સુણો મુજ દેશી સમસ્તો, 
કહીએ કાળો નાગ, ચીન વિલાયત રસ્તો; 
તેનું કરો નેતરું. રવૈયો બોટ બનાવો, 
સાગર મંથન કરી, ફરી લક્ષ્મી ઉપજાવો.’ અને કવિના આ શ્રદ્ધાવચનથી કાવ્ય સમાપ્ત થાય છે : ‘જે દિન જાગે મંડલિક, દેશ તણું દુઃખ જાય; 
ભાષણ પરિપૂરણ થયું, બોલો જય જગરાય.’ ‘હુંનરખાનની ચઢાઈ’ સોરઠા, દોહરા, ચોપાઈ, પધરી, પ્લવંગમ, ભુજંગી, તોટક, હરિગીત, શંખધારી, નારાચ, ઝૂલણા, કવિત, સવૈયો, છપ્પો એમ વિવિધ માત્રામેળ અને અક્ષરમેળ છંદો અને રૂપોમાં ૧૬૦ શ્લોકોનું ૪૯૮ પંક્તિનું કાવ્ય છે. એમાં બે વિભાગ થાય છે, ૧-૩૮૪ પંક્તિઓનો પહેલો વિભાગ અને ૩૮૫-૪૯૮ પંક્તિઓનો બીજો વિભાગ. પહેલા વિભાગમાં માનુષીકથાનું રૂપક છે અને બીજા વિભાગમાં પશુકથા (મંડળી સિંહનર અને આળસ હસ્તી)નું રૂપક છે. પહેલા વિભાગમાં આખ્યાન છે અને બીજા વિભાગમાં કવિનું ઉદ્બોધન છે. એથી કાવ્યની એકતાનું ખંડન થાય છે. કાવ્યનો પ્રધાન રસ વીરરસ છે. પણ કવિએ ચારણી શૈલીમાં રવાનુકારી શબ્દો દ્વારા એ સિદ્ધ કરવાનો પ્રયોગ કર્યો છે, એથી કાવ્યમાં કૃત્રિમતાનું વાતાવરણ થાય છે. દલપતરામે એકત્રીસ વર્ષની વયે, એમના કવિજીવનના આરંભમાં જ આ કાવ્ય રચ્યું છે. આ કાવ્ય દલપતરામનું પ્રથમ મહત્ત્વાકાંક્ષી કાવ્ય છે અને ગુજરાતી ભાષાનું પ્રથમ અર્વાચીન કાવ્ય છે. એમાં એની મહત્તા અને મર્યાદા બન્ને સૂચવાય છે. ૧૫મી સદીમાં ઇંગ્લંડની જે સ્થિતિ હતી તે ૧૯મી સદીમાં ભારતની સ્થિતિ હતી. ઇંગ્લંડમાં ક્ષેત્રબંધીને કારણે ઘેટાંઉછેરનો ધંધો હતો અને ઊનનું ભારે અસાધારણ ઉત્પાદન હતું. પણ યુરોપમાંથી હોલેંડના કારીગરોનું આગમન થયું ત્યાં લગી ગરમ કાપડના કાંતણ-વણાટનો ઉદ્યોગ ન હતો. એથી ઇંગ્લંડમાં ઊનની નિકાસ હતી અને ગરમ કાપડની આયાત હતી. ભારતમાં કંપનીએ ગૃહઉદ્યોગોનો હ્રાસ કર્યો હતો અને નવા યંત્રઉદ્યોગોનો આરંભ કર્યો ન હતો, એથી ભારતમાં કપાસનું ભારે અસાધારણ ઉત્પાદન હતું પણ સુતરાઉ કાપડના કાંતણ-વણાટનો ઉદ્યોગ, યંત્રઉદ્યોગ ન હતો. વળી ભારતમાં કંપનીનું આર્થિક અને રાજકીય વર્ચસ્‌‌ હતું, એથી ભારતમાંથી ઇંગ્લંડમાં કપાસની નીચા ભાવે નિકાસ હતી અને ઇંગ્લંડમાંથી ભારતમાં સુતરાઉ કાપડની ઊંચા ભાવે આયાત હતી. આમ, ભારતમાં દારુણ દરિદ્રતાના આરંભનો આ સમય હતો. આ જ સમયે ઇંગ્લંડમાં ઔદ્યોગિક યુગના પ્રથમ સ્તબકની પરાકાષ્ઠા હતી. ભારતમાં કંપનીનું આર્થિક અને રાજકીય વર્ચસ્‌‌ ન હોત તો ઔદ્યોગિક ક્રાંતિની અને ઇંગ્લંડની શી સ્થિતિ હોત એ કલ્પી શકાય છે. આ સંદર્ભમાં દલપતરામને ‘હુંનરખાનની ચઢાઈ’ કાવ્ય સૂઝ્યું એ જ એક મહાન સિદ્ધિ છે. દલપતરામને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું. છતાં એમને આ કાવ્ય સૂઝ્યું એ એક આશ્ચર્ય પણ છે. જોકે એમણે આ કાવ્ય રચ્યું તે પૂર્વે ૧૮૪૮માં અમદાવાદમાં એમનું અને ફાર્બસનું મિલન થઈ ચૂક્યું હતું. એમણે આ કાવ્ય રચ્યું ત્યારે સુરતમાં એમનો અને ફાર્બસનો સહવાસ હતો. એથી આ કાવ્ય એમને સૂઝ્યું એમાં ફાર્બસની પ્રેરણા હશે. આ કાવ્યમાં જ ૨૦૩-૨૧૮ પંક્તિઓમાં એમણે ફાર્બસને અંજલિ અર્પી જ છે. વળી એમણે આ કાવ્ય રચ્યું તે પૂર્વે ૧૮૫૦માં સુરતમાં સુધરાઈનો ધારો થયો હતો એના વિરોધમાં પ્રજાનું આંદોલન થયું હતું. ત્યારે ફાર્બસને સુધરાઈના અમલદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમની વિનંતીથી દલપતરામ અને દુર્ગારામ મહેતાજીએ સાથે સુરતની શેરીએ શેરીએ ફરીને સુધરાઈમાં પ્રજાનું કલ્યાણ છે એ સત્ય અનેક ભાષણો દ્વારા પ્રજાને સમજાવીને અંતે સુધરાઈને પક્ષે પ્રજામત કેળવ્યો હતો. એથી આ કાવ્ય એમને સૂઝ્યું એમાં આ અનુભવની પણ પ્રેરણા હશે. ‘હુંનરખાનની ચઢાઈ’ કાવ્ય દલપતરામને સૂઝ્યું એ જો એક મહાન આશ્ચર્ય છે તો એવું કાવ્ય નર્મદને ન સૂઝ્યું એ પણ એટલું જ મહાન આશ્ચર્ય છે. નર્મદને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હતું. જગતનો ઇતિહાસ, જગતનાં મહાકાવ્યો વગેરેનો પણ એનો અંગત અભ્યાસ હતો. અનેક અંગ્રેજ મિત્રો સાથે એનો અંગત સંબંધ હતો. છતાં મહાકાય ‘નર્મ કવિતા’માં ઔદ્યોગિક ક્રાંતિ વિશે, ઉદ્યોગ, યંત્રઉદ્યોગ વિશે ‘હિન્દુઓની પડતી’ (૧૮૬૩-૬૬) આદિ કાવ્યોમાં માત્ર અલ્પસંખ્ય પંક્તિઓ જ પ્રાપ્ત થાય છે. જોકે આ વિશે નર્મદનો એક નિબંધ ‘ઉદ્યોગ અને વૃદ્ધિ’ પ્રાપ્ત થાય છે. જોકે ભારતમાં જ્યાં લગી અંગ્રેજોનું આર્થિક વર્ચસ્‌‌ હોય અને એને કારણે રાજકીય વર્ચસ્‌‌ હોય એટલે કે ભારતની રાજકીય પરતંત્રતા હોય ત્યાં લગી એની આર્થિક અને ઔદ્યોગિક સ્વતંત્રતા સિદ્ધ ન થાય અને એને કારણે ત્યાં લગી ઇંગ્લંડમાં જેટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ થયો હોય એટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ ભારતમાં ન થાય. આ સંદર્ભમાં આજે કોઈ પણ પાછી નજરે જોઈ શકે કે ‘હુંનરખાનની ચઢાઈ’માં અને ‘ઉદ્યોગ અને વૃદ્ધિ’માં દલપતરામના અને નર્મદના ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વિશેના દર્શનની મર્યાદા છે. દલપતરામના ઉદ્યોગ, યંત્રઉદ્યોગ વિશેના દર્શનમાં મર્યાદા હતી એ અન્યથા પણ સમજાય છે. ૧૮૬૨થી ૧૮૬૫ લગી અમેરિકામાં આંતરવિગ્રહ હતો. તે સમયમાં ઇંગ્લંડમાં સુતરાઉ કાપડના કાંતણ-વણાટના યંત્રવિજ્ઞાનનો અને ઉદ્યોગ, યંત્રઉદ્યોગનો ભારે અસાધારણ વિકાસ થયો હતો. એથી કપાસની ભારે જરૂર હતી. ઇંગ્લંડમાં અમેરિકામાંથી મોટા પ્રમાણમાં કપાસની આયાત હતી. પણ અમેરિકામાં આંતરવિગ્રહનાં આ વર્ષોમાં કપાસનું ઉત્પાદન ન થયું એથી આ આયાત અશક્ય હતી. એથી આ સમયમાં ઇંગ્લંડમાં ભારતમાંથી મોટા પ્રમાણમાં કપાસની આયાત હતી. પરિણામે ભારતમાં કપાસનો ખૂબ ઊંચો ભાવ થયો. એમાંથી ભારતના વ્યાપારીઓને મોટો નફો થયો. સહેલું અને સસ્તું ધન આવ્યું પણ એનું શું કરવું એ આ વ્યાપારીઓને ન સૂઝ્યું. એ ધનમાંથી મુંબઈમાં બેક બે રૅક્લેમેશન કંપની અને અમદાવાદમાં ગુજરાત ટ્રેઇડિંગ કંપની જેવી અનેક ચિત્રવિચિત્ર કંપનીઓ અને અનેક બૅંકો અસ્તિત્વમાં આવી. એના શૅરોનો મોટો સટ્ટો થયો. ક્ષણભર તો મુંબઈની સમૃદ્ધિની સીમા ન હતી ત્યારે દલપતરામે ‘કપાસ વિશે’ કાવ્ય રચ્યું : ‘લડી લડીને ઇંગ્લંડની, આણી દોલત આજ; 
હુંનરખાન હરાવિયો, રંગ તને વણરાજ. 
… 
જુદ્ધ કરીને જીતનો, તેં શિર ધરિયો તાજ; 
હારી હુંનર હેઠો પડ્યો, રંગ તને વણરાજ.’ વળી ‘દેશ સુધારા વિશે’ કાવ્ય રચ્યું : ‘વીર વડો વણરાજ, આજ પંકાયો પૂરો, 
લાખ ગણી થઈ લાજ, કાજ કીધું થઈ શૂરો. 
… 
પરવરિયો તે પરદેશમાં, ફોજ વિના પણ ફાવિયો, 
તે દેશ તણી દલપત કહે, લક્ષ્મી લૂંટી લાવિયો. 
… કરી પરાક્રમ પુનર, હુંનરને ખૂબ હરાવ્યો, 
વણ અડચણ આ વખ્ત, તખ્ત ચડી તાજ ધરાવ્યો.’ આમ, અંતે હુન્નરખાનનો પરાજય અને વણરાજનો વિજય થયો એવું આ સમયમાં દલપતરામનું દર્શન, સ્વપ્નદર્શન, બલકે દિવાસ્વપ્નદર્શન હતું. દલપતરામે શૅરોનો સટ્ટો કર્યો. અમદાવાદની સૅન્ટ્રલ બૅંકમાંથી નવ હજાર અને કીકાભાઈની બૅંકમાંથી નવ હજાર એમ કુલ અઢાર હજાર રૂપિયા ઉપાડીને એનું શૅરોમાં રોકાણ કર્યું. ત્યાં અમેરિકામાં આંતરવિગ્રહનો અંત આવ્યો. કપાસનું ઉત્પાદન થયું. પરિણામે ભારતમાં કપાસનો ખૂબ નીચો ભાવ થયો. કંપનીઓ, શૅરો, બૅંકો બધું જ ખૂબ નીચું ગયું અને સર્વનાશ થયો. દલપતરામે સૅન્ટ્રલ બૅંકને ઘર લખી આપ્યું. બાકીનું રહ્યુંસહ્યું ધન કીકાભાઈની બૅંકને આપ્યું, રૂપિયા અઢાર હજારનું દેવાળું કાઢ્યું, અને આ અનુભવમાંથી પશ્ચાત્તાપ રૂપે ‘શેરસટ્ટાની ગરબીઓ’ રચી. ગુજરાતમાં આ શૅરસટ્ટાની કરુણતાની કથા અતિપ્રસિદ્ધ છે. નર્મદ આ શૅરસટ્ટાથી મુક્ત હતો, અલિપ્ત હતો. એટલું જ નહિ પણ કપાસમાંથી મોટા નફાના ધનનું શું કરવું એની એને સૂઝસમજ હતી, એથી એણે શૅરસટ્ટા પ્રત્યે રોષ અને તિરસ્કાર પ્રગટ કર્યો. ‘શૅરની ચડતીપડતી’ આદિ કાવ્યોમાં અને ‘ડાંડિયો’ના અનેક કટાક્ષલેખોમાં નર્મદનું વાસ્તવદર્શન છે. આમ, અંતે હુન્નરખાનનો પરાજય અને વણરાજનો વિજય થયો એવું આ સમયે દલપતરામનું દર્શન એ મિથ્યાદર્શન હતું. દલપતરામે ૧૮૫૧માં ‘હુંનરખાનની ચઢાઈ’ કાવ્ય રચ્યું પછી બીજે જ વર્ષે ૧૮૫૨માં ભરુચમાં ભારતમાં પ્રથમ (અને પછી તરત જ ૧૮૫૯માં અમદાવાદમાં) સુતરાઉ કાપડની મિલ સ્થાપવામાં આવી. ૧૮૭૮માં આ કાવ્યની બીજી આવૃત્તિ સમયે દલપતરામે પાદટીપમાં નોંધ્યું, ‘આ કવિતા રચ્યાને ૨૭ વરસ થઈ ગયાં ને લખવાને ખુશી ઊપજે છે કે તે દિવસ કરતાં હાલ ઘણો સુધારો થયો છે.’ ૧૮૭૮ લગીમાં ભારતમાં ઉદ્યોગો, યંત્રઉદ્યોગોનો નહિવત્ વિકાસ થયો હતો. છતાં એથી દલપતરામને સંતોષ હતો. વળી કાવ્યના પૂર્વલેખમાં અને સમગ્ર કાવ્યમાં ઉદ્યોગો, યંત્રઉદ્યોગો વિશે ભારે ઉત્સાહ પ્રગટ થાય છે. અને સમકાલીન ભારતમાં ઉદ્યોગો, યંત્રઉદ્યોગોના અભાવના સંદર્ભમાં સમકાલીન ઇંગ્લેડમાં ઉદ્યોગો, યંત્રઉદ્યોગોના ભારે વિકાસના સંદર્ભમાં તથા ભારતની પ્રજાનાં કુસંપ આળસ, અજ્ઞાન, વહેમ આદિના સંદર્ભમાં આ ઉત્સાહ સકારણ, સહજ, સ્વાભાવિક પણ છે. છતાં દલપતરામમાં ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે, યંત્રવિજ્ઞાનના દુરુપયોગને પરિણામે, અર્થકારણમાં નફાખોરી અને રાજકારણમાં સત્તાખોરીને કારણે ઇંગ્લંડની સામાન્ય પ્રજાની જે કરુણતા હતી તેની તથા અન્ય પ્રજાની પણ એવી જ કરુણતા થાય તેની કલ્પના સુધ્ધાં ન હતી. દલપતરામમાં ઉદ્યોગ, યંત્રઉદ્યોગનું, ઔદ્યોગિક ક્રાંતિનું, ઔદ્યોગિક સંસ્કૃતિનું, ઔદ્યોગિક સમાજનું જે સારું અને સુંદર સ્વરૂપ છે એનું દર્શન છે; પણ એનું જે નરસું અને અસુન્દર સ્વરૂપ છે એનું દર્શન નથી. દલપતરામના દર્શનમાં ઔદ્યોગિક ક્રાંતિના, ઔદ્યોગિક સંસ્કૃતિના, ઔદ્યોગિક સમાજના પ્રશ્નનું અતિસરલીકરણ છે. એથી આજે કોઈ પણ પાછી નજરે જોઈ શકે કે દલપતરામનું દર્શન એકપક્ષી, એકાંગી, અપૂર્ણ અને અપૂરતું દર્શન છે. દલપતરામમાં દર્શન છે પણ તે ન્હાનાલાલે એને ‘દિવ્યદર્શન’ કહ્યું છે તે દિવ્યદર્શન નથી પણ ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’માં જે દર્શન છે તે દિવ્યદર્શન છે.

૧૯૭૫


*