અભિમન્યુ આખ્યાન/કડવું ૪૩

કડવું ૪૩
[અભિમન્યુ કર્ણ અને કૌરવપક્ષના અન્ય મહારથીઓ સાથે લડે છે અને રાહયસુત રુક્મરયનું મસ્તક છેદી બીજો કોઠો સર કરે છે.]


રાગ ધનાશ્રી

કર્ણ પડિયો મૂર્છા ખાઈ જી,
કૌરવ આવ્યા સઘળા ધાઈ જી;
આંસુ લોહ્યાં, શોક શમાવ્યો જી,
એવે ઉપર અભિમન્યુ આવ્યો જી.          ૧

ઢાળ
આવ્યો અભિમન્યુ ઉપર ચાંપ્યો, બોલ્યો મુખથી વાણ :
‘ઊભો રહે રાધે! પુત્ર સાથે તારી કરાવું હાણ.’          ૨

કર્ણ ધસિયો ક્રોધ કરીને, પુત્ર કેરી દાઝે,
પાંડવ સેનાને ભરડતો, જેમ કુંજર કમળને ભાંજે.          ૩

ભીમ, ધર્મ ને નકુલ સહદેવ, આવતા કીધા વિરથ;
ગ્લાનિ-પામ્યા કાકા દેખી, કોપિયો પુત્ર-પારથ :          ૪

‘શું સૂડે સેનાને રાધે? આવને તું ઓરો;
શું કરમ કાઢીશ હું આગળ, જેમ કાઢી ગયો છોરો?           ૫

એવું કહીને બાણ મૂક્યાં, રીસ અંતર વ્યાપી;
વાટ માંહેથી આવતાં તે કર્ણે નાખ્યાં કાપી.          ૬

વેર વાળવા પુત્રનું કર્ણે મૂક્યું અગ્નિ-અસ્ર;
પાંડવ સેનામાં પાવકે બળે, રથ, વાહન ને વસ્ર.          ૭

જ્વાળા, ધૂમ ઘૂમે ઘણું, ને થાયે ઉલ્કાપાત;
ત્યારે મેઘાસ્ર મૂક્યું અભિમન્યે, આણિયો વરસાત.          ૮

પર્જન્યે કૌરવ પીડિયા, કર્ણે પ્રયોજ્યો વાય;
તેણે મેઘને મિથ્યા કર્યો, પાંડવ સેન ઊડ્યું જાય.          ૯

અભિમન્યુએ મૂકિયું રે સર્પાસ્ર લક્ષે લક્ષ;
વાહન-વીરને વ્યાળ વળગી, વાયુ કીધો ભક્ષ.          ૧૦

સર્પ સર્વે શમાવિયા, કર્ણે મૂક્યું ગરુડાસ્ર;
અભિમન્યુએ ગરુડ મારવા મૂક્યું પર્વતાસ્ર.           ૧૧

કાળચંદ્ર બાણ કર્ણે કાઢ્યું કરીને અતિશે રીસ;
અભિમન્યુના સારથિનું, વેગે છેદ્યું શીશ.          ૧૨

ધનુષ છેદ્યું, ધજા કાપી, આયુધ વિના ઠાલો થયો;
ત્યારે ગદા લઈને અભિમન્યુ દોડ્યો, કર્ણ ત્યાં રીસી રહ્યો.          ૧૩

ચૌદ સહસ્ર સુભટ માર્યા, સેના નાઠી ચહુ દિશે;
ત્યાં શલ્ય ચાલ્યો ગાજીને, તે ભરાયો મહા રીસે.          ૧૪

અભિમન્યુએ મૂર્છા તજી, ને ગાજ્યો પુત્ર-પારથ;
શલ્યનો સુત સામો આવ્યો, નામ જેનું રુક્મરથ.          ૧૫

અભિમનને દસ બાણ માર્યાં, ધર્મને નાખ્યા ઢોળી;
સાંઢ, કુંજર ચીરી નાખ્યા, નાઠી પાંડવની ટોળી.          ૧૬

ક્રોધ કરીને અભિમન્યુએ મૂક્યાં બાણ જ વીસ;
સાજ કાપ્યો શરીરનો, સારથિનું છેદ્યું શીશ.          ૧૭

ખડ્ગ કાઢી ધસ્યો કુમાર, ખેડું ધરી હથવાસી;
સૌભદ્રે ત્યારે બોલિયો : ‘આવ રે અલ્યા તપાસી.’          ૧૮

ખેડાંને ખખડાવતા, આથડ્યા સામા મળી;
સાચવે ઘા ખડ્ગના, ચળકારા શું વીજળી!          ૧૯

ખડ્ગ-પ્રહારે અભિમન્યુએ કાપ્યા તેના હાથ;
મુકુટ-મંડળ સહિત કાપ્યું રુક્મરથનું માથ.          ૨૦

વલણ
છેદ્યું મસ્તક રુક્મરથનું, શલ્યની પાસે જઈ પડ્યું રે;
નાઠા કૌરવ દશે દિશા, પાંડવદળ કોપે ચઢ્યું રે.          ૨૧