સ્વાધ્યાયલોક—૬/પવન વધુ પ્યારો લાગ્યો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પવન વધુ પ્યારો લાગ્યો

૧૯૪૬થી ૧૯૪૮ મુંબઈમાં ભણતો હતો અને ૧૯૪૯થી ૧૯૬૦ મુંબઈમાં ઉનાળા-શિયાળાની લાંબીટૂંકી રજાઓ ગાળતો હતો ત્યારે સવાર સાંજ, મધ્યાહ્ન-મધરાત મુંબઈની નાનીમોટી ગલીઓમાં અને લાંબા-પહોળા રસ્તાઓ પર ખૂબ રખડ્યો છું. આજે એ સ્થળ, કાળ અને પાત્રોના અસંખ્ય અનુભવોનાં કટુ-મધુર સ્મરણો સાથે જીવું છું. આજે આ સ્મરણોમાંથી એક મધુર અનુભવ અહીં નોંધવાનો ઉપક્રમ છે. ૧૯૪૬-૪૭ની સાલ હતી. ઉનાળાની ઋતુ હતી. અંધારિયાની રાત હતી. દસ-અગિયારનો સમય હતો. પાલવા પર ગેઇટવે ઑફ ઇન્ડિયાની પાસે દરિયાની પાળી પર એક પાટલી પર બેઠો હતો. આસપાસ આછી વસ્તી હતી. નજેવી અવરજવર હતી. ધીમો ધીમો પણ ઠંડોમીઠો પવન હતો, ગરમીની ઋતુ હતી એટલે એ પવન પ્યારો લાગતો હતો. ત્યારે પાલવાનો ચોક આજે છે એવો કદરૂપો ન હતો, રૂપાળો હતો. એમાં આજે છે એવી ગંદકી ન હતી, સ્વચ્છ રસ્તાઓની બન્ને બાજુ લાંબીપહોળી ફૂટપાથો હતી. દરિયામાં પણ આજે છે એવી કૃત્રિમ બાંધકામની કઢંગી રચનાઓ ન હતી, સામે સહેજ દૂર કુદરતી ખડકોની જે આજે પણ છે તે કાયમી હારમાળા હતી. ક્યાંક સહેલગાહ માટેની નાની બોટો તો ક્યાંક વેપાર માટેની મોટી આગબોટો હતી. આ શાંત એકાંત વાતાવરણની વચમાં હું ક્યારેક દૂર ક્ષિતિજની પાર અગમ્યમાં તો ક્યારેક પૃથ્વીથી અવકાશમાં જોઈ રહ્યો હતો. ત્યાં પાછળથી સહેજ દૂરથી અવાજ આવ્યો. કોઈ ગઝલ ગાતું ગાતું પાછળથી આવતું હતું. પાછળ જોઉં છું તો એક અંધ મુસ્લિમ ફકીર ફૂટપાથ પર ઠબઠબ લાકડી ઠબકારતો ગઝલ ગાતો આવી રહ્યો હતો. ઠીંગણો, સહેજ જાડો, માથે ટોપી, લાંબો કોટ, ટૂંકી પાટલૂન, ઉઘાડા પગ, કંઈક મેલોઘેલો. ગઝલ ઉર્દૂમાં હતી. ભાષા અલ્પપરિચિત હતી. વળી વચમાં થોડુંક અંતર હતું. એટલે શબ્દો અને અર્થ બન્ને અસ્પષ્ટ, પણ અવાજ સ્પષ્ટ. એ ગાતો ગાતો પાસે આવ્યો ત્યારે હવે શબ્દો અને અર્થ કંઈક સ્પષ્ટ. એ ‘થોડી થોડી’ના કાફિયા-રદીફ સાથેની ગઝલ ગાતો હતો. બહુ પાસે આવ્યો ત્યારે એ જે શેર ગાતો હતો તે આ પ્રમાણે હતો : ‘બાદ મરને કે મેરી કબ્ર મેં સુરાખ રખના, 
કિ આતી જાતી રહે દુનિયા કી હવા થોડી થોડી.’ ક્ષણાર્ધમાં જ હું ક્ષિતિજ પારથી અને અવકાશ પરથી પૃથ્વીલોકમાં પાછો આવી ગયો. ત્યારે મને આ પૃથ્વીલોક અને એનો પવન વધુ પ્યારો લાગ્યો.

નવેમ્બર ૧૯૯૩


*