અન્વેષણા/૧૧. ભારત અને ચીન : પ્રાચીન સાંસ્કારિક સંપર્ક


ભારત અને ચીન: પ્રાચીન સાંસ્કારિક સંપર્ક



દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ પૈકી બે જ્યાં વિકસેલી છે એવા આ બે દેશો–ભારત અને ચીન-નજદીકના પડોશીઓ છે. એક બાજુ ભારતની આર્ય અને દ્રાવિડ ભાષાઓ તથા બીજી બાજુ ચીનની મોંગોલ ભાષાઓ વચ્ચે માત્ર લેખનપદ્ધતિમાં જ નહિ, પણ વિચારો ગોઠવવાની અને વ્યક્ત કરવાની રીતમાંયે જે મૂળભૂત તફાવત છે એ ધ્યાનમાં રાખીએ ત્યારે તો, જે સેંકડો ભારતવાસીઓ તેમ જ ચીનાઓએ –ભારત અને ચીનની વચ્ચે આવેલી દુર્ગમ ગિરિમાળાઓ જેવી – એ ભાષાની મુશ્કેલી ઉપર વિજય મેળવીને, બન્ને દેશો વચ્ચે સાંસ્કારિક સહકાર સ્થાપવાનું કાર્ય, ધીરા વાહનવ્યવહાર અને સંકટમય પ્રવાસના પ્રાચીન યુગમાં કર્યું. એ માટે ખરેખર માન થયા વિના રહેતું નથી. આર્ય ભારત સાથે ચીન ઘણું કરીને ઈસવી સન પૂર્વેની શતાબ્દીઓમાં સંપર્કમાં આવ્યું હતું, પણ તે ચોક્કસપણે ક્યારે અને કેવી રીતે, એ આપણે જાણતા નથી. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીના મનાતા લાઓ ત્સેના ‘તાઓ – તેહ – કીંગ' તથા ઉપનિષદના તત્ત્વજ્ઞાનમાં ધ્યાન ખેંચે એવાં સામ્યો છે. પણ લાઓ ત્સેનું ‘તાઓ’ અને ઉપનિષદનું ‘ઋત’( અથવા બ્રહ્મ) એ બન્ને, એક પ્રકારનાં તત્ત્વો ચીન તેમ જ ભારતમાં સ્વતંત્ર પર્યેષણાને પરિણામે વિચારાયાં હોય એ સંભવિત છે. કેટલાક વિદ્વાનો ઈ.સ. પૂર્વે પહેલી સહસ્રાબ્દીના મધ્યભાગમાં ભારત અને ચીન વચ્ચેના સંપર્કની શક્યતા માને છે. આ સંપર્ક ઘણું કરીને મધ્યએશિયા દ્વારા થયો હતો. ચીનો સેનાપતિ અરે મુસાફર ચાંગ કિએં ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દીમાં મધ્યએશિયામાં આવ્યો હતો અને ત્યાં ચિનાઈ રેશમ તથા વાંસમાંથી બનાવેલી વાંસળીઓ જેવી ચિનાઈ બનાવટની વસ્તુઓ ભારત દ્વારા મધ્યએશિયામાં આવતી જોઈ આશ્ચર્ય પામ્યો હતો. આ વસ્તુઓ હાલના યુનાન અને આસામના માર્ગે ભારતમાં આવતી હતી. વાંસળીઓનો ઉલ્લેખ ખાસ રસપ્રદ છે, કારણ કે સંસ્કૃતે ઉછીના લીધેલા ચિનાઈ શબ્દો આપણે માત્ર પાંચ જાણીએ છીએ. (૧) એક તો चीन નામ;( ૨ ) બીજો, જેમાંથી વાંસળી બનતી હતી એ પ્રકારના વાંસ માટેનો શબ્દ. कीचक; (૩) ત્રીજો શબ્દ मुसार જે મહાભારતમાં અને બૌદ્ધ સંસ્કૃતમાં મળે છે અને જેનો અર્થ ‘ એક પ્રકારનું રત્ન' થાય છે. રત્નપરીક્ષાના કેટલાક જૂના ગ્રન્થોમાં એક રત્નનું मुसारगल्ल એવું નામ મળે છે ત્યાં પણ આ मुसार શબ્દ જોવામાં આવે છે; (૪) ચોથો આપણો सिन्दूर શબ્દ. એ શબ્દ તેમ જ ‘સિન્દૂર’ નામે ઓળખાતી વસ્તુ ચીનમાંથી આવેલ છે; (૫) પાંચમો શબ્દ તે ‘કાગળ'નો એક સંસ્કૃત પર્યાય છે. સંસ્કૃત તેમ જ ચિનાઈ ભાષાઓના તુલનાત્મક અભ્યાસી ડૉ. પ્રબોધચન્દ્ર બાગચીએ બતાવ્યું છે કે ‘કાગળ માટેનો ચિનાઈ શબ્દ ‘ત્સી’ ૭મી-૮મી શતાબ્દીમાં शय એવા રૂપે સંસ્કૃતમાં સ્વીકારવામાં આવ્યો હતો. જોકે ઉપલબ્ધ સંસ્કૃતમાં આ શબ્દનો પ્રયોગ હજી મળ્યો નથી, પણ એ તો જાણીતું છે કે સાહિત્યમાં જેમનો પ્રયોગ મળી શક્યો ન હોય એવા ઘણા શબ્દો વ્યવહારમાં પ્રચલિત હતા અને છે. ‘મહાભારત’માં કૌરવોને પક્ષે લડનાર રાજાઓમાં ચીનના રાજા ભગદત્તનું નામ પણ છે. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં, ‘મનુસ્મૃતિ’માં તથા ત્યાર પછીના બીજા ઘણા ગ્રન્થોમાં ચિનાઈ રેશમનો ઉલ્લેખ ચીનાંશુક તરીકે છે. ઈસવી સન પૂર્વે પહેલી અથવા બીજી શતાબ્દીમાં ભારત અને ચીન વચ્ચેનો દરિયાઈ રસ્તો જાણીતો હતો. ઈસ્વી સનની પહેલી શતાબ્દીના અરસાની ગુણાઢ્યની ‘બહત્કથા’ ઉપરથી પ્રાકૃતમાં રચાયેલા કથાગ્રન્થ ‘વસુદેવ–હિંડી'માં ચીન સાથેના ખુશ્કી તેમ જ તરી વ્યવહારમાર્ગની નોંધ છે. એમાં ચારુદત્ત નામે એક વહાણવટી પ્રિયંગુપટ્ટણ નામે બંદરેથી માલ ભરીને ચીનસ્થાન અથવા ચીન, સુવર્ણદ્બીપ અથવા સુમાત્રા અને યવદ્વીપ અર્થાત્ જાવા જાય છે. વળી એ જ વેપારીને ખુશ્કી માર્ગે મુસાફરી કરતાં, ઈશાન ખૂણાને રસ્તે જઈ, હૂણ, ખસ અને ચીન ભૂમિઓ વટાવી વૈતાઢ્યની તળેટીમાં શંકુપથ પાસે મુકામ કરતો વર્ણવ્યો છે. એ સમયના ચિનાઈ ગ્રન્થોની નોંધો પણ આ વર્ણનની વાસ્તવિકતા પુરવાર કરે છે. મ્હૈસુર પાસેથી. ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દીનો એક ચિનાઈ સિક્કો મળ્યો છે, તે પણ બન્ને દેશો વચ્ચેનો વ્યાપારી સંપર્ક બતાવે છે. ભારત અને ચીન વચ્ચે સંબંધો ઓછામાં ઓછું, પશ્ચિમોત્તર ભારતના કુશાણ રાજા કનિષ્ક જેટલા પ્રાચીન છે. ચીનો મુસાફર હ્યુંએન ત્સાંગ નોંધે છે કે કનિષ્કે એક ચિનાઈ રાજાને પંજાબના એક પ્રદેશમાં બાન તરીકે રાખ્યો હતો, અને આથી એ પ્રદેશ ‘ચીનભુક્તિ’ તરીકે ઓળખાતો હતો. એ ચિનાઈ રાજાએ બે પરદેશી ફળો આપણા દેશમાં દાખલ કર્યાં હતાં, જે પણ આ કારણથી ‘ચીનાનિ’ અને ‘ ચીન–રાજપુત્ર’ તરીકે ઓળખાતાં હતાં! પરંતુ ભારત અને ચીન વચ્ચેનો નિયમિત અને પ્રત્યક્ષ સંપર્ક બૌદ્ધ ધર્મને આભારી છે. બૌદ્ધ ધર્મ મધ્યએશિયામાંથી ચીનમાં ગયો, એટલે પ્રારંભમાં બન્ને દેશોની સંસ્કારિતાનું મિલનસ્થાન મધ્ય એશિયામાં હતું. મધ્યએશિયામાં એ કાળે બૌદ્ધ ધર્મનું અને સંસ્કારભાષા તરીકે સંસ્કૃતનું સામ્રાજ્ય હતું. ભારત અને મધ્યએશિયામાંથી બૌદ્ધ ધર્મના બહુસંખ્ય પ્રચારકો અને પંડિતો ચીનમાં ગયા હતા. આશ્ચર્યની વાત છે કે ભારતીય ઐતિહાસિક સાધનોમાંથી આપણને આ વિષે કશું જાણવા મળતું નથી. ચિનાઈ સાધનગ્રન્થોમાંથી જ આ ભારતીય વિદ્વાનોનાં નામ તથા એમને વિષેની હકીકત મળે છે. ચીનમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો સંદેશો લઈ જનાર આવા ૧૦૩ ભારતીય વિદ્વાનો વિષેની હકીકત અત્યાર સુધીમાં જાણવામાં આવી છે, પણ એમની ખરેખર સંખ્યા તો આ કરતાં ઘણી મોટી હોવી જોઈએ. ચીન અને ભારત વચ્ચેના આ ધાર્મિક અને ચિન્તનવિષયક સંપર્કનો પ્રારંભ ભારતીય શ્રમણો કાશ્યપ અને ધર્મરત્ન, ઈ. સ. ૬૫ની સાલમાં ચીનમાં ગયા ત્યારથી, શરૂ થાય છે. એ વિષે ચિનાઈ પ્રાચીન ગ્રન્થોમાં એવી વાત મળે છે કે હાન વંશના સમ્રાટ મિંગટી-એ સ્વપ્નમાં એક સુવર્ણપુરુષ જોયો. સવારમાં દરબારીઓને પૂછતાં તેમણે કહ્યું કે એ સુવર્ણપુરુષ તે ગૌતમ બુદ્ધ હોવા જોઈએ. આ ઉપરથી સમ્રાટે ભારતમાં એક એલચીમંડળ મોકલ્યું. આ એલચીમંડળ પોતાની સાથે ધર્મરત્ન અને કાશ્યપ માતંગ એ બે શ્રમણોને ચીન લાવ્યું. બન્ને શ્રમણો પોતાની સાથે એક સફેદ અશ્વ ઉપર પુષ્કળ બૌદ્ધ ધર્મગ્રન્થો અને બુદ્ધના પવિત્ર અવશેષો લાવ્યા હતા. ચીનના પાટનગરમાં સમ્રાટના હુકમથી જે બૌદ્ધ મઠ બંધાયો તે આ ઉપરથી ‘સફેદ અશ્વના મઠ' તરીકે પ્રસિદ્ધ થયો. ધર્મરત્ન અને કાશ્યપ માતંગે એ મઠમાં વસીને પોતાનું શેષ જીવન બૌદ્ધ ગ્રન્થોનો ચિનાઈ ભાષામાં અનુવાદ કરવામાં તથા પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવામાં ગાળ્યું; ભારતીય સંસ્કૃતિના આવા જ્ઞાત અને અજ્ઞાત સેંકડો સંદેશવાહકો ઓછામાં ઓછું આઠમા સૈકા સુધી ભારતમાંથી ચીન જતા હતા, એમાંના થોડાકના પણ જીવન અને કાર્યનું વર્ણન આ ટૂંકા વાર્તાલાપમાં કરવાનું શક્ય નથી. અહીં તો માત્ર એક ગુજરાતી બૌદ્ધ શ્રમણ ધર્મગુપ્તની અદ્ભુત ધર્મશ્રદ્ધા અને એનાં પરિણામી સાહસભર્યાં પર્યટનોની તથા બીજા એકબેની વાત કરીશું. ધર્મગુપ્ત લાટમાં અર્થાત્ દક્ષિણ ગુજરાતમાં જન્મ્યો હતો. ત્રેવીસ વર્ષની વયે તે, ગુજરાત સાથે નિકટના રાજકીય સંબંધોએ જોડાયેલા કાન્યકુબ્જમાં ગયો, અને ત્યાં ‘કૌમુદીસંઘારામ' નામે બૌદ્ધ મઠમાં રહીને બૌદ્ધ ધર્મ શાસ્ત્રોનો તેણે અભ્યાસ કર્યો. આ પછી તે ટક્ક અર્થાત્ ઉત્તર પંજાબ ગયો અને ત્યાંના રાજાએ સ્થાપેલા ‘દેવવિહાર’ નામે મઠમાં રહ્યો. ત્યાં એણે ચીન વિષે ઘણી વાતો સાંભળી અને ચીન જવાનો નિશ્ચય કર્યો. આ માટેના લાંબા અને કઠિન પ્રવાસનો આરંભ કરતાં સૌ પહેલાં તો તે ગાન્ધાર દેશ અર્થાત્ અફઘાનિસ્તાનના મુખ્ય નગર કપિશા ગયો અને ત્યાં બે વર્ષ સુધી રહ્યો. હિમાલયની ઉત્તરેથી આવતા વેપારી કાફલાઓનું કપિશા એ મિલનસ્થાન હતું. ત્યાં આવતા વેપારીઓ પાસેથી ધર્મગુપ્તે ચીન વિષેની માહિતી એકત્ર કરી તથા પછી પગરસ્તે પહાડો ઓળંગીને, તુખાર તથા બદક્ષાન થઈને કાશ્ગર પહોંચ્યો. કાશ્ગરમાં પણ રાજ્યાશ્રિત બૌદ્ધ મઠમાં તેણે બે વર્ષ ગાળ્યાં, અને ઉત્તરને માર્ગે મધ્યએશિયામાં થઈને કૂચી પહેાંચ્યો. અહીં પણ બૌદ્ધ વિદ્વાનો સાથે તેને બે વર્ષ ગાળવાં પડ્યાં. આ બધા પ્રદેશોમાં મુખ્યત્વે બૌદ્ધ ધર્મનો પ્રચાર હતો, અને કોઈ પણ ભારતીય વિદ્વાન આવે એનો લાભ લેવાને ત્યાંના લોકો આતુર હતા. આથી જ ધર્મગુપ્ત અને તેના જેવા બીજા અનેક શ્રમણોને અહીં અમુક વર્ષો ગાળવાં પડતાં હતાં. કૂચીનો રાજા ધર્મગુપ્તને પોતાની પાસે રાખવા ઘણો આતુર હતો, પણ ધર્મગુપ્તને તો ચીન પહોંચવાની ઉત્સુકતા હતી, એટલે તે રાજાને ખબર આપ્યા વિના જ નીકળી પડયો, માર્ગમાં અગ્નિદેશ અથવા કરાસર અને તુરફાનમાં થોડાંક વર્ષ ગાળીને તથા રણપ્રદેશમાં જોખમભરી મુસાફરી કરીને ધર્મગુપ્ત ઈ. સ. ૫૯૦માં ચીનના પાટનગરમાં પહોંચ્યો. ત્યાં એણે સંખ્યાબંધ બૌદ્ધ ધર્મગ્રન્થોનો ચિનાઈ ભાષામાં અનુવાદ કર્યો અને ચીનમાં બૌદ્ધ સાહિત્યિક પરંપરાની નવજાગૃતિમાં મૂલ્યવાન ફાળો આપ્યો. એના આ કાર્યમાં ચીનના શહેનશાહની પણ સહાય હતી. ૨૯ વર્ષની સતત પ્રવૃત્તિ પછી ઈ. સ. ૬૧૯માં ધર્મગુપ્તનું ચીનમાં અવસાન થયું. ગુજરાતના આ બૌદ્ધ શ્રમણ ધર્મગુપ્તે પોતે જે જે દેશોની મુલાકાત લીધી હતી એ વિષેનો એક ગ્રન્થ લખ્યો હોવાનું જણાવવામાં આવે છે. જોકે એ ગ્રન્થ અત્યારે મળતો નથી, પણ એના વિષયાનુક્રમ ચિનાઈ સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. એમાં પ્રત્યેક દેશની પેદાશ, હવા- પાણી, વસવાટ અને ગૃહવ્યવસ્થા, રાજ્યવહીવટ, ધાર્મિક વિધિ અને રીતિરવાજો, ખાદ્ય અને પેય, પોશાક, કેળવણી, વેપાર, પર્વતો, નદીઓ, રાજ્યો, શહેરો અને જાણવા લાયક વસ્તુઓ વિષે હકીકત આપવામાં આવી હતી. આ વિષયાનુક્રમ જ બતાવી આપે છે કે ચીન અથવા તિબેટના કોઈ પ્રાચીન ગ્રન્થભંડારમાંથી આ પુસ્તક જડી આવે તો મેગેસ્થનિસ, હ્યુએન-ત્સંગ કે અલ બિરુનીના ગ્રન્થો કરતાં એનું મૂલ્ય જરા પણ ઓછું નહિ ગણાય. ગુપ્ત સમ્રાટોના આશ્રયે પાંચમા સૈકામાં બિહારમાં સ્થપાયેલું નાલંદા વિદ્યાપીઠ જગતભરના બૌદ્ધોનું આંતરરાષ્ટ્રીય વિદ્યાકેન્દ્ર હતું. માત્ર ચીનમાંથી જ નહિ પણ મધ્યએશિયા, કોરિયા, બ્રહ્મદેશ, સિયામ અને ઇન્ડોનેશિયામાંથી વિદ્યાર્થીઓ આવતા; અને કોઈપણ ભારતીય બૌદ્ધ વિદ્વાનનું શિક્ષણ તો નાલંદાની મુલાકાત વિના અધૂરું જ ગણાતું. સાતમા સૈકાના પૂર્વાર્ધમાં નાલંદા વિદ્યાપીઠમાં અભિધર્મના અધ્યાપક આચાર્ય પ્રભાકરમિત્ર એશિયાઈ તુર્કસ્તાનમાંના ચિનાઈ એલચીના આમંત્રણથી ચીન ગયા હતા; ત્યાં એમણે ચીનના સમ્રાટની વિનંતિથી સંખ્યાબંધ બૌદ્ધ ગ્રન્થેાનાં ભાષાન્તર કર્યાં હતાં, જેમાંનાં કેટલાંક આજે પણ મોજૂદ છે. એ જ પ્રમાણે સાતમા સૈકાના અંતમાં દક્ષિણના ચૌલુક્ય રાજાના દરબારમાં આવેલા એક ચિનાઈ એલચીમંડળના આમંત્રણથી બોધિરુચિ નામે એક બૌદ્ધ સાધુ જેઓ પૂર્વાશ્રમમાં પ્રકાંડ બ્રાહ્મણ પંડિત હતા તેઓ સમુદ્રમાર્ગે ચીન ગયા હતા. ચીનના સમ્રાટે એમની સહાયમાં, એ સમયે ચીનમાં હતા તે ભારતીય બૌદ્ધ સાધુઓ તથા બ્રાહ્મણ પંડિતો તથા કેટલાક ચિનાઈ વિદ્ધાનોનું મંડળ સોંપ્યું હતું. આ વિદ્વત્પરિષદની સહાયથી બોધિરુચિએ ૫૩ બૌદ્ધ ગ્રન્થોનાં ચિનાઈ ભાષાન્તરો કર્યાં અને પછી શેષ જીવનકાળ ધર્મચિન્તનમાં ગાળ્યો. ચિનાઈ મૂળ ગ્રન્થો કહે છે કે -બોધિરુચિએ ઈ. સ. ૭૨૭માં ૧૫૬ વર્ષની વયે ૫૫ દિવસના ઉપવાસ કરીને દેહત્યાગ કર્યો. જેમ ભારતીય વિદ્વાનો ચીન જતા હતા તેમ સેંકડો ચિનાઈ વિદ્વાનો, વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ અને યાત્રાળુઓ ભારતમાં આવતા હતા. ચીનવાસીઓને મન ગૌતમબુદ્ધ અને બૌદ્ધ ધર્મનું જન્મસ્થાન ભારત એક પવિત્ર તીર્થભૂમિ હતું. ઠેઠ ૧૧મા સૈકા સુધી ચીના યાત્રાળુઓ બોધગયામાં આવતા હતા. આજે પણ ચિનાઈ ભાષાના શિલાલેખો ત્યાં મોજૂદ છે. એ ચિનાઈ પ્રવાસીઓમાં ફાહિયાન, હ્યુએન-ત્સાંગ અને ઇત્સીંગનાં નામ સૌથી સ્મરણીય છે, તે એટલે સુધી કે ભારતના કોઈ પણ ઇતિહાસ એમનાં પ્રવાસવર્ણનોના ઉપયોગ વિના અધૂરો જ ગણાશે. એમાંના હ્યુએન-ત્સાંગ પૂરાં સોળ વર્ષ સુધી ભારતમાં રહ્યો હતો. ભારતના દૂરદૂરના પ્રદેશોમાં તેણે પ્રવાસ કર્યો હતો. અને સૌરાષ્ટ્રમાં વલભીના વિદ્યાપીઠમાં પણ તે આવ્યો હતો. કનોજના હર્ષવર્ધન અને કામરૂપના ભાકરવર્ધન જેવા બળવાન રાજવીઓ સાથે તેણે સંપર્ક સાધ્યો હતો. નાલંદા વિદ્યાપીઠમાં તે પાંચ વર્ષ રહ્યો હતો, અને હમણાં જ જેમને વિષે વાત કરી તે પ્રભાકરમિત્રના ગુરુ આચાર્ય શીલભદ્ર પાસે રહીને ત્યાં તેણે અધ્યયન કર્યું હતું. શીલભદ્ર એ કાળે ભારતના સર્વશ્રેષ્ઠ બૌદ્ધ વિદ્વાન ગણાતા હતા અને સુપ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિઙ્નાગના પ્રશિષ્ય હતા. એમની પાસે હ્યુએન-ત્સાંગે વિજ્ઞાનવાદનો ખાસ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૬૪૫માં ચીન પહોંચ્યા પછી હ્યુએન-ત્સાંગે પોતાના જીવનનાં ૧૯ વર્ષ અનેક વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં તથા પોતાની સાથે લાવેલા બૌદ્ધ ગ્રન્થોના અનુવાદમાં ગાળ્યાં હતાં. ચિનાઈ, તિબેટન તેમ જ ભારતીય વિદ્વાનોની આ અનુવાદપ્રવૃત્તિને કારણે જ, ભારતમાં જેનાં નામ પણ ભુલાઈ ગયાં હતાં એવા અનેક સંસ્કૃત અને પાલિ ગ્રન્થો ચીન અને તિબેટમાં થયેલાં ભાષાન્તરો રૂપે મળ્યા છે. સાતમા-આઠમા સૈકામાં રચાયેલા સંસ્કૃત--ચિનાઈ શબ્દકોશો પણ પ્રસિદ્ધ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે જે કાળમાં ઝડપી વાહનવ્યવહાર વધ્યો તે કાળમાં જ ચીન અને ભારત વચ્ચેનો સાંસ્કારિક સંપર્ક ઘટ્યો. લગભગ એક પચીસી પહેલાં કવિવર ટાગોરે ચીનનો પ્રવાસ કર્યો અને વિશ્વભારતીમાં ચીનભવનની સ્થાપના કરી ત્યારથી એ પ્રકારના આદાનપ્રદાનની નવેસરથી શરૂઆત થઈ એમ કહી શકાય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે દરિયાઈ માર્ગ બિનસલામત હતો ત્યારે ચીન ખાતેના ભારતના એજન્ટ-જનરલ શ્રી. કે. પી. એસ. મેનને ચુંગકીંગ પહોંચવા માટે તેરસો વર્ષ પહેલાં હ્યુએન-ત્સાંગે વર્ણવેલો ખુશ્કી માર્ગ લીધો હતો, એ પણ એક ઐતિહાસિક વૈચિત્ર્ય છે.

[‘સંસ્કૃતિ,’ જૂન ૧૯૫૨]