અન્વેષણા/૧૫. ગુજરાત અને કાશ્મીર : પ્રાચીન સાંસ્કારિક સંપર્ક


ગુજરાત અને કાશ્મીર


-પ્રાચીન સાંસ્કારિક સંપર્ક



ભારતની ભૂગોળમાં જેમ કાશ્મીર મુકુટસ્થાને છે તેમ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ તેનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. કાશ્મીર એ તો કવિ પંડિતો અને વિદ્વાનોનો દેશ, કાશ્મીર એટલે શારદાની રમણભૂમિ. એટલા માટે તો સંસ્કૃતમાં કાશ્મીરની પ્રાચીન લિપિ પણ શારદા લિપિ તરીકે ઓળખાય છે. કાશ્મીરમાં પ્રવરપુર પાસે દેવી સરસ્વતીનું ભવન હતું, ત્યાં એક વિશાળ પુસ્તકાલય હતું. અનેક પ્રકાંડ પંડિતો અને કવિઓનું પરીક્ષકમંડળ ત્યાં બેસતું અને ભારતવર્ષના સંસ્કૃત સાહિત્યકારો એ પરીક્ષકમંડળ પાસે પોતાના ગ્રન્થો માટે સંમતિની મહોર મેળવવામાં કૃતકૃત્યતા માનતા. સંસ્કૃત પંચ મહાકાવ્યો પૈકી એક ‘નૈષધીયચરિત’ના કર્તા શ્રીહર્ષે કાશ્મીરના શારદાપીઠમાં વિરાજતી દેવી શારદા તથા કાશ્મીરી પંડિતો પાસે પોતાના મહાકાવ્ય માટે અભિપ્રાય મેળવવા સારુ કેટલી જહેમત ઉઠાવી હતી એની શ્રુતપરંપરા પંદરમા સૈકામાં થયેલા ગુજરાતી પ્રબન્ધકાર રાજશેખરસૂરિએ પોતાના ‘પ્રબન્ધકોશ’ અથવા ‘ચતુર્વિંશતિ પ્રબન્ધ’ નામે ગ્રન્થમાં વિગતથી આપી છે. અદ્ભુત નિસર્ગશ્રીથી મંડિત કાશ્મીરના ભૌગોલિક સ્થાનો, ત્યાંની હિમાચ્છાદિત ગિરિમાળાઓ અને રમણીય સરોવરોને લગતી અનેક કથાઓ પુરાણો વર્ણવે છે. પ્રાચીન ભારતીય સ્થાપત્યની એક વિશિષ્ટ શાખા કાશ્મીરમાં વિકસી હતી. માર્તંડ મંદિર નામે ઓળખાતું ભગ્ન સૂર્યમંદિર તથા અવન્તિપુરનાં ખંડેરો એના અવશેષો છે. તત્ત્વજ્ઞાનના વિષયમાં ભારતીય શૈવતંત્રની એક શાખા પ્રત્યભિજ્ઞા દર્શન અથવા ત્રિકદર્શનનો વિકાસ કાશ્મીરમાં જ થયો હતો. અને સંસ્કૃત સાહિત્યના વિષયમાં તો કાશ્મીર ભારતમાં મૂર્ધન્ય સ્થાને છે. ભારતના સર્વશ્રેષ્ઠ અલંકારશાસ્ત્રીઓમાંના ઘણા કાશ્મીરમાં થયા છે, અને ભારતીય સાહિત્યવિવેચનમાં છેવટે વિજયી બનનાર ધ્વનિસંપ્રદાયનો મૌલિક વિચાર અને વિકાસ કાશ્મીરી સાહિત્યાચાર્યોએ કર્યો છે. સંસ્કૃત સાહિત્યમાં કાશ્મીરનો ફાળો વિપુલ છે, પણ એમાંથી થોડાંક પ્રતિનિધિરૂપ નામો ગણાવવાં હોય તો મહાન આલંકારિકો આનંદવર્ધન, અભિનવગુપ્ત, અને મમ્મટ, ‘કુટ્ટનીમત’નો કર્તા દામોદરગુપ્ત, નૈયાયિક જયંતભટ્ટ, કાશ્મીરનો સેંકડો વર્ષોનો ઇતિહાસ આલેખતા સુપ્રસિદ્ધ ઇતિહાસ–કાવ્ય ‘રાજતરંગિણી'નો કર્તા કલ્હણ, લલિત અને શાસ્ત્રીય વાઙ્મયના અનેક પ્રકારેમાં જેની પ્રતિભા અને વિવેચનશક્તિ સમાન રીતે વિસ્તર્યાં છે એવો વિપુલ સાહિત્યનો સર્જક ક્ષેમેન્દ્ર, પૈશાચી પ્રાકૃત ભાષામાં રચાયેલા, ગુણાઢ્ય કવિના કથાગ્રન્થ ‘ બહત્કથા ’નો ‘કથાસરિત્સાગર’ નામથી સંસ્કૃતમાં સંક્ષેપ કરનાર સોમદેવભટ્ટ; ‘કર્ણસુન્દરી’ નાટિકા, ‘વિક્રમાંકદેવચરિત' આદિનો કર્તા વિદ્યાપતિ બિરુદ ધરાવનાર બિલ્હણ-વગેરે સંસ્કૃત સાહિત્યાકાશના તેજસ્વી તારકોનો ઉલ્લેખ કરી શકાય. કાશ્મીરની આ વિદ્યાપ્રવૃત્તિ બાકીના ભારતથી જાણે કે તે અલિપ્ત હોય એવી રીતે નહોતી થતી. આજના ઝડપી વાહનવ્યવહારના યુગમાં પણ આપણને આશ્ચર્યજનક લાગે એવો અને એટલો સાંસ્કારિક સંપર્ક એ કાળે ભારતવર્ષના જુદા જુદા પ્રદેશો વચ્ચે હતો. એ સંપર્કનું મુખ્ય નિમિત્ત ચોખંડ ભોમકા ઘૂમી વળતા પરિવ્રાજકો તથા રાજ્યાશ્રય તેમ જ વિદ્યાવિસ્તાર માટે લગાતાર પર્યટન કરતા પંડિતો અને કવિઓ હતા. આ રીતે, ગુજરાત અને કાશ્મીર વચ્ચે પણ ઠીક ઠીક કહી શકાય એવા સાંસ્કારિક સંપર્ક થયો હતો. ગુજરાત અને કાશ્મીરના સંપર્કનો પહેલો પુરાવો આઠમા સૈકાના–કાશ્મીરના રાજા લલિતાદિત્યના શાસનકાળનો છે. એ સમયે લાટ એટલે કે દક્ષિણ ગુજરાતના કય્ય નામે રાજાએ કાશ્મીરમાં વિષ્ણુકય્ય સ્વામીનું મંદિર બંધાવ્યું હતું. એમ ‘રાજતરંગિણી’ લખે છે. ગુજરાતનો રાજા કાશ્મીરમાં મંદિર બાંધે એનું નિમિત્ત એ તવારીખમાંથી બરાબર સ્પષ્ટ થતું નથી, પણ ઐતિહાસિક સન્દર્ભમાં જોઈએ તો એમાંનો કય્ય એ લાટનો રાષ્ટ્રકૂટ રાજા કય્ય પહેલો હોવો ઘટે. કાશ્મીર સાથેના વિદ્યાસંપર્કનો વધારે મહત્ત્વનો વૃત્તાન્ત વિક્રમના બારમા શતકના પૂર્વાર્ધમાં મળે છે. એ સમયે ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણમાં ચૌલુક્ય અથવા સોલંકી વંશનું રાજ્ય હતું. અને સિદ્ધરાજ જયસિંહનો પિતા કર્ણદેવ સોલંકી રાજ્યકર્તા હતો. કર્ણદેવનો મહામાત્ય સંપત્કર નામે હતો, જેને ગુજરાતી ઐતિહાસિક નવલકથાઓના વાચકો શાન્તૂ મહેતાના સુપરિચિત નામથી ઓળખે છે. હમણાં જ જેની વાત કરી તે, વિદ્યાપતિ બિલ્હણ પોતાના વતન કાશ્મીરથી નીકળી અનેક પ્રદેશોમાં પ્રવાસ કરતો પાટણમાં આવી પહોંચ્યો હતો. પાટણની રાજસભામાં એને આશ્રય મળ્યો હતો, ત્યાં રહીને એણે ‘કર્ણસુન્દરી' નાટિકા રચી હતી, અને તે પાટણમાં શાન્ત્યુત્સવ દેવગૃહમાં શાન્તૂ મહેતાએ પ્રવર્તાવેલા પહેલા જૈન તીર્થંકર આદિનાથના યાત્રામહોત્સવમાં ભજવાઈ હતી. બિલ્હણે ‘વિક્રમાંકદેવચરિત’ મહાકાવ્યના છેલ્લા સર્ગમાં પોતાનો આત્મવૃત્તાન્ત આપ્યો છે, એમાં પોતે કાશ્મીરમાં પ્રવરપુર પાસે ખોણમુખ નામે ગામના વતની હોવાનું જણાવે છે. વેદવેદાંગ, વ્યાકરણ અને સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ કરીને તે પ્રવાસે નીકળ્યો; અણહિલપુરમાં આવ્યો ત્યાર પહેલાં તેણે મથુરા, કાન્યકુબ્જ, પ્રયાગ અને કાશીની મુલાકાત લીધી હતી તથા ચેદિદેશના રાજા કર્ણની સભામાં પણ કેટલોક સમય રહ્યો હતો. ચેદિ અને માળવાના રાજાઓ વચ્ચે શત્રુવટ ચાલ્યા કરતી હતી, એટલે માળવાના પાટનગર ધારામાં નહિ જતાં બિલ્હણ અણહિલવાડમાં આવ્યો. અણહિલવાડમાં તે ઠીક ઠીક સમય રહ્યો હશે, કેમકે ત્યાં રહીને તેણે સાહિત્યરચના કરવાની સ્થિરતા મેળવી. પરંતુ ગમે તે કારણથી—સંભવતઃ એના અભિમાની સ્વભાવને કારણે—બિલ્હણે કંઈક અપ્રસન્ન ચિત્તે ગુજરાત છોડયું એમ ‘વિક્રમાંકદેવચરિત’માંના એના આત્મવૃત્તાન્ત ઉપરથી જણાય છે. અણહિલવાડથી તે સૌરાષ્ટ્રમાં સોમનાથ પાટણ આવ્યો અને ત્યાં સોમનાથનાં દર્શન કરીને સમુદ્રમાર્ગે દક્ષિણમાં ગયો. દક્ષિણમાં ઠેઠ રામેશ્વર સુધી યાત્રા કર્યા પછી, હાલના હૈદરાબાદ રાજ્યમાં આવેલા કલ્યાણીના ચૌલુક્ય રાજા વિક્રમાદિત્ય ત્રિભુવનમલ્લની સભામાં તે રહ્યો અને એનાં પરાક્રમો વર્ણવતું ‘વિક્રમાંકદેવચરિત’ નામે કાવ્ય રચ્યું. હવે, બિલ્હણે પાટણમાં રચેલી અને ત્યાં જ ભજવાયેલી ‘કર્ણસુન્દરી’ નાટિકાની વાત આપણે કરીએ. શાન્તૂ મહેતા જેવા જૈન આશ્રયદાતાની સૂચનાથી અને જૈન યાત્રામહોત્સવમાં ભજવવા માટે રચેલી હોવાથી કર્તાએ એની નાન્દીના પ્રારંભિક શ્લિષ્ટ શ્લોકમાં મહાદેવ તેમ જ જિનેશ્વરની સ્તુતિ કરી છે—

अर्हन्नार्हसि मामुपेक्षितुमपि क्षामां त्वदर्थे तनुं
किं नालाकयसे भविष्यति कुतः स्त्रीघातिनस्ते सुखम् ।
अङ्गैः काञ्चनकान्तिभिः कुरु परिष्वङ्गं सुपर्वाङ्गना-
लोकैरित्थमुदीरितः क्षितिधरस्थायी जिनः पातु वः ॥

એની છેલ્લી પંક્તિ ચક્રવર્તી કવિ હર્ષના ‘નાગાનંદ' નાટકના નાન્દી શ્લોકની બુદ્ધસ્તુતિની —

सेर्ष्यं मारवधूभिरित्यभिहितो बुद्धो जिनः पातु वः ।

એ છેલ્લી પંક્તિની યાદ આપે છે. ‘કર્ણસુન્દરી’ નાટિકાના વસ્તુનું બીજ ઐતિહાસિક છે, પણ એની આખી આયોજના કલ્પનાપ્રધાન છે. એની નાયિકા કર્ણસુન્દરી નામે એક વિદ્યાધારી છે. કર્ણ સોલંકી સાથેનો એનો પ્રણય અને પરિણય એક ‘કર્ણસુન્દરી'નું વસ્તુ છે; એની આયોજનામાં કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર' અને હર્ષની ‘રત્નાવલિ’ની સ્પષ્ટ અસર છે. કર્ણસુન્દરી તે બીજી કોઈ નહિ પણ કર્ણની પત્ની મયણલ્લા પોતે, અને એ બન્નેના પ્રણયપ્રસંગનું જ કલ્પનારસ્યું નિરૂપણ ‘કર્ણસુન્દરી’ નાટિકામાં છે એમ વિદ્વાનો માને છે. કર્ણ અને મયણલ્લાનું લગ્ન થયા પછી કદાચ થોડા સમયમાં જ આ નાટિકા રચાઈ હશે. એમાં કોઈ સ્થળે મયણલ્લાનો નામ દઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ એ જ નાયિકા હોવાનું મોઘમ સૂચન મળી જાય છે ખરું. નાટિકાની પ્રસ્તાવનામાં સુત્રધાર કહે છે કે—મારી પત્ની મારાથી પરાઙ્મુખી કેમ લાગે છે? શું કારણ હશે? રાજા સમક્ષ આવેલી દક્ષિણાત્ય નટીએ પોતાની નૃત્યકળા દર્શાવી તે જોઈ ને હું કદાચ સ્વપ્નમાં કાંઈક બોલ્યો હોઈશ; તેથી તે મારા ઉપર અપ્રસન્ન થયેલી જણાય છે—

आस्थानावसरे नरेन्द्रतरणेः सा दाक्षिणात्या नटी
नृत्यन्ती यददर्शि नूतनवयोविधानवधा मया ।
तद्गोष्ठीरसनिर्भरेण किमपि स्वप्ने यदध स्थितं
मन्ये मन्युकषायितेन मनसा तेन स्थिता मे प्रिया ।।

હવે, આચાર્ય હેમચન્દ્રના ‘દ્વયાશ્રય’ મહાકાવ્ય ઉપરથી જણાય છે કે મયણલ્લા કર્ણાટકની રાજકુમારી હતી અને કર્ણ સાથે લગ્ન કરવા માટે તે પોતે જ મોટા રસાલા સાથે દક્ષિણથી અણહિલવાડ આવી હતી. સંભવ છે કે ‘કર્ણસુન્દરી’માંની દાક્ષિણાત્ય નટી એ જ હોય. વળી ઐતિહાસિક બીજવાળાં નાટકોમાં ખરેખરી નાયિકાને વિદ્યાધરી કે દેવકન્યા તરીકે નિરૂપવાની પરંપરા પણ મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યમાં છે. ચૌલુક્યયુગનું પાટણ એ પશ્ચિમ ભારતનું સૌથી સમૃદ્ધ નગર તેમ જ મહાન વિદ્યાધામ હતું અને સમસ્ત ભારતના પ્રસિદ્ધ કવિ પંડિતો એના રાજવીની તેમ જ એના માંડલિકોની સભામાં આવતા. બિલ્હણ સિવાય બીજા પણ કાશ્મીરી પંડિતો એ રીતે આવ્યા હશે. સં. ૧૨૯૩ આસપાસ રચાયેલી ખરતર ગચ્છના જૈનાચાર્યોની એક પટ્ટાવલીની હસ્તલિખિત પ્રતિ બીકાનેરમાં ક્ષમાકલ્યાણના ઉપાશ્રયમાંના ભંડારમાં છે. એમાં જણાવેલું છે કે આચાર્ય જિનપતિસૂરિના શિષ્ય જિનપાલે નગરકોટના રાજા પૃથ્વીરાજની સભામાંના એક કાશ્મીરી પંડિત મનોદાનંદને વાદવિવાદમાં હરાવ્યો હતો. જિનપતિસૂરિનો સમય જોતાં આ બનાવ વિક્રમના તેરમા શતકના બીજા અથવા ત્રીજા ચરણમાં બન્યો હશે. કાશ્મીર સાથેના ગુજરાતના સંપર્કની જાણવા જેવી બીજી વાત બારમા શતકના ઉત્તરાર્ધની — આચાર્ય હેમચન્દ્રના સમયની છે. હેમચન્દ્ર આચાર્ય થયા ત્યાર પહેલાંનું એમનું નામ સોમચન્દ્ર હતું. એમના વિદ્યાભ્યાસ વિષે ‘પ્રભાવકચરિત’ આ પ્રમાણે લખે છે: ‘પછી સોમચન્દ્ર મુનિએ ચન્દ્રસમાન ઉજ્જવળ પ્રજ્ઞાબળથી તર્ક, લક્ષણ અને સાહિત્યવિદ્યાનો અભ્યાસ કરી લીધો......તેમણે એક વાર વિચાર કર્યો કે ‘ચકોર પક્ષી જેમ ચંદ્રની જ્યોત્સ્નાને આરાધે તેમ હું કાશ્મીરવાસિની દેવીની આરાધના કરીશ.' પછી તેમણે ગુરુની આજ્ઞા લઈને તામ્રલિપ્તિ એટલે કે ખંભાતથી કાશ્મીર તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં તેઓ શ્રીનેમિનાથના રૈવતાવતાર તીર્થમાં રહ્યા. ત્યાં મધ્યરાત્રે ધ્યાન ધરતાં એ બ્રહ્મમહોદધિને દેવી બ્રાહ્મી પ્રત્યક્ષ થઈ, અને બોલી કે ‘હે સ્વચ્છબુદ્ધિ વત્સ ! તું દેશાન્તરમાં જઈશ નહિ. હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું; અહીં જ તને ઇષ્ટ સિદ્ધિ થશે.’ આથી બાકીની રાત્રિ દેવીની સ્તુતિમાં ગાળીને પ્રભાતે મુનિ ઉપાશ્રયમાં આવ્યા, અને વિનાક્લેશે, વિદ્વાનોમાં શ્રેષ્ઠ એવા સિદ્ધસારસ્વત થયા.’ આ વર્ણનનો અર્થ આપણે એવો કરી શકીએ કે ઉચ્ચ વિદ્યાભ્યાસની જે સરળતા કાશ્મીરમાં મળી શકત તે હેમચન્દ્રને ગુજરાતમાં જ મળી, અને તેઓ ‘કલિકાલસર્વજ્ઞ' બન્યા. કાશ્મીરી ગુરુઓના શિક્ષણનો લાભ એમને ગુજરાતમાં રહ્યાં રહ્યાં મળ્યો હશે એવું પણ અનુમાન એ ઉપરથી થાય. હેમચન્દ્રના ‘કાવ્યાનુશાસન’ ઉપર મમ્મટના ‘કાવ્યપ્રકાશ'ની જે ઊંડી અસર છે તેથી અનુમાન બલવત્તર બને છે. રાજા સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર વિજય કરીને આવ્યો અને તેની વિનંતીથી હેમચન્દ્રે ‘સિદ્ધહૈમ વ્યાકરણ' લખવાનું સ્વીકાર્યું ત્યારે તેમણે પહેલી માગણી એ કરી કે—કાશ્મીરમાં ભારતી દેવીના કોશમાં આઠ વ્યાકરણો છે તે મને મંગાવી આપો તો જ આ શબ્દશાસ્ત્ર સારી રીતે રચી શકાય. સિદ્ધરાજે પોતાના માણસોને કાશ્મીર મોકલ્યા. ત્યાં પ્રવરપુરમાં પહોંચીને તેઓએ દેવીની સ્તુતિ કરી, એટલે દેવીએ પ્રસન્ન થઈને પોતાના અધિકારીઓને કહ્યું કે, ‘શ્વેતાંબર હેમચન્દ્ર મારા કૃપાપાત્ર છે—જાણે કે મારી બીજી મૂર્તિ છે; માટે તેમને જોઈતાં પુસ્તકો મોકલો’ આથી ભારતી દેવીના અધિકારીઓએ ઉત્સાહ નામે પંડિતને પુસ્તકો આપીને સિદ્ધરાજના માણસો સાથે ગુજરાત મોકલ્યો. આ ઉત્સાહ પંડિત અગાઉ પણ ગુજરાતમાં આવી ગયેલો હતો. સિદ્ધરાજની સભામાં દિગંબર આચાર્ય કુમુદચન્દ્ર અને શ્વેતાંબર દેવસૂરી વચ્ચે વાદવિવાદ થયો ત્યારે પ્રમુખપદે બેસતા રાજાને સહાય કરવા માટે જે ચાર સભ્યો નિમાયા હતા તે પૈકી, શારદા દેશમાં જેની વિદ્વત્તા પ્રસિદ્ધ હતી એવો, આ ઉત્સાહ પણ હતો એમ, એ વાદવિવાદ વર્ણવતા નાટક ‘મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણ’નો કર્તા યશશ્ચંદ્ર લખે છે. નાટકમાં ઉત્સાહના મુખમાં જે ઉક્તિઓ મુકાઈ છે તે ઉપરથી એ વૈયાકરણ લાગે છે. ઉત્સાહ પંડિત કાશ્મીરથી વ્યાકરણો લઈને આવ્યો એ પછી હેમચન્દ્રે પોતાનું ‘સિદ્ધહૈમ’ વ્યાકરણ રચ્યું. રાજાની આજ્ઞાથી ત્રણસો લહિયા બેસાડીને એની સેંકડો નકલો કરાવીને ભારતના જુદા જુદા પ્રદેશોમાં મોકલવામાં આવી. એમાંથી વીસ નકલો આદરપૂર્વક કાશ્મીરમાં મોકલી હતી એમ ‘પ્રભાવકચરિત’ નોંધે છે.. ગુજરાત અને કાશ્મીર વચ્ચે એ કાળે એટલો ઘનિષ્ઠ સંપર્ક હતો કે કાશ્મીરમાં રચાયેલા ગ્રંથોની નકલો સૌથી પહેલાં ગુજરાતમાં આવી જતી અને અહીં તેમનું અધ્યયન—અધ્યાપન થતું. મમ્મટનો ‘કાવ્યપ્રકાશ' રચાયો એ પછી થોડાં વર્ષમાં જ ગુજરાતમાં સાહિત્યશાસ્ત્રનો મહત્ત્વનો પાઠ્યગ્રંથ બન્યો હતો અને તે ઉપરની બે સૌથી પ્રાચીન અને પ્રમાણભૂત ટીકાઓ—એક મંત્રી વસ્તુપાલના મિત્ર, આચાર્ય માણિક્યચંદ્રની અને બીજી સારંગદેવ વાઘેલાના સમકાલીન જયંતની-ગુજરાતમાં રચાઈ છે. મમ્મટ, અલટ, લોલ્લટ, સદ્રટ-આદિ ‘ટ'કારાન્ત કાશ્મીરી નામોના સાદૃશ્યથી મધ્યકાલીન ગુજરાતના બ્રાહ્મણોમાં વજ્રટ, ઊવટ અને આમટ જેવાં નામો પડ્યાં. કાશ્મીરમાં રચાયેલા સંસ્કૃત ગ્રંથોની જેટલી પ્રાચીન હાથપ્રતો ગુજરાતના ગ્રંથભંડારોમાં સચવાઈ છે એટલી ભારતમાં બીજે ક્યાંય નથી. જયંતભટ્ટની ‘ન્યાયકલિકા,’ દામોદરગુપ્તનું ‘કુટ્ટનીમત’ અથવા ‘શુંભલીમત,' ઉદ્ભટનો ‘અલંકારસારસંગ્રહ' તથા તે ઉપરની પ્રતિહારેન્દુરાજની વૃત્તિ, વામનનો ‘કાવ્યાલંકાર,’ કુન્તકનું ‘વક્રોક્તિજીવિત,' રુદ્રટનો ‘કાવ્યાલંકાર' મહિમભટ્ટનો 'વ્યક્તિવિવેક', મુકુલભટ્ટની ‘અભિધાવૃત્તિમાતૃકા', મમ્મટનો ‘કાવ્યપ્રકાશ,' જયદેવના ‘જયદેવચ્છન્દસ્’ ઉપરની હર્ષટની ટીકા –આ અને આવા બીજા ગ્રંથોની બારમા, તેરમા અને ચૌદમા સૈકામાં લખાયેલી તાડપત્રીય પ્રતો પાટણ અને જેસલમેરના ભંડારમાં મોજૂદ છે, અને એ બધા ગ્રંથો છપાઈ ગયા હોવા છતાં એમને શુદ્ધ કરવા માટે અતિમહત્ત્વની છે. ગુજરાત અને કાશ્મીરના આ સંપર્કની અસર જૂના ગુજરાતી સાહિત્યમાં પણ ચાલુ રહેલી છે, અને સંખ્યાબંધ કાવ્યોના મંગલાચરણમાં સરસ્વતીની સ્તુતિ એને ‘કાશ્મીરમુખમંડની' તરીકે વર્ણવીને કરેલી છે. અનેક આસ્માની–સુલ્તાની અને અલગ સ્વતંત્ર રાજ્યો થયાં છતાં ભૂતકાળમાં ભારતની સાંસ્કારિક એકતા હંમેશાં અતૂટ રહી છે. માત્ર ગુજરાત અને કાશ્મીર નહિ, પણ ભારતના સર્વ પ્રાન્તોના પારસ્પરિક સંપર્કનો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. ભારતના વિવિધ પ્રદેશો દેખીતા વૈવિધ્યમાં અનુસ્યૂત રહેલી આ લાક્ષણિક એકતા વિકસાવો, અને પ્રત્યેકમાં જે સારું હોય તેના આદાનપ્રદાન દ્વારા પરસ્પરને ઉન્નત અને સત્ત્વશીલ બનાવો !

[‘સંસ્કૃતિ’, ફેબ્રુઆરી ૧૯૫૧]