અન્વેષણા/૩૦. ભાષાવિજ્ઞાન અને અન્ય વિદ્યાઓ


ભાષાવિજ્ઞાન અને અન્ય વિદ્યાઓ



ભાષા એ મનુષ્યના વ્યવહારનું સૌથી મહત્ત્વનું સાધન છે. સંસ્કૃત આલંકારિક દંડીએ કહ્યું છે તેમ, જો શબ્દ નામનો જ્યોતિ ન હોત તો આ જગત અંધકારમય હોત. શબ્દમાં રહેલી, અર્થ વ્યક્ત કરવાની ચમત્કારિક શક્તિને કારણે આપણા દેશમાં એને ‘શબ્દબ્રહ્મ’ કહીને પરમાત્મકોટિએ મૂકવામાં આવ્યો છે. પણ જગતમાં ભાષાઓ અનેક છે અને એમનાં બંધારણ અથવા અર્થ વ્યક્ત કરવાની એમની વ્યવસ્થા એકબીજાથી ભિન્ન છે. આ બતાવે છે કે ભાષા એ સ્વયંભૂ અથવા ઈશ્વરકૃત નથી, પણ માનવે બનાવેલી છે. પ્રત્યેક બાળકે પોતાની માતૃભાષા પણ પ્રયત્નપૂર્વક શીખવી પડે છે. ભાષાનો વ્યવસ્થિત અભ્યાસ કરનારું શાસ્ત્ર તે ભાષાશાસ્ત્ર અથવા ભાષાવિજ્ઞાન. એ અભ્યાસ વર્ણનાત્મક દૃષ્ટિએ, ઐતિહાસિક દૃષ્ટિએ તેમ જ ચિત્તના વ્યાપારોની દૃષ્ટિએ અર્થાત શબ્દાર્થના ફેરફારોની દૃષ્ટિએ થાય. વ્યાકરણ, ઉચ્ચારશાસ્ત્ર અને ભાષાતત્ત્વનો શાસ્ત્રીય વિચાર જગતમાં સૌ પહેલાં ભારતમાં થયો છે એ સુપ્રસિદ્ધ હકીકત છે. આશરે અઢી હજાર વર્ષ પહેલાં પાણિનિએ પોતાના વ્યાકરણમાં સંસ્કૃત ભાષાનું જે સાંગોપાંગ શાસ્ત્રીય વર્ણન કર્યું છે તે અજોડ છે એમ આધુનિક ભાષાવૈજ્ઞાનિકો સ્વીકારે છે. પાણિનિના વ્યાકરણ ઉપર ‘મહાભાષ્ય' લખનાર પતંજલિએ, ‘વાક્યપદીય’ના કર્તા ભર્તૃહરિએ અને બીજા અનેક વિદ્વાનોએ ભાષાની ફિલસૂફી વિષે મૂલ્યવાન વિવેચન કર્યું છે. વૈયાકરણો ઉપરાંત આલંકારિકો, નૈયાયિકો અને મીમાંસકોએ ભાષા પરત્વે તથા ભાષામાં અર્થની અભિવ્યક્તિ વિષે ગંભીર ચિન્તન કર્યું છે. પરન્તુ ઈસવી સનની અઢારમી સદીના અંતમાં સંસ્કૃત ભાષાની જાણ્ યુરોપના વિદ્વાનોને થતાં, એક તરફ સંસ્કૃત તથા બીજી તરફ દૂર પશ્ચિમની પ્રાચીન-અર્વાચીન ભાષાઓ એ બે વચ્ચેના માર્મિક સામ્યને કારણે યુરોપની ભાષાવિકાસને લગતી માન્યતાઓમાં એક પ્રકારની ક્રાન્તિ થઈ અને તુલનાત્મક ભાષાશાસ્ત્રનો ઉદય થયો. બીજા અનેક શાસ્ત્રો અને વિજ્ઞાનોની જેમ, ઓગણીસમી સદીમાં એનો ભારે વિકાસ થયો. પ્રાચીન ભાષાઓના સાહિત્ય સાથે એ વિષય સંકળાયેલો હોઈ પહેલાં એ વિષયને અંગ્રેજીમાં Philology ( ભાષાશાસ્ત્ર) અથવા Comparative Philology (તુલનાત્મક ભાષાશાસ્ત્ર) કહેતા; હવે એ વિષય Linguistics (ભાષાવિજ્ઞાન) તરીકે ઓળખાય છે. ગૌણમુખ્યભાવથી કહીએ તો, ભાષાવિજ્ઞાનનો ભાર સાહિત્યના અધ્યયન ઉપર નહિ, પણ ભાષાના અધ્યયન ઉપર છે. ભાષાવિજ્ઞાનનાં મૂળ, હમણાં કહ્યું તેમ, ખૂબ પ્રાચીન હોવા છતાં એક જ્ઞાનશાખા તરીકે એ વિષય પ્રમાણમાં નવો છે. આજકાલ Integrated Knowledge—જ્ઞાનની એકતાની વાતો વિદ્યાલયોમાં સર્વત્ર સંભળાય છે. નિષ્ણાતપણાના અતિરેકની ત્રુટિ પૂરવા માટે General Education—વ્યાપક શિક્ષણનો ખ્યાલ અને પ્રવૃત્તિ કેટલાંક વર્ષ પહેલાં અમેરિકાથી આયાત થયાં છે. પણ ભારતવાસીઓ તરીકે આપણે યાદ રાખવા જેવું છે કે આ વિચાર આપણા દેશમાં કંઈ નવો નથી. આપણા સાધકોએ જ્ઞાનની એકતાના ખ્યાલને કેન્દ્રવર્તી રાખીને જ્ઞાનસાધના કરી છે. સંસ્કૃતમાં એક સ્થાને કહ્યું છે—एकेन विज्ञातेन सर्वं विज्ञातं भवति । અર્થાત્ ‘એકને જાણવાથી સર્વને જાણી શકાય છે.’ જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે—जे एगं जाणइ से सव्वं जाणइ । અર્થાત્ ‘જે એકને જાણે છે તે સર્વને જાણે છે.’ એનો સાર એ થયો કે જ્ઞાન એક અને અવિભાજ્ય છે; એની શાખાઓ તો આપણી સગવડ અને સરળતા ખાતર છે. આ સર્વ શાખાઓ કે ક્ષેત્રોની સીમાઓ જોડાયેલી હોઈ એકમાં ઊંડું કામ કરતાં બીજા અનેક ક્ષેત્રોને અનિવાર્ય રીતે સ્પર્શ કરવો પડે છે, તેમનો પરિચય કેળવવા પડે છે, અને પ્રસંગોપાત્ત એમાંયે જરૂરી કામ કરવું પડે છે. આથી, ઘણીયે વાર એમ બને છે કે એક વિષયનો અભ્યાસી તે વિષયનો અભ્યાસ કરતાં કરતાં બીજા વિષય કે વિષયોમાં ચાલ્યો જાય છે, અને તે નવા વિષયનો વિશિષ્ટ વિદ્વાન કે અભ્યાસી બને છે. છેવટે તો, આ પ્રશ્ન વિદ્યાશાખાઓના આંતરસંબંધોનો છે. માનવની સર્વ પ્રવૃત્તિ અને વ્યવહારના મુખ્ય સાધનરૂપ તથા સર્વ વિદ્યાઓના આવિષ્કાર અને અભિવ્યક્તિના મુખ્ય માધ્યમરૂપ ભાષાના અધ્યયનની વાત હોય ત્યાં તો આ વિધાન સવિશેષ વાસ્તવિક છે. આ દૃષ્ટિએ, જે વિજ્ઞાન કે વિદ્યાઓ સાથે ભાષાવિજ્ઞાનને પ્રમાણમાં નિકટનો સંબંધ છે એ વિષે થોડું વિચારીએ, એમાં સૌ પ્રથમ મનોવિજ્ઞાન (Psychology)નો વિચાર કરવો જોઈએ. મનોવિજ્ઞાન એ માનસિક ઘટનાઓ અને પરિસ્થિતિઓનું અવલોકન, અધ્યયન અને સંશોધન કરનારું શાસ્ત્ર છે. ભાષાનો ઉદ્ભવ ખરેખર તો માણસના ચિત્તમાં થાય છે. ચોપડીઓમાં છપાય છે અને આપણે વાંચીએ છીએ તે ખરેખર ભાષા નથી, પણ ભાષાનું લિપ્યંતર છે, લિપિના સંકેતો દ્વારા રજૂ થતું એનું રૂપ છે. વાસ્તવિક રીતે તો, ભાષા એના ભાષકોના ચિત્તમાં રહેલી છે; ભાષકથી ભિન્ન એવું ભાષાનું કોઈ અસ્તિત્વ નથી. ચિત્તના ઊંડાણમાં ઉદ્ભવતી ભાષા, બોલનારના મુખમાં રહેલા સ્વરયંત્ર દ્વારા સ્થૂલ આવિષ્કાર પામે છે. આથી વેદાન્તમાં પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એવાં વાણીનાં ચાર રૂપો કલ્પેલાં છે; એમાંની વૈખરી એવાં સ્થૂલ ધ્વનિરૂપે પ્રગટ થતી વાણી છે. કેટલાક અભ્યાસીઓ માને છે કે ભાષા આવિષ્ક્રિયમાણ ચિત્ત છે. ભર્તૃહરિ તો એટલે સુધી કહે છે કે શબ્દ વિના કોઈ પ્રત્યય અર્થાત્ સ્પષ્ટ વિચાર સંભવતો નથી; જોકે કેટલાક અર્વાચીન મનોવૈજ્ઞાનિકો આ મતનો સ્વીકાર કરતા નથી. ચિત્તમાં વિચારો કેમ ઊઠે છે અને કઈ ઘટનાઓ દ્વારા વાણીરૂપે વ્યક્ત થાય છે, એક શબ્દના અનેક અર્થો હોવા છતાં એક સમયે એક વિશિષ્ટ અર્થ જ કેમ ઉદ્ભાસિત થાય છે. અને બીજા નિમિત્તો સાથે એમાં કેવાં માનસિક બળો કામ કરે છે, ભાષાના રૂપપરિવર્તનમાં બીજાં તત્ત્વો ઉપરાંત ચિત્તવૃત્તિઓનો ફાળો હોય તો કેટલો?—આવા પ્રશ્નોના વિમર્શમાં ભાષાવિજ્ઞાનને મનોવિજ્ઞાનની સહાય લેવી પડે છે. તર્કશાસ્ર (Logic) એ વિચારોની વ્યવસ્થાનું શાસ્ત્ર છે. ન્યાય(Syllogism)રૂપે એમાં સામાન્યતઃ તર્કસરણી ગોઠવાતી હોઈ એને ન્યાયશાસ્ત્ર પણ કહે છે. સંસ્કૃતમાં એનું એક નામ આન્વીક્ષિકી છે. સર્વ વિદ્યાઓનો એ પ્રદીપ ગણાય છે અને તેના જ્ઞાન વડે બીજા શાસ્ત્રોના અધ્યયનની યોગ્યતા પ્રાપ્ત થાય છે એમ મનાયું છે. તર્કશાસ્ત્ર એ વિજ્ઞાનોનું વિજ્ઞાન અને કલાઓની કલા છે—એ આશયની એક પ્રચલિત ઉક્તિ અંગ્રેજીમાં પણ છે. ખરું જોતાં વૈજ્ઞાનિક પદ્ધતિ(Scientific Method) એ તાર્કિક પદ્ધતિ છે અને એના વિનિયોગ બીજા સર્વ શાસ્ત્રોની જેમ ભાષાવિજ્ઞાનમાં પણ છે. સામાન્ય અર્થબોધક શબ્દો અર્થસંકોચ કેવી રીતે પામે છે અને વિશિષ્ટ અર્થબોધક શબ્દોનો અર્થવિસ્તાર શી રીતે થાય છે એ સમજાવવામાં તર્કશાસ્ત્રની કેટલીક પ્રત્યક્ષ સહાય પણ મળે છે, તર્કશાસ્ત્ર સાથે નિકટનો સંબંધ ધરાવતી વિદ્યા ફિલસૂફી કે તત્ત્વવિદ્યા છે. પ્રાચીન ભારતમાં ભાષાવિમર્શ સાથે તત્ત્વવિમર્શ ઘનિષ્ઠ સંબંધથી જોડાયેલો છે. અર્થ વ્યક્ત કરવાનું શબ્દનું જે ચમત્કારિક સામર્થ્ય, એને લગતું ચિન્તન, શબ્દની નિત્યતાનું પ્રતિપાદન અને શબ્દની વિવિધ શક્તિઓની મીમાંસા—એ સર્વમાં ભાષાવિષયક તત્ત્વચિંતન વ્યક્ત થાય છે. એ તત્ત્વચિંતનની પરાકાષ્ટા ભર્તુહરિના ‘વાક્યપદીય’માં દેખાય છે. ભર્તુહરિ કહે છે કે અનાદિનિધન, અમર, શબ્દતત્ત્વરૂપી બ્રહ્મના અર્થભાવે વિવર્તો થાય છે, જેનાથી જગતની ક્રિયા ચાલે છે. આજે પણ, ભાષાવિજ્ઞાનના એક મહત્ત્વના અંગરૂપ શબ્દાર્થશાસ્ત્ર( Semantics)ના ઉચ્ચ અધ્યયન અને સંશોધનમાં તત્ત્વવિદ્યાનો તથા તેણે વિકસાવેલી વિવિધ પદ્ધતિઓનો આશ્રય લેવો પડે છે. શરીરવિજ્ઞાન અથવા શરીરક્રિયાવિજ્ઞાન (Physiology)ની સહાય પણ ભાષાવિજ્ઞાન લે છે. ભાષા જ્ઞાનતંતુઓ દ્વારા પ્રેરિત થઈ, મનુષ્યના મુખમાંથી, નિશ્ચિત ધ્વનિઓરૂપે વ્યક્ત થાય છે. ભાષાવિષયક ધ્વનિવિજ્ઞાનના ત્રણ ભાગ છે–ધ્વનિનું નિર્માણ, એનું અન્ય વ્યક્તિ તરફ પરિવહન અને તે વ્યક્તિદ્વારા ધ્વનિનું શ્રવણ. ધ્વનિનું નિર્માણ કેવી રીતે થાય છે, ફેફસાંમાંનો વાયુ કંઠ અને મુખમાં થઈ નીકળે તથા જીભ જુદાં જુદાં સ્થાનોને સ્પર્શ કરે તે અનુસાર જુદા જુદા ધ્વનિઓ કેવી રીતે પેદા થાય એ વાચિક અવયવોના અભ્યાસથી સમજાય છે, ઉચ્ચારાયેલ ધ્વનિઓને સાંભળનારના કાન કેવી રીતે ગ્રહણ કરે છે અને મગજ સુધી પહોંચાડે છે એ વસ્તુ પણ શરીરવિજ્ઞાનના ક્ષેત્રમાં આવે. વળી, આજકાલ શિક્ષણના પ્રચાર સાથે લિખિત ભાષાનું મહત્ત્વ વધતું જાય છે. આંખ કેવી રીતે લખાણને વાંચે છે, અને એમાંના અનુચ્ચરિત શબ્દને મગજમાં લઈ જાય છે એ પણ આંખના અને જ્ઞાનતંતુઓના અભ્યાસથી સમજાય છે. આમાંથી ભૌતિકવિજ્ઞાન(Physics) સાથે ભાષાનો સંબંધ જોડાય છે. આપણાં પ્રાચીન દર્શનોમાં આકાશને ‘શબ્દગુણ' કહ્યું છે, કેમકે આકાશ અથવા અવકાશમાં થઈને શબ્દ સંક્રમણ પામે છે—સંચરે છે. અહીં ‘શબ્દ’નો અર્થ ‘ધ્વનિ’ છે. એક સ્થાનેથી બીજે સ્થાને, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિ તરફ એના પરિવહનની સમજૂતી ભૌતિકવિજ્ઞાન આપી શકે. ધ્વનિ આકાશમાં કેવી રીતે વિસ્તરે છે તથા ભાષાના ધ્વનિઓ અને અન્ય ધ્વનિઓમાં કેવું અંતર છે એનો ખુલાસો પણ એમાંથી મળે. હવે તો પ્રયોગાત્મક ધ્વનિવિજ્ઞાન વિકસ્યું છે અને ધ્વનિવિષયક પ્રયોગશાળાઓ સ્થપાઈ છે તથા ધ્વનિમાપનની યંત્રસામગ્રી તૈયાર થઈ છે. ભૌતિકવિજ્ઞાનની કાર્યપદ્ધતિનું અનુકરણ કરીને ધ્વનિનાં મૂલતત્ત્વો વિષે ઘણું ભાષાકીય સંશોધન છેલ્લા ત્રણેક દાયકાઓમાં થયું છે. સમાજશાસ્રને પણ ભાષાવિજ્ઞાન સાથે નિકટનો સંબંધ છે. માનવસમાજોનો વિકાસ તથા એના નિયમો એ સમાજશાસ્ત્રનો અભ્યાસવિષય છે. ભાષા એ વિચારવિનિમયનું સાધન છે. વિચારવિનિમય મનુષ્યસમાજમાં થાય છે. સમાજ પોતાની અંગભૂત વ્યક્તિને પોતાની ભાષા આપે છે; વ્યક્તિને એ ભાષાનો યથાવત્ સ્વીકાર કરવાનો હોય છે. પોતાની ઇચ્છાનુસાર, ભાષામાં કશો ફેરફાર વ્યક્તિ કરી શકતી નથી, કેમકે ભાષા એક સર્વસંમત વ્યવસ્થા છે અને તેની કાર્યક્ષમતાનો આધાર સામાજિક દૃષ્ટિએ તેની સ્પષ્ટતા ઉપર છે. સામાજિક રૂઢિઓ તેમ જ નિષેધોનું પ્રતિબિંબ ભાષાના પ્રયોગોમાં કેવી રીતે પડે છે એ અભ્યાસનો એક રસપ્રદ વિષય છે. આદિવાસી સમાજોની સંસ્કૃતિના અધ્યયનમાં ભાષાવિજ્ઞાનનો એક ખાસ ઉપયોગ છે. શિક્ષણના સાર્વત્રિક પ્રચારને કારણે, આદિવાસી બોલીઓનો વ્યાપ ઉત્તરોત્તર ઓછો થતો જશે, શિષ્ટ ગણાતી ભાષાનો તેના ઉપર પ્રભાવ વધતાં બોલીઓનો સ્વરૂપ ઉત્તરોત્તર મિશ્ર બનતું જશે, અને અમુક વર્ષો પછી એ લુપ્ત થઈ જવાનો પણ પૂરો સંભવ છે, કેમકે કોઈ પણ ભાષા કે બોલી એના સતત ઉપયેાગ વિના ટકી શકતી નથી. આદિવાસી સમાજોના અભ્યાસ સાથે તેમની બોલીઓની પણ પૂરી નોંધ અને પર્યેષણા કરી લેવાં જોઈએ. એમાં ભાષાવિજ્ઞાનનો સહકાર અનિવાર્ય છે. ભાષાવિજ્ઞાન સાથે ઇતિહાસનો સંબધ અત્યંત નિકટનો છે, ભાષાના અધ્યયનનો સમાવેશ માનવવિદ્યાઓમાં થતો હોય અને એમાં માનવતત્ત્વને પ્રાધાન્ય મળતું હોય તો તે ઇતિહાસ અને સાહિત્ય સાથેના તેના સંબંધને કારણે, શબ્દોનાં ચરિત્રોમાં ઇતિહાસ આપોઆપ વ્યક્ત થાય છે. આ રીતે ભાષા એ ઇતિહાસનું એક સાધન છે—બલકે, બીજાં સર્વ સ્થૂલ સાધનોનો અભાવ હોય ત્યાં ભાષાનું સાધન ઉપયોગમાં આવે છે એ એની એક વિશેષતા છે. ભાષાની અગત્ય ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસમાં લગભગ દસ્તાવેજી પુરાવા જેવી છે. વીતી ગયેલા જમાનાઓ પોતાનાં પદચિહ્નો ભાષામાં મૂકી ગયેલા છે; એ ચિહ્નો કાળાન્તરે ઘસાઈ કે બદલાઈ જાય છે અને સામાન્ય ભાષકની દૃષ્ટિએ ભુલાઈ જાય છે, તોપણ એમનો કાલાનુક્રમિક અભ્યાસ હંમેશાં માહિતીપૂર્ણ અને મનોરંજક હોય છે. આ પ્રકારના અભ્યાસ કરનારી, ભાષાવિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા છે અને તે ભાષાશ્રયી પુરાતત્ત્વ (Linguistic Palaeontology ) તરીકે ઓળખાય છે. સમયના પરિવર્તન સાથે પ્રત્યેક યુગમાં પરિસ્થિતિને અનુરૂપ નવા શબ્દો ભાષામાં પ્રવેશે છે અથવા જૂના શબ્દનાં નવાં અર્થાન્તરો જન્મે છે. માનવનું ચિત્ત તથા એની આસપાસની ભૌતિક પરિસ્થિતિ તેમ જ એ બંનેનો સંપર્ક અને સંઘર્ષ એ રીતે ભાષામાં સદાકાળ આવિષ્કાર પામ્યાં કરે છે. ઇતિહાસ સાથે ભૂગોળ યાદ આવે. ભાષાવિજ્ઞાનને ભૂગોળ પણ સહાય કરે છે. પર્વત, રણ અને સમુદ્ર ભાષાના પ્રસારમાં કેટલીક મુશ્કેલી ઊભી કરે છે. મેદાનને મુકાબલે પહાડી પ્રદેશોમાં, વ્યવહાર અને સંપની મુશ્કેલીને કારણે, બોલીભેદો વધી જાય છે, સ્થળનામોનો અભ્યાસ, બીજી બાબતો સાથે, ભાષાના ઇતિહાસ ઉપર પણ પ્રકાશ પાડે છે. વ્યાકરણ, એના સાચા અર્થમાં, તર્કશાસ્ત્રના જેવી જ, ચિન્તનશક્તિને વ્યવસ્થિત અને સ્પષ્ટ સહાય કરનારી વિદ્યા છે. તર્કશાસ્ત્રમાં જેમ વિચારોની વ્યવસ્થા છે તેમ વ્યાકરણમાં ભાષાની વ્યવસ્થા છે. ભાષાના ધ્વનિઓ અને શબ્દરૂપોની સામગ્રી વ્યાકરણ એકત્ર કરે છે તથા તે ભાષાની તંત્રરચના અને એ બોલનાર સમાજની ભાષા–રૂઢિઓ સમજાવે છે. આ સામગ્રીનો યથેચ્છ ઉપયોગ ભાષાવિજ્ઞાન કરે છે. પરસ્પર સંબંધ ધરાવતી ભાષાઓના અધ્યયન દ્વારા, ભાષાવૈજ્ઞાનિક પદ્ધતિએ, તુલનાત્મક અને ઐતિહાસિક વ્યાકરણો રચાય છે. છેલ્લે, વાઙ્ગમય અથવા સાહિત્યની વાત. સાહિત્યનું ઉપાદાન ભાષા છે. એ બંને એટલાં તો પરસ્પરાવલંબી છે. એ વિષે જેટલું કહીએ તેટલું ઓછું. પ્રાચીન વાઙ્ગયના તુલનાત્મક અધ્યયન વિના ભાષાવિજ્ઞાન અસ્તિત્વમાં જ ન આવ્યું હોત. સંસ્કૃત કવિ રાજશેખરે ‘બાલરામાયણ' નાટકની નાન્દીમાં વાઙ્ગયના આનંદ વિષે કહ્યું છે—

प्रसत्तेर्यः पात्रं तिलकयति यं सूक्तिरचना
यदाद्यः स्वादूनां श्रुतिचुलुकलेह्येन मधुना ।
यदात्मानो विद्याः परिणमति यश्चार्थ वपुषा
स गुम्फो वाणीनां कविप्रवरसेव्यो विजयते ॥

(અર્થાત્ પ્રસન્નતાનું જે પાત્ર છે, સૂક્તિરચના જેના તિલકસમાન છે, કર્ણ દ્વારા આસ્વાદ કરવા લાયક મધુ વડે સ્વાદિષ્ટ ચીજોમાં જે પ્રથમ છે, વિદ્યાઓ જેની અંદર છે, અને અર્થશરીરરૂપે જે પરિણામ પામે છે—એવો, કવિશ્રેષ્ઠોએ સેવેલ વાણીનો ગુમ્ફ વિજય પામે છે.) ‘વાણીના ગુમ્ફ’નું યથાર્થ અધ્યયન એ ભાષાવિજ્ઞાનનો ઉદ્દેશ તેમ જ એની પરમ સફળતા છે.


[‘બુદ્ધિપ્રકાશ’, ડિસેમ્બર ૧૯૬૬]