સ્વાધ્યાયલોક—૭/સમગ્ર કવિતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘સમગ્ર કવિતા’

૧૯૩૧થી ૧૯૮૧. પાંચ દાયકા. દસ કાવ્યસંગ્રહો. ઉમાશંકર જોશી (જ. ૨૧ જુલાઈ ૧૯૧૧)ના સિત્તેરમા જન્મદિને આટલું અહીં આ ‘સમગ્ર કવિતા’માં પ્રગટ થાય છે. એમનું પ્રથમ કાવ્યપુસ્તક ‘વિશ્વશાંતિ’ ૧૯૩૧માં પ્રગટ થયું. ૧૯૮૧માં બે કાવ્યસંગ્રહો ‘ધારાવસ્ત્ર’ અને ‘સપ્તપદી’ પ્રગટ થયા. વચમાં અન્ય સાત કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. ઉમાશંકર અરધી સદી લગી સતત સક્રિય અને સર્જનશીલ કવિ રહ્યા છે. એમના દસે કાવ્યસંગ્રહો અહીં આ ‘સમગ્ર કવિતા’માં એકસાથે સુલભ થાય છે એ ઉમાશંકરની કવિતાના અને ગુજરાતી કવિતાના રસિકો અને અભ્યાસીઓ માટે સર્વથા આવકાર્ય એવી સુવિધા છે. ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ એ પ્રથમ કાવ્યપુસ્તકની પ્રથમ પંક્તિ અને ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’ એ છેવટના કાવ્યસંગ્રહની છેલ્લી પંક્તિની વચ્ચે, ‘મંગલ શબ્દ’ અને ‘છેલ્લો શબ્દ’ એ બે શબ્દોની વચ્ચે અહીં જે અનેક શબ્દો છે એમાં ઉમાશંકરની સુદીર્ઘ કાવ્યયાત્રા છે. એ ‘મંગલ શબ્દ’ ભલે દૂરથી આવતો હોય, એ ‘છેલ્લો શબ્દ’ ભલે મૌનને જ કહેવાનો હોય, પણ શબ્દ જ્યારે કવિમુખે પ્રગટ થાય, કાવ્ય રૂપે પ્રગટ થાય ત્યારે સૌંદર્ય રૂપે, આનંદ રૂપે ચરિતાર્થ થાય એની પ્રતીતિ અહીં એ બે શબ્દોની વચ્ચે જે અનેક શબ્દો છે એ દ્વારા થાય છે. ‘સમગ્ર કવિતા’માં ગુજરાતી ભાષાના અનેક લયો, કવિતાના ત્રણે (ઊર્મિ, કથન, નાટ્ય) અવાજો અને માત્ર કવિ નામે કોઈ એક મનુષ્યના જ નહિ પણ આધુનિક યુગમાં સમગ્ર મનુષ્યજાતિના કેટલાક કટુમધુર અનુભવો એ ઉમાશંકરનો કાવ્યવિશેષ છે. ‘સમગ્ર કવિતા’માં એક કવિની કાવ્યદૃષ્ટિ (જેમાં જીવનદૃષ્ટિ, અલબત્ત, અંતર્ગત છે જ) દ્વારા, સવિશેષ તો ‘વિશ્વશાંતિ’, ‘આત્માનાં ખંડેર’ અને ‘સપ્તપદી’ એ કાવ્યત્રયી દ્વારા સહૃદયો માટે એમના આંતરજીવનને અને બાહ્યજગતને કંઈક વધુ કલ્પનાશીલતાથી જોવા-જાણવાનું, કંઈક વધુ સંવેદનશીલતાથી સહેવા-સમજવાનું શક્ય થશે.

૧૯૮૧


*