અભિમન્યુ આખ્યાન/કડવું ૧૮

કડવું ૧૮

[યાદી કરતાંય વિશેષ મોસાળું કરનાર કૃષ્ણ દ્રૌપદીને વીસરી ગયા! દ્રૌપદીએ અર્જુનને શાપવાનું તો ટાળ્યું, પણ મનકલ્પના કહી સંભળાવી કે સુભદ્રા અને અર્જુન પુત્રવધૂનું સીમંત નહિ જુએ. અને આજે ચીર પૂરવાને બદલે દુઃખવેળાએ ચીર પૂરવાનું કૃષ્ણ પાસે માગી લીધું.

આવું વિસ્મરણ એ પણ હકીકતે તો કૃષ્ણની કપટયોજનાનો જ એક ભાગ હતો! ભાણેજવધ માટે શાપનું એક નિમિત્ત એમણે દ્રૌપદી દ્વારા ઊભું કરી લીધું.]


રાગ ધનાશ્રી

જે જે લખાવ્યું પવનપુત્રે, તે આપ્યું અવિનાશ જી;
વિશેષ કીધું વિશ્વંભરે, સર્વની પહોતી આશ જી.          ૧

પહેરામણી કરી પાંડવને, પરવર્યા વનમાળી જી;
તેણી વેળા વીસરી ગયા, હરિ-હળધર પાંચાળી જી.          ૨

ક્રોધ કરી બોલ્યાં પટરાણી, સુભદ્રાની પ્રત્યે જી;
‘બાઈ! હરિ તો ભ્રાત છે મારો, પણ સંત્રશ કીધો સત્ય જી.’          ૩

એવું કહી ગઈ અંતઃપુરમાં, અર્જુનને દેતી આળ જી;
સુભદ્રા ગઈ કૃષ્ણની પાસે, પડી પેટમાં ફાળ જી.          ૪

સાન કરી કહ્યું હરિ પ્રત્યે, ‘વીસર્યા પટરાણી જી;’
એકે શ્વાસે ધાઈ આવ્યા, ઘરમાં સારંગપાણિ જી.          ૫

દ્રૌપદીએ કર ઉદક લીધું, શાપ અર્જુનને દેવા જી;
એવે હરિ આવી રહ્યા ઊભા, વચન ન દીધું કહેવા જી.          ૬

આસન મૂકી ઊભી થઈ, મનમાં લજ્જા પામી જી;
‘બેસો, બેસો, મારા સમ,’ નરહરિ બોલ્યા શિર નામી જી.          ૭

કહે દ્રૌપદી, ‘હું ભલે ટાળી, સુભદ્રા ભાગ્યવંત જી;
અમો શાપત નરનારીને, પણ તમો દુભાવો ચંત જી.          ૮

મનકલ્પના ટળે નહિ મારી, મને ભર્યામાં ઉવેખી જી;
સુભદ્રા ને સવ્યસાચી પુત્રવહુનું સીમંત ન દેખે જી.          ૯

આજને આપ્યે શું થાશે? દુઃખવેળા પૂરજો ચીર જી;
સુભદ્રા ત્યમ મુને જાણો, તમો અમારા વીર જી.’          ૧૦

મન મનાવી વળિયા મોહન, ભાણેજને દેવડાવી શાપ જી;
અભિમન મૂઓ, રે ધૃતરાષ્ટ્ર, તે દ્રૌપદીનો પ્રતાપ જી.          ૧૧

વાત રાખી મનમાં મોહન ત્યાંથી પાછા વળિયા જી;
નવસેં નવાણું પૂર્યાં સભામાં, મોસાળાને બોલ પળિયા જી.          ૧૨

આજ્ઞા માગી પાંડવ કેરી, ચાલ્યા કૃષ્ણ ને રામજી;
સુભદ્રાને સાથે તેડી, આવ્યા દ્વારકા ગામ જી.          ૧૩

દેવકી, રોહિણી આવી મળિયાં, આદરે આલિંગન દીધાં જી;
સોળ સહસ્ર ભાભી પાયે લાગી, સર્વે સ્વાગત કીધાંજી.          ૧૪

વલણ
સ્વાગત કીધાં કારજ સીધ્યાં, દિન દિન નેહ નવો નવો રે;
જન પ્રેમાનંદ એમ કહે, પ્રસવ પુત્રનો ક્યમ હવો રે.          ૧૫